• 17 December, 2025 - 11:12 PM

ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળામાં ચાદીમાં કેવી ચાલ જોવા મળી શકે?

કિલોદીઠ રૂ. 1.99 લાખની સપાટીને વળોટી ગયેલી ચાંદીમાં ટૂંકા અને મધ્યમ ગાળામાં શું પરિવર્તન આવી શકે છે

ચાંદીમાં ઔદ્યોગિક ડિમાન્ડમાં સતત જોવા મળી રહેલો વધારો,

ચાંદીની ખાણમાંથી મળતા ઉત્પાદનમાં સતત થઈ રહેલો ઘટાડો, ચાંદીમાં રિસાયકલિંગ ચાલુ થતાં ભાવ વધારા પર બ્રેક લાગશે કે પછી તેજી ચાલુ રહેશે?

સોના પછી હવે ચાંદીમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. સિલ્વર-ચાંદીના ભાવ વધારાના મૂળમાં ઉતરીએ તો સોલાર પેનલ, ઈલેક્ટ્રિક વેહિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ બનાવવા માટે ચાંદીની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી ચાંદીના ભાવમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. બીજીતરફ રશિયા યુક્રેન, ઇરાન-ઇઝરાયલ સહિતના દુનિયાના જુદાં જુદાં વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષ પણ ચાંદીમાં સેફ હેવન બાયિંગ વધારી રહી છે. ત્રીજું, અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડાની અપેક્ષા હોવાથી તેમાં કરેલા રોકાણની આવક ઓછી થવાની સંભાવનાઓ ચાંદીમાં નવું રોકાણ આપતા પણ ચાંદીના ભાવ વધી રહ્યા છે. ચોથું ભારતીય રૂપિયાને બાદ કરતાં અન્ય ચલણો સામે નબળો ડૉલર પડી રહ્યો છે. તેથી પણ ડૉલરના રોકાણો ચાંદી તરફ ફંટાઈ રહ્યા હોવાથી ડિમાન્ડ વધતા ભાવ ઊંચે જઈ રહ્યા છે. પાંચમું ખાણોમાંથી મળતી પુરવઠાની અછત વધી રહી છે. ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય જોવા મળતો નથી. આ બધાં કારણોની સંયુક્ત અસર બજાર પર પડી રહી છે. તદુપરાંત ચાંદીના બજારમાં લિક્વિડિટી સમસ્યા અને મધ્યસ્થ-સેન્ટ્રલ બેંકની પ્રવૃત્તિ પણ ચાંદીના ભાવ વધારામાં ભૂમિકા ભજવી રહી છે.

ગ્રીન ટેકનોલોજીમાં—ખાસ કરીને સોલાર પેનલ, ઈવી, બેટરી અને ઇલેક્ટ્રોનિક્સ—સિલ્વરનો વિશાળ ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનોલોજીની ઝડપી વૃદ્ધિના કારણે સિલ્વર માટે મોટી માંગ ઊભી થઈ છે. ચાંદીની ખાણમાં ખનન થવાની પ્રવૃત્તિ છેલ્લા 10 વર્ષથી ઘટી રહી છે. તેમાંય ખાસ કરીને સેન્ટ્રલ અને સાઉથ અમેરિકાની ખાણોમાં આ સમસ્ય વધારે તીવ્ર બની રહી છે. તદુપરાંત આંતરિક પુરવઠામાં વિલંબ થઈ રહ્યો છે. તેમ જ કેટલીકવાર હવાઈ માર્ગે ચાંદી-સિલ્વર મોકલવાની જરૂર ઊભી થતાં સપ્લાયનો ચાર્જ વધી જતાં પણ ચાંદીના ભાવ ઊંચે જઈ રહ્યા છે.

લંડન મેટલ એક્સચેન્જમાં પણ લિક્વિડિટી સમસ્યા જોવા મળી રહી છે. તેમ જ ભારતમાં મોટેપાયે ચાંદીમાં ખરીદી થઈ રહી હોવાથી પણ ભાવ ઊંચકાઈ ગયા છે. 10મી ડિસેમ્બરની આસપાસ ચાંદીના કિલોદીઠ ભાવ વધીને રૂ. 1.99 લાખને આંબી ગયા હતા. આમ ઔદ્યોગિક ડિમાન્ડ, ભયના માહોલમાં રોકામકારો દ્વારા સેફ હેવન તરીકે કરવામાં આવતી ખરીદી અને નાણાં નીતિનો ફેરફારો ચાંદીના માર્કેટને તેજીની હવા પૂરી પાડી રહી છે.

બીજી પા, ચાંદીમાં રોકાણ કરીને પકડી રાખનાઓને 2025માં તગડી કમાણી થઈ છે. 2025માં ચાંદીમાં રોકાણ કરનારાઓને 71 ટકા વળતર આપ્યું છે. આ વળતર સોના કરતાંય વધારે છે. સોનામાં રોકાણ કરનારાઓને 54 ટકાનું વળતર છૂટ્યું છે. નવેમ્બર 2025માં ચાંદીના ટ્રોય ઔંસદીઠ ભાવ $57.16ની સપાટીને સ્પર્શી ગયા છે. તેમાં 90 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઈ સ્થિતિ જળવાઈ રહે તો વખતે ચાંદીમાં તેજીની ચાલ લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

આગામી ત્રણ મહિના સુધીના ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં તેજીનો વક્કર જોવા મળશે. ચાંદીમાં ફિઝિકલ ડિમાન્ડ જળવાઈ રહેવાની સંભાવનાએ તેજી પણ ટકી રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. છથી અઢાર માસના મધ્યમ ગાળાની ચાલની વાત કરીએ તો ચાંદીમાં તેજી ચાલુ રહી શકે છે. પરંતુ એકાએક બજાર તૂટી જવાનું મોટું જોખમ પણ તોળાયેલું રહેશે. ચાંદીની ખાણનો સપ્લાય વધી જાય કે ચાંદીની ડિમાન્ડ એકાએક ઘટી જાય તો તેમાં મોટો કડાકો બોલી જવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્રણથી પાંચ વર્ષના લાંબા ગળાની વાત કરવામાં આવે તો તેનો પૂર્ણ મદાર ઔદ્યોગિક ડિમાન્ડ કેવી જળવાઈ રહે તેના પર જ છે. તેમ જ ચાંદીનો કોઈ નવો વિકલ્પ જડી જાય તો તેને અસર હેઠળ પણ ચાંદીની ડિમાન્ડ ઘટી જવાની અને બજારમાં મોટો કડાકો બોલી જવાની શક્યતાને નકારી શકાતી નથી.

જોકે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની આગાહી કરવાને મુદ્દે 60 ટકા નિષ્ણાતો માને છે કે ચાંદીમાં તેજીનો તરખાટ જળવાઈ રહેશે. જ્યારે 25 ટકા નિષ્ણાતો માને છે કે ચાંદીનું બજાર સાંકડી નેળમાં વધઘટે વર્તમાન સપાટી જાળવી રાખશે. હા, 15 ટકા નિષ્ણાતો તેમાં મંદી આવવાની સંભાવના પણ જોઈ રહ્યા છે. ડિસેમ્બરની મધ્ય પહેલા જ ચાંદીનો ભાવ 60 ડૉલર પહોંચી ચૂકી છે. ઊંચા ભાવે નફો બુકરવાની માનસિકતાને કારણે પણ તેજી પર બ્રેક લાગવાની શક્યતા જોવામાં આવી રહી છે.

છથી અઢાર માસના મધ્યમ ગાળાની વાત કરીએ તો 45 ટકા નિષ્ણાતો માને છે કે ચાંદીમાં તેજી જળવાઈ રહેશે. જ્યારે 30 ટકા લોકો માને છે કે ચાંદીમાં સાંકડી નેળમાં વધઘટે આ ભાવ સપાટી જળવાઈ રહેવાની સંભાવના છે. માત્ર 25 ટકા નિષ્ણાતોને લાગે છે કે ચાંદીમાં આ સપાટીએથી મંદી જોવા મળી શકે છે. વર્લ્ડ સિલ્વર સરવેમાં પણ આ વાતનો પડઘો પડી રહ્યો છે. લાંબા ગાળામાં પણ તેજીનો તરખાટ જળવાઈ રહેશે તેમ 35 ટકા નિષ્ણાતો માને છે. 40 ટકા નિષ્ણાતો માને છે કે ચાંદી વર્તમાન ભાવ સપાટીની આસપાસ જ જળવાઈ રહેશે. ગ્રીન ટેક્નોલોજી માટેની ડિમાન્ડ હવે હળવી પડવાની સંભાવના ઓછી છે. તેનાથી ચાંદીમાં તેજીનો તરવરાટ જળવાઈ રહેશે. ચાંદી ખાણમાંથી કાઢવાનો ખર્ચ વધી રહ્યો છે. તેથી ચાંદીના રિસાઈક્લિંગના કામકાજમાં તેજી આવે તો તેને પરિણામે ખાણમાંથી ચાંદીના ઓછા સપ્લાય પછી ચાંદીનો સપ્લાય જળવાઈ રહેવાની સંભાવના વચ્ચે તેજી પર બ્રેક લાગવાની શક્યતા રહેલી છે.

2025ના વર્ષમાં ભારતમાં ચાંદીની ફિઝિકલ ડિમાન્ડ વધી છે. સોનાના ભાવ સાતમે આસમાને પહોંચી જતાં ચાંદીના દાગીનાની ડિમાન્ડ વધી ગઈ છે. ચાંદીની છૂટક લેવાલી પણ જોવા મળી રહી છે. તેથી હાજર બજારમાં ચાંદીના ભાવ વધી રહ્યા છે. આજે કિલોદીઠ રૂ. 1.88ની આસપાસના ભાવ બોલાઈ રહ્યા છે. આ તેજીમાં ઘરમાં પડેલી ચાંદી વેચી દેવાનું વલણ પણ જોવા મળી રહ્યું છે. સમગ્રતયા ભારતમાં ચાંદીની ડિમાન્ડ ઘણી જ સારી છે. સ્થાનિક લેવાલી અને આંતરરાષ્ટ્રીય પરિબળોના દબાણને પરિણામે ભારતમાં ચાંદીના ભાવ ઊંચી સપાટીએ જળવાઈ રહ્યા છે.

લાંબા ગાળાની એટલ કે ત્રણથી પાંચ વર્ષના ગાળાની વાત કરીએ તો 40 ટકા નિષ્ણાતો માને છે કે બજારમાં તેજી જળવાઈ રહેશે. જ્યારે 40 ટકા નિષ્ણાતો માને છે કે સાંકડી વધઘટે ચાંદી આ સપાટી જાળવી રાખશે. જ્યારે વીસ ટકા નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે ચાંદીમાં મંદી જોવા મળી શકે છે. કારણ કે ભારતમાં અને વિશ્વસ્તરે ચાંદીની ડિમાન્ડ વધતી રહેવાની છે. સ્થાનિક લોકોની અને ઇન્ડસ્ટ્રી બંનેની ડિમાન્ડ રહેતા તેજી જળવાઈ રહેશે. ભારતમાં ચાંદીની ડિમાન્ડ જુદાં જુદાં હેતુ માટે જળવાઈ રહેશે તો તેજી પણ ટકી રહેશે. જોકે ચાંદીની આયાતને લગતી કે અન્ય નીતિઓમાં ફેરફાર આવે તો ચાંદીનું બજાર તૂટી શકે છે.

 

Read Previous

MEESHOના શેરનો ભાવ: લિસ્ટિંગ દરમિયાન MEESHOના શેરમાં 54%નો ઉછાળો, ભાવ 170.90 થયો,  સ્ટોકનાં લેટેસ્ટ ભાવ તપાસો

Read Next

વિદેશી રોકાણકારો ક્યાં સૌથી વધુ રોકાણ કરી રહ્યા છે અને કયા ક્ષેત્રોમાં તેમનો રસ ઘટી ગયો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular