• 9 October, 2025 - 5:52 AM

ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીના નવા સ્ટાન્ડર્ડ પહેલી ડિસેમ્બરથી અમલમાં

ઇલેક્ટ્રિક વેહિકલમાંની ખર્ચાળ બેટરી અધવચ્ચે ફેઈલ થવાના ભયથી વેહિકલ ખરીદવાથી દૂર રહેતા ગ્રાહકો
 
ઇલેક્ટ્રિક વેહિકલના ગ્રાહકોનો વિશ્વાસ જીતવા આઠ વર્ષ કે 2.5 લાખ કિલોમીટરથી ઓછામાં બેટરી બગડે તો વગર ખર્ચે રિપ્લેસ કરી આપવાની ગેરેન્ટી આપતી કંપનીઓ
 
બેટરીની ક્વોલિટી સુધારીને આગ લાગવાની ઘટનાઓ ઓછી બને તે માટે બેટરી માટેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી
 
 
ree

 
 

ભારત સરકાર અને માર્ગ વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વેહિકલને પ્રમોટ કરવા ભારે જોરશોરથી કામ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને કારણે તથા ક્રૂડ રિઝર્વ ઘટી રહ્યું હોવાથી સરકાર ઇલેક્ટ્રિક વેહિકલને પ્રમોટ કરી રહી છે. તેનું બીજું એક કારણ એ પણ છે કે હવાનું પ્રદુષણ અત્યંત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ ઓછું કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના મંચ પર આપેલા કમિટમેન્ટ પણ પૂરા કરવાના હોવાથી ઇલેક્ટ્રિક વેહિકલને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. હા, ઇલેક્ટ્રિક વેહિકલ સમયની જરૂરિયાત છે.

 

ઇલેક્ટ્રિક વેહિકલમાં સૌથી મોંઘો અને અનિવાર્ય હિસ્સો છે બેટરી. બેટરીની ઊંચી કિંમત અને તેની લાઈફ અંગેની અનિશ્ચિતતા સહિત વોરંટી ગેરન્ટીના પ્રશ્નને કારણે લોકો ઇલેક્ટ્રિક વેહિકલની ખરીદી કરતાં ખચકાય છે. ભારત સરકારે બેટરીની સેફ્ટી-સલામતી માટેના ધોરણો નક્કી કર્યા છે. અગાઉની તુલનાએ આ વખતે વધુ કડક અને વધુ ચુસ્ત ધોરણો નક્કી કરી આપ્યા છે. ટુ વ્હિલર્સમાં વાહનો સ્લોપ એટલે કે ચઢાણ પર ચઢી શકવાને નિષ્ફળ જવાની ઘટનાઓ બની તેમ જ ઇલેક્ટ્રિક વેહિકલમાં આગ લાગી જવાની ઘટનાઓ બની તે પછી સરકાર માટે વેહિકલની બેટરની બહુ જ મહત્વની બની ગઈ છે. તેમાંય ભારતને ઇલેક્ટ્રિક વેહિકલના મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની ભારતની નેમ છે. તેને સાકાર કરવા માટે ધીમી પણ મક્કમ ગતિએ પ્રોડક્ટની ક્વોલિટીમાં સુધારો કરવાનો અને ઇલેક્ટ્રિક વેહિકલ વાપરનારા પેસેન્જર્સની સલામતીમાં વધારો કરવાનો ભારત સરકારે નિર્ધાર કર્યો છે.

