• 9 October, 2025 - 5:51 AM

સ્કૂલ, કૉલેજ અને ટ્રાવેલિંગ બેગનો ઉદ્યોગ કોરોનાને કારણે ધ્વસ્તઃ સરકાર તરફ મદદ માટે આશાભરી મીટ

ree

 
 
સ્કૂલ-કૉલેજ અને ટ્રાવેલિંગ શરૂ ન થાય ત્યાં સુધી રિકવરીના કોઈ આસાર નહિ
વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતા ઑફિસ બેગ્સ, પાઉચ અને લેપટોપ બેગ્સની ડિમાન્ડમાં પણ ધરખમ ઘટાડો
 
ગુજરાતમાં રૂ. 7500 કરોડનું કદ ધરાવતા વિશાળ ઉદ્યોગને સરકાર અલગ ઈન્ડસ્ટ્રી કે સેક્ટરની ઓળખ આપી મદદ કરે તેવી બેગ્સ મેનુફેક્ચરર્સ એસોસિયેશનની પ્રબળ માંગ

અણધારી મુસીબતની જેમ ત્રાટકેલા કોરોનાએ અનેક ધંધાઓનો સોથ વાળી નાંખ્યો છે. ધીરે ધીરે અમુક ઈન્ડસ્ટ્રીમાં રિકવરી દેખાવા માંડી છે પરંતુ અમુક ધંધા-ઉદ્યોગો એવા છે જેમને કોરોનાની અસરમાંથી બહાર નીકળવામાં હજુ ઘણો સમય લાગશે. આવો જ એક ઉદ્યોગ છે સ્કૂલ-કૉલેજ-ઑફિસ તથા ટ્રાવેલિંગ બેગ્સના ઉત્પાદન તથા વેચાણનો. કોરોનાના વ્યાપક ભયને કારણે માર્ચ મહિનાથી સ્કૂલો-કૉલેજો બંધ છે. ઑફિસોમાં ઘણા ખરા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, અને હાલની પરિસ્થિતિ જોતા ટ્રાવેલિંગનો તો સવાલ જ નથી ઊભો થતો. આવામાં આ ત્રણ પર જ નભતી બેગ ઈન્ડસ્ટ્રીના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મંડાઈ ગયો છે. બીજા બધા સેક્ટરમાં કોરોનાને કારણે વેપાર-ધંધામાં 30-40%નો ઘટાડો થયો છે જ્યારે બેગ્સનો બિઝનેસ તો 95% ડાઉન છે. આવામાં ઉત્પાદકો અને વેપારીઓને આશા છે કે સરકાર તેમની તરફ મદદ માટે હાથ લંબાવે તો આ કપરો સમય કાઢવો તેમના માટે થોડો સરળ બની રહેશે. સરકાર અલગ સેક્ટર તરીકે ઓળખ આપેઃ

 
ree

અમિત દેસાઈ, પ્રમુખ, ધી ગુજરાત બેગ્સ મેનુફેક્ચરર્સ એન્ડ હોલસેલર્સ એસોસિયેશન

આખા દેશમાં સ્કૂલ-કૉલેજ તથા ટ્રાવેલિંગ બેગ્સ બનાવવાની રૂ. 20,000 કરોડની ઈન્ડસ્ટ્રી ધમધમે છે. ફ્રેબિક, રેક્ઝિન, કોટન, જ્યુટ અને નાઈલોનની બેગ્સ બનાવવાની ઈન્ડસ્ટ્રીનું કદ ગુજરાતમાં લગભગ રૂ. 7500 કરોડ જેટલું છે. મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરતમાં અસ્તિત્વ ધરાવતી આ ઈન્ડસ્ટ્રી આખા દેશના બેગ્સ મેનુફેક્ચરિંગ અને ટ્રેડિંગ ઉદ્યોગમાં 30થી 35 ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે કોટન અને જ્યુટ બેગ્સની યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુ.એસમાં નિકાસ પણ થાય છે. બેગ્સ મેનુફેક્ચરિંગના ક્ષેત્રે આખા દેશમાં ગુજરાત સૌથી મોટામાં મોટું પ્લેયર હોવા છતાં રાજ્ય સરકારે હજુ સુધી આ ઉદ્યોગને અલગ ઈન્ડસ્ટ્રી કે સેક્ટરની ઓળખ આપી નથી. ધી ગુજરાત બેગ્સ મેનુફેક્ચરર્સ એન્ડ હોલસેલર્સ એસોસિયેશન- અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ અમિત દેસાઈ જણાવે છે, “અમારી ઈન્ડસ્ટ્રીને સરકાર ટેક્સટાઈલ અને અન્ય આર્ટિકલ્સની શ્રેણીમાં ગણે છે. તેને એક્સાઈઝ કે જીએસટી માટે પણ અલગ સેક્શન કે ઓળખ આપવામાં આવી નથી. સરકાર દ્વારા આ ઈન્ડસ્ટ્રીને ચોક્કસ નામ ન અપાયું હોવાને કારણે અમે સરકાર સમક્ષ એક સેક્ટર તરીકે મજબૂત રજૂઆત કરી શકતા નથી. GCCI (ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)ના સભ્ય તરીકે પણ અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ પરંતુ આ નામ વિનાની ઈન્ડસ્ટ્રી હોવાથી અમારી રજૂઆત તરત ધ્યાનમાં લેવાતી નથી.” રોજગારીનું વિશાળ પાયે સર્જન કરે છે આ ઈન્ડસ્ટ્રીઃ કોરોનાને કારણે હાલ જ્યારે આ ઈન્ડસ્ટ્રી જીવન-મરણનો જંગ ખેલી રહી છે ત્યારે તેને સરકારની મદદની વિશેષ જરૂર છે. આ ઈન્ડસ્ટ્રીમાં 95 ટકાથી વધુ વેપારીઓ માઈક્રો લેવલ ઉપર એટલે કે 4-5 સિલાઈ મશીન અને આંગળીના વેઢે ગણાય એટલા કારીગરો સાથે નાના પાયે કામ કરે છે. આમ છતાંય આ ઈન્ડસ્ટ્રીનું કદ એટલું વિશાળ છે કે તેમાંથી ગુજરાત, રાજસ્થાન, યુપી અને બિહારના અસંખ્ય નાના કારીગરો રોજીરોટી મેળવે છે. બેગ્સ બનાવવાનું મોટા ભાગનું કામ હાથેથી થતું હોવાથી ઘણા સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કારીગરો તેમાંથી રોજગારી મેળવે છે. માર્ચ મહિનાથી લોકડાઉન આવી જતાં વેપારીઓનો ગયા વર્ષનો માલ હજુ વેચાયા વિનાનો પડ્યો રહ્યો છે. આ કારણે આ સીઝનમાં નવું પ્રોડક્શન કરવાની કોઈ વેપારી હિંમત કરી શકે તેમ નથી. આ સંજોગોમાં બેગ્સ મેનુફેક્ચરિંગના ઉદ્યોગને બે વર્ષનો માર સહન કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેને કારણે અસંખ્ય કારીગરો માટે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. વેપારીઓની હવે એ જ અપેક્ષા છે કે થોડો જૂનો માલ વેચાય તો તેમની મૂડી છૂટી થાય. આ વર્ષે નવા માલમાં ઈન્વેસ્ટ કરવા માટે વેપારીઓ પાસે મૂડી લગભગ શૂન્ય છે. સ્કૂલ કૉલેજ નહિ ખૂલે ત્યાં સુધી ગાડી પાટે નહિ ચઢેઃ

 
ree

ખુશાલ વાસવાણી, ઉપપ્રમુખ, ધી ગુજરાત બેગ્સ મેનુફેક્ચરર્સ એન્ડ હોલસેલર્સ એસોસિયેશન

આ ઈન્ડસ્ટ્રીમાં વેપારીઓ સામાન્ય રીતે ડિસેમ્બર થાય એટલે માલ બનાવવાનું અને ભરવાનું ચાલુ કરી દે છે. એપ્રિલથી જૂન મહિના સુધી સ્કૂલ અને કૉલેજ બેગ્સનું ધૂમ વેચાણ થાય છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન આવતા, વેપારીઓએ માલ તો ભરી લીધો પણ તેનું જરાય વેચાણ થઈ શક્યું નથી. 23 નવેમ્બરથી સ્કૂલો ખૂલવાની વાત આવતા ઈન્ડસ્ટ્રીમાં થોડો આશાનો સંચાર થયો હતો પરંતુ કોરોનાની સ્થિતિ વકરતા સરકારે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય યથાવત્ રાખતા ઈન્ડસ્ટ્રીમાં ફરી નિરાશાનું મોજું ફરી વળ્યું છે. બેગ્સ મેનુફેક્ચરર્સ એન્ડ હોલસેલર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ખુશાલ વાસવાણી જણાવે છે, “હવે તો એ જ આશા છે કે વહેલી તકે કોરોનાની રસી શોધાય અને સ્કૂલ તથા ટ્યુશન ક્લાસ ફરી ધમધમતા થાય. જ્યાં સુધી સ્કૂલ-કૉલેજો નહિ ખૂલે ત્યાં સુધી અમારા ધંધાની ગાડી પાટે ચડે તેવું લાગતું નથી.”

 
 
 
ree

હાલ આ ધંધાની ડામાડોળ પરિસ્થિતિ જોતા અનેક વેપારીઓ બીજા ધંધા તરફ પણ વળી ગયા છે. એસોસિયેશનના સેક્રેટરી મનીષ કનોડિયા પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવે છે, “આ ક્ષેત્રે 90થી 95 ટકા વેપારીઓ સાવ નાના પાયે કામ કરે છે. આવામાં હાલની પરિસ્થિતિ જોતા તેઓ ઘર ચલાવવા માટે બીજા ધંધે કે પછી નોકરી તરફ વળી ગયા છે. અમે સરકારને લેખિત રજૂઆત કરીને પૂછ્યું છે કે સ્કૂલ-કૉલેજ ક્યારે ખૂલશે તેની સ્પષ્ટતા કરે જેથી અમને આગળના સમયમાં ધંધો કેવો રહેશે તેનો ખ્યાલ આવે. પરંતુ સરકાર તરફથી ‘ટૂંક સમયમાં જણાવીશું’થી વિશેષ કોઈ જવાબ મળ્યો નથી.” શૈક્ષણિક સત્ર પૂરું થવાને આડે માંડ ત્રણ મહિના બચ્યા છે. આથી સ્કૂલો-કૉલેજો ખૂલે તો પણ મા-બાપ બાળકોને આ વર્ષે નવી બેગ અપાવે તેવી શક્યતા પાંખી છે. આવામાં સ્કૂલ બેગના વેપારીઓ પાસે ‘થોભો અને રાહ જુઓ’ સિવાય બીજો કોઈ વિકલ્પ ખુલ્લો નથી. અનિશ્ચિત સંજોગોમાં સ્કૂલ બેગ વેચતા ઘણા વેપારીઓએ ગુજરાન ચલાવવા નાના બાળકોના રેડીમેડ કપડા, માસ્ક, સેનિટાઈઝર વેચવાનું પણ ચાલુ કરી દીધું છે. ટ્રાવેલિંગ જ બંધ છે તેવામાં બેગ્સ કોણ ખરીદે? સ્કૂલ અને કૉલેજ બેગ્સ ઉપરાંત ટ્રાવેલિંગ બેગ્સ અને ડફલ બેગ્સનો પણ ગુજરાતમાં સારો એવો બિઝનેસ છે. ફરવાના શોખીન ગુજરાતીઓ પ્રવાસે જતા પહેલા જરૂર મુજબ બેગ્સની ખરીદી જરૂર કરે છે. પરંતુ હાલ તો એરપોર્ટ્સ પર પાબંધીઓ છે, ટ્રેનો બંધ છે અને કોરોનાને કારણે ભયનો એટલો માહોલ છે કે લોકો સ્થાનિક સ્થળોએ પણ ફરવા જવાનું ટાળે છે. ગમે ત્યારે રાત્રિ કરફ્યુ જાહેર થઈ જતો હોવાથી લોકો શક્ય તેટલું ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ટ્રોલી બેગ, ડફલ બેગ ટ્રાવેલિંગ બેગ્સનો ઉદ્યોગ પણ સાવ તળિયે બેસી ગયો છે. વર્ક ફ્રોમ હોમને કારણે ઑફિસ બેગ્સની ડિમાન્ડ પણ ઘટીઃ

 
ree

ખાલિદ ગોટલાવાલા, બિઝનેસમેન, બેગ્સ ઈન્ડસ્ટ્રી

 

લોકડાઉન બાદ અનેક કંપનીઓના, ખાસ કરીને આઈટી ક્ષેત્રના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આવામાં ઘણી કંપનીઓને ફાવતું જડી ગયું છે. કર્મચારીઓ ઘરેથી જ કામ કરતા હોવાથી તેમના વીજળી, ઑફિસના ભાડા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ખર્ચ ઘટી ગયા છે. વળી, કર્મચારી ઘરેથી જ કામ કરતા હોવાથી તેઓ રાત્રે મોડે સુધી પણ કામ કરી શકે છે. ઘણી કંપનીઓએ નોંધ્યું છે કે વર્ક ફ્રોમ હોમને કારણે કર્મચારીઓ વધુ સારું કામ કરી રહ્યા છે. જો કે આ નવા ટ્રેન્ડની વિપરીત અસર બેગ્સના ઉદ્યોગ પર પડી છે. આ ક્ષેત્ર સાથે ત્રીસ વર્ષથી સંકળાયેલા ખાલિદ ગોટલાવાલા જણાવે છે, “ઑફિસ ચાલુ હોય તો કર્મચારીઓ વર્ષે એકાદ વાર પણ લેપટોપ બેગ, ઑફિસ બેગ કે પાઉચ વગેરેની ખરીદી કરે છે. હાલ આ ચીજોનું વેચાણ પણ સાવ ઠપ છે.” બજારમાં સંજોગો એવા છે કે વેપારીઓ પોતાનો નફો જતો કરીને ઓછા ભાવે માલ વેચવા કાઢે તો પણ સામે ડિમાન્ડ સાવ નબળી હોવાને કારણે માલ વેચાતો નથી. સરકાર ચીનથી આવતા માલ પર રોક લગાવેઃ ભારત સરકારે ચીનથી આયાત થતી ઘણી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે પરંતુ હજુ સુધી બેગ્સની આયાત પર કાપ મૂકાયો નથી. ચીનની બેગ્સ ભારતનું 30થી 35 ટકા માર્કેટ ખાઈ રહી છે. ચીનમાં ટેક્સ ઓછા છે અને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ છે, અને અહીં કરતા ત્યાં પ્રોડક્શન કેપેસિટી ત્રણ ગણી વધારે છે. પરિણામે ત્યાંનો માલ ભારત કરતા 20થી 25 ટકા સસ્તો પડે છે. ભારતમાં અમદાવાદ, નાસિક, પુણે જેવા શહેરોમાં VIP, સેમસોનાઈટ, અમેરિકન ટૂરિસ્ટર જેવી મોટી બ્રાન્ડ્સના મેનુફેક્ચરિંગ યુનિટ્સ છે. પરંતુ આ યુનિટ્સમાં 50 ટકા માલનું સોર્સિંગ ચીનથી થતું હોવાનું ધી ગુજરાત બેગ્સ મેનુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ અમિત દેસાઈ જણાવે છે. અહીં તેઓ મોટા ભાગે એસેમ્બલિંગનું જ કામ કરે છે. ભારતમાં બ્રાન્ડેડ બેગ્સનું માર્કેટ 1 ટકા જેટલું જ છે. બાકી તો શહેરો, ગામડાની બદલાતી ડિમાન્ડ મુજબ સ્થાનિક ઉત્પાદકો બેગ્સ બનાવે છે. જો કે ચીનથી આયાત થતી સસ્તી બેગ્સ ભારતીય વેપારીઓનો મોટો બિઝનેસ ખાઈ રહી છે. તેમાંય વળી ઓનલાઈન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ બેગ્સ જ વધુ વેચાઈ રહી છે. કોરોના બાદ ઓનલાઈન ખરીદીનું ચલણ વધતા આ મોરચે બેગ્સના સ્થાનિક વેપારીઓએ થપાટ ખાવાનો વારો આવ્યો છે.

 
ree

આત્મનિર્ભર પેકેજમાં બેગ્સ ઈન્ડસ્ટ્રીને ઠેંગોઃ સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર પેકેજમાં બેગ્સ ઈન્ડસ્ટ્રીને કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી. એસોસિયેશનના કમિટી મેમ્બર અંકિત શાહ જણાવે છે, “આ અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર અને માઈક્રો સેગમેન્ટ હોવાથી મોટાભાગના લોકોને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. સરકારના સહાય પેકેજમાં બેગ્સ ઈન્ડસ્ટ્રીને કોઈ વિશેષ લાભ ન મળતા વેપારીઓએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલની પરિસ્થિતિ જોતા સરકારે આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓને રાહત દરે લોન આપવી જોઈએ. આ ઉપરાંત બેગ્સ પર લાગતા જીએસટીના દર સરકારે હળવા કરવા જોઈએ જેથી બેગ્સની કિંમત ઘટતા તેના વેચાણમાં વધારો થઈ શકે.” સરકાર પાસે બેગ્સ ઈન્ડસ્ટ્રીની અપેક્ષાઃ – બેગ્સ ઈન્ડસ્ટ્રી અસંગઠિત છે. હાલ આ ઈન્ડસ્ટ્રીના વેપારીઓને સરકાર વર્કિંગ કેપિટલ લોન અને સ્ટોક પર રાહત દરે લોન આપે તો વેપારીઓની તકલીફો હળવી થશે. – સરકાર એસોસિયેશનને તેમના સભ્યોને લોન આપવા માટે નિધિ બેંક શરૂ કરવાની પરવાનગી આપે અને જરૂરી મદદ કરે. – સરકાર આ ઈન્ડસ્ટ્રી માટે વિશેષ ગવર્મેન્ટ ઑફિસરની નિમણૂંક કરે અને MSMEના લાભ વેપારીઓ સુધી પહોંચે તે માટે સરકારના નોડલ ઑફિસર સાથે એસોસિયેશનનો પરિચય કરાવે. – સરકાર બેગ્સને સંલગ્ન ઈમ્પોર્ટેડ ગુડ્સ માટે નિયમો બનાવે અને તેનું પાલન થાય તેની ખાતરી કરે. તૈયાર બેગ્સની આયાત પર રોક લગાવી સ્થાનિક પ્રોડક્શનને ટેકો આપે. – 2020-21ના વર્ષ માટે બેગ્સ પર લાગતા 18 ટકા જી.એસટીમાં રાહત આપે.

Read Previous

માર્ગદર્શન BIS સર્ટિફિકેશન મેળવવા શું કરશો? તેનાથી શું ફાયદા થાય?

Read Next

આજે NIFTY FUTUREમાં શું થઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular