ગુજરાતની આઠ મિલોની તમામ મિલકતો વેચાઈ ગઈ પણ કામદારોના લેણા ચૂકવાયા જ નહિ

(નોંધઃ અહીં આપવામાં આવેલી તસવીર માત્ર પ્રતીકાત્મક તસવીર છે)
બંધ મિલના કામદારોનું કોઈ ધણી ધોરી નથી: ઓફિશિયલલિક્વિડેટર તેના કરોડો-અબજોના ભંડોળમાંથી લોન પર રૂપિયા આપીને ચૂકવણી કરે
ગુજરાત સરકાર પણ કામદારોને તેમના હક્કના નાણા અપાવવા માટે ભંડોળ ફાળવે
અમદાવાદઃ ગુજરાતની બંધ પડી ગયેલી સાત ટેક્સટાઈલ મિલોની (Closed textile mills)તમામ મિલકતો વેચાઈ ગઈ છે, પરંતુ તેમને તેમના બાકી લેણા મળ્યા જ નથી. આ સાત મિલોમાં અરુણ મિલ, રૂસ્તમ મિલ, નૂતન મિલ, રામકૃષ્ણ મિલ, અર્બુદા મિલ, ભારત સૂર્યોદય મિલ, વિજય મિલ અને અજિત મિલનો સમાવેશ થાય છે. મિલકત વેચાયા પછી લેણિયાતોમાંથી કોને પહેલા નાણાં આપવા તે અંગેના નિયમને કારણે કામદારોને છેલ્લે ચૂકવવાનો નિયમ હોવાથી અન્ય લેણિયાતો તેમની રકમ લઈને નીકળી ગયા છે. પરંતું બાપડાં બિચાર કામદારો તેમના નાણાં વિના રઝળી પડ્યા છે.(workers of 8 textile mills deprived of their legal dues)
કામદારોને 25થી 30 વર્ષ સુધી પ્રતીક્ષા કર્યા પછી મળેલા નાણાંની વાત કરવામાં આવે તો અરુણ મિલના કામદારોને કુલ રૂ. 19,63,43,205માંથી 54.5 ટકા રકમ મળી ચૂકી છે. તેમના 45.5 ટકા નાણાં આજ 30થી વધુ વર્ષ થયા છતા બાકી છે. રૂસ્તમ મિલના રૂ. 7,45,85,083ના લેણાંમાંથી 39.52 ટકા નાણાં જ ચૂકવાયા છે. આ જ રીતે નૂતન મિલના 16.35,25,211માંતી માત્ર 36.01 ટકા નાણાં જ ચૂકવાયા છે. રામકૃષ્ણ મિલના રૂ. 6,71,10,818માંથી રૂ. 4,44,51,306 ચૂકવાયા છે. તેમના 33.76 ટકા નાણાં હજીય બાકી છે. અર્બુદા મિલના રૂ. 11,31,53,133ના કુલ લેણામાંથી હજી માત્ર 4,97,00,000 ચૂકવાયા છે. ભારત સૂર્યોદય મિલના રૂ. 13,35,23,731માંથી રૂ. 4,21,81,571 જ ચૂકવાયા છે. વિજય મિલના રૂ. 33,31,36,651માંથી રૂ. 11,81,55,780 જ ચૂકવાયા છે. અજિત મિલના કુલ રૂ. 6,43,79,484ના લેણામાંથી રૂ. 4,86,40,000 ચૂકવાયા છે.
લેબર લૉના નિષ્ણાત એડવોકેટ ધીમંત વસાવડાનું કહેવું છે કે અમદાવાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં 1990 પછી સખત મંદી આવી છે. ગુજરાતની 36થી મિલના 77000થી વધુ કામદારો તેમને લેણા માટે સંઘર્ષ કરતાં આવ્યા છે. તેમના કુલ લેણા રૂ. 629,27,68,205ના લેણા બાકી હતા. કામદારોને 365,50,96000થી વધુ મળ્યા છે. તેની સામે આજની તારીખે રૂ. 260 કરોડથી વધુના લેણા બાકી છે. આમ 30થી 35 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં કામદારોનું કોઈ જ ધણીધોરી ન હોય તેવી સ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે. તેમને કુલ લેણામાંથી 58.08 ટકા લેણા જ મળ્યા છે. માત્ર 11 મિલના કામદારોને તેમના સો ટકા વળતર મળી ચૂક્યું છે. આજે 25 મિલના કામદારોને દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે.
પ્રોવિડન્ટ ફંડ કમિશનર પાસે કરોડો રૂપિયા અનક્લેઈમ પડ્યા છે. સરકાર કે નાણાં મંત્રી ઇચ્છે તો ઓફિશિયલ લિક્વેડેટરને તેમાંથી લોન આપી શકે છે. તે લોનમાંથી બાકીના પૈસાની ચૂકવણી કરી શકે છે. કેટલીક મિલોની જમીનો અંત્યારે કાનૂની ગૂંચમાં અટવાયેલી છે. આ જમીનો ન વેચાતા કામદારોના પૈસા પણ અટવાયેલા પડ્યા છે. તેમના નાણા ચૂકવવા માટે પ્રોવિડન્ટ ફંડના અનક્લેઈમ્ડ એમાઉન્ટમાંથી ઓફિશિયલ લિક્વિડેટરને લોન અપાવી તેના માધ્યમથી ચૂકવણી કરવાની વ્યવસ્થા કરી શકે છે. જમીન વેચાય ત્યારે તેમાંથી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીની લોનના પૈસા સીધા ચૂકવી આપવાની ગોઠવણ કરી શકાય છે.
કામદારોને અત્યાર સુધી રૂ.180 કરોડ મળ્યા નથી. આ રકમ કામદારોને મળી જાય તે માટે ગુજરાત સરકાર પણ તેમને નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરી શકે છે. ગુજરાત સ્ટેટ ટેક્સટાઈલ કોર્પોરેશન રચાયું અને 6 જૂન 2005માં વાઈન્ડિંગ અપમાં ગયું ત્યારે 14000 પ્લસ કામદારોને રૂ. 500 કરોડથી વધુ ચૂકવ્યા હતા. તેમાં બદલી કામદારોને પણ પૈસા આપ્યા હતા. ફડચા અધિકારી સાથે સમજૂતી કરીને ગુજરાત સરકાર કામદારોના બાકી પૈસા ચૂકવી શકે છે.
કામદારોને રિટાયરમેન્ટ અને ગ્રેજ્યુઈટીના પૈસા પણ મળ્યા નથી. ગ્રેચ્યુઈટીનું બર્ડન 4 ટકાનું આવે છે. પ્રોવિડન્ટ ફંડનો દર 8.25 ટકાનો છે. બીજા 8.25 ટકા માલિક તરફથી જમા કરાવવાના આવે છે. આ સ્થિતિમાં કામદાર અને માલિક બંનેનો હિસ્સો કાયમી ધોરણે માલિક પાસેથી જ જમા કરાવવાની વ્યવસ્થા કરી દેવામાં આવે તો રિટ્રેન્ચમેન્ટ અને ગ્રેચ્યુઈટી સલામત થઈ જાય છે. સરકાર ઇચ્છે તો આ કામગીરી કરી શકે છે.
મિલનું નામ બાકી લેણા કામદારોની સંખ્યા
અરુણ મિલ રૂ. 9 કરોડ 3412
રૂસ્તમ મિલ રૂ. 4.5 કરોડ 1416
નૂતન મિલ રૂ. 10 કરોડ 2529
રામકૃષ્ણ મિલ રૂ. 2.26 કરૌડ 1900
અર્બુદા મિલ રૂ. 6.25 કરોડ 1932
ભારત સૂર્યોદય મિલ રૂ. 8.90 કરોડ 2380
વિજય મિલ રૂ. 21.50 કરોડ 2618
અજિત મિલ રૂ. 1.75 કરોડ 1820



