• 9 October, 2025 - 11:28 AM

ક્રિપ્ટો એરડ્રોપ શું છે? તેમાંથી કેવી રીતે રૂપિયા કમાઈ રહ્યા છે લોકો?

ree

 

મોટાભાગના લોકો હવે ક્રિપ્ટો કરન્સીથી વાકેફ જ હશે. તેનો વપરાશ યોગ્ય છે કે નહિ તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આમ છતાં છેલ્લા થોડા સમયમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં જંગી વધારો થયો છે. ઘણા લોકો ક્રિપ્ટોકરન્સી એરડ્રોપના માધ્યમથી પણ સારા એવા રૂપિયા કમાઈ રહ્યા છે. આજે જાણીએ કે ક્રિપ્ટો કરન્સી એરડ્રોપ ખરેખર છે શું.

 

ક્રિપ્ટોકરન્સી એરડ્રોપ એટલે શું?

 

તમે ઓનલાઈન ગેમ્સ રમતા હશો તો તમને ખ્યાલ હશે કે ગેમર્સને ગેમ સાથે જકડી રાખવા માટે તેમને પ્રમોશનલ ભેટ આપવામાં આવે છે. ક્રિપ્ટો એરડ્રોપ્સ પણ આવા જ પ્રકારની સર્વિસ છે. મતલબ કે તમને કોઈ કંપની તરફથી ફ્રી ક્રિપ્ટો કોઈન કે ટોકન આપવામાં આવે. તેના બદલામાં તમારે એ કંપનીની સર્વિસનો જુદા જુદા સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાનો રહે છે. આવા અનેક એરડ્રોપ્સ મોજૂદ છે અને આગામી સમયમાં આવા ઘણા નવા એરડ્રોપ્સ પણ જોવા મળશે.

 

ક્રિપ્ટો એરડ્રોપ કેવી રીતે કામ છે?

 

આ એક બ્લોકચેઈન આધારિત માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ઉદાહરણ આપીને સમજીએ. ધારોકે WazirX કે Binance જેવું નવું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ શરૂ થવાનું છે. તો તેમાં મહત્તમ લોકોનું ધ્યાન ખેંચવા માટે પોતાની વર્ચુઅલ કરન્સી જેમ કે WazirX ટોકન કે Binance Coin લોન્ચ કરશે.

 

ત્યારબાદ પ્લેટફોર્મ જુદા જુદા માધ્યમથી જાહેરાત કરશે કે શરૂઆતના યુઝર્સને તેઓ અમુક અમાઉન્ટની કરન્સી ફ્રીમાં આપશે. તેના માટે યુઝર્સે પ્લેટફોર્મ પર રજિસ્ટર કરાવવાનું રહે છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપડેટ કરવાનું રહે છે. ત્યાર પછી તેમને આવા જ બીજા થોડા ટાસ્ક આપવામાં આવે છે. જે યુઝર્સ આ ટાસ્ક પૂરા કરે તે એરડ્રોપના પ્રતિયોગી બને છે. જે દિવસે એરડ્રોપની તારીખ હોય એ દિવસે પ્લેટફોર્મ તેમની વર્ચુઅલ કરન્સીની જે કિંમત થતી હોય તે અમુક લકી વિનર્સના ખાતામાં જમા કરી દે છે. દરેક પ્લેટફોર્મ એરડ્રોપ માટે અલગ અલગ શરત રાખે છે. સામાન્ય રીતે આવી પ્રતિયોગિતામાં ઘણી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. આ એક પ્રકારની ડિજિટલ માર્કેટિંગ સર્વિસ જ છે.

 

એરડ્રોપની રકમ કેવી રીતે મેળવવી?

 

એરડ્રોપમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર થાય છે. આથી તેમાં પ્રતિયોગીઓ પાસે ક્રિપ્ટોકરન્સી વોલેટ હોવું આવશ્યક છે. આ વોલેટમાં તમે બિટકોઈન, ઈથિરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સી પણ સ્ટોર કરી શકો છો. તમે એરડ્રોપ માટે રજિસ્ટર કરો ત્યારે તમારી પાસે આવું વોલેટ છે કે નહિ તેની વિગતો પણ માંગવામાં આવે છે.

 

એરડ્રોપની ડ્યુ ડેટ હોય અને તમે વિજેતા બનો તો કંપની તમે આપેલા વોલેટ એડ્રેસમાં રકમ જમા કરાવે છે. જુદા જુદા પ્લેટફોર્મ તે જે બ્લોકચેઈનનો ઉપયોગ કરતા હોય તેને આધારે વોલેટની ડિમાન્ડ કરી શકે છે. દાખલા તરીકે, ઈથિરિયમ બ્લોકચેઈન માટે MyEtherWalletનો ઉપયોગ થાય છે. એ જ રીતે XLM અને સ્ટેલાર-આધારિત ટોકન માટે સ્ટેલર પોર્ટ વેબ વોલેટનો ઉપયોગ થાય છે. મોટા ભાગના બ્લોકચેઈન પ્રોજેક્ટ ઈથિરિયમ બ્લોકચેઈન પર બનાવવામાં આવે છે.

 

એરડ્રોપ્સ કેમ મહત્વના છે?

 

એરડ્રોપ્સ એ ક્રિપ્ટોકરન્સીના પ્રમોશનનું ઉત્તમ માધ્યમ છે. વર્ચુઅલ કરન્સી પ્લેટફોર્મે તેના મૂલ્યોને વળગી રહેવું પડે છે. આમ કરવાથી જ ક્રિપ્ટો કરન્સી વર્લ્ડમાં તે પગપેસારો કરી શકે છે. એક ઉદાહરણથી સમજીએ. પ્લે ટુ અર્ન બ્લોકચેઈન ગેમ સેન્ડબોક્સ શરૂઆતમાં USD 0.05 પર ટ્રેડ કરતી હતી. એક જ વર્ષમાં તેની કિંમત $7 થઈ ગઈ છે અને તેમાં રોકાણ કરનારાઓને 140 ગણુ વળતર મળ્યું છે. આમ ક્રિપ્ટો એરડ્રોપ એ અનેક રોકાણકારો માટે શરૂઆતના તબક્કેથી જ કોઈ કરન્સી સાથે જોડાઈને તગડું રિટર્ન મેળવવાનું માધ્યમ છે.

 
 

સાવધાન! એરડ્રોપના નામે તમારી સાથે ચીટીંગ થઈ શકે છે!

 

ઘણા લોકોને એરડ્રોપમાં આસાનીથી પૈસા બનાવવાનો રસ્તો દેખાઈ રહ્યો છે. આ કારણે ઘણા લેભાગુઓ આ માધ્યમથી લોકોને છેતરી પણ રહ્યા છે. ગયા વર્ષે એક એરડ્રોપ કૌભાંડમાં ક્રિપ્ટો વોલેટ હોલ્ડર્સને મેલિશિયસ ટોકન મોકલવામાં આવ્યા હતા. તેના મારફતે તેમની મહત્વની ઓનલાઈન ઈન્ફોર્મેશન ચોરી કરી લેવાઈ હતી. યુઝર્સે આથી આવા સ્કેમથી બચીને રહેવું જોઈએ અને ફક્ત ઓથેન્ટિક વેબસાઈટના જ એરડ્રોપ પર ભરોસો કરવો જોઈએ. બીજું, અમુક ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જમાં એરડ્રોપમાં એનરોલમેન્ટની ઓફર કરવામાં આવે તો પણ ચેતી જવું. આવી ઓફર બનાવટી હોવાની શક્યતા છે. એરડ્રોપમાં ઘણી મોટી રકમ જીતવાની આંબા-આંબલી બતાવીને લોકો સાથે છેતરપિંડી થઈ શકે છે. કોઈપણ એરડ્રોપમાં ભાગ લેતા પહેલા તે પ્રોજેક્ટ અંગે પૂરતું ઓનલાઈન રિસર્ચ જરૂર કરી લેવું જોઈએ.

 
 
પ્રાઈવેટ કરન્સીના નામે થતા ફ્રોડથી બચવુંઃ જતીન બારોટ
 
 
ree

અમદાવાદની અગ્રણી બ્રોકિંગ ફર્મ BZ ઈન્ટરનેશનલ પ્રા.લિના પાર્ટનર જતીન બારોટ રોકાણકારોને પ્રાઈવેટ કરન્સીના નામે થતા ફ્રોડથી ચેતતા રહેવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે, “રોકાણકારે કોઈપણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા coinmarketcap.com જેવી વેબસાઈટ પર તે લિસ્ટેડ છે કે નહિ તે જોવું જોઈએ. એરડ્રોપ પણ CoinSwitch Kuber WazirX જેવા એક્સચેન્જ પર આવે તો તે વિશ્વાસપાત્ર ગણી શકાય. પ્રાઈવેટ કરન્સીના નામે આજકાલ ઘણા કોઈન લોન્ચ થાય છે જેમાં ફ્રોડની સંભાવના છે. તેનાથી ઈન્વેસ્ટર્સે બચતા રહેવું જોઈએ. બિટકોઈન, ઈથિરિયમ, XRP જેવી પ્રચલિત કરન્સીમાં ખચકાટ વિના રોકાણ કરી શકાય. આમ તો ક્રિપ્ટોકરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજીથી ચાલે છે જેમાં ફ્રોડ કે હેકિંગની શક્યતા નહિવત છે. ભારત સરકાર જો તેને અધિકૃત કરશે તો તેમાં ઈન્વેસ્ટર્સનો પ્રવાહ વધશે એ વાતમાં કોઈ બેમત નથી. ભારતને બીજા દેશો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવું હશે તો ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવી જ પડશે. હવેના રોકાણકારો તગડું રિટર્ન મળે તેવી એસેટ્સમાં રોકાણ કરવા માંગે છે અને ક્રિપ્ટો વેલ્થ ક્રિએશનનું એક સબળુ માધ્યમ છે. “

Read Previous

આજે શેરબજારમાં શુ કરશો?

Read Next

જીવનનો કોઈ જ ભરોસો નથી, વિલ સમયસર બનાવી લેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular