અમદાવાદ સહિત ગુજરાતમાં ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીની તપાસ
વગર બિલનો મોટો વેપાર ધરાવતા ફટાકડાના વેપાર પર 18 ટકા જીએસટી હોવાથી મોટી ચોરી થતી હોવાથી તપાસ ચાલુ કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ફટાડકાના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા એકમો પર ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધાકરીઓએ દરોડા પાડ્યા છે. ફટાકડાંના મોટાભાગના વેચાણ કાચા બિલ પર જ ચાલતા હોવાથી તેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મોટી ચોરી થતી હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોના ફટાકડાંના વેપારીઓ અને ઉત્પાદકો પર તપાસ ચાલુ કરવામાં આવી છે.
ફટાકડાં પર 18 ટકા જીએસટી લેવાતો હોવાથી તેમાં વગર બિલના વેપાર મોટા પાયા પર થઈ રહ્યા છે. ભૂતકાળમાં ફટાકડવાવાળાની અમદાવાદના એકમો પર આવકવેરા ખાતા તરફથી પણ મોટે પાયે દરોડા પાડવામા આવ્યા હતા. ફટાકડાનો મોટાભાગનો કારોબાર વગર બિલનો જ હોવાથી દરોડા પાડવામાં આવી રહ્યો છે. બીજીતરફ ફટાકડા પર એમ.આર.પી. પણ બહુ જ વધારે લખાતી હોવાથી જીએસટીની ચોરી મોટી થતી હોવાનું માનવામાં આવે છે.
જોકે જીએસટીના અધિકારીઓ દ્વારા અનધિકૃત રીતે જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડાના વેપારીઓ જીએસટીના નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જ અમે તપાસ કરી રહ્યા છીએ. વટવાના મહાલક્ષ્મી એસ્ટેટ ખાતે આવેલા ફટાકડાના એક પર પણ તપાસ ચાલુ કરવામાં આવી હતી.