કારકિર્દીની શરૂઆતથી જ આટલું ધ્યાન રાખશો તો ક્યારેય પૈસાનું ટેન્શન નહિ કરવું પડે
જેટલું જલ્દી ઈન્વેસ્ટ કરવાનું ચાલુ કરશો, તેટલો વધુ લાભ થશે.
વીસી કે ત્રીસીમાં કરેલું આયોજન તમને એક સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જશે.

મોટાભાગના લોકોની માનસિકતા હોય છે કે યુવાન હોવ ત્યારે એન્જોય કરી લો, પૈસા બચાવવા માટે તો આખું જીવન પડ્યું જ છે. પરંતુ તમે જેટલું જલ્દી આયોજન શરૂ કરી દેશો, તેટલા જ જલ્દી સમૃદ્ધિની કેડી પર આગળ વધશો. કારકિર્દીની શરૂઆતથી જ અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમારે જીવનમાં ક્યારેય આર્થિક બાબતોનો તણાવ લેવો નહિ પડે.
1. સમજી વિચારીને લોન લોઃ
ઘર હોય, કાર હોય કે પછી બાઈક, શરૂઆતથી જ લોન ખૂબ સમજી વિચારીને લો. નિયમ છે કે તમારે ત્યારે જ લોન લેવી જોઈએ જ્યારે તમને ખૂબ જ જરૂર હોય. જો તમને પરવડતું ન હોય તો લક્ઝરી કાર કે મોટું ઘર લેવાની પળોજણમાં ન જ પડવું જોઈએ. તેના કરતા તમારા બજેટમાં આવતી સામાન્ય કાર કે ઘર કંઈ ખોટું નથી.
2. ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ ટાળોઃ
ક્રેડિટ કાર્ડ એ પૈસા ખર્ચ કરવાનો સૌથી સરળ પણ સૌથી જોખમી રસ્તો છે. તમને તમારી આવકના આધારે ક્રેડિટ લિમિટ તો મળી જશે પરંતુ એટલા જ રૂપિયા તમારા બેન્ક ખાતામાં ન હોય એવું પણ બની શકે છે. આથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરો. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવવાનું બેન્ક બેલેન્સ કે ફંડ હોય તો જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરજો. નહિ તો ઓવર ડ્યુ પેમેન્ટ તમારા પર ભારણ બની જશે.
3. પર્સનલ લોન લેવાનું ટાળોઃ
પર્સનલ લોન ગમે તે સંજોગોમાં લેવાનું ટાળવું જ જોઈએ. તેના વ્યાજના દર ખૂબ ઊંચા હોય છે. ઈન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર કરતા પણ વધુ રકમ તમારે પર્સનલ લોનના વ્યાજમાં ચૂકવી દેવી પડશે.
4. પૂરતું ઈન્શ્યોરન્સ લોઃ
ઈન્શ્યોરન્સ તમને અનિશ્ચિત ભવિષ્ય માટે તૈયાર કરે છે. આથી જ જીવનમાં લાઈફ ઈન્શ્યોરન્સ અને મેડિકલ ઈન્શ્યોરન્સ લેવા જરૂરી છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં હું તમને ટર્મ પ્લાન લેવાની સલાહ આપું છે. તમે જેટલા યુવાન હશો તેટલું તમારું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું આવશે. તમારે તમારી વાર્ષિક આવકથી 20થી 25 ગણી વધુ રકમનો ટર્મ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ.
મેડિકલ ઈન્શ્યોરન્સનો આધાર તમારી પરિવારની આવક પર છે. કોવિડમાં અણધાર્યા હોસ્પિટલાઈઝેશનને કારણે અનેક પરિવારોના ગણિતો ખોરવાઈ ગયા હતા. તેમાંથી પાઠ ભણીને પણ મેડિકલ ઈન્શ્યોરન્સ લેવો જરૂરી છે.
5. રોકાણ કરતા શીખોઃ
કારકિર્દી શરૂ કરી હોય એ ગાળો ઈન્વેસ્ટમેન્ટ શીખવા માટે શ્રેષ્ઠ છે. તમને રોકાણ માટેનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. તેના આધારે તમે એક મોટું ભંડોળ ઊભું કરી શકશો. જો તમને તેનું જ્ઞાન નહિ હોય તો તમે પૈસા કમાઈને પણ ગુમાવ્યા જ કરશો.
6. બચત શરૂ કરી દોઃ
કારકિર્દીની શરૂઆતમાં તમારી આવક સામાન્ય હોય અને ટેક્સનું વધુ ભારણ ન હોય ત્યારે જ રોકાણ શરૂ કરી દેવું જોઈએ. આ ગાળામાં હાથમાં વધુ પૈસા આવે છે. તમારે કમસેકમ તમારી માસિક આવકના 20 ટકા રકમ ઈન્વેસ્ટ કરી જ દેવી જોઈએ. દાખલા તરીકે, તમારી માસિક આવક રૂ. 50,000 હોય તો તમારે મહિને કમસેકમ રૂ. 10,000 બચાવવા જોઈએ. પહેલા રોકાણ કરો, પછી ખર્ચ કરો.
7. નિવૃત્તિ માટે આયોજન કરોઃ
તમે હજુ તો કમાવાનું ચાલુ કર્યું હોય ત્યારે નિવૃત્તિ માટે વિચાર કરવો થોડો અઘરો લાગે, પરંતુ કારકિર્દીની શરૂઆતથી જ તમારે તેનું આયોજન કરવું જોઈએ. તમે જેટલું પાછુ ઠેલશો, તમારી પાસે આયોજન કરવા માટે તેટલો ઓછો સમય બચશે. ભલે તમે શરૂઆત રૂ. 500 જેટલી નાની રકમથી કરો, પરંતુ શરૂઆત કરવી જરૂરી છે. તમે નિવૃત્ત થાવ ત્યાં સુધી રોકાણ કરતા રહો. કમ્પાઉન્ડિંગના પાવરથી એ રકમ અનેક ગણી મોટી થઈને તમારા હાથમાં આવશે.
8. વિવિધ જગ્યાએ રોકાણ કરોઃ
ઈક્વિટી સ્ટોક, SIP, PPF, NPS, ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ વગેરેમાં તમારા ઈન્વેસ્ટમેન્ટનો નાનો હિસ્સો નાંથો.
9. શિસ્તબદ્ધ રીતે ઈન્વેસ્ટ કરોઃ
શિસ્તથી જ સમૃદ્ધિ આવે. તમે જો વેલ્થ ક્રિએટ કરવા માંગતા હોવ તો તત્કાલીન પ્રોફિટ સામે ન જોશો. તમે સતત રોકાણ કરતા રહેશો તો વર્ષ પ્રતિ વર્ષ તમારી વેલ્થ વધતી રહેશે.
તમારા રોકાણની મૂડીને વારંવાર તોડશો નહિ.
10. ખોટા ખર્ચ ટાળોઃ
નિયમિત રૂપે તમે ન જોઈતી ચીજોમાં ખર્ચ કરતા હોવ તો તમારે ચેતી જવું જોઈએ. તેને કારણે તમારી ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી અને આયોજન ધોવાઈ શકે છે. ખર્ચ માટે એક બજેટ બનાવો અને તેને વળગી રહો. તમારી માસિક અને વાર્ષિક આવકનો તાગ મેળવીને નક્કી કરો કે તમે કેટલો ખર્ચ કરી શકો છો.
આર્થિક સમૃદ્ધિ માટે ના પાડવી ખૂબ જ જરૂરી છે. તમને લાગે કે કોઈ ખર્ચ ખોટો છે, કોઈ કામમાં તમને યોગ્ય વળતર નથી મળી રહ્યું, કોઈ સંબંધને કારણે તમે આર્થિક રીતે તણાઈ રહ્યા છો તો તેને તરત જ ના પાડી દો. તેનાથી તમે તમારા આર્થિક સ્રોતોને વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકશો.