• 17 December, 2025 - 11:07 PM

સાવધાન: શેરોના ભાવ સર્ક્યુલર ટ્રેડિંગ મારફતે કૃત્રિમપણે વધારવાનું કારસ્તાન,ડોક્ટર ફસાયા, તમે તો ફસાયા નથી ને? જલ્દી ચેક કરો

થોડા દિવસો પૂર્વે એક અગ્રણી ડોકટરને સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. સેબીએ શોધી કાઢ્યું હતું કે ડોક્ટરના ખાતાને ઓપરેટ કરીને શેરોના ભાવ સર્ક્યુલર ટ્રેડિંગ મારફતે કૃત્રિમપણે વધારવામાં આવતા હતા અને એ શેરોના પ્રમોશન માટેનાં નાણાં ચૂકવવામાં આવતાં હતાં.

કોઈ એક જૂથ દ્વારા આપસમાં મોટા પાયે લે-વેચ કરીને શેરમાં કામકાજનું ખોટું વોલ્યુમ સર્જવામાં આવે તેને ‘સર્ક્યુલર ટ્રેડિંગ’ કહે છે. જેમને નાણાકીય બાબતોમાં અને શેરબજારમાં બહુ કંઈ ખબર પડતી નથી એવી વ્યક્તિ પોતાના વતીથી અન્ય વ્યક્તિને કે બ્રોકરને મૂડીરોકાણ અને ટ્રેડિંગ કરવા દે છે. મોટા ભાગે તો આ વ્યવસ્થા અનૌપચારિક એટલે કે ગેરકાયદે હોય છે, કારણ કે આવા કિસ્સામાં બ્રોકર કે સલાહકાર પાસે અન્યનાં નાણાં મેનેજ કરવાનું લાઈસન્સ હોતું નથી.

ઘણા નાના બ્રોકરો બિનપ્રવાહી (illiquid) શેરોમાં વોલ્યુમ સર્જવા તેમના ક્લાયન્ટ્સનાં ખાતાંનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ક્લાયન્ટ્સના નામે કરાયેલા ટ્રેડમાં ખોટ જાય કે ગેરકાનૂની પુરવાર થાય ત્યારે ક્લાયન્ટ્સની સ્થિતિ કફોડી થાય છે.

‘સેબી’ના આદેશમાં એક વિરોધાભાસની નોંધ લેવામાં આવી છે. પેલા ડોક્ટરે કહ્યું હતું કે તેના નાણાકીય સલાહકારે સોદા કર્યા હતા, જ્યારે એક મેલમાં ડોક્ટરે કહ્યું હતું કે આ સોદાઓ તેમના રુટિન કામકાજનો એક હિસ્સો હતો અને તે પોતાના સંશોધન અને પૃથક્કરણ આધારિત હતા. એ ઉપરાંત ‘સેબી’ના તપાસકર્તાએ કહ્યું છે કે ડોક્ટરે આ રીતે થતા સોદા રોકવા માટે કોઈ અર્થપૂર્ણ પગલાં લીધાં નહોતાં. ડોક્ટરે પછી શું પગલાં લીધાં એની જાણ નથી, પરંતુ એ નક્કી છે કે જેમને ટ્રેડિંગનું જ્ઞાન નથી એવા લોકોને બ્રોકરો-એજન્ટો ઊંચાં વળતરની લાલચ આપીને ગેરમાર્ગે દોરે છે. ક્લાયન્ટને ખબર નથી હોતી કે બ્રોકર તેના ખાતાનો કૌભાંડ માટે ઉપયોગ કરી રહ્યો છે.

તમને થશે કે ક્લાયન્ટે ઓર્ડર મૂક્યો છે એનો સંદેશ ડિલરોએ રેકોર્ડ કરવાનો હોય છે તો પણ આમ કઈ રીતે થાય છે?

ડોક્ટરના કિસ્સામાં એમ થયું હોય શકે કે બ્રોકરે ક્લાયન્ટને ફોન પર માહિતી આપી હશે તે અમે રોકાણની એક સારી તકની વિગતો તમને મોકલાવીએ છીએ તો તમે કોલ અથવા ઈમેલથી ક્ધફર્મ કરો. હવે ક્લાયન્ટે જો એમ કર્યું હોય તો બ્રોકરે અગાઉ આપેલી માહિતી તો રેકોર્ડ થઈ નહિ હોય. એવા પણ કિસ્સા બન્યા છે કે ‘સેબી’ જ્યારે તપાસ શરૂ કરે એ પછી નાના બ્રોકરોએ ક્લાયન્ટ સાથેની વાતચીત રેકોર્ડ કરી હોય. ક્લાયન્ટ્સ મોટે ભાગે મિત્રો અથવા નજીકના સગા હોય છે, જેમના વતીથી બ્રોકરો કામકાજ કરતા હોય છે.

તો પછી દેશમાં ઉચ્ચ વળતર પ્રાપ્ત કરવા માટે ક્લાયન્ટ્સ કાયદેસરનો માર્ગ કેમ અપનાવતા નથી?

જો વ્યક્તિ એમ ઈચ્છે કે કોઈ ત્રીજો પક્ષ પોતાના નાણાંનું વ્યવસ્થાપન સંભાળે તો તે મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (પીએમએસ) અથવા ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ)નો સંપર્ક કરી શકે છે. આ બધા લાઈસન્સ ધરાવતા ફંડ મેનેજર્સ છે, પરંતુ ક્લાયન્ટ્સ તેમના ઓળખીતા બ્રોકર કે ઘર નજીકના બ્રોકરનો સંપર્ક કરે છે એની પાછળનાં કારણ એ હોય છે કે એ વધુ વળતર અને ઓછી રકમે પ્રવેશ આપે છે.

કોઈ રોકાણકાર જો પોર્ટફોલિયો મેનેજર સ્કીમ (પીએમએસ)નો સંપર્ક કરે તો તેણે ઓછામાં ઓછા રૂ.25 લાખનું રોકાણ કરવું પડે, જ્યારે કે એઆઈએફ મારફત રોકાણ કરવા માટે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા હોવા જોઈએ.

આકર્ષક યોજનાના નામે ફસામણી

કેટલીક વાર બ્રોકર હાઉસના કર્મચારીઓ આકર્ષક યોજના’ સાથે ક્લાયન્ટનો સંપર્ક કરે છે. ક્લાયન્ટને કહેવામાં આવે છે કે નફામાં થોડો ભાગ આપો એની સામે તેમના ભંડોળનો વધુ સારો વહીવટ કરવામાં આવશે. નાના બ્રોકર હાઉસીસ આની સામે આંખ આડા કાન કરે છે, કારણ કે એ ધંધો લાવે છે.

એક કિસ્સામાં એવું બન્યું હતું કે એક ભાઈનું ડિમેટ ખાતું એક પ્રતિષ્ઠિત બ્રોકરને ત્યાં હતું. તેણે કદી ટ્રેડિંગ કર્યું નહોતું. આશરે છ વર્ષ પૂર્વે તેને વધારાની આવક ઊભી કરવાની જરૂર પડી એટલે તેણે બ્રોકરની મુલાકાત લીધી અને એ જાણવા માગ્યું કે ઓપ્શન ટ્રેડિંગ દ્વારા કોઈ નિયમિત આવક ઊભી કરી શકાય કે નહિ. જોકે તેને ખબર હતી કે તે જોખમી છે એટલે તેણે સલાહ લેવાનું યોગ્ય માન્યું.

આ ભાઈના કહેવા પ્રમાણે તેમની ઓળખાણ એક ડિલર સાથે કરાવવામાં આવી, જેમણે કહ્યું કે હું તમારા વતીથી સોદા કરીશ. ટ્રેડિંગની મૂડી માટે ડિલરે પેલા ભાઈને શેરો ગીરવે રાખવાનું કહ્યું અને માર્જિન મની ભરવાનું કહ્યું. આમ દુર્ઘટનાનો પ્રારંભ થયો.

પહેલા એક કે બે સોદા નફાકારક રહ્યા. એ પછી ખોટ થવા લાગી જ્યારે ડિલરે ક્લાયન્ટને કહ્યું કે રોકડ માર્જિન ચૂકવો ત્યારે ક્લાયન્ટને એ ખબર નહોતી પડતી કે મારે શું કામ નાણાં ચૂકવવાં પડે છે. પછીથી તેને સમજાયું કે ડિલરે અતિ જોખમી, હેજ ન કરાયેલા ફ્યુચર્સમાં ઓળિયું કર્યું છે. ક્લાયન્ટે પછી માર્જિનની ઘટ પરની પેનલ્ટી અને માર્જિન લોન્સ પર 18 ટકા વ્યાજ સહિત દસ લાખ રૂપિયાની ખોટ ખાવી પડી. આ દસ લાખ રૂપિયા એકત્ર કરવા તેણે તેના શેરો વેચી નાખવા પડ્યા. અલબત્ત, આ બનાવ કોવિડ પૂર્વેનો છે.

ડિસેમ્બર 2018માં બજારના નિયામકે સ્ટોક બ્રોકરો માટે તેમના ટ્રેડિંગ એપ્સ પર દ્વિસ્તરીય ઓથેન્ટિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. એક બાયોમેટ્રિક ડેટા અને એક ડેટા ક્લાયન્ટ તરફથી જેની જાણ ફક્ત ક્લાયન્ટને હોય, જેમ કે ટ્રેડિંગ એકાઉન્ટના એક્સેસ માટે એક વારનો પાસવર્ડ.

ક્લાયન્ટના એકાઉન્ટમાંથી થર્ડ પાર્ટી ટ્રેડિંગ ન કરી શકે એ માટે આમ કરવામાં આવ્યું છે, પરંતુ ડિલરો પ્રત્યેક ખાતાને લોગ ઈન કર્યા વિના ક્લાયન્ટ્સનાં ખાતાં મારફતે સોદા કરી શકે છે. આ આખી વાતનો સારાંશ એ છે કે જાતે જ ટ્રેડિંગ કરવું, બાકી કોઈ કમાઈ આપશે એ વાતમાં બહુ દમ નથી, જોખમ વધુ હોય છે.

Read Previous

કેન્દ્ર સરકારની હલકી ગુણવત્તાવાળા ખાતરો અને ખાતરના કાળાબજાર સામે મોટી કાર્યવાહી, 5,371 કંપનીઓના લાઇસન્સ રદ, 446 સામે FIR

Read Next

31મી માર્ચ 2026 પહેલા તમારે ઇન્કમટેક્સનો બોજ ઓછો કરવો છે? આટલું જરૂર વાંચો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular