દેશમાંથી થતી કેમિકલની કુલ નિકાસમાં 46 ટકાથી વધુ હિસ્સો ગુજરાતના ઉત્પાદકોનો
2024-25ના વર્ષમાં દેશમાંથી થયેલી કેમિકલની ર899.9 કરોડ ડૉલરની નિકાસ
એકલા ગુજરાતના ઉત્પાદકોએ 1288.5 કરોડ ડૉલરની નિકાસ કરી
ભારતમાંથી થતી કેમિકલની કુલ નિકાસમાં ગુજરાતના કેમિકલના ઉત્પાદકોનો હિસ્સો 46 ટકાથી વધારેનો હોવાનું કેમેક્સિલના આંકડાઓ દર્શાવી રહ્યા છે. 2024-25ના વર્ષમાં દેશમાંથી 2869.9 કરોડ ડૉલરના મૂલ્યની નિકાસ થઈ હતી. તેમાંથી એકલા ગુજરાતના કેમિકલના ઉત્પાદકોએ રૂ. 1288.5 કરોડ ડૉલરની નિકાસ કરીહતી. આ કુલ નિકાસના 46.16 ટકા થાય છે.
કેમેક્સિલના ઉત્તર ભારતના પ્રદેશના ચેરમેન અંકિત પટેલનું કહેવું છે કે ડાઈઝ, ડાઈ ઇન્ટરમિડીયેટ્સ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલની નિકાસમાં ગુજરાતનું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કેમિકલની ડિમાન્ડમાં મોટી વધઘટ જોવા મળી રહી હોવાથી કેમિકલ ઉદ્યોગ મે 2025થી મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે. છતાંય ભારતમાંથી થતી કેમિકલની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 46 ટકાથી વધારેનો રહ્યો છે.
દેશમાંથી કેમિકલની થતી કુલ નિકાસમાં ગુજરાત પછીના ક્રમે મહારાષ્ટ્ર આવે છે. કુલ નિકાસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 18.6 ટકાનો અને ત્રીજા ક્રમે આવતા તેલંગણાનો હિસ્સો 8.71 ટકાનો છે. આમ ગુજરાત કેમિકલ્સના ઉત્પાદનનું દેશનું એક મોટામાં મોટું કેન્દ્ર છે. વાપી, વટવા, નરોડા, દહેજ, સાયખા સહિતના વિસ્તારોમાં કેમિકલનું ખાસ્સું ઉત્પાદન થાય છે.