સુરતનાં કાપડ ઉદ્યોગને ચોમેરથી ફટકો, ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી માંગે છે ડયુટી ફ્રી એકસ્પોર્ટ, પેમેન્ટને લઈ હારાકીરી, યાર્નનાં ભાવમાં વધારો, વેપાર ઠપ્પ
સુરતનાં ટેક્સટાઈલ ઉદ્યોગને રાહતની કળ વળી રહી નથી. અમેરિકન ટેરિફ દ્વારા કાપડ ઉદ્યોગ માટે નવી મોકાણ શરુ થઈ ગઈ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. એક તરફ ટેરિફનો માર અને બીજી તરફ પેમેન્ટની મોકાણ અને સાથો સાથ કુદરતી આફતોનાં કારણે ઉદ્યોગનાં શ્વાસ અદ્વર થઈ ગયા છે.
સુરતના વિવિધ કાપડ સંસ્થાઓ સાથે સંકળાયેલા ગજેન્દ્રસિંહે જણાવ્યું કે હાલમાં કાપડ ક્ષેત્રમાં વેપાર ઠપ્પ થઈ જવા પામ્યો છે. આમ પણ દક્ષિણ ભારતમાં સાયક્લોનની સ્થિતિએ કાપડના વેપારને મોટું નુકસાન કર્યું છે. સાયક્લોનનાં કારણે પણ માલની લેવાલી અંશત: ઠપ્પ થઈ જવા પામી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે યાર્નનાં ભાવ પણ 15-20 ટકા વધી ગયા છે.એક તરફ ડોમેસ્ટીક પેમેન્ટની ખેંચ અને બીજી તરફ યાર્નનાં વધેલા ભાવથી વેપારીઓમાં સ્વભાવિક રીતે ચિંતાનો માહોલ ઉભો થયો છે.
તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાસે કાપડ ઉદ્યોગ અનેક પ્રકારની આશાભરી મીટ માંડીને બેઠો છે. ગારમેન્ટ ઉદ્યોગ પર હાલનાં તબક્કે બાંગ્લાદેશ હાવી થઈ ગયું છે. 2014માં રુપિયાની સરખામણીમાં બાંગ્લાદેશની કરન્સી 1.07 હતી તેમાં આજે રુપિયાની સરખામણીમાં સુધારો થયો છે અને રુપિયા સામે બાંગ્લાદેશની કરન્સી 1.03 પર આવી ગઈ છે. કેન્દ્ર સરકાર ગારમેન્ટનાં એક્સપોર્ટને ડ્યુટી ફ્રી કરે તો ભારત ગારમેન્ટ ઉદ્યોગમાં અગ્રેસર બનીને હરણફાળ ભરી શકે છે. સરકાર પાસે ગારમેન્ટને લઈ નવેસરથી વિચારણા કરવાની જરુરિયાત રહેલી છે. બીજું એ કે વૈશ્વિક મંદી જેવું કશું નથી, પણ સરકારની નીતિઓ ચોક્કસપણે નવેસરથી વિચારણા માંગી રહી છે.



