કંપની ગ્રેચ્યુટીના પૈસા આપવામાં વિલંબ કરે તો તમારા કાનૂની અધિકાર અને શું પગલાં લઈ શકાય
- Team Vibrant Udyog
- 1 day ago
- 2 min read
ગ્રેચ્યુટી પેમેન્ટ ન મળવા પર કર્મચારી કઈ કાયદાકીય કાર્યવાહી કરી શકે? જાણો નોટિસ, ફરિયાદ અને શ્રમ કમિશનર સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
5 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ ગ્રેચ્યુટી ન મળે તો શું કરવું? જાણો તમારા અધિકાર અને ફરિયાદ કરવાની કાયદેસર રીત

નોકરી દરમિયાન કર્મચારીઓને અનેક પ્રકારના નાણાકીય લાભ મળે છે, જેમાંથી એક મહત્વપૂર્ણ લાભ છે ગ્રેચ્યુટી. ગ્રેચ્યુટી એ રકમ છે, જે કોઈ કર્મચારીને કંપની (Employer) દ્વારા આપવામાં આવે છે. આ સામાન્ય રીતે ત્યારે મળે છે, જ્યારે કર્મચારી 5 વર્ષ પછી નોકરી છોડે છે અથવા તો રિટાયર થાય છે. કર્મચારીના મૃત્યુ થવાની અથવા દુર્ઘટનાના કારણે નોકરી છોડવાની સ્થિતિમાં તેમને અથવા તેમના નોમિનીને ગ્રેચ્યુટીની રકમ આપવામાં આવે છે. જોકે, ઘણીવાર કંપની ગ્રેચ્યુટી આપવામાં આનાકાની કરે છે. આ ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ, 1972નું ઉલ્લંઘન છે.
આપને જણાવી દઈએ કે, કોઈપણ કંપની કારણ વગર કર્મચારીઓના ગ્રેચ્યુટીના પૈસા અટકાવી શકતી નથી. પરંતુ જો કોઈ કર્મચારી પર ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે અથવા તેની બેદરકારીને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે, તો કંપની ગ્રેચ્યુટીના રૂપિયા અટકાવી શકે છે. કંપની પાસે આ અધિકાર હોય છે. જો કોઈ કંપની કર્મચારીના ગ્રેચ્યુટીના પૈસા અટકાવે છે, તો તેણે પહેલા પુરાવા અને તેનું કારણ રજૂ કરવું પડે છે. કંપની જે પણ કારણ આપી રહી છે, તેને તે કર્મચારીને કારણ બતાવો નોટિસ- શૉ કૉઝ નોટિસ આપવી પડે છે. ત્યારબાદ બંને પક્ષોની સુનાવણી થાય છે. કર્મચારીના દોષિત ઠર્યા બાદ જ ગ્રેચ્યુટીના પૈસા રોકવામાં આવે છે. પરંતુ આ સ્થિતિમાં પણ કંપની એટલી જ રકમ કાપી શકે છે, જેટલાનું તે કર્મચારીને કારણે કંપનીને નુકસાન થયું છે.

જ્યારે કોઈ કંપની અથવા સંસ્થા Gratuity Act અંતર્ગત રજિસ્ટર્ડ ન હોય તો કર્મચારીઓ ગ્રેચ્યુટી એક્ટ હેઠળ આવતા નથી. આવી સ્થિતિમાં ગ્રેચ્યુટીની રકમ આપવી કે ન આપવી, તેનો નિર્ણય કંપની સ્વેચ્છાએ લે છે.
કર્મચારી શું કરી શકે છે?
5 વર્ષની નોકરી સારી રીતે પૂરી કર્યા બાદ પણ કંપની કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ ચૂકવતી નથી, તો કર્મચારી આ અંગે કંપનીને નોટિસ મોકલી શકે છે. નોટિસ મોકલ્યા પછી પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને પૈસા ચૂકવવામાં આવતા નથી, તો કર્મચારી કંપની વિરુદ્ધ જિલ્લા શ્રમ કમિશનરને ફરિયાદ કરી શકે છે. જો આ મામલે કંપની દોષિત ઠરશે તો તેને કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ દંડ અને વ્યાજની સાથે આપવી પડશે.
શું છે ગ્રેચ્યુટીના નિયમો?
જો કોઈ ખાનગી કે સરકારી કંપનીમાં 10 કે તેથી વધુ લોકો કામ કરે છે, તો તે કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેચ્યુટીનો લાભ આપવો જોઈએ. બીજી તરફ જો કોઈ કર્મચારીએ કંપનીમાં 4 વર્ષ અને 8 મહિના સુધી કામ કર્યું છે, તો તેની નોકરી પૂરા 5 વર્ષની ગણવામાં આવશે અને તેને 5 વર્ષ મુજબ ગ્રેચ્યુટીની રકમ મળશે. જો તેણે 4 વર્ષ અને 8 મહિનાથી ઓછા સમય માટે કામ કર્યું છે, તો તેની નોકરીનો સમયગાળો 4 વર્ષ તરીકે ગણવામાં આવશે અને આવા કિસ્સામાં તેને ગ્રેચ્યુટી નહીં મળે.
Comments