 

તેથી જ પહેલી ડિસેમ્બર 2022થી ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીના ધોરણો માટેના પહેલા તબક્કાનું અમલીકરણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. આમ તો પહેલી ઓક્ટોબર 2022થી એઆઈએસ-156ના અને એઆઈએસ-038ના સ્ટાન્ડર્ડનો અમલ ચાલુ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટુ વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સ માટે એઆઈએસ-156 સ્ટાન્ડર્ડ છે. જ્યારે ફોર વ્હિલર્સ અને તેનાથી મોટા વાહનો એટલે કે પેસેન્જર્સ વેહિકલ અને કાર્ગો વેહિકલ્સ માટેની બેટરીના એઆઈએસ-038ના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. એ ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીના ટેસ્ટિંગ માટેના સ્ટાન્ડર્ડ્સ છે. હવે એઆઈએસ-156નો અમલ પહેલી ડિસેમ્બર 2022થી થશે અને એઆઈએસ-038નો અમલ 31મી માર્ચ 2023થી ચાલુ કરી દેવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રાલયે તેની જાહેરાત કરી દીધી છે.

 
 
ree

પહેલા તબક્કાના સ્ટાન્ડર્ડને પહોંચી વળવા ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અઘરા નથી. પરંતુ બીજા તબક્કાના સ્ટાન્ડર્ડને પહોંચી વળવા મુશ્કેલ હોવાનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માનવું છે. તેનું કારણ આપતા નિષ્ણાતો કહે છે કે, “બીજા તબક્કાના સ્ટાન્ડર્ડને પહોંચી વળવા માટે બેટરીની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવા પડશે. આ ટૂંકા ગાળામાં ડિઝાઈન તૈયાર કરવા ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની, તેની પ્રોટોટાઈપ તૈયાર કરવાની અને તે પૂર્વે પૂરતા ટેસ્ટ કરવાની જવાબદારી નિભાવવાની છે. આ ચકાસણીને અંતે બેટરીની સલામતીના ધોરણને સમર્થન આપવાની જવાબદારી પણ અદા કરવાની છે. તેને માટે આપવામાં આવેલો ચાર મહિનાનો સમય ઘણો જ ઓછો છે. આ બધી પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેને પ્રમાણિત કરવાની અને પ્રમાણિત કર્યા પછી તેના ઉત્પાદનની પ્રક્રિયા પણ ચાલુ કરવાની છે. તેને માટે આપવામાં આવેલો સમયગાળો બહુ જ ઓછો છે. આ પ્રક્રિયા પૂરી કરવામાં બિનજરૂરી ઉતાવળ કરવામાં આવે તો આવનારા દિવસોમાં તે ખતરનાક કે જોખમી સાબિત થઈ શકે છે. બેટરીને વપરાશકારો માટે વધુ સલામત બનાવવાનો મૂળભૂત ઉદ્દેશ જ સચવાશે નહિ. અતિશય ઉતાવળ કરવાથી અણધારી ઘટનાઓ બની જવાની શક્યતાઓ વધી જાય છે.”

 

એક તરફ બેટરી સલામત હોવાનું પ્રમાણિત કરીને તેનું ઉત્પાદન કરવાના ફાંફા છે. ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીની સલામતીમાં વધારો કરવા માટેના અખતરાઓ મેન્યુફેક્ચરર્સ કે રિસર્ચ કરનારાઓને આપવામાં આવેલા સમયગાળા કરતાં વધુ લાંબા સમયથી અખતરાઓ ચાલી રહ્ય હોવા છતાંય તેને મંજૂર કરાવવા માટેની છેલ્લી તારીખ બહુ જ નજીક હોવાથી તેની એપ્રુવલ આપતી એજન્સિઓ પાસેથી મંજૂરી મળશે કે કેમ તે પણ એક સવાલ જ છે. તેની મંજૂરી મળ્યા વિના તેને પ્રમાણિત કરવું કઠિન બનશે. માત્ર બેટરી જ નહિ આખા વાહનને પ્રમાણિત કરવાની કામગીરી તો તેનાથી પણ વધુ કઠિન બની જશે.

 
ree

 

હા, તેનો એક ફાયદો એ પણ થશે કે નબળી ક્વોલિટીની બેટરી બનાવનારાઓ આ હરીફાઈમાંથી બહાર જ ફેંકાઈ જશે. મજબૂત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ધરાવતા બેટરી મેન્યુફેક્ચરર્સ જ રેસમાં રહેશે. એઆઈએસ-156ના ત્રીજા સુધારાના અમલ પછી બેટરીના મેન્યુફેક્ચરિંગના સેગમેન્ટની 50 ટકા કંપનીઓનું અસ્તિત્વ જ રહેશે નહિ. તેમ થતાં બેટરીમાં ગરમી વધી જતાં આગ લાગવાની ઘટનાઓ ઓછી થઈ જશે. આગ લાગવાની ઘટનાઓ ઓછી થતાં કસ્ટમર્સને ઇલેક્ટ્રિક વાહન પરનો ભરોસો વધી જશે. કસ્ટમર્સનો ભરોસો વધશે તો વધુ ને વધુ લોકો ઇલેક્ટ્રિક વેહિકલની ખરીદી કરવા આગળ આવશે.

 

સરકારની ઉતાવળને કારણએ બેટરીની સઘન ટેસ્ટિંગની કામગીરી બરાબર થશે નહિ. આ માટે બે તબક્કામાં આપવામાં આવેલો બે મહિનાનો ગાળો પૂરતો નથી. જોકે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશનના સહર્ષ દામાણીનો મત આ બાબતમાં જુદો પડે છે. સહર્ષ દામાણી કહે છે, “નવી ગાઈડલાઈન્સ સારી જ છે. ગાઈડલાઈન્સ ન હોવાથી કોઈપણ ચીનથી પૂરજાઓ લાવીને ગાડી બનાવી દેતા હતા. તેને પરિણામે પરફોર્મન્સના પ્રોબ્લેમ થતાં હતા. સ્ટાન્ડર્ડ ન હોવાથી કોઈપણ ગાડી બનાવી દેતું હતું. હવે ક્રાઈટેરિયા નક્કી થયા હોવાથી આગ લાગવાની ઘટના ઓછી થઈ જવાની સંભાવના છે.” ઇલેક્ટ્રિક વાહનના ડેવલપમેન્ટ પર નજર રાખતા સાગર શાહ કહે છે, “અત્યારે ઇલેક્ટ્રિર વેહિકલ ખરીદવા માગનારાઓ બેટરીની સમસ્યાને કારણે ખરીદતા અચકાય છે. હવે ફોર વ્હિલર્સની બેટરીમાં આઠ વર્ષની અથવા તો 2થી 2.50 લાખ કિલોમીટરની વોરન્ટી આપે છે. વચગાળામાં બેટરી બગડી જાય તો તેવા સંજોગમાં કંપની તેમને બેટરી બદલી આપતી થઈ છે. તેને માટે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ લેતી નથી. પરિણામે લોકોનો ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીમાંનો લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.”

 

બેટરીના સ્ટાન્ડર્ડમાં સુધારો કરવા માટે બેટરી ઉત્પાદકો અને સંશોધકોને આપવામાં આવેલો સમયગાળો પણ પૂરતો હોવાનું સહર્ષ દામાણી જણાવે છે. તેમને છેલ્લી ડેડલાઈન પૂર્વે પણ સમય આપવામાં આવ્યો હતો. જોકે બેટરીના ટેસ્ટિગમાં જ છથી આઠ મહિનાનો ગાળો લાગી જાય છે. તેમાં આંતરિક ટેસ્ટિંગ ઉપરાંત થર્ડ પાર્ટી ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. જોકે બેટરી મેન્યુફેક્ચરર્સે પણ સમય સાથે તાલ મિલાવીને આગળ વધવાનો પ્રયાસ ચાલુ કરી દીધો છે.

 
 
ree

બેટરીની વધી રહેલી કિંમત પણ એક બીજો વિચાર કરવા પ્રેરતો સવાલ છે. નવી અને અસરકારક બેટરી બનાવવા માટે તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. તેણે થર્મલ પ્રોપલ્ગેશનની ટેસ્ટ અને આઈપી 67ના એન્ક્લોઝર રેટિંગની પણ પ્રાપ્ત કરવા પડે છે. તેને પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તથા અન્ય બાબતો માટે મેન્યુફેક્ચરર્સે નવો વધારાનો ખર્ચ કરવો પડશે. તેને માટે નવું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડશે. તેનાથી બેટરીની કિંમતમાં થોડો વધારો આવી રહ્યો છે. એક અંદાજ મુજબ નવા ધોરણો પ્રમાણે બેટરી તૈયાર કરવાથી તેની કિંમતમાં 5 ટકા જેટલો વધારો આવી જાય છે. બેટરીના ટેસ્ટિંગ માટે આંતરિક લેબોરેટરી હોવી પણ એટલી જ જરૂરી છે. ટેસ્ટિંગ મશીન પણ વસાવવા પડે છે. બેટરી મેન્યુફેક્ચરિંગની સમગ્ર પ્રક્રિયાના ઓટોમેશન માટે બીજો ખર્ચ પણ કરવો પડે તેમ છે. બેટરી ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ તથા તેને સમર્થન આપવાની પ્રક્રિયામાં પણ ખાસ્સા ફેરફારો આવી જશે. સારી ક્વોલિટીની બેટરીનું મેન્યુફેક્ચરિંગ કરનારાઓએ તેમની પોતાની અંગત લેબોરેટરી પણ બનાવવી પડશે.

 

ટોર્ક મોટર્સે 4 કિલોવોટની ટોર્ક લાયન બેટરીની ડિઝાઈન બનાવી લીધી છે. આ બેટરી મોટરસાઈકલના કસ્ટમર્સ સુધી પહોંચે તે પૂર્વે તેની 100 કિલોમીટર સુધી વપરાશ ચાલુ રાખીને ચકાસણી કરવામાં આવે છે. નવા નોર્મ્સ પ્રાપ્ત કરવા માટે આ બેટરીમાં થોડા ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે.

 

ઇલેક્ટ્રિક વેહિકલ પર ફાઈનાન્સ કઈ રીતે કરવામાં આવશે

 

આમ ભારત સરકારે ઇલેક્ટ્રિક વેહિકલમાં બેટરીની ક્વોલિટી સુધારવા પર ફોકસ કર્યું છે. હજી એક બીજી સમસ્યા તેના વેચાણને અટકાવી રહી છે. આ સમસ્યા છે ઇલેક્ટ્રિક વેહિકલની રિ-સેલ વેલ્યુની. ઇલેક્ટ્રિક વેહિકલમાં મોટર સિવાય બીજા યંત્રો કે પૂરજાઓ ઓછા છે. તેથી એકવાર તેની ખરીદી કર્યા પછી પાંચ સાત વર્ષ તેનો વપરાશ કર્યા બાદ તેની રિસેલ વેલ્યુ શું આવે છે તે એક મોટો સવાલ છે. આ રિસેલ વેલ્યુ ન આવે તો તેના પર લોન કયા ધોરણે આપવી તે બેન્ક માટે એક મોટો સવાલ બની જાય છે. ઇલેક્ટ્રિક વેહિકલની ખરીદી પર લોન લીધા બાદ કોઈ ડિફોલ્ટર બને તો તેવા સંજોગોમાં બેન્ક વાહન જપ્ત કરીને વેચે તો પણ તેના નાણાં પરત મળે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. આ સવાલને કારણે બેન્કો કેટલું અને કેવું અને કઈ શરતે ફાઈનાન્સ આપશે. આ બાબત પણ વિચાર કરાવે તેવી છે.

Read Previous

Stock Idea : રૂ. 246ના ભાવનો શેર રૂ.300 સુધી જઈ શકે

Read Next

શેર બજારમાં નવા નવા છો? આ 7 ટિપ્સ તમને મદદ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular