રૂપિયો તૂટીને 80ની સપાટીને સ્પર્શી જતાં આયાતકારોની કઠણાઈ વધી
ભારતીય રૂપિયા કરતાં બ્રિટીશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો ડૉલર સામે વધુ ગગડ્યા
કેમિકલ ઉદ્યોગના કામકાજમાં 60 ટકાનો ઘટાડો થયો, ચીનથી આયાત કરાતા વિનાયલ સલ્ફોનની કિંમત કરતાં સ્થાનિક ઉત્પાદકોની ઉત્પાદન કિંમત વધી જતાં સ્થાનિક એકમોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી

વાઈબ્રન્ટ ઉદ્યોગ, ખાસ સંવાદદાતા
અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 80ની સપાટીને વળોટી જતાં આયાતકારોની હાલત કફોડી થઈ રહી છે. તેમાંય ચીન પર કેમિકલના રૉ મટિરિયલ પર મદાર બાંધતા કેમકલ ઉદ્યોગના ધંધામાં 50થી 60 ટકાનું ગાબડું પડી ગયું છે. તેમાંય ખાસ કરીને વિનાયલ સલ્ફોનનું ઉત્પાદન કરતાં સ્થાનિક એકમોની હાલત અત્યંત કફોડી થઈ છે. કારણ કે ચીનમાંથી જે કિંમતે વિનાયલ સલ્ફોનની ભારતમાં આયાત થાય છે તેના કરતાં વધુ ઉત્પાદન કિંમત ભારતીય ઉત્પાદકોની થઈ છે. તેથી તેમણે તેમના એકમોના કામકાજ બંધ કરી દેવાની ફરજ પડી છે.
એપ્રિલ મહિનામાં ભારતીય રૂપિયો અમેરિકી ડૉલર સામે 76.80ની સપાટીએ હતા. વર્ષના અંતે એટલે કે માર્ચ 2023ના અરસામાં તેનું લેવલ તૂટીને રૂ. 80ની સપાટીને આંબી જશે તેવા ગણિતો મંડાયેલા હતા. આ સ્થિતિમાં માત્ર ત્રણ જ મહિનાના ગાળામાં ભારતીય રૂપિયો અમેરિકી ડૉલર સામે રૂ. 3થી વધુ તૂટી રૂ. 80.09 અને 80.25ની સપાટીને ટચ કરીને ગઈકાલે 18મી જુલાઈએ 79.98ની સપાટીએ બંધ રહ્યો હતો. તેની મોટી અસર ભારતના આયાતકારો પર પડી છે.

ડાઈઝ એન્ડ કેમિકલના ઉત્પાદન માટેના કાચા માલ ગણાતા એચ. એસિડ, વિનાયલ સલ્ફોન, ગામા એસિડ, જે. એસિડ, ટોબિયાઝ, બિટા નેપ્થોલ, નેપ્થેલિન, સાયન્યુરિકક્લોરાઈડ અને બેન્ઝિન જેવા રૉ મટિરિયલ માટે આજે પણ ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ ચીન પર જ મદાર બાંધતા હોવાથી તેમના ખર્ચાઓ વધી જતાં અને માર્જિન કપાઈ જતાં તેમના કામકાજમાં છેલ્લા ત્રણ મહિનામાં મોટું ગાબડું પડયું છે. જૂન-જુલાઈમાં તેમના કામકાજમાં અંદાજે ૫૦થી ૬૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે.

કેમેક્સિલ ગુજરાત રિજ્યનના ચૅરમૅન ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે કાચા માલની આયાત કરવા માટેનો ખર્ચ વધી ગયો છે. તેને કારણે તેમણે આયાત ઘટાડવાની ફરજ પડી છે. ઘણાં ઉત્પાદકોના કામકાજ ૫૦થી ૬૦ ટકા ઘટી ગયા હોવા છતાંય તેમના પગારના, વીજળીના, વ્યાજના ખર્ચના બોજા પૂર્વવત ચાલુ છે. તેથી ભારતના કેમિકલના ઉત્પાદકોની હાલત કફોડી થઈ રહી છે.
તેમની વાતને સમર્થન આપતા આયાતનિકાસના અભ્યાસુ ડૉ. દર્શન મશરૂ કહે છે કે કેમિકલના રૉ મટિરિયલના આયાતકારો પહેલા જે લાંબા ગાળા માટેનો સ્ટૉક કરી રાખતા હતા તે હવે સ્ટોક કરવાનું પસંદ કરતાં નથી. તેમને ખપ પૂરતો જ માલ મંગાવે છે. જેમની પાસે અગાઉનો કાચા માલનો જથ્થો પડયો છે તેઓ કાચા માલ મંગાવવાને બદલે જૂના સ્ટોકથી જ ખંચાય તેટલું ખેંચી રહ્યા છે.
હા, રૂપિયો નબળો પડતા એક્સપોર્ટના બજારમાં ભારતીય મેન્યુફેક્ચરર્સના પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતામાં વધારો થઈ જશે. તેનો સીધો લાભ ભારતીય અર્થતંત્રને મળશે. કારણ કે તેના થકી વિદેશી હૂંડિયાણમની આવકમાં વધારો થશે. આયાત ઘટાડીને નિકાસ વધારવામાં ભારત સરકારને પણ વધુ રસ છે. કારણ કે આયાતથી વિદેશી હૂંડિયામણનો ખર્ચ વધે છે. આ વરસે ક્રૂડના ભાવ 75થી 80 ડૉલરની રેન્જમાં રહેશે તેવા ગણિતો સાથે 2022-23ના વર્ષના બજેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ક્રૂડનો ભાવ 110 ડૉલરથી ઉપર છે. ભાવ હજીય ઉપર જવાની સંભાવના છે. તેથી રશિયા સાથેના લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ પર કદાચ બજાર ભાવથી નીચા ભાવે ક્રૂડની આયાત થઈ રહી છે. પરંતુ તે લાંબો સમય ન ચાલે તો ભારતની આયાતનું બિલ વધી જાય તેમ છે. તેથી ભારતીય અર્થતંત્રના ગણિતો ખોરવાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પણ આયાત ઓછી થાય તે માટેના પ્રયાસો ભારત સરકાર કરી રહી છે.

બીજીતરફ રૂપિયો નબળો પડતાં નિકાસ કારોને લાભ થઈ રહ્યો છે. તેથી નિકાસકારોના ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધી જશે. ભારતની નિકાસ વધશે તો હૂંડિયામણની અછત ઓછી થશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રશિયા-યુક્રેનના યુદ્ધ, ક્રૂડ ઓઈલના વધી રહેલા ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય સ્થિતિ કફોડી થતી જતી હોવાથી ભારતીય રૂપિયો અમેરિકી ડૉલર સામે નબળો પડી રહ્યો છે. 18મી જુલાઈ 2022ના દિને ભારતીય રૂપિયો એક સમયે 80.09, 80.26 થઈને દિવસને અંતે 79.97-98ની સપાટીએ રહ્યો હતો. દિવસને અંતે 16 પૈસા નબળો પડ્યો હતો. રૂપિયો નબળો પડતા ભારતીય અર્થતંત્રને લાભ થશે. માત્ર ભારતીય રૂપિયો જ નહિ, અમેરિકી ડૉલર સામે યુરો, જાપાનીઝ યેન અને બ્રિટીશ પાઉન્ડ પણ નબળા પડ્યા છે. તેની સામે યુરો, યેન અને પાઉન્ડ સામે રૂપિયો 2022માં મજબૂત બન્યો છે. છેલ્લા સાત મહિનામાં ભારતીય રૂપિયો ડૉલર સામે 7 ટકા નબળો પડ્યો છે. તેની તુલનાએ યુરો સામે 4.97 ટકા, બ્રિટીશ પાઉન્ટ સામે 6.25 ટકા અને જાપાનીઝ યેન સામે 12.25 ટકા મજબૂત બન્યો છે. ફોરેન પોર્ટફોલિયોમાંની મૂડી પાછી ખેંચાવા માંડતા ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે અત્યાર સુધીમાં 14 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે.