વિશ્વ બજારમાંચાંદીનો ભાવ ઊછળીને ટ્રોય ઔંસદીઠ 100 ડૉલરને વળોટી જાય તેવી શક્યતા

ભારતમાં ચાંદીનો કિલોદીઠ ભાવ રૂ. 3 લાખને વળોટી જાય તેવી મજબૂત શક્યતાઓ
અમદાવાદઃ 2025ના વરસમાં ચાંદીના ભાવમાં 115 ટકાનો વધારો આવ્યા પછી આગામી વર્ષમાં ચાંદીનો ટ્રોસ ઔંસદીઠ ભાવ અત્યારના 62 ડૉલરથી વધીને 100 ડૉલર થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 11મી ડિસેમ્બરે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ટ્રોય ઔંસદીઠ 62 ડૉલરના મથાળાને વળોટી ગયા પછી પ્રસ્તુત આગાહી કરવામાં આવી રહી છે. ચાંદીનો આ ભાવ અત્યાર સુધીનો ઊંચામાં ઊંચો ભાવ હોવાનું માનવામાં આવે છે. આમ વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા ચાંદીનો ભારતના બજારનો ભાવ 2026માં કિલોદીઠ રૂ. 3 લાખની સપાટીની નજીક પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે.
સોના અને ચાંદીના બજારના વિશ્લેષકો કહે છે કે ધાતુની તાજેતરની મજબૂતી સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) જેવી ઉદ્યોગોમાં વધવા માંડ્યો હોવાથી જોવા મળી રહી છે. તદુપરાંત ચાંદીને સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ પહેલા કરતાં હવે વધુ દ્રઢ રીતે જોવામાં આવી રહી છે. તેથી ચાંદીનો સંગ્રહ કરવાનું વલણ પણ વધી રહ્યું છે. ચાંદીના વર્તમાન બજારની ગતિવિધિઓને ધ્યાનમાં લેતા તેમાં વર્તમાન ભાવ સપાટીએ પણ રોકાણ કરીને તેમાંથી સારી આવક કરી શકાય તેમ નિષ્ણાતોનું માનવું છે. ચાંદી રોકાણ કરવા માટેનો એક મજબૂત વિકલ્પ બની રહી હોવાનું નિષ્ણાતો માને છે.
આમ ચાંદીની વધી રહેલી માંગની તેના ભાવને નવી ઊંચી સપાટીએ લઈ જઈ રહ્યા છે. ચાંદીનો ઔદ્યોગિક વપરાશ વધી રહ્યો છે અને રોકાણકારો આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કિંમતી ધાતુઓમાં તેમના રોકાણમાં વધારો કરી રહ્યા છે. કેટલાક વિશ્લેષકો તો એ પણ અપેક્ષા રાખે છે કે આવનારા વર્ષના અંત સુધી ચાંદી પ્રતિ ઔંસ $100ને પણ પાર કરી શકે છે, છતાં હાલની ગતિ કેટલી ટકાઉ છે તે મુદ્દે પરસ્પર વિરોધી અભિપ્રાયો બહાર આવી રહ્યા છે.



