• 9 October, 2025 - 11:33 AM

જમીન વિના ખેતીઃ એક્ઝોટિક અને પેસ્ટિસાઈડ-ફ્રી વેજીટેબલ્સ ઊગાડીને કમાણી કરવાની ઉત્તમ તક

કોરોના પછી સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધતા લોકો ઓર્ગેનિક અને પેસ્ટિસાઈડ ફ્રી શાકભાજી-ફળો ખાવાનું વધુ પસંદ કરે છે
હાઈડ્રોપોનિક્સ ફાર્મ તૈયાર કરી આપતા અમદાવાદના સ્ટાર્ટઅપની બોલબાલા વધી
 
 
ree

કહેવત છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે આખા વિશ્વની ઈકોનોમીને કમરતોડ ફટકો પડ્યો છે એ વાત સાચી, પરંતુ કોરોનાએ સાથોસાથ ઉદ્યોગ-ધંધા માટે વેપારની નવી તકો પણ ઊભી કરી આપી છે. આ તકને સમયસર પારખીને ઝડપી લેનાર વેપારીઓએ કોરોના કાળમાં રડવાનો વારો નથી આવ્યો. કોરોનાને કારણે લોકોને સારા સ્વાસ્થ્યનું મહત્વ સમજાયું છે. આથી જ હેલ્થ જાળવવા માટે લોકો નિયમિત કસરત કરવાથી માંડીને હેલ્ધી ફૂડ ખાવા તરફ વળ્યા છે. આવામાં જો લોકોને ઓર્ગેનિક, જંતુનાશક દવા મુક્ત, પોષણસભર શાકભાજી કે ફળ બજાર કરતા વધારે ભાવે પણ મળતા હોય તો લોકો તે ખરીદવા તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે અમદાવાદના એક એગ્રીટેક સ્ટાર્ટઅપ રાઈઝ હાઈડ્રોપોનિક્સનો સૂરજ હાલ મધ્યાહ્ને તપી રહ્યો છે.

 

તમને જાણીને નવાઈ લાગશે કે એપ્રિલ 2020માં જે સ્ટાર્ટઅપની શરૂઆત થઈ તેણે એક જ વર્ષના ઓછા ગાળામાં ભારતના ટોચના એગ્રીટેક સ્ટાર્ટઅપ્સની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. ત્રણ પાર્ટનર્સ મીત પટેલ, તુષાર અગ્રવાલ અને વિવેક શુક્લાએ કોરોના કાળમાં હેલ્ધી ફૂડ તરફ લોકોના વધતા ઝુકાવને સમયસર પારખી લીધો અને એવું સ્ટાર્ટઅપ ઊભું કર્યું જે લોકો સુધી પોષણસભર, જંતુનાશક દવા-મુક્ત અને હેલ્ધી કૃષિ પેદાશો પહોંચાડી શકે અને સાથોસાથ ખેડૂતોને આર્થિક રીતે પણ ટેકો આપી શકે. અમદાવાદનું આ સ્ટાર્ટઅપ ખૂબ જ અફોર્ડેબલ ભાવે ખેડૂતોને ટર્ન કી સોલ્યુશન્સ પૂરા પાડે છે. જો કે રાઈઝ હાઈડ્રોપોનિક્સ પરંપરાગત રીતે નહિ, પરંતુ અલગ જ રીતે શાકભાજી અને હર્બ્સ ઉગાડવામાં ખેડૂતોને મદદ કરે છે. આ રીતમાં જમીનની જરૂર જ નથી પડતી.

 
ree

 

આ એગ્રીટેક સ્ટાર્ટઅપ હાઈડ્રોપોનિક્સ એટલે કે જળખેતી કરવામાં ખેડૂતોને મદદ કરે છે. આ હોર્ટિકલ્ચરનો એક પ્રકાર છે. તેમાં જમીન વિના જ મિનરલ્સમાંથી છોડને પોષણ પૂરુ પાડીને પાક ઉગાડવામાં આવે છે. ખેતીની આ રીત નેચર ફ્રેન્ડલી અને સરળ છે. બેફામ જંતુનાશક દવાઓ અને કૃત્રિમ ખાતરના ઉપયોગને કારણે જમીન પ્રદૂષિત થઈ ગઈ છે. પરિણામે જમીનમાંથી ઉગતા પાક કે ફળ-શાકભાજીમાં પણ રસાયણના અંશ જોવા મળે છે. હાઈડ્રોપોનિક્સમાં એકદમ નિયંત્રિત વાતાવરણમાં જમીન વિના પાણીમાં ખેતી થાય છે. તેને પરિણામે તેમાંથી ઉતરતો પાક એકદમ શુદ્ધ, હેલ્ધી અને રસાયણોથી મુક્ત હોય છે.

 

રાઈ ઝ હાઈડ્રોપોનિક્સના કો-ફાઉન્ડર વિવેક શુક્લા જણાવે છે, “હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ઓરેગાનો, કાલે, બ્રોકલી, લેટ્યુસ, ટમેટા, કેપ્સિકમ, કાકડી, રીંગણ, દૂધી, કારેલા સહિતના એક્ઝોટિક અને દેશી વેજીટેબલ્સ અને હર્બ્સ ઊગાડી શકાય છે. કયા પ્રકારના શાકભાજી ઊગાડવા છે તેના આધારે ચારથી પાંચ જુદી જુદી રીતમાંથી એક મેથડ નક્કી કરવામાં આવે છે. પાક ઊગાડવા માટે ROનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે અને ત્યાર બાદ તેમાં છોડને જરૂરી પોષકતત્વો ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિથી ઉગાડવામાં આવતા શાકભાજીમાં હેવી મેટલ, લેડ કે પેસ્ટિસાઈડ્સના અવશેષો નથી હોતા.” હાઈડ્રોપોનિક્સનો મોટામાં મોટો ફાયદો એ પણ છે કે પાકને નિયંત્રિત વાતાવરણમાં બંધ જગ્યાએ ઉગાડવામાં આવતો હોવાથી કમોસમી વરસાદ, વાવાઝોડા જેવા બાહ્ય કુદરતી પરિણામોની આડઅસર તેના પર પડતી નથી.

 

હાઈડ્રોપોનિક્સ ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોને રાઈઝ હાઈડ્રોપોનિક્સ સંપૂર્ણ ફાર્મ સેટઅપ કરી આપે છે. આ અંગે વધુ વાત કરતા વિવેક શુક્લા જણાવે છે, “હાઈડ્રોપોનિક્સમાં એક વખત સિસ્ટમ ઈન્સ્ટોલ થાય પછી ઈરિગેશન સિસ્ટમ, ઓટોડોઝર, ન્યુટ્રિશન વગેરે બધું જ ઓટોમેટિકલી મેનેજ થાય છે. IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) સોલ્યુશન્સની મદદથી ફાર્મના માલિક તેમના કોમ્પ્યુટર ડેસ્ક પર બેઠા બેઠા પાણીનું TDS, ટેમ્પરેચર સહિતની તમામ બાબતો કંટ્રોલ કરી શકે છે. અમે ફાર્મ સેટઅપ કર્યા બાદ તેમને ફાર્મ મેનેજ કરવાની સંપૂર્ણ ટ્રેનિંગ પણ આપીએ છીએ.”

 

લોકોમાં હવે કિચન ગાર્ડન એટલે કે શાકભાજી પોતાના જ રસોડામાં ઉગાડવાનો પણ ક્રેઝ વધ્યો છે. રાઈઝ હાઈડ્રોપોનિક્સ તેના માટે ખાસ કિચન સેટ પણ પૂરો પાડે છે. રૂ. 11,000થી શરૂ થતા આ ઈન્ડિપેન્ડન્ટ કિચન સેટની મદદથી હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી લોકો પોતાના ઘરે જાતજાતના શાકભાજી ઉગાડી શકે છે. જો તમારે મોટી બાલ્કની કે ટેરેસ હોય તો તેમાં પણ તમે આ પદ્ધતિથી શાકભાજી ઉગાડી જ શકો છો. તેમણે અત્યાર સુધીમાં દેશના 50થી વધુ શહેરોમાં 150 જેટલી હોમ કિટ પહોંચાડી છે.

 
ree

 

આ ઉપરાંત હાઈડ્રોપોનિક્સ ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદના આ સ્ટાર્ટઅપે અત્યાર સુધી આખા દેશમાં 20,000 લોકોને તાલીમ આપી છે. રાઈઝ ફ્રેશ્ઝના નામથી તેઓ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડેલા પોષણસભર અને પેસ્ટિસાઈડ-ફ્રી એક્ઝોટિક શાકભાજીનું ઓનલાઈન વેચાણ પણ કરે છે. રાઈઝ હાઈડ્રોપોનિક્સનો ટાર્ગેટ 2030 સુધીમાં ભારતના 5,00,000 ખેડૂતોને સપોર્ટ કરવાનો છે. જો કે આ વિચારીએ તેટલું સહેલું નથી. વિવેક શુક્લા જણાવે છે, “પરંપરાગત ભારતીય ખેડૂત જમીન વિના ખેતીની કલ્પના પણ ન કરી શકે. તેઓ હજુ સુધી પોલીહાઉસને નથી અપનાવી શક્યા તો હાઈડ્રોપોનિક્સ તો ઘણી દૂરની વાત છે.” હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં પ્રારંભિક ઈન્વેસ્ટમેન્ટ થોડું વધારે છે પરંતુ એક વખત પ્લાન્ટ સેટઅપ થયા પછી સામાન્ય મેઈન્ટેનન્સના ખર્ચ સાથે તેમાં જોઈએ તેવા એક્ઝોટિક અને પેસ્ટિસાઈડ મુક્ત શાકભાજી ઉગાડી શકાય છે. ઈન્ટરનેટ પરથી રસોઈ બનાવતા શીખનાર યુવાનોમાં અને મોટી મોટી હોટેલ્સમાં જાતજાતની રેસિપીઝ અને સલાડ બનાવવા માટે આવા શાકભાજી તથા હર્બ્સની ઘણી મોટી ડિમાન્ડ છે અને તે રૂ. 800થી 1000 પ્રતિ કિલો સુધીના ઊંચા ભાવે પણ બજારમાં વેચાય છે. આમ જોવા જઈએ તો હાઈડ્રોપોનિક્સ ખેતીમાં રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ ઘણું સારુ મળી શકે છે.

 

આજની તારીખે ભારતમાં રાઈઝ હાઈડ્રોપોનિક્સે 2,00,000 સ્ક્વેરફીટથી વધુ જગ્યામાં હાઈડ્રોપોનિક્સ ફાર્મ વિકસાવ્યા છે જેમાં 1000 ટનથી વધુ પાકનું ઉત્પાદન થાય છે. ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં તેમના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ભારતમાં આટલા મોટા પાયે જમીન વિના ખેતી વિકસાવતું રાઈઝ હાઈડ્રોપોનિક્સ એક માત્ર સ્ટાર્ટઅપ છે.

 

વિશ્વની વસ્તી વધતી જાય છે, તેની સામે ખેતીલાયક જમીન મર્યાદિત છે. આ સંજોગોમાં વધતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખેતી માટે જમીન સિવાય અન્ય વિકલ્પો તરાશવા જરૂરી બની ગયા છે. વિદેશમાં દરિયાની અંદર પણ ખેતરો વિકસી રહ્યા છે ત્યારે રાઈઝ હાઈડ્રોપોનિક્સની સફળતા દર્શાવે છે કે ભારત પણ હવે પરંપરાગત ખેતીની સાથેસાથે નવી દિશામાં આગળ વધવા થનગની રહ્યું છે.

 

શું કૃષિપેદાશના પરંપરાગત ખરીદ-વેચાણની પરિભાષા બદલી નાંખશે એગ્રીટેક સ્ટાર્ટઅપ્સ?

 

ઈન્ટરનેટ હવે ફક્ત શહેરીજનોની જાગીર નથી રહી. દેશના ગામડેગામમાં આજે 4G ઈન્ટરનેટ પહોંચી ગયું છે. આજે ફર્નિચરથી માંડીને કરિયાણા સુધીની તમામ વસ્તુઓ ઓનલાઈન મળી રહી છે ત્યારે કેટલાંક એગ્રીટેક સ્ટાર્ટઅપ્સ એવા પણ છે જે ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. મુંબઈ સ્થિત પોર્ટલ એગ્રીબઝારનું જ ઉદાહરણ લઈ લો. ઓનલાઈન કૃષિ મંડી જેવું કામ કરતા આ પોર્ટલ પર યુઝર્સના રજિસ્ટ્રેશનમાં છેલ્લા એક વર્ષમાં 250 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો શું હવે ભવિષ્યમાં આવા પોર્ટલ્સ કૃષિ મંડીઓનું સ્થાન લઈ લેશે?

 
ree

 

APMC-અમદાવાદના સેક્રેટરી દીપક પટેલ આ સાથે અસહમત થતા જણાવે છે, “હવે ધોતી પહેરતા ખેડૂતો નહિ, જીન્સ પહેરતા યુવાનો ખેતી કરતા થઈ ગયા છે. એપીએમસીમાં બધું જ કોમ્પ્યુટરાઈઝ્ડ હોવાથી હવે છેતરપિંડીના કિસ્સા ઘટી ગયા છે. માલના રોજેરોજના ભાવ વેબસાઈટ પર અપડેટ થઈ જ જાય છે. એપીએમસી પર આજની તારીખે ખેડૂતોને ખૂબ જ વિશ્વાસ છે. એટલે જ અહીં કૃષિપેદાશો વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો થાય છે. અહીં તેમને તેમના માલના સારામાં સારા ભાવ મળે છે. ખેડૂત બે-પાંચ કિલો નહિ, ક્વિન્ટલમાં માલ વેચવા આવે છે. શાકભાજીનો એક જ નિયમ છે- તુ મને વેચ નહિં તો હું તને વેચી મારીશ. શાકભાજીમાં મોઈશ્ચર ઘટતું જાય તેમ તેની લાઈફ ઘટતી જાય છે અને ખેડૂતે તેનો શક્ય તેટલો જલ્દી નિકાલ કરી દેવો પડે છે. એપીએમસીમાં ખેડૂતનો ગમે તેટલો વધારે માલ લઈને આવે, વેપારી તે સારા ભાવે ખરીદે છે અને તેને શાકભાજી તાજા હોય તેટલા જ સમયગાળામાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ વેચે છે. ખેડૂત માટે સ્વતંત્ર રીતે આવું કરવું શક્ય નથી. તેમાં જો માલ બગડી જાય તો ખેડૂતને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. અમદાવાદમાં રોજના 10,500 ક્વિન્ટલ શાકભાજીની જરૂર પડે છે. તેની સામે એપીએમસીમાં રોજ 35,000 ક્વિન્ટલ માલ ઠલવાય છે. આમ છતાંય ખેડૂતોને તેનો સંતોષકારક ભાવ મળે જ છે. વેપારી ખેડૂતો પાસેથી માલ ખરીદીને તેને મોટી ક્વોન્ટિટીમાં બીજા માર્કેટમાં વેચાણ માટે અથવા તો પ્રોસેસ હાઉસમાં મોકલે છે. આ માટે જરૂરી લેબર, ટ્રાન્સપોર્ટેશન વગેરેની જવાબદારી વેપારી પોતે ઊઠાવે છે. ઓનલાઈન ખરીદ-વેચાણમાં આ કોઈ રીતે શક્ય બને તેમ નથી. આથી ખેતીના ક્ષેત્રે કૃષિ મંડીઓનું રિપ્લેસમેન્ટ શક્ય જ નથી. “

Read Previous

Stock Idea : ફોર વ્હિલરના ફાઈનાન્સનું કામ કરતી આ મહિન્દ્રા ગ્રુપની કંપનીના ફંડામેન્ટલ્સ સારા છે.

Read Next

DRC-3 ફોર્મની નોટિસથી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓમાં ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular