• 18 December, 2025 - 6:01 AM

બજેટને લઈ ટેક્સટાઈલ ઉદ્યોગની શું અપેક્ષા છે? રંગનાથ શારદાએ કહ્યું, ટ્રેડર્સ, લૂમ્સ, પ્રોસેસિંગ હાઉસ, વિવિંગ, વેલ્યુ એડીશન કરનાર માટે અલગ અલગ નીતિ બનાવે સરકાર

કેન્દ્રીય બજેટ માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે બજેટમાં શું-શું આપશે તેને લઈ મીડિયામાં ખાસ્સી એવી ડિબેટ કરવામાં આવી રહી છે, ત્યારે ટેક્સટાઈલ હબ તરીકે જાણીતા સુરત શહેરના કાપડ ઉદ્યોગની અપેક્ષાઓ અંગે સુરત ખાતે આવેલા કાપડ ઉદ્યોગનાં એસોસિએશન FOSTAનાં પૂર્વ પ્રવક્તા અને અશોકા ટાવર માર્કેટનાં સેક્રેટરી રંગનાથ શારદાએ કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે.

FOSTAનાં પૂર્વ પ્રવક્તા અને અશોકા ટાવર માર્કેટનાં સેક્રેટરી રંગનાથ શારદા
FOSTAનાં પૂર્વ પ્રવક્તા અને અશોકા ટાવર માર્કેટનાં સેક્રેટરી રંગનાથ શારદા

શ્રીલંકામાં ત્રાટકેલા સાયક્લોન દિતાવાહે દાટ વાળ્યો

રંગનાથ શારદાએ જણાવ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે દિવાળીનાં વેપારમાં 30 ટકાનો ઘટાડો થયો છે. લગ્ન સિઝન પણ ફિક્કી રહી છે. કાપડ ઉદ્યોગને આશા હતી કે લગ્ન સિઝન અને દક્ષિણ ભારતમાં પોંગલની ઉજવણીની સારી એવી ઘરાકી નીકળશે. સાથે સાથે ક્રિસમસ ટાણે પણ ઘરાકીની સંભાવના હતી પરંતુ શ્રીલંકામાં આવેલા સાયક્લોન દિતાવાહના કારણે પોંગલ અને ક્રિસમસની સિઝન પર મોટો ફટકો પડ્યો છે.  એવું મનાતું હતું કે દિવાળી ટાણે જે નુકશાન થયું છે તેને પોંગલ અને ક્રિસમસ પર સરભર કરી લેવામાં આવશે પરંતુ ઉલ્ટું થયું અને સાયક્લોન દિતાવાહએ દાટ વાળી નાંખ્યો છે. પોંગલ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, ક્રિસમસ સુધી એટલે કે 15 નવેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં દોઢ મહિનાનો સિઝનેબલ વેપાર હોય છે. સાયક્લોનનાં કારણે 20 દિવસ બગડી ગયા છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણા સહિતના તટીય વિસ્તારોમાં સાયક્લોની અસર હોવાથી લોકો આપદાનો ભોગ બન્યા છે અને લોકો માટે જીવન જરુરિયાતની વસ્તુ તથા ધરવખરીને સાચવવામાં પડી ગયા છે. ભારે વરસાદનાં કારણે વેપાર ઘટી ગયો છે. જનજીવન અસ્તવ્યસ્ત થતાં લોકો ઘરોમાંથી બહાર નીકળી રહ્યા નથી.

દક્ષિણ ભારતનાં વેપારને મોટો ફટકો

તેમણે જણાવ્યું કે પોંગલ અને ક્રિસમસ ટાણે દક્ષિણ ભારતમાં 1000 કરોડનો વેપાર થાય છે, હવે આમાં મોટો ફટકો પડ્યો છે. વેપારને ભારે અસર થઈ છે. આ સિવાય પણ ગૃહ આંગણે પણ મેરેજ સિઝનની જે પ્રકારે બજારોમાં રોનક જોવા મળવી જોઈએ તે મળી શકી નથી. હવે કમૂર્તા બેસી ગયા હોવાથી 14 મી જાન્યુઆરી સુધી લગ્ન સિઝન બંધ થઈ ગઈ છે. એટલે આમાં પણ 30 ટકા જેટલા વેપારને ફટકો પડ્યો છે. ઉત્તર ભારતમાં પણ કમૂર્તાનાં કારણે માલની સપ્લાય અટકી ગઈ છે. 14મી જાન્યુઆરી પછી જ મેરેજ સિઝન પર આધાર રહ્યો છે.

ટેક્સટાઈલને લઈ સરકારની પોલિસી

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારની ટેક્સટાઈલ ઉદ્યોગને લઈ કોઈ અલગ અલગ પોલિસી નથી. જે કોઈ પણ પોલિસી બને છે અથવા બનાવવામાં આવે છે તે કાપડ ઉદ્યોગનાં તમામ સેક્ટરને સંયુક્ત રાખીને બનાવવામાં આવે છે. સુરતનો વેપાર અલગ પ્રકારનો છે.220 માર્કેટ છે, અમે ટ્રેડર્સ છીએ. 75 હજાર લોકો ટ્રેડીંંગ કરે છે. 400 પ્રોસેસ હાઉસ છે અને રંગાઈ તથા છપાઈનું કામ કરે છે. બે થી અઢી લાખ રેપિયર મશીન છે. 6 લાખ સાદા લૂમ્સ છે. હવે  લૂમ્સ અલગ છે, પ્રોસેસ હાઉસ અલગ છે, ટ્રેડર્સ અલગ છે વિવિંગ અલગ છે, પ્રોસેસિંગ અલગ છે, ટ્રેડીંગ અલગ છે અને વેલ્યુ એડીશન કરનાર અલગ છે. સરકાર જે નીતિ બનાવે છે તે આ તમામ સેક્ટરને સંયુક્ત ગણીને બનાવે છે. આ સંયુક્ત નીતિમાં ગારમેન્ટ પણ આવી ગયું.

FOSTAનાં પૂર્વ પ્રવક્તા અને અશોકા ટાવર માર્કેટનાં સેક્રેટરી રંગનાથ શારદાએ જણાવ્યું કે મોટા ઉદ્યોગકારો છે તેમની પાસે પોતાનું જ યાર્ન છે અને પોતાનું ગ્રે છે, પોતાનું પ્રોસેસિંગ યુનિટ છે,ટ્રેડીંગ છે, વેલ્યુ એડિશન છે, એટલે મોટા ઉદ્યોગકારોને ફાયદો મળી જાય છે.
જ્યારે નાના વેપારીઓામાં જેમને લાભ મળે છે તેમને મળે છે પણ ઘણાને મળતો નથી, તેઓ લાભથી વંચિત રહી જાય છે. સરકાર જે પોલિસી બનાવે છે તે વ્યક્તિગત બનાવે છે.

તેમણે કહ્યું કે સુરત એક એવું શહેર છે જ્યાં ટેક્સટાઈલ વિખરાયેલો છે. ટ્રેડીંગ કરનારાઓ ટ્રેડીંગ કરે છે, પ્રોસેસિંગ કરનારાઓ પ્રોસેસિંગ કરે છે, વેલ્યુએડીશન કરનારા વેલ્યુએડીશન કરે છે વિવિંગ કરનારા વિવિંગ કરે છે. માત્ર 10 ટકા મોટા ઉદ્યોગકારો પાસે જ ટ્રેડીંગ,પ્રોસેસિંગ,વેલ્યુએડીશન,વિવિંગ છે. આમને લાભ મળી જાય છે,નાના વેપારીઓને મળતો નથી. આ બધા માટે અલગ અલગ પોલિસી હોવી જોઈએ. પરંતુ સરકાર બધાને એક જ સેક્ટર ગણીને પોલિસી જાહેર કરે છે જેમાં નાના વેપારીઓને સહન કરવાનું આવે છે.


