અમેરિકાએ કરેલા H-1B સિસ્ટમમાં ફેરફાર પછી H-1B વિઝા પ્રોગ્રામમાં વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અમલમાં આવશે
– વિદેશીઓ એચ-1બી વિઝા પર ઘૂસી જતાં અમેરિકામાં પાત્રતા ધરાવતા કુશળ કારીગરોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી
– અમેરિકી કામદારોના વેતન, કામકાજની શરતો અને રોજગારની તકોનું રક્ષણ માટે નવા નિયમો હેઠળ “ઉચ્ચ કુશળતા અને વધુ વેતન મેળવનારા વિદેશી કામદારો”ને પ્રાથમિકતા આપવામાં આવશે
– વિઝા અંગેના અંતિમ નિયમ 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે અને FY 2027ની H-1B કેપ રજિસ્ટ્રેશન સીઝન પર લાગુ પડશે.
અમદાવાદઃ દક્ષિણ એશિયાઈ મૂળના અબજોપતિ અને વેન્ચર કેપિટલિસ્ટ ચામથ પલિહાપિટિયાએ H-1B વિઝા લોટરી સિસ્ટમમાં કરવામાં આવેલા મોટા ફેરફારને ખુલ્લેઆમ આવકાર્યો છે. 2024ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પના ખુલ્લા સમર્થક અને મોટા દાતા તરીકે ઓળખાયેલા પલિહાપિટિયાએ આ નવા નિયમને H-1B સિસ્ટમમાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)એ લાંબા સમયથી ચર્ચામાં રહેલા નિયમને અંતિમ મંજૂરી આપી છે. H-1B વિઝા પ્રોગ્રામમાં સુધારાના ભાગરૂપે હવે વાર્ષિક કેપ માટે વેતન આધારિત (weighted selection) પસંદગી પ્રક્રિયા અમલમાં આવશે, જેમાં વધુ વેતન મેળવનારા અને ઉચ્ચ કુશળતા ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે. આ જાહેરાતને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના MAGA સમર્થકો તરફથી ભારે પ્રશંસા મળી છે. તેમાં શ્રીલંકન મૂળના ટેક અબજોપતિ અને Social Capitalના CEO ચામથ પલિહાપિટિયા પણ સામેલ છે.
H-1B લોટરી સિસ્ટમ અંગે અભિપ્રાય
X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરતાં ચામથ પલિહાપિટિયાએ કેટલાક કંપનીઓ પર H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે લખ્યું છે કે, “H-1B સિસ્ટમનો ઉપયોગ કેટલીક કંપનીઓ સસ્તા વિદેશી શ્રમ માટે લેબર આર્બિટ્રેજ તરીકે કરતી આવી છે, જેમાં અનેક ગેરરીતિઓ સારી રીતે દસ્તાવેજીકૃત છે.” તેમણે આ દુરુપયોગનો “સૌથી નકારાત્મક પરિણામ” તરીકે લાયક અમેરિકી કામદારોનું સ્થળાંતરણ (displacement) ગણાવ્યું. હતું. રેન્ડમ લોટરીથી વેતન આધારિત પસંદગી તરફ થયેલા ફેરફારને આવકારતાં તેમણે કહ્યું કે, “આ બદલાવ H-1B વિઝા સિસ્ટમને ગેરરીતિઓના પ્રભાવને દૂર કરવામાં મોટો ફાળો આપશે. અને અમેરિકન શ્રમ મોડલનો વધુ રચનાત્મક ભાગ બનાવશે.”
આ વર્ષે સપ્ટેમ્બરમાં પલિહાપિટિયા વ્હાઈટ હાઉસમાં યોજાયેલી ડિનર બેઠકમાં Metaના CEO માર્ક ઝુકરબર્ગ, Appleના CEO ટિમ કુક, Microsoftના સહસ્થાપક બિલ ગેટ્સ અને OpenAIના સેમ ઓલ્ટમેન સહિતના ટેક દિગ્ગજો સાથે નજરે પડ્યા હતા.
નવો H-1B વિઝા નિયમ શું છે?
USCIS દ્વારા 23 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા પ્રેસ રિલીઝ મુજબ, DHS હવે H-1B વિઝા પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરી રહ્યું છે. અમેરિકી કામદારોના વેતન, કામકાજની શરતો અને રોજગારની તકોનું રક્ષણ માટે નવા નિયમો હેઠળ “ઉચ્ચ કુશળતા અને વધુ વેતન મેળવનારા વિદેશી કામદારો”ને પ્રાથમિકતા આપવામાં આવશે. આ નવી વ્યવસ્થા અત્યાર સુધીની રેન્ડમ લોટરી સિસ્ટમને બદલી નાખશે. લોટરી સિસ્ટમમાં તમામ અરજદારોને સમાન રીતે જોવામાં આવતા હતા. આ અંતિમ નિયમ 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે અને FY 2027ની H-1B કેપ રજિસ્ટ્રેશન સીઝન પર લાગુ પડશે.
કૉંગ્રેસના નિયમ મુજબ H-1B વિઝાનો વાર્ષિક નિયમિત કેપ 65,000 છે, જ્યારે અમેરિકાની એડવાન્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે વધારાના 20,000 વિઝા ઉપલબ્ધ છે. USCISના પ્રવક્તા મેથ્યૂ ટ્રેગેસરે જણાવ્યું કે, “પહેલાની રેન્ડમ પસંદગી પ્રક્રિયાનો કેટલાક અમેરિકી નોકરીદાતાઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો, જેમાં તેઓ અમેરિકી કામદારો કરતાં ઓછી મજૂરી પર વિદેશી કામદારો લાવતા હતા.”
તેમણે ઉમેર્યું કે નવો વેતન આધારિત મોડેલ H-1B પ્રોગ્રામને કૉંગ્રેસના ઉદ્દેશ સાથે વધુ સુસંગત બનાવશે અને અમેરિકા માટે વધુ કુશળ અને ઉચ્ચ વેતનવાળા વિદેશી કામદારોને પ્રોત્સાહન આપશે. ટ્રમ્પ પ્રશાસન હેઠળ H-1B સુધારાઓ ચાલુ રહેશે અને ‘America First’ એજન્ડા હેઠળ અમેરિકી કામદારોને નુકસાન ન થાય તે સરકારની પ્રાથમિકતા રહેશે.
ગ્રીન કાર્ડ લોટરી પણ સસ્પેન્ડ
H-1B ફેરફારો ઉપરાંત, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે Diversity Visa Program તરીકે ઓળખાતી ગ્રીન કાર્ડ લોટરી સિસ્ટમને પણ સ્થગિત કરી છે. આ લોટરી દ્વારા દર વર્ષે ઓછા ઇમિગ્રેશન ધરાવતા દેશોના નાગરિકોને મર્યાદિત સંખ્યામાં ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવતા હતા.
પરંતુ લોટરી જીતવાથી સીધું ગ્રીન કાર્ડ મળતું નથી. તે માત્ર કાયમી નિવાસ માટે અરજી કરવાની તક આપે છે, ત્યારબાદ ઇન્ટરવ્યુ, બેકગ્રાઉન્ડ ચેક અને અન્ય કાયદેસર પ્રક્રિયાઓ પૂર્ણ કરવી ફરજિયાત રહે છે.



