સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ખર્ચમાં કાપ મૂલ્યો, બ્રોકર માટેના નિયમો સરળ બનાવ્યા

એસેટ મેનેજમેન્ટ કંપની-AMC દ્વારા ચૂકવવામાં આવતી બ્રોકરેજ ફી ઘટાડી:ડેટ ફંડનો ઇશ્યૂ લાવનારી સંસ્થાઓને રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન આપવા મંજૂરી આપી
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના બોર્ડે મ્યુચ્યુઅલ ફંડના સરેરાશ ખર્ચના દરમાં એટલે કે Expense Ratioમાં ખાસ્સો ઘટાડો કરી દીધો છે. તેમ જ શેરદલાલો-સ્ટોક બ્રોકરો માટેના જૂના નિયમો દૂર કરી દીધા છે. આ સાથે જ ડેટ ફંડનો ઇશ્યૂ લાવનારી સંસ્થાઓને રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન આપવા મંજૂરી આપી દીધી છે. જોકે હિત સંઘર્ષને લગતો એટલે કે Conflict of Interest અંગેના હાઈ-લેવલ કમિટીના રિપોર્ટના અમલને હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું માનવું છે કે કેટલાક કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને કામગીરી સંબંધિત પદ્ધતિઓ અંગે વધુ વિગતવાર ચર્ચાઓ થવી જરૂરી છે.
સેબીએ મ્યુચ્યુઅલ ફંડના સરેરાશ ખર્ચના દરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બજાર નિયામકે કાયદેસર અને નિયમનકારી લેવ્વી, બ્રોકરેજ ફી અને બેઝ એક્સ્પેન્સ રેશિયો (BER) વચ્ચે સ્પષ્ટ વિભાજન કરી દીધું છે. પરિણામે હવે કુલ બેઝ એક્સપેન્સ રેશિયો-પાયાના ખર્ચના દરમાં દલાલી, નિયમનકારી લેવ્વી અને કાયદેસરની લેવ્વીના ખર્ચનો સમાવેશ કરી દીધો છે. સેબીએ કરેલા પ્રસ્તુત ફેરફારને કારણએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને હવે ઓછો ખર્ચ ચૂકવવો પડશે. ઉપરાંત રોકડના બજારમાં-કેશ માર્કેટમાં બ્રોકરેજ ફી 12 પૈસાથી ઘટાડીને 6 પૈસા કરવાનો અને ડેરિવેટિવ માર્કેટમાં 5 પૈસાથી ઘટાડીને 2 પૈસા કરવાનો નિર્ણય લીધો હોવાથી રોકાણકારોને ફાયદો થવાની શક્યતા છે.
મ્યુચ્યુઅલ ફંડમાં લેવામાં આવતા એક્ઝિટ લૉડમાં લેવાતા 0.05 ટકાનો ચાર્જ કે ખર્ચ ભથ્થાને કાઢી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ઇક્વિટે કેશ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવામાં આવતી દલાલીની મર્યાદા બે બેઝિઝ પોઈન્ટ એટલે કે 0.02 ટકાથી વધારીને 0.06 ટકા કરી દીધી છે. અત્યારે ફંડમેનેજરો તેમના પોર્ટફોલિયો માટે શેર્સ ખરીદવા કે વેચવા માટે 0.12 ટકા બ્રોકરેજ-દલાલી ચૂકવે છે. તેમ જ ડેરિવેટીવ મ્યુચ્યુઅલ ફંડના સોદા માટે બ્રોકરેજને દર એક બેઝિઝ પોઈન્ટ એટલ કે 0.01 ટકાથી વધારીને 0.02 ટકા કરી દીધો છે. જોકે તેમાં લેવ્વીને ગણતરીમાં લેવામાં આવી નથી. તેમ જ ટોટલ એક્સચેન્જ રેશિયો-ટીઈઆરમાં બેઝ એક્સચેન્જ રેશિયો, દલાલી અને કાનૂની નિયમનકારી ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સેબીએ ઇન્ડેક્સ ફંડ, ઈટીએફ માટે બેઝ એક્સપેન્સ રેશિયો 1 ટકાથી ઘટાડીને 0.9 ટકા કરી દીધો છે. સેબીએ લિક્વિડિટી આધારીત ફંડ્સ ઓફ ફંડ્સ માટેનો બેઝ એક્સપેન્સ રેશિયો 0.9 ટકા કર્યો છે. તેમ જ ક્લોઝ એન્ડેડ ઇક્વિટી સ્કીમ માટે બેઝ એક્સપેન્સ રેશિયો 1.25 ટકાથી ઘટાડીને 1 ટકો કરી દેવાનો નિર્ણય કર્યો છે.
રોકાણની કાર્યપ્રણાલી અને નિયમોનું પાલન કરવાની પ્રક્રિયાને-Complianceને સરળ બનાવવા માટે નવું નિયમનકારી ફ્રેમવર્ક પણ રજૂ કરવામાં આવ્યું છે. આ નવા ફ્રેમવર્કને કારણે નિયમોને લગતા દસ્તાવેજના પાનાંની સંખ્યા 162થી ઘટીને 88 થઈ ગઈ છે. આમ તેમાં અંદાજે 44 ટકાનો ઘટાડો થયો છે. તદુપરાંત અન્ય જોગવાઈની સંખ્યા 59 થી ઘટીને 15 કરતા ઓછી કરી દેવામાં આવી છે.
ICDR (Issue of Capital and Disclosure Requirement)ના નિયમોમાં પણ એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. IPO પહેલાં જેમણે પોતાના શેર ગીરો (Pledge) રાખ્યા હોય તેવા નોન-પ્રમોટર્સ માટે આ ફેરફાર લાગુ કરવામાં આવશે. કારણ કે પ્રી-ઇશ્યુ મૂડી ધરાવતા નોન-પ્રમોટર્સને છ મહિના સુધી શેર લોક-ઇન રાખવા પડે છે. તેથી સેબીએ ICDRમાં સુધારો કરીને ડિપોઝિટરીઝને લોક-ઇન અવધિ દરમિયાન આ સિક્યુરિટીઝને નોન-ટ્રાન્સફરેબલ તરીકે નોંધવા સૂચના આપી છે. ઉપરાંત, ગીરો મુક્ત થયા બાદ પણ બાકી લોક-ઇન અવધિ સુધી શેર લોક-ઇન રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. બોર્ડે સંક્ષિપ્ત પ્રોસ્પેક્ટસમાં આપવાની ખુલાસાઓને સરળ બનાવવા અંગેના પ્રસ્તાવો પણ મંજૂર કર્યા છે.
બોન્ડ માર્કેટને વધુ ઊંડું બનાવવાની દિશામાં
સેબીના નિષ્ણાત પેનલની ભલામણોને આધારે બોર્ડે લિસ્ટિંગ ઑબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ (LODR) માં સુધારા કર્યા છે. જાહેર પરામર્શ બાદ લિસ્ટેડ નોન-કન્વર્ટિબલ સિક્યુરિટીઝ ધરાવતી સંસ્થાઓ માટે દાવો ન કરવામાં આવી હોય તેવી રકમ ટ્રાન્સફર કરવાની સમયમર્યાદાને કંપનીઝ એક્ટ સાથે સુસંગત બનાવવામાં આવી છે. બોન્ડ માર્કેટને વધુ મજબૂત બનાવવા માટે સેબીએ જાહેર-પબ્લિક ઇશ્યૂઝમાં ચોક્કસ શ્રેણીના રોકાણકારોને ડેટ ફંડનો ઇશ્યૂ લાવનારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોત્સાહન વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ વગેરે માટે વધારાના વ્યાજ અથવા ડિસ્કાઉન્ટ સ્વરૂપે આપવામાં આવી શકશે.
તેમ જ ક્રેડિટ રેટિંગ એજન્સીઝ (CRA) સંબંધિત નિયમોમાં સુધારો કરીને તેમને અન્ય ફાઇનાન્સિયલ સેક્ટર રેગ્યુલેટર્સ (FSR) હેઠળ આવતાં સાધનોનું પણ રેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયો ડેટ માર્કેટના વિકાસ માટે લાભદાયક રહેશે.
આ જ રીતે IPOમાં ઓફર કરવામાં આવનારા શેર્સની કિંમત નક્કી કરવા બાબતે તુહિન કાન્ત પાંડેએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સેબીની હાલની નીતિ હસ્તક્ષેપ ન કરવાની છે. વ્યવહારો અંગે ચિંતા થાય ત્યારે અમે સુરક્ષાત્મક મર્યાદાઓ (Guardrails) મૂકીએ છીએ. રોકાણ કરવું કે નહીં તે બાબતે સ્પષ્ટ માહિતી આપીએ છીએ. ભારતીય બજારોને પરિપક્વ બનવું પડશે, મોબ સાયકોલોજીથી દોરાવું ન જોઈએ. રોકાણકારો દ્વારા માહિતી કે જાણકારી આધારિત નિર્ણયો લેવાય તે જરૂરી છે. બજારો સ્વતંત્ર છે અને લોકો પોતે પસંદગી કરવી જોઈએ. સેબી પ્રી-IPO પ્લેટફોર્મ બનાવવા અંગેના વિવિધ પાસાંઓ પર વિચાર કરી રહી છે.
શેડો બેન્ક્સ (NBFCs), ARCs, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને REITs માટે વ્યવસાય સરળ બનાવવા સેબીએ હાઈ વેલ્યુ ડેટ લિસ્ટેડ એન્ટિટીઝ (HVDLEs) માટેની મર્યાદા શિથિલ કરી છે, જેમાં રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ (RPT) સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે. વિવિધ નિયામકો હેઠળ આવતી ક્રેડિટ રેટિંગ એજન્સીઝને હવે પોતાની રિપોર્ટ્સ અને પ્રેસ રિલીઝમાં સેબી-નિયમિત અને ગેર-નિયમિત સાધનોને સ્પષ્ટ રીતે અલગ કરીને લેબલ કરવાના રહેશે. ઉપરાંત, વેબસાઇટ પર અલગ ખુલાસા, અલગ ઈમેલ આઈડી અને અલગ જાહેરાત વ્યવસ્થા પણ રાખવાની રહેશે.


