top of page

NCLT માં ૩૩૦ દિવસમાં કેસનો ઉકેલ લાવવાનો નિયમ છતાં અમદાવાદ બેન્ચમાં ત્રણ વરસે ચૂકાદા આવતા નથી

  • Team Vibrant Udyog
  • Apr 7, 2022
  • 3 min read


નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં જજીસની નિમણૂક કરવામાં સરકાર તરફથી નિષ્ક્રિયતા દાખવવામાં આવતી હોવાથી જજની અછતને કારણે ૩૩૦ દિવસમાં આપી દેવાનો ચૂકાદો ત્રણ વર્ષમાં પણ આવી શકતો નથી. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં ૧૮૦ દિવસ પીટીશન ચલાવી દેવાની મુદત ઉપરાંત ૯૦ દિવસનું એક્સટેન્શન તથા ૬૦ દિવસ વધારાના આપીને કુલ ૩૩૦ દિવસમાં કોઈપણ કેસનો ઉકેલ લાવી દેવાનો નિયમ કરાયો હોવા છતાંય એનસીએલટીમાં મૂકવામાં આવેલા કેસોનો ત્રણ ત્રણ વર્ષે પણ નીવેડા આવતા જ નથી. કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રેગ્યુલેશન પ્રોસેસ (સીઆઈઆરપી) હેઠળ આ પ્રક્રિયા ૩૩૦ દિવસમાં પૂરી કરવાની હોય છે. આ સમય ગાળામાં કેસો પૂરા ન થતાં હોવાથી પેન્ડિંગ કેસોનું ભારણ પણ વધી રહ્યું છે.


પાંચ વર્ષનો નિયમ હોવા છતાં જજની નિમણૂક ત્રણ વર્ષ માટે જ કરતાં જૂનમાં જજોની ફરી અછત સર્જાય તેવી શક્યતા

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં થતાં વિલંબને કારણે કંપની સાથે સંકળાયેલા લેણિયાતો અને બૅન્કોની પણ સમસ્યા વકરતી જતી હોવાથી આ સુસ્તી સામે ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરવામાં આવી છે. અમદાવાદ બેન્ચ ઉપરાંત ઇન્દોર બેન્ચને પણ અમદાવાદમાં જ ચલાવવામાં આવતી હતી. અમદાવાદ બેન્ચના જ ન્યાયાધીશો અઠવાડિયામાં બે દિવસ માટે ઇન્દોર બેન્ચ હેઠળ ફાઈલ કરાયેલા કેસોનું હિયરિંગ કરવા ઇન્દોર જાય છે. બે મહિના પૂર્વે જ એનસીએલટીની ઇન્દોર બેન્ચને ઇન્દોર લઈ જવામાં આવી છે. પરંતુ અમદાવાદ બેન્ચના જ ચારમાંથી બે જજ દર ગુરૂવાર અને શુક્રવારે ઇન્દોરના કેસોના હિયરિંગ માટે ઇન્દોર જાય છે. આ કેસના નિકાલમાં વિલંબ ન થાય તે માટે જજોની સમયસર નિમણૂક અને નિમણૂકની મુદત પૂરી થયા પછી રિએપોઇન્ટમેન્ટ કે નવા જજની નિમણૂક થવી જરૂરી છે. અમદાવાદ બેન્ચના જજ મનોરમા કુમારીની પાંચ વર્ષની મુદત પૂરી થયા પછીય તેઓ રિએપોઈન્ટમેન્ટની પાત્રતા ધરાવતા હોવા છતાં તેમને રિએપોઇન્ટમેન્ટ ન આપીને જજની જગ્યા ખાલી રહેવા દીધી હતી. બીજીતરફ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી-રેરામાંથી અજયદાસ મેહરોત્રાને અમદાવાદ એનસીએલટી ટેકનિકલ ટીમમાં ગોઠવીને રેરામાં જજની અછત ઊભી કરી દીધી હતી. એનસીએલટીમાં જજોની નિમણૂકમાં દાખવવામાં આવી રહેલી અનિયમિતતા સામે પણ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે. સરકારે કોર્ટમાં ત્રણ મહિનામાં નવી નિમણૂક કરી દેવાની ખાતરી આપી હતી, પરંતુ તેનું આજદિન સુધી નવી નિમણૂકો થઈ નથી.


હાઈકોર્ટમાં 35 વર્ષે જજ બની શકાય, એનસીએલટીમાં જજ બનવા માટે મિનિમમ 50 વર્ષની વયનો આશ્ચર્યજનક નિયમ

૨૦૧૯માં જજોની કરવામાં આવેલી નિમણૂક કાયદા મુજબ પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષ માટે કરી હતી. હવે તેમને એક્સટેન્શન અપાશે કે કેમ તે હજી સુધી સ્પષ્ટ થતું નથી. આગામી જૂનમાં તેમાંના જજોની જગ્યા ખાલી પડશે. આ જગ્યા ભરવા માટે નવી જાહેરાત તો આપી છે. પરંતુ જ્યુડિશિયલ મેમ્બરની નિમણૂક કરવા માટે ઓછામાં ઓછી ૫૦ વર્ષની વયની વ્યક્તિને જ પસંદ કરવાનો નિયમ કર્યો છે. બીજીતરપ હાઈકોર્ટમાં જજને ૩૫ વર્ષે નિમણૂક મળી શકે છે. એનસીએલટીમાં નિમણૂક મેળવવા માટે ૫૦ વર્ષની મિનિમમ વય હોવી જરૂરી ગણવામાં આવી છે. આમ હાઈકોર્ટના જજ કરતાંય વધુ ઊંચી પાત્રતા એનસીએલટી માટે રાખવામાં આવી છે. નવી નિમણૂક કરવા માટેની જાહેરાત કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ આપી છે. વાસ્તવમાં આ અધિકાર લૉ મિનિસ્ટ્રીનો છે. આમ જજોની નિમણૂક માટેની પ્રક્રિયાનો સરકારે ખોટી રીતે જ આરંભ કર્યો છે. તેમ જ આ નિમણૂકમાંથી જનરલ, એસ.સી. અને એસ.ટી.માં કેટલી નિમણૂક કરશે તે સ્પષ્ટ કરાયું નથી. તેથી આ પ્રક્રિયા થયા પછી તેને પડકારવામાં આવે અને જે તે કોર્ટ તેને રદબાતલ કરે તો ફરીથી આ જગ્યાઓ લાંબા સમય માટે ખાલી પડી જવાની દહેશત છે.


જજને પાંચ વર્ષ માટે નિમણૂક ન અપાતી હોવાથી પાંચ વર્ષ કે વધુ સમયની નિમણૂક મળે તેવા હોદ્દા પર જવાનું જજો વધુ પસંદ કરતાં થઈ ગયા છે. પાંચ વર્ષને બદલે ત્રણ જ વર્ષ માટે જ નિમણૂકો અપાતી હોવાથી એનસીએલટીની અમદાવાદ બેન્ચમાં કામ કરવા આવવા બહુ લોકો ઉત્સુક નથી. અમદાવાદ હોય કે દેશની અન્ય બેન્ચો હોય ટેકનિકલ મેમ્બરમાં આવકવેરાના નિવૃત્ત અધિકારીઓને ગોઠવી દીધા છે. નિવૃત્ત અધિકારીઓને જ વધુ પડતું તેમાં સ્થાન આપવામાં આવતું હોવાતી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્તિ કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપ્યો છે. છતાંય આ મુદ્દ સરકારે કોઈ પોઝિટીવ વલણ અપનાવ્યું હોવાનું જણાતું નથી.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page