તેમણે વધુમાં કહ્યું કે  MSMEમાં જેમણે મશીન નાંખ્યા છે તેમને ફાયદો છે. લેબરને રોજગાર આપે છે. ટ્રેડર્સને ફાયદો મળતો નથી.
ટ્રેડર્સ મશીનરીવાળા પાસેથી ગ્રે પણ લે છે તો પૈસા આપે છે. પ્રોસેસવાળાને પણ પૈસા આપે છે, ટ્રેડર્સને દરેક જગ્યાએ પૈસાની ચૂકવણી કરવી પડે છે. વેલ્યુએડીશન કે ફોલ્ટ કે લેસ નાંખવાના મશીન નાંખાનારા વેપારીઓને ફાયદો મળે છે. પણ જેઓ માત્ર ટ્રેડર્સ છે તેમને ફાયદો મળતો નથી. અનેક વસ્તુઓ એવી છે કે જેને સરકારને સમજાવી શકવામાં આવી રહી નથી. અહીંયાના એસોસિએશનની રજૂઆતની નિષ્ફળતા છે. રજૂઆત કરનારાઓમાં જે લોકો જાય છે તો તેઓ પોત-પોતાના ફાયદો જૂએ છે, સંપૂર્ણ ઉદ્યોગનો ફાયદો થતો નથી. પ્રોસેસિંગ, વિવિંગ કે વેલ્યુએડીશનમાં ફાયદો મળી જાય તો તેઓ શાંત થઈજાય છે. ટ્રેડર્સની કોઈ સુનાવણી નથી.

બજેટ માટે રંગનાથ શારદાએ શું કહ્યું….
બજેટ અંગે વાત કરતાં રંગનાથ શારદાએ કહ્યું કે બજેટ માટે ગ્રાઉન્ડ લેવલ પર જઈને ફિડીંગ લેવું જોઈએ. વિવિંગવાળા પાસેથી વિંવિગનું, પ્રોસેસવાળા પાસેથી પ્રોસેસનું અને ટ્રેડર્સ પાસેથી ટ્રેડીંગનું. નાના વેપારીઓની માંગણી સરકાર સુધી પહોંચતી નથી. અનેક પ્રકારનાં પેંચ છે. ટેક્સટાઈલ એસોસિએશન સમસ્યાઓને સરકાર સુધી યોગ્ય રીતે રજૂ કરી શકી રહ્યા નથી.

તેમણે 2022માં નાણામંત્રી નિર્મલ સીતારમણ સમક્ષની રજૂઆતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ફેબ્રિક પર 12 ટકા જીએસટી નાંખવાની તૈયારી હતી. તે વખતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ આશિષ ગુજરાતી હતા. તેમની સાથે નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને નાણામંત્રી અને બ્યુરોક્રેટ્સને સમજ આપી હતી કે ટ્રેડર્સ, લૂમ્સ, પ્રોસેસિંગ હાઉસ, વિવિંગ, વેલ્યુ એડીશન કરનાર એમ બધા અલગ અલગ છે. સરકરા અમારી વાત સાથે સંમત થઈ અને ફેબ્રિક પર જીએસટી 5 ટકા જ રહ્યો.  ચેમ્બર જે વાત કરે છે તે બધા સેક્ટરને એક સાથે ભેળવીને સંયૂક્ત વાત કરે છે, ટ્રેડર્સની વાત કરતા નથી. બજેટમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સારા સમાચાર આવવાની  આશા રાખી રહ્યા છીએ.

 

 

Read Previous

આવકવેરા કચેરીના અધિકારીઓનું મનસ્વી વલણ: એપેલેટ ટ્રિબ્યુનલમાં નીકળી ગયેલા કેસોમાં દસ વર્ષ સુધી રિફંડ અપાતા જ નથી

Read Next

ઝેરોધાનો મોટો ફેરફાર! હવે, બ્લોક્ડ માર્જિન સમાપ્તિના દિવસે તરત જ ઉપલબ્ધ થશે, કોમોડિટીઝમાં પણ વેપાર કરી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular