નાની વયે ટાલની સમસ્યા વધી જતાં યુવાનો હેરકેર ઇન્ડસ્ટ્રીઝને શરણે
નાની વયે ટાલની સમસ્યા વધી જતાં યુવાનો હેરકેર ઇન્ડસ્ટ્રીઝને શરણે
સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરા થતાં ગાળા સુધીમાં હેરકેર માર્કેટ વાર્ષિક ધોરણે ૨૪.૩ ટકાના દરે વધીને રૂ. ૧,૨૮૭ કરોડ સુધી પહોંચી ગયું
ભારતમાં ફાર્માસ્યુટિકલ હેરકેર માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. ફાર્માટ્રેકના ડેટા અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરા થતાં ‘મુવિંગ એન્યુઅલ ટોટલ’માં હેરકેર માર્કેટ વાર્ષિક ધોરણે ૨૪.૩ ટકાના દરે વધીને રૂ. ૧,૨૮૭ કરોડ સુધી પહોંચી ગયું છે, જેની સરખામણીએ સમગ્ર ડર્મેટોલોજી (ચામડીના રોગો) માર્કેટમાં માત્ર ૧૦.૭ ટકાનો ગ્રોથ નોંધાયો છે. છેલ્લા ૪ વર્ષમાં આ કેટેગરીમાં ૭૮ ટકા જેટલો જંગી વધારો થયો છે, જે સપ્ટેમ્બર ૨૦૨૨ માં રૂ. ૭૨૪ કરોડ હતો. માત્ર સપ્ટેમ્બર ૨૦૨૬ મહિનાની જ વાત કરીએ તો, હેરકેર ઉત્પાદનોના વેચાણમાં વાર્ષિક ૩૭.૧ ટકાનો ઉછાળો આવી રૂ. ૧૩૨.૬ કરોડ નોંધાયો હતો, જેમાં ૨૦.૫ ટકા હિસ્સો વોલ્યુમ (વેચાણના પ્રમાણ) વૃદ્ધિનો અને ૯.૫% નવા પ્રોડક્ટ્સનો હતો.
વહેલી ટાલ પડવાના કારણો
નાની ઉંમરે વાળ ખરવા કે વહેલી ટાલ પડવાના કારણોની વાત કરતાં જાણીતા તબીબો અને તજજ્ઞો જણાવે છે કે આજના સમયમાં યોગ્ય આહારનો અભાવ, વધતું જતો માનસિક તણાવ, હોર્મોનલ અસંતુલન અને પ્રદૂષણ મુખ્ય કારણો છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર્સ દ્વારા અપાતી કેમિકલ્સ અને એક્ટિવ્સ ધરાવતી દવાઓની જાહેરાતો જોઈને ડૉક્ટરની સલાહ વગર ‘સેલ્ફ-મેડિકેશન’ (પોતે જ દવાઓ લેવી) કરવાની કુટેવથી પણ આ સમસ્યા ગંભીર બને છે. નિષ્ણોતો કહે છે કે વાળ ખરવાને હવે માત્ર સુંદરતા સાથે સંબંધિત ન ગણતા તેને એક તબીબી સ્થિતિ તરીકે જોવામાં આવી રહી છે.
કઈ વયના યુવાનો અને ગ્રાહકો હેરકેર તરફ વળી રહ્યા છે
મુખ્યત્વે ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનો અને નવયુવાનો હેરકેર અને ડર્મેટોલોજીસ્ટની સારવાર તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. માહિતીની સરળ ઉપલબ્ધતા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને દેખાવ અંગેની સભાનતાના કારણે યુવાનો હવે સમસ્યા વધી જાય ત્યાં સુધી રાહ જોવાને બદલે શરૂઆતના તબક્કે જ નિષ્ણાત ચર્મરોગ વિજ્ઞાનીઓની સલાહ લઈ રહ્યા છે. નાની વયના દર્દીઓમાં વાળ ખરવાની ચિંતા મુક્તપણે વ્યક્ત કરવાની અને તબીબી માર્ગદર્શન મેળવવાની તૈયારી પહેલા કરતાં ઘણી વધી છે, જેનાથી બજારમાં વ્યાપક અને મૂલ્યવર્ધિત સારવારોની માંગ વધી છે.
લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફારો
વહેલી ટાલ કે વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે યુવાનોએ પોતાની દિનચર્યા અને લાઈફસ્ટાઈલમાં નોંધપાત્ર બદલાવ લાવવો અનિવાર્ય છે. તબીબોના જણાવ્યા મુજબ વાળ ખરવાની સારવારનું પરિણામ મળવામાં કેટલાક મહિનાઓનો સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. લાઈફસ્ટાઈલમાં સુધારા માટે પૂરતી ૭-૮ કલાકની ઊંઘ લેવી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જોઈએ. બીજું, જંક ફૂડ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે પોષક તત્વો, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર આહાર લેવો જોઈએ. ત્રીજું, સોશિયલ મીડિયા કે જાહેરાતો જોઈને જાતે દવાઓ લેવાનું શરૂ કરવાને બદલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ જ મિનોક્સિડિલ (Minoxidil) કે ફિનાસ્ટેરાઈડ (Finasteride) જેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
ફાર્મા ઈન્ડસ્ટ્રીનો પ્રતિસાદ
આ સમગ્ર સ્થિતિ ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે નવી તકો ઊભી કરી રહી છે. હાલમાં મિનોક્સિડિલ આધારિત ટ્રીટમેન્ટ્સ કુલ હેરકેર સેલ્સનો ૬૦ ટકા હિસ્સો ધરાવે છે. ડૉ. રેડ્ડીઝની ‘મિન્ટોપ’નો વેચાણ આંકડો રૂ. ૧૮૪.૭ કરોડ અને ‘મિન્ટોપ પ્રો’ રૂ. ૨૦.૮ કરોડ પહોંચ્યો છે, જ્યારે ઈન્ટાસ ફાર્માની ‘મોર-એફ’ (Morr-F) રૂ. ૧૩૭.૫ કરોડ અને સિપ્લાની ‘ટુગેન’ (Tugain) રૂ. ૩૫ કરોડ સુધી પહોંચી છે. એકંદરે, નાની ઉંમરે ટાલ પડવાની વધી રહેલી જાગૃતિ અને તબીબી સારવાર લેવાની યુવાનોની બદલાયેલી માનસિકતાથી ભારતમાં ફાર્મા હેરકેર માર્કેટ સતત મજબૂત પણ બની રહ્યું છે.
