બ્રાન્ડેડ ઘી-બટર પરનો જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માગણી
મૂલ્ય વર્ધિત વેરાના યુગમાં ઘી અને બટર પર 5 ટકા વેટ લેવાતો હતો, હવે જીએસટીના યુગમાં 12 ટકા લેવાય છે.
બ્રાન્ડેડ ઘી-બટર પરનો જીએસટી ઘટાડે તો માર્જિન વધતા દૂધ ભરનારા પશુપાલકોને ફાયદો થઈ શકે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દરેક ઘરના રસોડાની અનિવાર્ય જરૂરિયાત ગણાતા ઘી અને બટર પર લેવાતો 12 ટકાનો જીએસટી વધારે પડતો હોવાનું જણાવીને તેમાં ઘટાડો કરવાની માગણી બુલંદ કરવામાં આવી છે. આયુર્વેદમાં ઔષધ તરીકે પણ ઘીનો બહોળો ઉપયોગ થાય છે. તેની સામે મોંઘા દાટ ગણાતા ઓલિવ ઓઈલ પર માત્ર 5 ટકા જ જીએસટી લગાડવામાં આવ્યો છે.
માત્ર ને માત્ર શ્રીમંતોના ઘરમાં જ ઓલિવ ઓઈલનો વપરાશ થાય છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં સંખ્યાબંધ ચીજ વસ્તુઓના જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે બ્રાન્ડેડ ઘી અને બટર પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઇન્ડિયન ડેરી એસોસિયેશનના પ્રમુખ ડૉ. આર. એસ. સોઢીનું કહેવું છે કે ઘી અને બટર પર 12 ટકા ટેક્સ લેવાને પરિણામે ઓર્ગેનાઈઝ સેક્ટરની ઘી અને બટરના ઉત્પાદકોના ધંધા તૂટી રહ્યા છે. તેમના માર્જિન કપાઈ રહ્યા છે. તેના પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તો તેનો ફાયદો ગ્રાહકોને લિટરદીઠ રૂ. 40ના ભાવ ઘટાડા રૂપે ફાયદો કરાવી શકે છે.
તેમનું કહેવું છે કે બ્રાન્ડેડ ઘી અને બટરનું આખા દેશમાં કુલ વેચાણ અંદાજે રૂ. 50000 કરોડ અને રૂ. 10,000 કરોડનું છે. પરંતુ તેના પર જીએસટીનો બોજો હળવો કરવામાં આવે તો ગ્રાહકો અને ખેડૂતો બંનેને ફાયદો થઈ શકે છે. જીએસટીને કારણે તેમના માર્જિન કપાતા હોવાથી જીએસટી ઘટતા માર્જિનમાં વધારો થશે. તેનો સીધો લાભ ખેડૂતોને દૂધના ભાવ વધારાના સ્વરૂપમાં મળી શકે છે. જીએસટીમાં 7 ટકાનો ઘટાડો કરવાથી બ્રાન્ડેડ ઘી ખરીદનારાઓની સંખ્યામાં પણ વધારો થશે. આમ તેનું માર્કેટ પણ વધશે. તેનાથી અનબ્રાન્ડેડ ઘીનો વેપાર વધી રહ્યો છે તે આમજનતાના આરોગ્ય સામે ખતરો ઊભો કરી રહ્યા છે.
આમ દેશના ગરીબમાં ગરીબથી માંડીને અમિરમાં અમિર ઘરમાં વપરાતા ઘી અને બટરનો મુદ્દો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચાવાનો છે. પ્યોર ઘીને નામે ભેળસેળીયા ઘી બજારમાં ઘૂસી જાય છે. બ્રાન્ડેડ ઘી કરતાં થોડા નીચા ભાવ રાખીને બજારનો ખાસ્સો હિસ્સો તેઓ કવર કરી રહ્યા છે. જીએસટી ઘટાડવાથી નકલી ઘીનો કારોબાર પણ ઘટી શકે છે. ઓર્ગેનાઈઝ અને અનઓર્ગેનાઈઝ સેક્ટરનું મળીને ઘીનું ઉત્પાદન અંદાજે રૂ. 3.2 લાખ કરોડની આસપાસનું છે. તેમાથી માત્ર રૂ. 50,000 કરોડનું બજાર જ બ્રાન્ડેડ ઘીના ઉત્પાદકો પાસે છે.
બીજીતરફ પામતેલ, સનફ્લાવર, સિંગતેલ, કપાસિયા તેલ, ઓલિવ ઓઈલ સહિતના તમામ ખાદ્યતેલ પર માત્ર 5 ટકા જ જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. તેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 3 લાખ કરોડનું છે. ઓલિવ ઓઈલની તો માત્ર આયાત જ કરવામાં આવે છે. ઓલિવ ઓઈલમાં તો આપણે વિદેશી હૂંડિયામણ પણ ગુમાવી રહ્યા છીએ..વેટના સમયમાં ઘી અને બટર પર 5.5 ટકા વેટ લાગતો હતો. પરંતુ જીએસટીના અમલીકરણ પછી ઘી પર 12 ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે.
દૂધની ડેરીઓ દ્વારા દૂધના કરવામાં આવતા કુલ કલેક્શનમાંથી 25 ટકા દૂધ ઘીના ઉત્પાદન તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે. દૂધના ઉત્પાદનની બાબતમાં ભારત દેશનો અવલ નંબરનો દેશ બની ચૂક્યો છે.