• 17 December, 2025 - 5:23 PM

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની જૂના રિજિમને અલવિદા કહી દેશે કે કેમ?

  • નિવૃત્તિ પછી સરકાર પેન્શન આપીને સામાજિક સુરક્ષાની દરકાર ન કરતી હોવાથી જૂની સિસ્ટમ લાભદાયી સાબિત થઈ શકે છે, બચત કરવાની માનસિકતાને વેગ મળે છે.
  • નવી સિસ્ટમમાં ખર્ચ કરવા માટે હાથમાં પૈસા બચે છે અને ખર્ચ કરવાની માનસિકતા વધતી હોવાથી સરકારની જીએસટીની આવક વધે છે

ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનારા 2026-27ના વર્ષના બજેટમાં જૂની ટેક્સ રિજિમને કાયમને માટે વિદાય આપી દેવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. કારણ કે 80 ટકાથી વધુ કરદાતાઓએ પહેલેથી જ નવા રેજીમમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કર્યું છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારતના બચતના સ્વભાવ, મધ્યમ વર્ગની નાણાકીય જવાબદારીઓ અને વહીવટી જટિલતાઓને કારણે જૂનો રેજીમ હજી તરત જ બંધ થવાનો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ બે મહિનાથી પણ ઓછા સમયમાં મોદી 3.0 સરકારનું ત્રીજું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ ચર્ચા છેડાઈ છે.

2024-25ના નાણાંકીય વર્ષમાં આવકવેરાના કુલ 9.19 કરોડ રિટર્ન ફાઈલ થાય છે. તેમાંથી 80 ટકાથી વધુ રિટર્ન નવા ટેક્સ રિજિમ પ્રમાણે ફાઈલ થયા છે. હવે 2025-26ના નાણાંકીય વર્ષ દરમિયાન દેશમાંથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા લગભગ 10 કરોડ સુધી પહોંચી શકે છે. છેલ્લા બજેટમાં સરકારએ નવા રેજીમ હેઠળ 12 લાખ સુધીની આવકને અસરકારક રીતે ટેક્સ-ફ્રી કરી હતી, ત્યારબાદ સરકારે કહ્યું હતું કે લગભગ 75% કરદાતાઓ નવા રેજીમને પસંદ કરી ચૂક્યા છે.

શા માટે જૂનો ટેક્સ રેજીમ હજી નહિ હટે?

ભારતની બચત પ્રણાલી હજી પણ જૂના રેજીમ પર આધારિત છે. આવકવેરા ધારાની કલમ 80C, 80D, 24(b) જેવી કપાતોના લાભ મેળવવા માટે ભારતના મોટી સંખ્યામાં પરિવારની લાંબા ગાળાની બચત કરવાનું પસંદ કરે છે. તેને માટે તેઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ-PPF, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ EPF, જીવન વીમા LIC, પેન્શન, હાઉસિંગ લોન લઈને તેના ખર્ચા આવકમાંથી બાદ મેળવે છે. રૂ. 1.5 લાખ ઉપરાંત અન્ય ખર્ચાઓ પણ બાદ મળે છે. આ કલ્ચર હજી સંપૂર્ણપણે નાબૂદ થયું નથી.

આવકમાંથી બાદ ઉપરોક્ત ખર્ચ બાદ આપવાનું બંધ બચતના દરમાં ઘટાડો આવી જશે. નિવૃત્તિ સમય માટે કરવામાં આવતી બચત અને આયોજનો અટકી પડશે. તેમ જ લાંબા ગાળા માટે મૂડીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા જોખમમાં મૂકાઈ જશે. આમ અચાનક જ ઉપરોક્ત વ્યવસ્થાને બંધ કરી દેવાથી લાંબા ગાળાની બચત અને રોકાણમાં ઘટાડો થશે.

  1. મધ્યમ વર્ગની સંપૂર્ણ નાણાકીય યોજના ટેક્સ-લિંક્ડ પ્રોડક્ટ્સ પર આધારીત

ભારતના મોટા ભાગના મધ્યમ વર્ગ હોમ લોન, ઇન્સ્યોરન્સ અને પેન્શન પ જ નિર્ભર છે. વેરાના લાભ મળતાં હોવાથી જ તેઓ  હોમ લોન, વીમો લે છે. તેમ જ પેન્શનની આવક થતી રહે તે માટેના આયોજનો કરે છે. આમ મધ્યમવર્ગના સંપૂર્ણ આયોજનો ખોરવાઈ જશે. કરવેરાના નિષ્ણાતો કહે છે કે ભલે નવો રિજીમ સસ્તો હોય કે ઓછો ખર્ચ કરાવનાર હોય, પરંતુ 80C અથવા HRA જેવી છૂટો ન મળવાથી મધ્યમ વર્ગને ટેક્સનું બોજ વધારે લાગશે.

ડ્યુઅલ સિસ્ટમથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા

નવા અને જૂના ટેક્સ રિજીમને કારણે અલગ અલગ લાભ થાય છે. આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાના નવા રિજીમમાં લોકોના હાથમાં ખર્ચવા માટે વધુ પૈસા બચે છે. તેથી ખર્ચ વધતા સરકારની જીએસટીના આવક વધે છે. જૂની સિસ્ટમમાં કરદાતાઓની બચત વધે છે. તેમના ભાવિની સલામતી વધે છે. તેમાંય ખાસ કરીને ભારતમાં સામાજિક સુરક્ષા એટલ કે નિવૃત્તિ પછી પેન્શનની સિસ્ટમ યોગ્ય ન હોવાથી લોકોના ભાવિની સુરક્ષા ઓછી છે. તદુપરાંત આરોગ્ય સારવાર પણ ખર્ચાળ બની હોવાથી નિવૃત્તિ પછીની સલામતી વધુ મહત્વની છે. તેથી પણ બચત જરૂરી છે.

સરકાર ઇચ્છે છે કે બચત કરતાંય લોકો ખર્ચ વધુ કરે. લોકોના ખર્ચ વધતા જીએસટીની અને ઇન્કમટેક્સની આવક વધે છે. સરકાર પાસે માળખાકીય સુવિધા વધારવા સહિતના ખર્ચ કરવા માટેની આવક વધે છે. આ આવક ખર્ચાતા રોજગારીની તક વધે છે. આમ બેરોજગારી પણ ઓછી થાય છે અને પૈસો સતત ફર્યા કરે છે. પરંતુ જૂની અને નવી બંને સિસ્ટમ ચાલુ રાખવાથી લોકોનું આર્થિક વર્તન બદલાવા પર બ્રેક લાગે છે.

જૂનુ રિજીમ રદ્દ કરવાનું કારણ

એક, હજારો કેસોમાં ફરી ગણતરી કરવી પડે છે. બે, ઇનકમ ટેક્સ ઍક્ટમાં મોટા ફેરફારો કરવા પડે છે. કરદાતાઓની લાંબા ગાળાની યોજનાઓ પર તેની અસર પડે છે. આ ફેરફાર એકદમ લાવવા કઠિન હોવાથી સરકાર “ધીમે ધીમે જૂની વ્યવસ્થા ગાયબ થવા દોનો વ્યૂહ અપનાવી બેઠી છે. નવી સિસ્ટમને વધુ આકર્ષક બનાવી દીધી છે. આવકવેરાના દર ઘટાડી દીધા છે. આવકવેરામાં મળતા રિબેટ વધારી દીધા છે. આ બધું યોગ્ય ટ્રાન્ઝિશન માટે કરવામાં આવ્યું છે, જૂની વ્યવસ્થાને અચાનક બદલીને નવી સિસ્ટમ લાદી દેવા માટે કરવામાં આવ્યું નથી.

શું જૂનો રેજીમ અચાનક દૂર કરવાથી શું થાય?

ગત વર્ષના બજેટ પછી ભલે 80% લોકો નવા રેજીમમાં ગયા હોય પરંતુ લોકોની બચત કરતા રહેવાની આદત હજી બંધ થઈ નથી. મધ્યમ વર્ગની પ્રજાની બચત કરવાની માનસિકતાની તીવ્રતા ઓછી થઈ જ નથી. બીજું, ચૂંટણી વર્ષ આવી રહ્યું હોવાથી એકાએક નવી વસ્તુ લાદી દેવી ઉચિત જણાતી નથી.

હા, ટેક્સ વગર પણ બચત જાળવવાની ખાતરી મળતી હોય તો સરકાર જૂના રિજિમને તરત જ ખતમ કરી શકે છે. નાણાંના ખર્ચ અને બચત વચ્ચે સંતુલન આવે તે વખતે જૂની સિસ્ટમને રદ કરી શકાય છે. તદુપરાંત નવા રેજીમમાં 90–95 ટકા કરદાતા સ્થળાંતર કરી જાય તે પછી જૂની સિસ્ટમ રદ કરવાન વિચાર કરી શકાય છે. જૂની સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડીડક્શન વત્તા રીબેટ-વળતર આપવામાં આવે છે. આવકવેરા ધારાની કલમ 80C અને હાઉસ રેન્ટ એલાવન્સ, HRAના ખર્ચ બાદ આપવામાં આવે છે. નાની બચત યોજનામાં રોકાણ કરવા બદલ નોન ટેક્સ બેનિફિટ્સ આપવામાં આવે છે. તેમ જ હોમ લોન પરના વ્યાજ ખર્ચ બાદ આપવાનુ અને વીમા પોલીસીના પ્રીમિયમના ખર્ચ બાદ આપવામાં આવે છે.

જૂનો રેજીમ ચાલુ રહેવાની પૂરી સંભાવના

80% કરતાં વધુ લોકો નવા રેજીમમાં હોવા છતાં જૂની વેરા પદ્ધતિમાં બચતની માનસિકતા જળવાઈ રહે છે. મધ્યમ વર્ગની નાણાકીય સંગીનતા જળવાઈ રહે છે. લાંબા ગાળા માટે બચત કરવાની માનસિકતાને વેગ મળે છે. આ તમામ કારણોસર સરકાર બંને રેજીમને હજી થોડા વર્ષો ચાલુ રાખે એવી પૂરી શક્યતા છે.

 

Read Previous

સામાન્ય માણસ માટે ખુશખબર! RBI એ મોંઘવારીનો અંદાજ ઘટાડ્યો, હવે FY26 માં માત્ર 2% રહેવાની ધારણા 

Read Next

ફિનઈન્ફ્યુલન્સરે એજ્યુકેશનના નામે શેર ટિપ્સ વેચી? સેબીએ 546 કરોડ જપ્ત કર્યા, ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular