રોકાણ કરવા માટેની મફત સલાહ કે ટીપ્સઃ તમારી મૂડી ખેંચી લેવાની એક છુપી ચાલ
કોઈપણ શેરના ભાવ વધારવા માટેની ચાલ ચાલ્યા બાદ બજાર ભાવ તોડી નાખતા પૂર્વે ફિનફ્લુએન્સર ભોળા રોકાણકારોને ભેરવવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે.
નાણાંની બચત કરનારાઓને નાણાંનું રોકાણ કરવા માટે અભ્યાસ કરીને સજ્જ થવામાં રસ જ નથી. શેરબજારની સમજવાની માનસિકતા જ નથી. એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન્સ, એસ.આઈ.પી.-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ(F & O, SIP, MF, Bond) કે પછી અન્ય રોકાણો પોતાની ભાવિ જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને કરવાના હોય છે. રોકાણકારની પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનો નિર્ણય લેવાનો હોય છે.
રોકાણકારોની આ નિષ્ક્રિયતાનો લાભ ટીપ્સ(Tips on Social Media’s) અને મફત માર્ગદર્શન આપનારાઓ ઊઠાવે છે. પરિણામે રોકાણકારોની મહામહેનતે ઊભી કરેલી બચત ધોવાઈ જાય છે. રોકાણકારે અપનાવેલો કમાણી કરવાનો શોર્ટ કટ કમાયેલી રકમ ગુમાવી દેવાનો શોર્ટકટ બની જાય છે. વાસ્તવમાં અનરજિસ્ટર્ડ એડવાઈઝર દ્વારા આપવામાં આવતી ટીપ્સ અને સલાહ એક લોલીપોપથી વિશેષ કશું જ નથી. કોઈપણ શેરના ભાવ વધારવા માટેની ચાલ ચાલ્યા બાદ બજાર ભાવ તોડી નાખતા પૂર્વે ફિનફ્લુએન્સર (Finfluencet)ભોળા રોકાણકારોને ભેરવવા (Trap for gullible investors)માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે.
પરિણામે આજે શેરબજાર હોય કે અન્ય ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો માટે મફતની સલાહ આપનારાઓનો રાફડો ફાટી ચૂક્યો છે. રોકાણકારોને પ્રભાવિત કરવા માટે વૉટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મિડિયાનો (What’sapp, facebook, telegram, instagram)ઉપયોગ કર્યા કરે છે. તેમના ફિનફ્લુએન્સરતરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ફિનફ્લુએન્સર એક ફંદો જ છે. ગમે ત્યારે તમારા ગળામાં ગાળીયો બનીને તમને રૂંધી નાખી શકે છે. સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા વ્યક્તિનો ટિપ તમારી માટે કોઈ પ્લાન નથી. વાસ્તવમાં તે તો તમારા પૈસાથી રમાતો જુગાર છે. કોઈ પગલું ભરતા પહેલાં તમે પોતાને પૂછો: શું આ સલાહ મારી જરૂરિયાતને અનુકૂળ છે ખરી? હકીકતમાં તો ટિપ્સને આધારે રોકાણ કરનારા રોકાણકારો ફિયર ઓફ મિસિંગ આઉટ-ફોમો એટલે કે હું તક ચૂકી જઈશ અને બીજા બધાં કમાઈ લેશેના ફોબિયામાં રોકાણ કરી બેસે છે. પોતાનુ દિમાગ લગાવ્યા વિના જ રોકાણ કરી દે છે અને ત્યારબાદ પેટ ભરીને પસ્તાય પણ છે.
ક્યારેક તમને વૉટ્સએપ, ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામ પર મેસેજ મળે છે કે XYZ કંપનીના શેરનો ભાવ છ માસમાં ડબલ કે અઢી ગણો થઈ જશે. તમને પ્રભાવિત કરવા માટે તે બ્રેકઆઉટ કરી ચૂક્યો હોવાનું અને ઝડપથી ભાવ સુધરશે તેવી વાત કરશે. બ્રેકઆઉટ જેવા ટેકનિકલ શબ્દોથી સામાન્ય રોકાણકાર પરિચિત હોતો નથી. તેથી તે આ વાતથી પ્રભાવિત થઈને તેની સૂચનાને અનુસરીને રોકાણ કરવા દોડી જાય છે.
રોકાણકાર શોધવા બેસશે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કે પછી ટેલિગ્રામ કે વૉટ્સ એપ ગ્રુપમાં આ પ્રકારની અનેક ટીપ્સ ફરતી જોવા મળશે. તો શું તમે પોઝિટીટવ ટીપ્સ વાળી દરેક સ્ક્રિપમાં રોકાણ કરશો ખરા? આ ટીપ આપનારા શેર્સમાં રોકાણ કરનારાઓને 100 ટકા રિટર્ન મળશે તેવો દાવો પણ કરે છે. આ ટીપ આપનારા મોટાભાગના SEBI-રજિસ્ટર્ડ નથી હોતા. તેમાંના ઘણા પોતાના કોર્સ ચલાવતા હોવાનું જણાવે છે. તેમ જ કોઈ બ્રોકર લીન્ક હોવાનું જણાવી દે છે. તેમ જ ટેલિગ્રામ ગ્રુપનું પ્રમોશન કરનાર તરીકે પોતાની જાતને ઓળખાવી દે છે. પરંતુ તેને જોનારાઓ તેને સાચું માની લઈને તેમની મૂડી તેમાં રોકી દે છે.
સોશિયલ મીડિયામાં સલાહ આપનારને તમારા વિશે કંઈ ખબર નથી. તમારી આવક કેટલી છે, તમે રોકાણ કરીને કેટલું કમાવા માગો છો, તમારો જોખમ લેવાની ક્ષમતા તથા તમારી આર્થિક પરિસ્થિતિ અંગે જાણકારી ધરાવતા હોતા નથી. છતાં ફક્ત 30–60 સેકન્ડમાં સહુને યોગ્ય લાગે તેવી ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપી દે છે. સોશિયલ મિડીયા પર ઇન્વેસ્ટમેન્ટની ટીપ્સ આપનારાઓની બોલવાની રીત, તેમનું સ્મિત, બધું જ નવા સવા રોકાણકારોને નિર્દોષ લાગે છે. પરંતુ વાસ્તવમાં, તેઓ તમને વિશ્વાસ અપાવે છે કે તેમની ઇન્વેસ્ટમેન્ટ માટેની રણનીતિ તમારા માટે પણ ચાલશે. પરંતુ સોશિયલ મિડીયા પર ટીપ્સ આપનારાઓ મોટાભાગના લોકો રજિસ્ટર્ડ એડવાઈઝર નથી.(SEBI registered advisor) કોઈ નુકસાન થાય તો તેઓ જરાય જવાબદાર નથી. તેનો લાભ લઈને ઘણાં ખોટી ટિપ્સ આપી દે છે. સોશિયલ મિડીયા પર ટીપ્સ આપતા ઘણા લોકો રોકાણ કરીને નહીં, પરંતુ તેમણે વહેતી મૂકેલી ટીપ્સના views, clicks અને affiliate માટેના કમિશનથી કમાઈ લે છે. તેઓ અજાણી એપ્સ, જોખમી પ્રોડક્ટ્સ માત્ર ને માત્ર કમિશન મેળવવા માટે કોઈપણ જાતની સ્પષ્ટતા કર્યા વિના જ પ્રમોટ કર્યા કરે છે. રોકાણકાર તરીકે તમને તમને લાગતું હોય છે કે તમે “ફ્રી” સલાહ લઈ રહ્યા છો. વાસ્તવમાં તમને ફ્રી સલાહ મળતી નથી. પરંતુ તમે પૈસા ગુમાવીને ફીની ચૂકવણી કરી રહ્યા છો અને તમે જાણતા પણ નથી તેવો કોઈ બીજો એડવાઈઝર-ટીપ્સ આપનાર કમાઈ રહ્યો છે.
શેર બજારમાં કેવી રીતે રોકાણ કરવું તેનું જ્ઞાન આપનારાઓની જમાત પણ મોટી છે. તેમની સાથે જોડાઈને તમને લાગે કે તમે શીખી રહ્યા છો. વાસ્તવમાં પરંતુ તમે ફક્ત શોર્ટકટ્સ લઈ રહ્યા છો. બીજા કોઈએ તૈયાર કરેલી સ્ક્રિપ્ટ પર ચાલીને તમે તેનો શિકાર બની રહ્યા છે.
ફ્રી એડવાઈસ સાચી સલાહ કરતા વધુ મીઠી કેમ લાગે છે?
તમે શેરબજારમાં રોકાણ કરનારા કોઈને પણ પૂછો કે ફિનફ્લુએન્સરને કેમ ફૉલો કરે છે, તો જવાબ મળશે કે ફઇફ્લુએન્સર બધું સરળ બનાવી દે છે. રોકાણકાર તરીકે તમને પૂછવામાં આવે કે તમે ક્યારેય કોઈ ફાઈનાન્સિયલ એડવાઈઝર સાથે વાત કરી છે? બહુધા રોકાણકારોનો જવાબ ના માં જ આવે છે. કારણ કે ફાઈનાન્શિયલ એડવાઈઝર પ્રશ્નો પૂછે છે. જુદાં જુદાં વિકલ્પોમાં એસેટ એલોકેશન કરવા જણાવે છે. તમારી જોખમ લેવાની ક્ષમતાને સમજે કે પરખે છે. તેને આધારે તમને નુકસાન ન જાય તે રીતે લાંબા ગાળામાં સારી આવક થાય તેવી યોજના તૈયાર કરી આપે છે. ફાઈનાન્શિયલ એડવાઈઝરની આ વાત તમારી ઝડપી કમાણી પર બ્રેક મારતી હોવાનું રોકાણકારોને લાગે છે. તેમની વાતો કંટાળા જનક લાગે છે. તેની સામે 30 સેકન્ડમાં મળતી સલાહ વધુ અનુકૂળ લાગે છે. એક્સવાયઝેડ સ્ટોક ઉડવા તૈયાર છે, જણાવતો વિડીયો વધુ રોમાંચક લાગે છે. આમ ફ્રી સલાહ સરળ લાગે છે. ઝડપથી સમજી શકાય તેવી. શરૂઆતમાં મીઠી લાગે છે. મફતીયા ટીપ્સ ગણવાનું બીજું કારણ એ છે કે તેને માટે કોઈ જ ફી ચૂકવવી પડતી નથી. આ મફતની સલાહ કેટલી ભારે પડે છે તેની ખબર રોકાણકાર નુકસાનીના મોટા ખાડામાં ઉતરી જાય ત્યારે જ પડે છે.
રોકાણકારે ખરેખર શું કરવું જોઈએ?
સોશિયલ મિડીયા પર જોવા મળતા દરેક વિડીયો પર એક્શન લેવાની જરૂર નથી. સોશિયલ મિડીયા પર મળતી દરેક સ્ટોક ટિપ તમારા માટે નથી. સોશિયલ મિડીયાના વિડીયોને સાંભળ્યા પછી થોડીવાર વિચાર કરજો. પૈસાના રોકાણ કરવાનો નિર્ણય સોશિયલ મિડીયા પર ફરતી રીલ જેટલી ઝડપ લેવાતો નથી હોતો, તેને માટે સઘન વિચાર કરવાની જરૂર છે. બીજા કમાઈ જશે અને તમને રહી જશો તેવો ભય રાખવાની જરૂર નથી. તેમાંય ખાસ કરીને તમને સોશિયલ મિડિયા પર સલાહ આપનારને તમે જાણતા જ નથી ત્યારે તમારે રોકાણ કરવા માટે દોડી જવાની કોઈ જ જરૂર નથી. આ એક સનાતન સત્ય છે કે રોકાણ કરીને કમાવાની શેરબજારમાં દરેક તબક્કે નવી તક મળે જ છે.
તમને મફતમાં એડવાઈઝ આપનાર સેબી રજિસ્ટર્ડ છે કે નહિ તેની ચકાસણી કરી લો. ત્યારબાદ જ તેની સલાહને અનુસરવોનો વિચાર કરો. તેની સલાહ ખરેખર કમાણી કરી આપે તેવી છે કે કેમ તેનો પણ વિચાર કરો. તેનો જવાબ સ્પષ્ટ ન આવે કે તેનો જવાબ મેળવવામાં તમને જ મૂંઝવણ જેવું લાગે તો તેને એક ચેતવણી ગણી લઈને તમે રોકાણ કરવાનું ટાળી દેજો. સોશિયલ મિડીયા પર મળતી ટિપ્સનો માત્ર બજારને સમજવા માટે જ ઉપયોગ કરો. તે ટીપ્સ પ્રમાણે બજારમાં ફેરફાર જોવા મળે છે કે નહિ. એક ડાયરીમાં તેની એક વ્યવસ્થિત નોંધ બનાવો. ત્યારબાદ બજારમાં જે તે ટિપ્સવાળા શેર્સમાં ફેરફાર આવે તો તેની પાછળના કયા કારણો જવાબદાર છે તેની પણ તલાશ કરો. આ પ્રયાસોને અંતે લાંબા ગાળા તમને સમજાશે કે ફિનફ્લુએન્સરની સલાહને માનીને બજારમાં રોકાણ કરવા માટે કૂદી પડવું જોઈએ કે નહિ. આમ ઓનલાઈન કન્ટેન્ટનો ઉપયોગ મૂળભૂત બાબતો શીખવા માટે કરો. SIP કેવી રીતે ચાલે છે, ઈન્શ્યોરન્સ કેમ જરૂરી છે કે પછી મ્યુચ્યુઅલ ફંડ શું છે તે સમજવા માટે જ સોશિયલ મિડિયા પરની ટીપ્સનો ઉપયોગ કરો. તાલીમ પામેલા અને સેબી રજિસ્ટર્ડ એડવાઈઝર કે ફાઈનાન્શિયલ પ્લાનરની જ સલાહ માનીને જ રોકાણ કરવું જરૂરી છે. આ બધાંમાંય તમને ક્યાં કેટલો નફો મળી શકે છે અને ક્યાં નુકસાન જઈ શકે છે તેની ધીરજ પૂર્વક સમજણ આપનારની સલાહ પ્રમાણે જ આગળ વધવાનું પસંદ કરશો તો ઓછા પસ્તાશો.
શેરબજારની પોતાની ચાલ હોય છે. ફાઈનાન્શિયલ એડવાઈઝર કે પ્લાનર કહે તેમ જ બજારમાં થશે તેવું માની લેવાની કોઈ જ જરૂર નથી. તેમની સલાહ પછી પણ તમારા ગણિતો ખોટા પડી શકે છે. આ અનિશ્ચિતતાને સમજીને, જાણીને જ રોકાણ કરજો. હા, સાચી સલાહ માટે થોડી કિંમત ચૂકવવી પડે છે. તેની તૈયારી રાખવી પણ એટલી જ જરૂરી છે.
આણ ઈન્ટરનેટથી દૂર ભાગશો નહિ. પરંતુ ઇન્ટરનેટ પરના કન્ટેન્ટને કામના જ છે તેમ માનીને રોકાણ કરવા માટે કૂદી પડતા નહિ. ફાઈનાન્શિયલ એડવાઈઝર હોવાનો દાવો કરનારની લોકપ્રિયતા એ જ તેની વિશ્વસનીયતા નથી. આ સત્યને પણ સમજી લેવું એટલું જ જરૂરી છે. તેથી જ ટિપ્સ પાછળ દોડવાનું બંધ કરી દો. ઓનલાઈન એડવાઈઝમાં કોઈ શેરનું નામ સાંભળો એટલે તેમાં રોકાણ કરવા માટે દોડી ન જાવ.
ફિનફ્લુએન્સરના ઇરાદાને સમજવાની કોશિશ કરો. તેણે જે કંપનીની ટીપ્સ આપી છે તે કંપનીમાં રોકાણ કરવાના જોખમો અને ફાયદાઓને સમજો. તેની પાક્કી સમજ મેળવ્યા પછી જ નિર્ણય લો. તે SEBI રજિસ્ટર્ડ છે કે નહિ તેની સેબીની સત્તાવાર વેબસાઈટ પર ચકાસણી કરી લો. ફિનફ્લુએન્સર સાથે ચર્ચા કરો. તમારી પોતાની મૂડી રોકીને તમે ખરેખર શું હાંસલ કરવા માગો છો તો જણાવો. રોકાણ કરતાં પહેલા તમને કોઈ શંકાકુશંકા હોય તો તેની પણ પૂછપરછ તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરને કરી લો. તમને સંતોષ થાય તે પછી જ રોકાણ કરો. સંતોષ ન થાય તો રોકાણ ન કરો.
દરેક રોકાણકારોએ તેમના રોકાણ માટેના બજેટ બનાવવા જરૂરી છે. તેમ જ ઇમરજન્સી ફંડ પણ બનાવવા એટલા જ જરૂરી છે. ત્યારબાદ ચોકસાઈપૂર્વક SIPs અથવા ઈન્ડેક્સ ફંડમાં નિયમિત રોકાણ કરો. આ પદ્ધતિ કંટાળાજનક લાગી શકે છે. પરંતુ તે જ વિશ્વસનીય પદ્ધતિ છે.
સોશિયલ મિડીયાના એડવાઈઝર પછી રોકાણ કરનારની સ્થિતિ
સોશિયલ મિડીયાને સાંભળ્યા બાદ રોકાણ કરનારા 90 ટકાથી વધુ ઇન્વેસ્ટર્સ પૈસા ગુમાવે છે. તેની ટીપ્સ પ્રમાણે રોકાણ કરવા ઉતાવળે દોડી જવાને કારણે આ નુકસાન થાય છે. તેની ટીપ્સ અંગે ઊંડો વિચાર કર્યા વિના રોકાણ કરો છો તેથી નુકસાન થાય છે. અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકવાથી નુકસાન થાય છે. .




