માન ઇન્ડસ્ટ્રીજ લિમિટેડને સેબીએ દંડ કરતાં શેર્સના ભાવમાં ગાબડું
- સબસિડિયરીમાં ફંડ ડાયવર્ટ કરીને હિસાબો ન જોડીને ખોટને છુપાવવાનો કંપની પર આરોપ
- કંપનીના હિસાબોનું ફોરેન્સિંક ઓડિટ કરીને ગેરરીતિ જણાતા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવ્યો
સ્ટીલ પાઈપના મેન્યુફેક્ચરિંગના સેક્ટરની કંપની માન ઇન્ડસ્ટ્રીજ લિમિટેડના પ્રમોટર્સને સેબીએ ગઈકાલે ઓર્ડર કરીને રૂ. 1 કરોડનો દંડ કર્યો છે. માન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 15 લાખ, રમેશ મનસુખાનીને રૂ. 25 લાખ, નિખિલ મનસુખાનીને રૂ. 25 લાખ, અશોક ગુપ્તાને રૂ. 25 લાખનો દંડ કર્યો છે. કુલ રૂ. 65 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સેબી એક્ટની કલમ 15 એચએ અને 15એચબીની જોગવાઈ હેઠળ દંડ કરવામાં આવ્યો છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એક્ટની કલમ 11બીની જોગવાઈ હેઠળ શેરધારકોના હિતની જાળવણી માટે અને શેરબજારની ગતિવિધિઓને નિયંત્રણમાં રાખવા માટે દંડ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કંપનીના શેરધારકો અને ઇન્વેસ્ટર્સના હિતમાં અને કંપનીઓ દ્વારા કરવામાં આવતી ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીને નિયંત્રણમાં રાખવા માટે અને ચોક્કસ પગલાં લેવાની ફરજ પાડવા માટે આ ઓર્ડર કરવામાં આવ્યો છે. સેબીના ઓર્ડરની 29મી સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવી હતી.
ફંડ ડાયવર્ઝનની ફરિયાદ
માન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સામે ફરિયાદ કરવામાં આવી હતી કે કંપનીએ તેનું ભંડોળ તેની સબસિડિયરી કંપનીમાં ફંડ-ભંડોળનું ડાયવર્ઝન કર્યું હોવાનું માનવામાં આવે છે. તેમ જ કંપનીને ગયેલી ખોટ છુપાવવા માટે કંપનીએ સબસિડિયરી કંપનીના હિસાબો અને પોતાના હિસાબો એક કરીને રજૂ કર્યા ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
હિસાબોનું ફોરેન્સિંક ઓડિટ કર્યું
પ્રસ્તુત ફરિયાદ મળ્યા પછી સેબીએ ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરીને કંપનીના હિસાબી ચોપડાંઓની ચકાસણી કરવાનો આદેશ 2021માં આપ્યો હતો. 2014-15થી 2021-22ના વર્ષ સુધીના હિસાબી ચોપડાંઓની ચકાસણી કરવામાં આવી હતી. માર્ચ 2022માં તૈયાર કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે માન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાંકીય બાબતોમાં ખોટી રજૂઆત કરી હતી. તેની સબસિડીયરીના હિસાબો તેની મૂળ કંપનીના હિસાબો સાથે જોડીને રજૂ કર્યા નહોતા. કંપનીના આર્થિક વહેવારો અંગે અપૂર્ણ માહિતી આપી હતી. આ રીતે કંપનીએ લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટના નિયમોનો ભંગ કર્યો હતો. ઓડિટ કમિટીની આગોતરી મંજૂરી વિના જ કંપનીએ કરોડોના વહેવારો કર્યા હતા. કંપનીના વહેવારોની ચકાસણી કરીને પ્રસ્તુત ઓર્ડર કરવામાં આવ્યો છે.
શેરના ભાવમાં 10 ટકાનું ગાબડું
સેબીએ કરેલા ઓર્ડરને પરિમામે જ આજે માન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવમાં 10.82 ટકાનું ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ લખાય છે ત્યારે તેના શેરનો ભાવ રૂ. 43.90 તૂટીને રૂ. 362.80ની સપાટીએ આવી ગયો છે.