ગુજરાતમાં MBBSની 12000 જગ્યાઓ સામે 20000 અરજીઓ: મંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન 180 Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામક કેન્સર ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર ઞ્ઘ્ય્ત્ સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે 27,000 આરોગ્ય કર્મીઓને 6.72 કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.
ટીબી મુક્ત ભારતની નેમમાં ગુજરાતની પ્રતિબધ્ધતાને દર્શાવતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને 10 લાખ સુધીની સારવાર તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આ સાથે જ જેનેરીક દવાઓના કારણે અગાઉ 100 રૂપિયામાં મળતી દવાઓ આજે 30 થી પણ ઓછામાં મળતી થઈ છે.
તેમણે જણાવ્યું કે જ્યારે આજે 12000 જેટલી એમ.બી.બી.એસ. ડોક્ટરોની જગ્યા સામે 20,000 જેટલી અરજીઓ તંત્રને પ્રાપ્ત થઈ છે જે ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપી જાય છે. તેમણે ઉપસ્થિત સૌને વિકસિત ભારતની પરિકલ્પનામાં વિકસિત ગુજરાત માટે પ્રયત્નશીલ રહેવા અને વિકસિત ભારત તરીકે ભવિષ્યની પેઢી એક સ્ટેટસ એટલે કે ગૌરવ મેળવી શકે તેવા રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગી બનવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે,2001 પહેલા ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપની આપદાઓ સાથે જ માળખાકીય સુવિધાઓની અત્યંત તકલીફ હતી. એક સમયે એવો હતો જ્યારે લોકોને પીવા માટે સામાન્ય દિવસોમાં વ્યક્તિદીઠ માત્ર 20 લીટર પાણી અને ઉનાળામાં વધુમાં વધુ 30 લીટર પાણી આપી શકવાની ક્ષમતા રહેતી. આ માટે પણ 1800 ટીડીએસ, 2200 ટીડીએસના ભાંભરા પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર રહેતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હસ્તે શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ઉમદા પ્રયાસને દર્શાવતી ‘સ્વસ્થ નાગરિક સશક્ત શહેર’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ તથા અંગદાન માટેના શપથ લઇ દેશના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આરોગ્ય કમિશનર અર્બન હર્ષદ પટેલે આભાર દર્શન કર્યું હતું.