top of page

બુદ્ધિજીવીઓમાં શુક્રાણુઓની ઘટતી સંખ્યાની સમસ્યા કેમ વધુ વ્યાપક?

  • Team Vibrant Udyog
  • Feb 8, 2023
  • 5 min read
ભારત સહિત સમગ્ર વિશ્વના પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ધરખમ ઘટાડો
જો આ જ દરે ઘટાડો ચાલુ રહ્યો તો ભવિષ્યમાં મનુષ્યોના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મૂકાઈ શકે છે
શુક્રાણુની ઘટતી સંખ્યા જેવી વિકટ સમસ્યાનો ઉકેલ વડીલોની એક સાદી સલાહમાં છૂપાયેલો છે


નવેમ્બરમાં સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે હ્યુમન રિપ્રોડક્શન અપડેટમાં એક રિસર્ચના આંકડા જાહેર કર્યા છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સંશોધન અનુસાર ભારત સહિત સમગ્ર વિશ્વના પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 50 વર્ષમાં સ્પર્મ કાઉન્ટમાં 50 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે. શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો હવે વધુ ઝડપથી થઈ રહ્યો છે. જો આ જ ગતિએ ઘટાડો ચાલુ રહ્યો તો આવનારા સમયમાં મનુષ્યોની વસતી તો ઘટશે જ પરંતુ તેમના અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ મૂકાઈ શકે છે.


શુક્રાણુની ઘટતી સંખ્યા એ નિષ્ણાતો માટે ચિંતાનો વિષય એ માટે પણ છે કારણ કે તેની સંખ્યા પુરુષોના સમગ્ર સ્વાસ્થ્યનું સૂચક છે. ઓછા સ્પર્મ કાઉન્ટ એ પુરુષોના કથળતા સ્વાસ્થ્યની નિશાની છે. તેની ઘટતી સંખ્યા લાંબી બીમારી, ટેસ્ટિક્યુલર કેન્સર કે પછી જીવનકાળ ઘટવાની સંભાવનાની પણ સૂચક છે. રિસર્ચ અનુસાર આધુનિક જીવન શૈલી અને પર્યાવરણની મનુષ્ય જીવન પર પડતી અસરને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો કે આ સંખ્યા ઘટવા પાછળના નક્કર કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યા નથી.


હ્યુમન રિપ્રોડક્શન અપડેટ માટે કરાયેલા રિસર્ચમાં 2011થી 2018 એમ સાત વર્ષના ગાળાને આવરી લેવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન 53 દેશોમાંથી પુરુષોની સ્પર્મ ક્વોલિટીનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. સંશોધનમાં ભારતીય પુરુષોના શુક્રાણુઓની સંખ્યાના વિશાળ ડેટાને પણ આવરી લેવાયો છે. આ તમામ ડેટાના વિશ્લેષણ બાદનું તારણ સૂચવે છે કે છેલ્લા 46 વર્ષમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા થોડા વર્ષમાં આ ઘટાડો વધુ ઝડપથી થતો હોવાનું પણ જોવા મળ્યું છે.


આ સંશોધનમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાના કારણો પર ધ્યાન કેન્દ્રિત ન કરવામાં આવ્યું હોવાથી તેનું નક્કર કારણ સમજાઈ શક્યું નથી. આમ છતાં નિષ્ણાતો આધુનિક જીવનશૈલી અને પર્યાવરણમાં સર્વત્ર મોજૂદ કેમિકલ્સને કારણે આ પરિવર્તન જોવા મળ્યું હોવાનો અંદાજ બાંધી રહ્યા છે. આ સાથે તેમણે લોકોને રિપ્રોડક્ટિવ હેલ્થ પર વિપરીત અસર કરે તેવા વાતાવરણથી દૂર રહેવા પણ લોકોને ખાસ અપીલ કરી છે.


આ ટ્રેન્ડ અંગે વાત કરતા એમ્બ્રિઓન IVF સેન્ટર અને વિમેન્સ ક્લિનિક તથા જરીવાલા વિમેન્સ હોસ્પિટલના સ્થાપક ડો. મહેશ જરીવાલા જણાવે છે, "પુરુષોમાં શુક્રાણુઓની ઘટતી સંખ્યા એ મનુષ્યની વસતી નિયંત્રિત કરવા માટેનો કુદરતનો કોઈ તરીકો હોય તેવું જણાઈ રહ્યું છે. ત્રીસ વર્ષના અનુભવમાં મેં નોંધ્યું છે કે ઓછા સ્પર્મ કાઉન્ટ્સની સમસ્યા મહદંશે બુદ્ધિજીવીઓ અને સમાજના આર્થિક રીતે સમૃદ્ધ વર્ગમાં જોવા મળે છે. આ એવા લોકો છે જેમને સારામાં સારી ગુણવત્તાનો, પોષણયુક્ત આહાર ઉપલબ્ધ છે. તેની સામે સમાજના આર્થિક રીતે પછાત વર્ગમાં આ સમસ્યા એટલી વ્યાપક દેખાતી નથી. આથી સારી લાઈફસ્ટાઈલ જાળવવાથી સ્પર્મ કાઉન્ટ સારો રહે એ દલીલનો છેદ ઊડી જાય છે. આગામી સમયમાં બુદ્ધિજીવી વર્ગમાં જન્મ દર વધુ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે."


જો કે વૈદ્ય ભવદીપ ગણાત્રા માને છે કે સમસ્યા ભલે વિકટ હોય પરંતુ આપણા વડીલોની સાદી સલાહને પણ જીવનમાં ઉતારીને તેનો ઉકેલ અવશ્ય લાવી શકાય છે. ડૉ. ગણાત્રા જણાવે છે, "વડીલો હંમેશા ઘરના નાના સદસ્યોને સલાહ આપે છે- ખાતી વખતે ખાઈ લો. જમવામાં ધ્યાન આપો. આપણી સંસ્કૃતિમાં ભોજનને વધારે મહત્વ એટલે આપવામાં આવ્યું છે કે તેનાથી શરીરને પોષણ મળે છે. જો જમવાની પ્રક્રિયામાં કોમ્પ્રોમાઈઝ થાય અને જઠરાગ્નિ ભોજનમાંથી મળતું પોષણ મહત્તમ રીતે શરીરની બધી જ ધાતુઓને ન પહોંચાડી શકે ત્યારે શરીરમાં ડેફિશિન્સી કે ઉણપ જોવા મળે છે."


આયુર્વેદનો અભિગમ હંમેશા સમસ્યાના મૂળ સુધી જઈને તેનો ઉકેલ શોધવાનો રહ્યો છે. ડૉ. ભવદીપ ગણાત્રાએ સમસ્યાના મૂળ અંગે વાત કરતા જણાવ્યું કે આપણું શરીર સાત ધાતુઓનું બન્યું છે જેમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રનો સમાવેશ થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકના શરીરમાં જન્મથી આ સાત ધાતુ મોજૂદ હોય જ છે. શરીરની પ્રક્રિયાને ખોરવે તેવો કોઈ બાહ્ય પદાર્થ કે ઈન્ફેક્શન શરીરમાં પ્રવેશે તો તેની સૌથી પહેલી અસર કફ, પિત્ત, વાયુ એ ત્રણ દોષ પર પડે છે. ત્યાર બાદ તેની અસર શરીરના મલ એટલે કે મળ-મૂત્ર કે પરસેવા પર જોવા મળે છે. શરીરની ધાતુ છેક છેલ્લે સુધી તેનું મૂળ સ્વરૂપ ધારણ કરી રાખે છે. આ સાત ધાતુમાં શુક્ર ધાતુ નવા કોષો બનાવવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે, શરીર પર ઘા પડે તો તેને રુઝ લાવવાથી માંડીને ત્વચાનું પહેલા જેવું આવરણ પાછું લાવવાનું કામ શુક્ર ધાતુ કરે છે. જો ધાતુ કોમ્પ્રોમાઈઝ થાય તો તેની અસર વ્યક્તિના સ્પર્મ કાઉન્ટ પર જોવા મળી શકે છે.



રિપ્રોડક્શન સાથે જોડાયેલી શુક્ર ધાતુ અંગે વાત કરતા તેમણે જણાવ્યું, "પુરુષોની અંદર પુરુષ બીજ અને સ્ત્રીઓનું સ્ત્રી બીજ એ શુક્ર ધાતુનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. આ બંને મળીને એક એવા કોષ (ગર્ભ)નું સર્જન કરી શકે છે જે શરીરના બીજા બધા જ કોષ ઉત્પન્ન કરવા સક્ષમ છે. તમે જ્યારે ધ્યાનપૂર્વક જમો ત્યારે જઠરાગ્નિ સાતે સાત ધાતુને પોષણ પહોંચાડે છે. પરંતુ જો ભોજન ગ્રહણ કરવાની અને તેને પચાવવાની પ્રોસેસ કોમ્પ્રોમાઈઝ થયેલી હોય તો ધાતુઓને પૂરતું પોષણ મળતું નથી જેની લાંબેગાળે અસર શરીરની પ્રજનન ક્ષમતા પર પડે છે."


તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જમતી વખતે જો વ્યક્તિનું ધ્યાન બીજી કોઈ પ્રવૃત્તિમાં વિચલિત થયેલું હોય, વ્યક્તિ ચિંતા, ગુસ્સા કે બીકમાં જમતી હોય તો આહાર ગમે તેટલો પોષણયુક્ત કેમ ન હોય, શરીર તેમાંથી પૂરતું પોષણ મેળવી શકતું નથી. બીજું, આપણી સંસ્કૃતિમાં દૂધ અને ઘીના સેવન પર વધુ ભાર આપવામાં આવ્યો છે. શુક્ર ધાતુને સાચવવા માટે શુદ્ધ દૂધ અને ઘીનું સેવન ખૂબ આવશ્યક છે. એટલે જ બાળકોનું શરીર જ્યારે વિકસતું હોય, તેમાં નવા કોષો બનતા હોય ત્યારે તેમને ઘી અને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જો ઘી અને દૂધ સારી ગુણવત્તાના અને પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો પણ શરીરને સારામાં સારી શુક્ર ધાતુ બનાવવા માટેનો કાચો માલ મળી જાય છે.


જો કે ડો. જરીવાલાએ જણાવ્યું તેમ આર્થિક પછાત વર્ગને પોષણયુક્ત આહાર જવલ્લે જ ઉપલબ્ધ હોય છે તેમ છતાં તેમનામાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે. ડૉ. ગણાત્રા આ વાત સાથે સહમત થતા જણાવે છે, "સમાજના આર્થિક રીતે પછાત વર્ગમાં વલોણાના શુદ્ધ ઘીનું તો સેવન ભાગ્યે જ થતું હોય છે. દૂધ પણ તેઓ ઓછી માત્રામાં લેતા હોય છે. તેઓ મોટા ભાગનું પોષણ રોટલા કે ગોળ જેવા સાદા ભોજનમાંથી મેળવતા હોય છે. પરંતુ તેમની ઊંઘ ખૂબ જ સારી હોય છે. શરીરને નવા કોષો બનાવવા માટે સારી ઊંઘ મળવી ખૂબ આવશ્યક છે. જો તમે ચિંતા બાજુમાં મૂકીને સારી ઊંઘ ખેંચી શકતા હોવ તો ઓછા પોષણક્ષમ આહારમાંથી પણ શરીર તેને જોઈતા તત્વો રિફિલ કરી જ લે છે. વળી, શારીરિક શ્રમને કારણે તેમને પરસેવો વધારે થાય છે, આથી કોઈ પણ અડચણ વિના પ્રાણ ઉર્જા આખા શરીરમાં સરળતાથી ફરી શકે છે. જો આટલી કાળજી રાખવામાં આવે તો ભોજન પચાવવા અને પ્રજનન કરવા જેવી મૂળભૂત પ્રવૃત્તિ શરીર સાવ આસાનીથી કરી શકે છે."


આધુનિક જીવનશૈલી પાછળની દોટમાં મોટા ભાગના લોકો વર્તમાનમાં જીવવાનું ભૂલી ગયા છે. ખાસ કરીને વેપાર-ધંધા કે કોર્પોરેટ વર્લ્ડ સાથે જોડાયેલા લોકો ટાર્ગેટ અચિવ કરવાની આંધળી દોટમાં ચિંતા અને રોગોને શરીરમાં ઘર કરવા દે છે. તેને કારણે શરીરના હોર્મોન્સ, એન્ઝાઈમ્સ ડિસ્ટર્બ થાય છે અને લાંબે ગાળે સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડવા માંડે છે. આ ઉપરાંત બંધ ઘર, બંધ ગાડી અને બંધિયાર માહોલમાં રહેવાથી વ્યક્તિ વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવી બેસે છે. શક્ય તેટલું ખુલ્લા વાતાવરણમાં અને કોસ્મિક એનર્જીના સંપર્કમાં રહેવાથી પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સમગ્રતયા સુધરે છે.


શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાએ પણ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારું ખરાબમાં ખરાબ ઈન્વેસ્ટમેન્ટ મારી હેલ્થ છે. હું બધાને હેલ્થમાં વધુ સારુ ઈન્વેસ્ટમેન્ટ કરવા જણાવીશ. એટલે જ જીવનમાં સંતુલિત અભિગમ રાખવો આવશ્યક છે. ખાવા-પીવા અને કસરત કરવા સાથે વિચારોને નિયંત્રણમાં રાખવા માટે પણ સક્રિય પ્રયત્ન કરવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ ઓછા થવા સહિતની અનેક સમસ્યાના ઉકેલ શોધી શકાય તેમ છે.


ઉકેલ શું છે?


  • શક્ય હોય તો સારી ગૌશાળાના દૂધ અને ઘીનું સેવન કરો.

  • શક્ય હોય તો બંધ વાતાવરણથી દૂર કોસ્મિક એનર્જીના સંપર્કમાં રહો.

  • જીવનમાં સંતુલિત અભિગમ રાખો.

  • ફક્ત આર્થિક સફળતાના જ માપદંડથી જાતને ન મૂલવશો.

  • પોતાની જાત ઉપર ક્ષમતા કરતા વધારે દબાણ ન કરશો.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page