• 9 October, 2025 - 3:28 AM

કોરોનાના કપરા સમયમાં ઉદ્યોગપતિ રાહુલ જિતેન્દ્રએ કાપડ ઉદ્યોગની કાયાપલટ કરી નાંખી

કોરોનામાં અનેક ફેક્ટરીઓને તાળા વાગી ગયા હતા ત્યારે રાહુલ જિતેન્દ્રના એલ.પી ગૃપની ફેક્ટરીઓ ફૂલ કેપેસીટી પર કામ કરતી હતી
 
 
ree

 

આજ કાલ ધંધો બહુ ડાઉન છે, ઘરાકી જ નથી, લોકો ખરીદી કરવા બહાર જ નીકળતા નથી… કોરોનાકાળમાં તમે ઘણા વેપારીઓ-બિઝનેસમેનના મોઢે આ શબ્દો સાંભળ્યા જ હશે. જો કે ધંધાની આગવી કોઠાસૂઝ ધરાવનાર ગુજરાતના ઘણા વેપારીઓએ આ આપત્તિના સમયમાં પણ વેપારની તકો શોધી કાઢી છે. આવું જ એક નામ છે ટેક્સટાઈલ ક્ષેત્રે અગ્રણી એલ.પી ગૃપના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ જિતેન્દ્ર શાહ. બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું તે ફિલોસોફીમાં દૃઢપણે માનતા રાહુલભાઈએ માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયું તે પછી ઉત્પાદન અને બિઝનેસ સ્ટ્રેટેજીમાં એવા ફેરફાર કર્યા કે જ્યારે ઘણી બધી ફેક્ટરીઓ સાવ બંધ હતી ત્યારે એલ.પી ગૃપની ફેક્ટરીઓ ફુલ કેપેસિટી પર કામ કરી રહી હતી. રાહુલ જિતેન્દ્ર જણાવે છે, “જે નિટેડ ફેબ્રિકમાંથી ટી-શર્ટ બને છે તે જ કાપડમાંથી માસ્ક પણ બની શકે છે. અમે તાત્કાલિક માસ્કનું પ્રોડક્શન શરૂ કરી દીધું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે જ અમે કોટનના સારી ગુણવત્તાના 70,000 માસ્કનું વેચાણ કર્યું. આ ઉપરાંત અગ્રણી એનજીઓ ‘યુવા’ના માધ્યમથી લગભગ 30,000 જેટલા માસ્કનું વેચાણ કર્યું. જોતજોતામાં ફક્ત એપ્રિલ મહિનામાં જ અમારા માસ્કનું વેચાણ 3 લાખ નંગને વટાવી ગયું.” કોરોનાને કારણે ગારમેન્ટની ડિમાન્ડ ઘટી ગઈ તો તેમણે કોરિયાથી ખાસ મશીન ઈમ્પોર્ટ કરીને ઉત્તમ ગુણવત્તાની PPE કિટ બનાવવાનું ચાલુ કર્યું જેને કારણે પણ બિઝનેસ ફરી ધમધમતો થયો. સમય વર્તીને તેમણે બાર્બી, હોટવ્હીલ્સ જેવી બ્રાન્ડના રમકડા બનાવતી યુ.એસની કંપની મટેલ સાથે એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ કરીને બાળકોને ગમે તેવા પ્રિન્ટેડ માસ્ક બનાવવાની પણ શરૂઆત કરી દીધી. હોમ ફર્નિશિંગના બિઝનેસમાં પાંખ પ્રસરાવી ચૂકેલા એલ.પી ગૃપનો અમદાવાદમાં ‘કાસા કોપનહેગન’ નામથી રિટેલ સ્ટોર છે. લોકોમાં કોરોનાનો ભય જે રીતે વ્યાપક છે તે જોતા રાહુલભાઈને સમજાઈ ગયુ કે હવે લોકો ઝડપથી ખરીદી કરવા ઘરની બહાર નીકળશે નહિ. આથી તેમણે કોઠાસૂઝથી તાત્કાલિક સોફા વગેરે બનાવવામાં વપરાતા ફર્નિશિંગના કાપડ ઓનલાઈન વેચવાનો નિર્ણય કર્યો. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા અગ્રણી પોર્ટલ પર વિશાળ બિઝનેસ ધરાવતી કાસા કોપનહેગન બ્રાન્ડ ઓનલાઈન ફર્નિશિંગના કાપડ વેચનારી પ્રથમ બ્રાન્ડ છે. સામાન્ય રીતે લોકો સોફા, પરદા વગેરેના કાપડની ખરીદી જાતે જોઈને, ચકાસીને, સ્પર્શીને જ કરવાનું પસંદ કરે છે. આવામાં ઓનલાઈન પોર્ટલ પર ફર્નિશિંગના કાપડ વેચવા એ મોટો પડકાર હતો પરંતુ રાહુલ જિતેન્દ્રએ આ દાવ રમવાનું નક્કી કરી જ લીધું. તેઓ જણાવે છે, “સૌની નવાઈ વચ્ચે અમને એમેઝોનથી પહેલા 2 મીટર કાપડનો ઓર્ડર મળ્યો. ધીરે ધીરે ઓર્ડર વધીને 6 મીટર અને પછી 30 મીટર સુધી પહોંચ્યો. ફર્નિશિંગમાં 30 મીટર કાપડનો ઓર્ડર એ ઘણો મોટો ગણાય. હવે લોકો જ્યારે જરૂરિયાત વિના ઘરની બહાર નીકળવા જ નથી માંગતા ત્યારે જો તેમને ઓનલાઈન કોઈ સારી પ્રોડક્ટ મળી જાય તો તે ખરીદતા ખચકાશે નહિ.” આ જ સ્ટ્રેટેજીથી તેમણે પોતાની લેગિંગ્સની બ્રાન્ડ ‘ઈરા’ની ઓનલાઈન માર્કેટ પ્લેસ પર માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ વેગેરે ધરાવતી કોવિડ ટ્રાવેલિંગ કિટ વેચવાનું શરૂ કર્યું. તેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 
ree

બેડશીટ, ટુવાલ, નેપકિન જેવી હાઉસવેરની વિવિધ પ્રોડક્ટ્સમાં ઓનલાઈન પોર્ટલ્સ પર કાસા કોપનહેગન ભારતમાં જ નહિ, યુરોપના 12 દેશો, અમેરિકા અને કેનેડામાં પણ એક અગ્રણી બ્રાન્ડ છે. કોરોનાના સમયમાં ઓનલાઈન બિઝનેસ તરફ લોકોનો ઝુકાવ વધતા તેમના વેચાણમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. રાહુલ જિતેન્દ્ર જણાવે છે, “અગાઉ અમારે ઓનલાઈન બિઝનેસથી મહિને રૂ. 1 કરોડનું વેચાણ થતું હતું. કોવિડ-19 બાદ આ વેચાણ 3થી 4 ગણું વધી ગયું છે કારણ કે ઘરે રહીને પણ લોકોને બેડશીટ, ટુવાલ, નેપકિન વગેરેની તો જરૂર પડે છે. લોકો દુકાનમાં ખરીદી કરવા નથી જઈ શકતા એટલે તેઓ ઓનલાઈન ઓર્ડર કરે છે.” આ સાથે વર્ષના અંદાજિત રૂ. 36 કરોડના વેચાણ સાથે કાસા કોપનહેગનની બ્રાન્ડ વેલ્યુ રૂ. 100 કરોડને આંબી ગઈ છે. આવી જ કોઠાસૂઝ વાપરીને તેમણે પોતાના હોમ ફર્નિશિંગ સ્ટોર કાસા કોપનહેગન માટે એક સોફ્ટવેર ડેવલપ કરાવડાવ્યું છે જે ગ્રાહકોને વર્ચુઅલ ટૂર પર લઈ જાય છે. તેનાથી ગ્રાહકો ઘેર બેઠા તેમના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કરી શકે છે. કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીનમાં જ તે પરદા, સોફાના કાપડ પસંદ કરીને તે દીવાલના કલર સાથે મેચ થશે કે નહિ, તેની સાથે કેવા કૂશન કવર સારા લાગશે વગેરે બધું જ પસંદ કરી શકે છે. ત્યાર બાદ તેમણે ફક્ત પ્રોડક્ટના કોડ મુજબ ઓનલાઈન ઓર્ડર આપવાનો રહે છે. ખાસ કરીને સીનિયર સિટીઝન્સ માટે આવી ટેક્નોલોજી આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે અને તેઓ ઘેર બેઠા પોતાની મનપસંદ ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે. રાહુલ જિતેન્દ્ર સ્પષ્ટ માને છે કે નવી પેઢી હવે ઓનલાઈન ખરીદી કરવામાં વધુ રસ દાખવી રહી છે ત્યારે પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે વેપારીઓએ ડિજિટલ ક્રાંતિનો ભાગ બનવું જ રહ્યું. મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ટેક્સટાઈલના વેપારીઓ માટે યોજાતું ગ્રાન્ડ એક્ઝિબિશન ‘ફેબેક્સા’ આ વખતે વર્ચુઅલ પ્લેટફોર્મ પર યોજાઈ રહ્યું છે તેની પાછળ પણ રાહુલભાઈનો મોટો હાથ છે. તેઓ જણાવે છે, “પરંપરાગત વિચારધારા ધરાવનારા વેપારીઓને ઓનલાઈન બિઝનેસ તરફ ઢાળવા એ એક પડકાર છે. તેમને દાખલા આપીને સમજાવવું પડે છે કે કેવી રીતે હવે લોકોનો ઝુકાવ ઓનલાઈન ખરીદી તરફ વધી રહ્યો છે અને તેમાં પણ કમાણીની તકો રહેલી છે.” ફેબેક્સા થ્રીને ટેક્સટાઈલ ક્ષેત્રની બે સૌથી દિગ્ગજ કંપનીઓ અરવિંદ તથા રિલાયન્સનો સહકાર મળ્યો છે. આ વર્ચુઅલ માર્કેટની મુલાકાત 100થી વધુ દેશના 5 લાખથી વધુ વેપારીઓ અને લેવાલો લેશે તેવી ગણતરી છે. 24 ઓગસ્ટથી 90 દિવસ સુધી ચાલનારા આ એક્ઝિબિશનને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બહારગામના વેપારીઓ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત જ ન લઈ શકે તેવા કપરા સંજોગોમાં ઓનલાઈન યોજાનારા ફેબેક્સાએ ગુજરાતના ટેક્સટાઈલના વેપારીઓ માટે કમાણીના દરવાજા ખોલી નાંખ્યા છે. પરિવર્તન જ સંસારનો નિયમ છે તેમાં દૃઢપણે માનતા રાહુલ જિતેન્દ્રએ સાત દાયકા પહેલા સ્થપાયેલા એલ.પી ગૃપમાં પણ સમયાનુસાર આણેલા ફેરફારોને કારણે ગૃપ કપરા સમયમાં ન માત્ર ટકી શક્યું છે પણ સાથે જ વિકાસ પણ કરી શક્યું છે. એલ.પી ગૃપની શરૂઆત ઘણા નાના પાયે થઈ હતી. 1950માં લાલભાઈ પોપટલાલ (એલપી)એ વરાંગલની આઝમઝાઈ મિલ્સ સાથે યાર્ન ટ્રેડિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. સાથે તેમણે બીડી પર વીંટાળવાના દોરા બનાવવાનું ચાલુ કરીને અમદાવાદ તથા મધ્ય પ્રદેશના બીડીના વેપારીઓને તેનું વેચાણ કરવાનું ચાલું કર્યું. 1965માં તેમના મોટા પુત્ર જિતેન્દ્ર કુમાર લાલભાઈ આ વેપારમાં જોડાયા અને તેમણે જેકેએલ નામથી યાર્ન ઈન્ડેન્ટિંગનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે ટીમવર્ક, વિશ્વાસ, સંશોધન, સ્વમાન, હિંમત જેવા મૂલ્યોને બિઝનેસના પાયામાં વણી લીધા. આજે પણ એલ.પી ગૃપે આ મૂલ્યોને જકડી રાખ્યા છે. 1993માં જેકેએલએ અમદાવાદના 100 વર્ષ જૂના ટેક્સટાઈલ હબ ન્યુ ક્લોથ માર્કેટમાં પોતાની નવી ઑફિસ શરૂ કરી. ત્યાર સુધીમાં જેકેએલ એ યાર્ન માર્કેટિંગ ક્ષેત્રે ગુજરાતની અગ્રણી કંપની બની ચૂકી હતી.

 
ree

1995માં રાહુલ જિતેન્દ્ર બિઝનેસમાં જોડાયા અને તેમણે એકમે ઈન્ટરનેશનલ લિમિટેડની સ્થાપના કરી. આ સાથે તેમણે વિશ્વના વિવિધ દેશોમાં કોટન યાર્નની નિકાસ કરવાની શરૂઆત કરી. રાહુલભાઈના જોડાયા બાદ પાંચ જ વર્ષમાં કંપનીએ રૂ. 100 કરોડનો ટાર્ગેટ હાંસલ કરી લીધો. ભારતીય માર્કેટ પર મજબૂત પકડ મેળવ્યા બાદ કંપનીએ યાર્નની સાથે સાથે કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ, સિંગાપોર અને ફિલિપિન્સ જેવા દેશોમાં ફેબ્રિકની નિકાસ કરવાનું પણ ચાલુ કર્યું. લગભગ 50 વર્ષ સુધી ફક્ત ટેક્સટાઈલ ક્ષેત્રે જ ફોકસ કરનારી આ કંપનીએ પછી બિઝનેસને જુદા જુદા ક્ષેત્રોમાં વિકસાવવાનું શરૂ કર્યું. હોંગકોંગની અબ્દુલઅલી ઈબ્રાહિમ હાઉસવેર્સ લિમિટેડ સાથે મળીને તેમણે AENCO હાઉસવેર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની શરૂઆત કરી. તેમના માલની સૌપ્રથમ નિકાસ યુ.કે અને ઈટાલી જેવા યુરોપિયન દેશમાં થઈ હતી. 2008માં તેમણે આ કંપનીનો 100 ટકા સ્ટેક ખરીદી લીધો અને તેને નવું નામ ‘એકમે હાઉસવેર’ આપ્યું. તેમાં ફિનિશ્ડ ફેબ્રિક, હોમ ટેક્સટાઈલ અને ગારમેન્ટ્સનું પણ ઉત્પાદન થાય છે. 2005માં એલ.પી ગૃપે ‘એકમે કોટસિન’ નામથી ટેક્સટાઈલ મેનુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. આ માટે તેમણે પટેલ ફેમિલી સાથે હાથ મિલાવ્યા અને 25 જેટલા પિકાનોલ મશીનની મદદથી ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન શરૂ કર્યું. આજે આ કંપની દર મહિને 6 લાખ મીટર જેટલા ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. તેમણે 15 જેટલા અત્યાધુનિક નિટિંગ મશીન્સ વસાવીને નિટ્સ સેગમેન્ટમાં પણ એન્ટ્રી લીધી છે. તેના અંતર્ગત દર મહિને 200 ટન જેટલા ગ્રે તથા ફિનિશ્ડ ફેબ્રિક્સનું ઉત્પાદન થાય છે. ‘એકમે ગ્રે’ આજે ટેક્સટાઈલ ક્ષેત્રે ક્વોલિટીનો પર્યાય બની ગયું છે. 2010માં હોંગકોંગ સ્થિત સેમસંગ કંપનીને 2000 જેટલા કન્ટેનર ભરીને રૉ કૉટન મોકલી આપીને કંપનીએ પહેલી વાર રૂ. 1000 કરોડના વેચાણનો ટાર્ગેટ હાંસલ કર્યો. ત્યાર બાદ 1 વર્ષ રહીને તેમણે કોટન યાર્નનું સ્પિનિંગ કરતા એક યુનિટને ખરીદીને એકમે યાર્ન્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. 2011નું વર્ષ એલ.પી ગૃપ માટે યાદગાર બની રહ્યું કારણ કે આ વર્ષે તેમણે યુ.કેની એક અગ્રણી બ્રાન્ડ કાસા કોપનહેગન ખરીદી લીધી. ભવિષ્યમાં આ જ બ્રાન્ડ તેમની કંપનીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો ચહેરો બનવાની હતી. રાહુલ જિતેન્દ્રને સમજાઈ ગયું હતું કે જમાનો હવે ઈન્ટરનેટનો છે. આથી તેમણે 2014માં એમેઝોન સાથે ટાઈ-અપ કરીને કાસા કોપનહેગનના નામથી હોમ ટેક્સટાઈલ કેટેગરીમાં પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું. ત્યાર પછી એલ.પી ગૃપે એક પછી એક બ્રાન્ડ લોન્ચ કરવામાં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તેઓ બાળકોના કપડા માટે સોફી એન્ડ સેમ બ્રાન્ડ અંતર્ગત, લેગિંગ્સમાં ઈરા બ્રાન્ડ નેમ હેઠળ, લેડિઝ ગારમેન્ટમાં બ્યુ, હાઉસવેરમાં કિચન કેમિસ્ટ્રી, બારવેરમાં કોકટેઈલ્સ એન્ડ ડ્રીમ્સ તથા એક્સેસરીઝમાં નોર્મન જુનિયર બ્રાન્ડ નેમથી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ભવિષ્યમાં ઊભી થનારી માંગને પહોંચી વળવા માટે તેઓ સમયાંતરે પોતાની મશીનરીને આધુનિક બનાવતા જાય છે. 2018માં ભગત ગૃપ સાથે મળીને તેમણે એલ.બી.ટેક્સ પ્રા. લિ કંપની અંતર્ગત અત્યાધુનિક વીવિંગ ફેસિલીટી શરૂ કરી. તેમાં દેશનું સૌથી મોટું ટેક્સટાઈલ ગૃપ અરવિંદ પણ સંકળાયેલું છે. 1950થી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એલ.પી ગૃપે ગયા વર્ષે પોતાની પહેલવહેલી ગારમેન્ટ ફેસિલિટી એકમે ક્લોધિંગ એલએલપી અંતર્ગત શરૂ કરી છે. તેમાં મહિને 1 લાખથી વધુ પીસ બને છે. તેમનું ખાસ ફોકસ હાલ લેગિંગ્સની બ્રાન્ડ ‘ઈરા- Eera’ પર છે. આટલા વિશાળ બિઝનેસ છતાં એલ.પી ગૃપ એક જૂથ તરીકે સફળતાની દિશામાં એક પછી એક ડગ માંડી રહ્યું છે તેનો શ્રેય જાય છે તેમના પરિવારના સંપ અને પ્રેમને. એલ.પી ગૃપની દરેક કંપનીનું સંચાલન પરિવારના જ કોઈને કોઈ સદસ્ય દ્વારા કરવામાં આવે છે. રાહુલ જિતેન્દ્ર એલ.પી ગૃપના આ વિશાળ વડલાને એક તાંતણે બાંધી રાખવાની કામગીરી બજાવે છે. દેશ-વિદેશમાં વિસ્તરતા વેપાર છતાં ગૃપના સ્થાપકોએ તેમનામાં જે મૂલ્યોનું સિંચન કર્યું હતું તેનું જતન નવી પેઢી પણ ખૂબ કાળજીથી કરે છે. વેપાર વિસ્તારવાની સાથે સાથે એલ.પી ગૃપ સમાજ સેવાને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે. 2016ના વર્ષમાં સ્થપાયેલા એલપી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એલ.પી ગૃપ હેલ્થ અને શિક્ષણના ક્ષેત્રે સીએસઆરની અનેક પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

Read Previous

મહિલા ઉદ્યોગસાહસિકો માટે ફંડ રેઈઝિંગ સૌથી વિકટ સમસ્યા

Read Next

સ્ટેબલ કોઈન શું છે, અને તેમાં ઈન્વેસ્ટ કરવું સુરક્ષિત છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular