• 9 October, 2025 - 3:28 AM

નવી સોલાર પોલીસી સ્વાવલંબન માટે છે, વીજળીના વેપાર માટે નહિઃ સૌરભ પટેલ

ree

 
ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે ઉદ્યોગ નીતિને આપ્યો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ
 
સમજો નવી સોલાર પોલીસીની બારીકીઓ સાવ સરળ ભાષામાં
 
 
 
ખેડૂતથી માંડીને MSME, શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ અને ઘરેલુ ગ્રાહકો પણ નવી સોલાર પોલીસીનો લાભ લઈને મોટી બચત કરી શકશે.
ગુજરાતમાં વપરાતી બધી જ વીજળી રિન્યુએબલ સ્રોતમાંથી ઉત્પન્ન કરવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય
સોલાર પેનલ સાત વર્ષથી પણ ઓછા ગાળામાં રિટર્ન ઑન ઈન્વેસ્ટમેન્ટ આપી શકે છે

દેશના ઝડપી વિકાસ માટે રિન્યુએબલ એનર્જી હવે એક પાયાની જરૂરિયાત બની ગઈ છે. ભારત આવતા વર્ષ એટલે કે 2022 સુધીમાં 1,00,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનું મહત્વકાંક્ષી લક્ષ્ય ધરાવે છે. માર્ચ 2020માં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં 8 ગીગાવૉટ જેટલી સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ્સ વિકસાવવાની જાહેરાત કરી હતી. ભારત સરકારના પ્રોત્સાહનને પગલે દેશના અનેક રાજ્યો રિન્યુએબલ એનર્જી ઉત્પાદનની દિશામાં આગળ વધી રહ્યા છે જેમાં ટોચના રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલ લગભગ 10,000 મેગાવૉટ જેટલી રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે જેમાંથી લગભગ 2700 મેગાવૉટ જેટલું ઉત્પાદન સૂર્ય ઉર્જામાંથી થાય છે. રાજ્યનું લક્ષ્ય આવતા વર્ષ સુધીમાં રિન્યુએબલ એનર્જીની કેપેસિટી વધારીને 30,000 મેગાવૉટ કરવાનું છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિને જોતા આ ટાર્ગેટ જરાય અશક્ય નથી. વિશાળ રણ વિસ્તાર અને વર્ષના લગભગ આઠ મહિના ઉનાળા જેવો પડતો આકરો તાપ, ગુજરાત સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકવા સક્ષમ છે. રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને સોલાર એનર્જીના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ ગુજરાત સરકારે સોલાર પાવર અંગે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. આ નિમિત્તે વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્યોગોને માર્ગદર્શન આપતા ‘ઉદ્યોગ નીતિ’ સામયિકના તંત્રી અર્ચિશ શાહે ઉર્જા ક્ષેત્રે સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે વાતચીત કરી હતી. આ રસપ્રદ અને માહિતીસભર ઈન્ટરવ્યુના અંશો નીચે મુજબ છે.

 
ree

 

ગુજરાત સરકારની નવી સોલાર પોલીસી નાના માણસો, નાના-મોટા ઉદ્યોગો, કોમર્શિયલ યુનિટ્સ તથા ખેડૂતો એમ સહુને આવરી લેતી મલ્ટી ડાઈમેન્શનલ પોલીસી છે. વીજળીના ઉત્પાદન ક્ષેત્રની ગુજરાતની વિકાસ યાત્રાનો અંદાજ આપશો? સૌરભ પટેલઃ ગુજરાત હંમેશાથી ઉર્જાના ક્ષેત્રમાં આગળ જ રહ્યું છે. ગુજરાતે આ મોરચે દેશનું નેતૃત્વ કર્યું છે તેમ કહીએ તો પણ ચાલે. 2002ની સ્થિતિ અને 2021ની પરિસ્થિતિમાં ખાસ્સો બદલાવ આવી ગયો છે. તે વખતની સમસ્યાઓમાં વીજળી ઉત્પાદન ઓછું હતું, ગુણવત્તાવાળી વીજળી નહોતી મળતી. બીજા શબ્દોમાં કહીએ તો વીજળીનો સતત પુરવઠો મળતો નહોતો. ખાસ કરીને ગામડાંઓમાં વીજળી મળતી નહોતી. લૉડ શેડિંગ દિવસના છ-છ કલાક થતું હતું. આ તમામમાંથી આપણે તબક્કાવાર બહાર આવતા ગયા છે. જનરેશનની વાત કરીએ. પહેલા કોલસા આધારિત, ગેસ આધારિત અને ત્યારબાદ રિન્યુઅલ એનર્જી પર ફોકસ કરીને વીજ ઉત્પાદનનો આખો પાયો ઊભો કરવામાં આવ્યો છે. તેથી ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય બની શક્યું છે. લૉડ શેડિંગ ક્યારે જાય? તમારા વપરાશ કરતાં ઉત્પાદન વધારે હોય ત્યારે. તેનાથી મૂડી ખર્ચમાં ચોક્કસ વધારો થાય, પરંતુ ગ્રાહકોને સંતોષકારક સુવિધા ચોક્કસ મળી રહે. ગુજરાત સરકારે બીજું પગલું એ લીધું કે વીજળીના ઉત્પાદનનો વ્યાપ વધાર્યો. પહેલા ગાંધીનગરમાં અને દક્ષિણ ગુજરાતમાં જ વીજળી પેદા થતી હતી. આ બે વિસ્તારમાંથી આખા સૌરાષ્ટ્રમાં વીજળીનો પુરવઠો આપવામાં આવતો હતો. તેથી ટ્રાન્સમિશન નેટવર્કની જટિલ સમસ્યા ઊભી થતી હતી. હવે કચ્છ, જામનગર, અમરેલી, ભાવનગરમાં આપણે વીજ ઉત્પાદન ચાલુ કર્યું છે. આ પગલું લઈને આપણે વીજ લૉડને બેલેન્સ કર્યો છે. આ કારણે વીજળીનું ટ્રાન્સમિશન ઓછું થાય અને પરિણામે ટ્રીપિંગ અને ટ્રાન્સમિશનના ખર્ચ પણ ઓછા થાય છે. ત્યારબાદ સરકારે જ્યોતિગ્રામનો આરંભ કર્યો અને વીજળીની આખી નવી લાઈન નાખી. ગુજરાતના 18000 ગામડાંમાં બે ગામ વચ્ચે સરેરાશ પાંચ કિલોમીટરનું અંતર ગણવામાં આવે તો પણ 1 લાખ કિલોમીટર નવી લાઈનો નાંખવામાં આવી છે. એક લાખ કિલોમીટર એટલે વીજળીના 20 લાખ થાંભલા થયા. આ કામગીરી અઢીથી ત્રણ વર્ષમાં પૂરી કરવામાં આવી છે. આવા અનેક પ્રયત્નોને પગલે ગુજરાત ગામડામાં ચોવીસ કલાક લાઈટ આપનાર પહેલું રાજ્ય બની શક્યું છે. ત્રીજું, ટ્રિપિંગ માટે સરકારે સબસ્ટેશન બનાવ્યા. પહેલા વરસે દસ સબસ્ટેશન બનતા હતા, હવે દોઢસો બને છે. આ કારણે પણ મોટો ફાયદો થયો છે. કામગીરીની શરૂઆત તો ત્યારથી થઈ છે જ્યારે ગુજરાતની વીજ કંપનીઓ રૂ. 2200 કરોડનું નુકસાન કરતી હતી. ગુજરાતમાં જુદાં જુદાં વિસ્તારો માટે જુદી જુદી કંપનીઓની સ્થાપના કરીને તેમની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સવાલ ઊભો થયો ખેડૂતોને વીજ જોડાણ આપવાનો. સરકારે ખેડૂતોને વીજળીના જોડાણો આપવા માટે વ્યવસ્થા કરી. પહેલા વરસે પંદર હજાર કનેક્શન અપાતા હતા, હવે વરસે દોઢ લાખ જોડાણ અપાય છે. કનેક્શન આપવા સહેલા છે, પરંતુ તેના સબસ્ટેશન હોવા પણ એટલા જ જરૂરી છે. સબસ્ટેશન વિના વીજળી જાય ક્યાં? આ માટે ગુજરાતમાં ઠેરઠેર સબસ્ટેશન બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે તબક્કાવાર આ બધું જ કામ એક સાથે પાર પાડ્યું છે. ગુજરાતને વીજળીનું સરપ્લસ રાજ્ય બનાવ્યા બાદ સરકારનું ફોકસ હવે રિન્યુએબલ એનર્જી પર છે. પેરિસ કન્વેન્શનમાં ભારતે આ મોરચે નેતૃત્વ કર્યું હતું. દિલ્હીમાં યોજાયેલા સોલાર એલાયન્સમાં વર્ષ 2022 સુધીમાં 30,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાને 2030 સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા પેદા કરવાનું લક્ષ્ય આપ્યું છે. ગુજરાત માટે 2030નો ટાર્ગેટ 65000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનો છે.

 
ree

ગુજરાત સરકારની નવી સોલાર પોલીસીમાં ખાસ શું છે? સૌરભ પટેલઃ નવી સોલાર પોલીસીમાં 360 ડિગ્રીનો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પોલીસી અંતર્ગત કોઈપણ વ્યક્તિને વીજળીનું ઉત્પાદન કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ રિન્યુએબલ સોર્સથી વીજળી ઉત્પન્ન કરવાની સત્તા અમુક જ લોકોના હાથમાં હતી. નવી સોલાર પોલીસી હેઠળ કોઈ પણ વ્યક્તિ જેવી કે ખેડૂત, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે સામાન્ય નાગરિકો પણ કોઈ પણ જગ્યાએ વીજ ઉત્પાદન કરી શકશે. ઘર વપરાશ માટે પણ લોકોને વીજળી પેદા કરવાની છૂટ આપવામાં આવી છે. સોલાર પોલીસીના માધ્યમથી સરકારે નાના ઉદ્યોગો, MSME, હાઈટેન્શન વપરાશકારો પણ વીજળી પેદા કરી શકે તેવી જોગવાઈ ઊભી કરી છે. વીજળી પેદા કરવા પર મર્યાદાઓ હટાવી દેવાતા હવે દરેક માટે સૌર ઉર્જાના માધ્યમથી વીજ ઉત્પાદન કરવાના દરવાજા ખુલ્લા થઈ ગયા છે. ઉદાહરણ આપીને વાત કરીએ. હું સો યુનિટ વીજળીનો વપરાશ કરતો હોઉં. તો નવી પોલીસી હેઠળ 125 યુનિટ વીજળી પેદા કરવાની છૂટ આપવામાં આવી છે. પહેલા એટલે કે જૂની પોલીસીમાં માત્ર 50 યુનિટ જ પેદા કરવાની છૂટ હતી. સવાસો યુનિટ વીજળી પેદા કરીને 100 યુનિટ વાપરશે અને વધારાના 25 યુનિટનું વેચાણ કરી શકાશે. જો કે તેમાં વીજ ઉત્પન્ન કરનારાને નફો નહિ મળે. વાસ્તવમાં તો સોલાર પાવર માટે નફો સાચો શબ્દ નથી. વીજળીના વપરાશ માટે અગાઉ કરવા પડતા ખર્ચમાં થનારી બચત જ સોલાર પાવર પેદા કરનારાઓ માટે મોટી બચત છે. નવી સોલાર પોલીસી લોકોને વીજળીનો વેપાર કરવા દેવા માટે તૈયાર નથી કરવામાં આવી. આ પોલીસી પહેલા પોતાની જરૂરિયાત પ્રમાણેની વીજળી પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે બનાવાઈ છે. વેપાર કરવાની છૂટ મળે તો સો યુનિટની જરૂરિયાતવાળ ઉદ્યોગો 10,000 યુનિટની ઉત્પાદન ક્ષમતાવાળી સોલાર પેનલ બેસાડી દેશે અને વિચારશે કે 9900 વીજળી વેચીને નફો કરીશ. પોલીસી આ હેતુથી નથી બનાવાઈ. હેતુ એ છે કે તે જે સો યુનિટ વીજળી પેદા કરશે અને ઉપયોગ કરશે તો તેની યુનિટદીઠ રૂ. 2થી 3ની ખર્ચની બચત થશે. આ ખર્ચની બચત જ તેનો નફો ગણાશે. આ બચતનો તેણે લાભ લેવાનો છે. કોઈ વ્યક્તિ જો 100 યુનિટની જરૂરિયાત સામે 100 યુનિટ પેદા કરીને 90 યુનિટનો જ ઉપયોગ કરે તો તેના બાકીના બચેલા 10 યુનિટ માટે વાજબી ભાવ સરકાર તરફથી આપવામાં આવશે. આ ભાવ આપવાની પણ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવેલી છે. પહેલા પાંચ વર્ષ સુધી વધારાના યુનિટ દીઠ રૂ. 2.25 આપવામાં આવશે. ત્યારબાદ છેલ્લા બિલિંગ રેટના 75 ટકા પ્રમાણે ભાવ આપવામાં આવશે. નવી ટેક્નોલોજી આવતી જાય તેમ ભાવ ઘટતા જાય તો જીયુવીએનએલને પણ નુકસાન નહિ થાય. દા.ત. અત્યાર સુધી યુનિટદીઠ રૂ. 5નું ટેન્ડર હતું, હવે રૂ. 1.99નું ટેરિફ છે. સોલાર પાવર પેદા કરનારને વધારાની વીજળી પર યુનિટદીઠ રૂ. 1.50 આપવામાં આવશે. આમ સોલાર પેનલ નાખી વીજળી પેદા કરનારાઓએ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તેના વીજ ખર્ચમાં થનારી બચતને આધારે ગણવું પડશે. તેણે વધારાની પેદા કરેલી વીજળી થકી થનારી આવકને ઇન્વેસ્ટમેન્ટ પરના વળતર તરીકે ગણતરીમાં લેવાનું રહેશે નહિ. તેની બારીકાઈમાં વધુ ઊંડા ઉતરીએ. અત્યારે હું સો યુનિટ વીજળી વાપરું છું. તેના માટે રૂ. 800નું બિલ ચૂકવું છું. હવે હું 100 યુનિટની સોલાર પેનલ લગાવું છું, તો મારો યુનિટ દીઠ રૂ. 3નો ખર્ચ બચે છે. આ રૂ. 300ની બચત છે. પરંતુ આ સો યુનિટમાંથી હું 90 યુનિટનો જ વપરાશ કરીશ, તેમની બચત રૂ. 270ની થશે. 10 યુનિટ સરકાર ખરીદશે ખરી, પરંતુ છેલ્લા બિલિંગ રેટના 75 ટકા ભાવથી વીજળી ખરીદવામાં આવશે. લોકો વીજળીનો વેપાર કરવા માટે સોલાર પેનલ બેસાડતા થઈ જાય તેવું અમે ઇચ્છતા નથી. ગુજરાતમાં સૌર ઉર્જા પેદા કરવાનું 2022 અને 2030 સુધીનું શું આયોજન છે? કેટલા ગીગા વૉટના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં ગુજરાતે કેટલા ગીગાવૉટ વીજળી પેદા કરવામાં સફળતા મેળવી છે? સૌરભ પટેલઃ 2022 સુધીમાં 30000 મેગાવોટ અને 2030 સુધીમાં 65000 મેગાવોટ વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકને અમે સરળતાથી પાર કરી જઈશું. કચ્છમાં તૈયાર થઈ રહેલા સોલાર પાર્કમાં સૌર ઉર્જા અને પવન ઉર્જાથી કેટલી વીજળી પેદા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે? સૌરભ પટેલઃ ચારથી પાંચ હજાર મેગાવોટ વીજળીના ઉત્પાદન માટેની તૈયારી ચાલી રહી છે. ટાર્ગેટ તો અમે પૂરા કરીશું. દુનિયાનો સૌથી મોટો (સોલાર તથા વિન્ડ પાવરનો) હાઈબ્રિડ પાર્ક આપણે કચ્છમાં ઊભો કરી રહ્યા છીએ. આ પાર્કમાં 30,000 મેગાવોટ વીજળી પેદા કરવામાં આવશે. આ વીજળી એકલા ગુજરાતમાં વપરાવાની નથી. આ વીજળી આખા દેશ માટે છે. તેમાંથી 70 ટકા તો બહાર જશે. દસ વર્ષમાં જે 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થતી થશે તેનો ફુલ કાઉન્ટ અમે 60,000 મેગાવોટમાં નથી લીધો. તેનો ગુજરાતમાં થનારો વપરાશ જ અમે ધ્યાનમાં લીધો છે. નહિ તો અમારી ક્વોન્ટિટી ઘણી વધી જાય તેમ છે. આપણે નક્કી કર્યું છે કે હવે ગુજરાતમાં વપરાતી તમામ વીજળી રિન્યુએબલ સોર્સથી ઉત્પન્ન થયેલી જ હોવી જોઈએ. આથી જ અમે લોકોને સાથે રાખીને આગળ વધી રહ્યા છે. લોકો ઘર માટે, નાના ઉદ્યોગો માટે પોતાને જોઈતી વીજળી જાતે જ પેદા કરી લે. હવે તમે કલ્પના કરો ગુજરાતમાં કેટલા શેડ છે? ગુજરાતમાં જ્યાં નજર નાખો ત્યાં શેડ્સ છે. ફેક્ટરીઓ પર જેટલા શેડ્સ ધરાવે છે તે બધાંને વીજળી પેદા કરવાની છૂટ છે. હું કિલોવોટમાં વાપરતો હોઉ તો શેડમાં કિલોવોટમાં વીજ ઉત્પાદન માટેની પેનલ નાખી શકું છું. તેમને ડેપ્રિશિયેશન પણ મળશે. નાનું રોકાણ કરીને છત પર પણ સોલાર પેનલ નાખી શકાય છે. સોલાર પેનલના ઇન્વેસ્ટમેન્ટમાં 80 ટકા બેન્કિંગ સપોર્ટ મળે છે. હવે બેન્કોના વ્યાજ ઘટીને સાત ટકા થઈ ગયા છે. સરકારની સબસિડીને કારણે લોન ભરનાર પર ત્રણથી ચાર ટકા જેટલું જ બર્ડન આવે છે. આ ઉપરાંત લોકોને વપરાશના 100 ટકા જેટલી વીજળી ઉત્પન્ન કરવાની છૂટ આપવામાં આવી છે. પેનલ સો કિલોવોટ માટેની નાંખવી કે સવાસો કિલોવોટ માટેની તેનો મદાર SSI પર છે. સોલાર પેનલ નાંખવાથી છથી સાત વર્ષમાં મૂડી ખર્ચ આરામથી નીકળી જાય તેમ છે. સરળ વાત એ છે કે યુનિટે બેથી અઢીથી ત્રણ રૂપિયાની બચત છે. તમે તમારા પ્રિમાઈસીસમાં પેનલ નાંખો તો બચત વધુ થાય છે અને બહાર નાંખો તો તમારા ચાર્જિસ ભરવા પડે છે જેને કારણે નફો કપાઈ જાય છે. ગુજરાતમાં રણ વિસ્તાર કેટલો અને સૌર ઉર્જાથી વીજળી પેદા કરવા માટે કયા કયા રણ વિસ્તારમાં સરકાર નજર ઠેરવી રહી છે? સૌર ઉર્જાથી એક મેગાવોટ વીજળી પેદા કરવા માટે કેટલી જગ્યાની જરૂર પડે છે? સૌરભ પટેલઃ અત્યાર સુધીમાં 60000 હેક્ટરમાં રિન્યુએબલ એનર્જીથી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે મહત્તમ લિમિટ છે. હવે જે પ્રાઈવેટ પ્લેયર્સ આવે તેના પર જ નજર છે. બીજું ઇન્જેક્શનની તાકાત હોવી જરૂરી છે. એટલે કે ટ્રાન્સમિશન લાઈન પણ તે લોડ લઈ શકવી જોઈએ. હું ધારું ત્યાં સોલાર પાવર પેનલ ન નાંખી શકું અને લાઈનમાં પાવર ઇન્જેક્ટ પણ ન કરી શકું. તે યોગ્ય નથી. ઉદાહરણ આપીને વાત કરીએ. 100 MLD ક્ષમતા ધરાવતી પાણીની પાઈપલાઈનમાં 100 MLD પાણી જ નંખાય, બીજા 50 MLD ન ઉમેરી શકાય. તેના માટે ફરી નવી લાઈન નાંખવી પડે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. કચ્છથી રાજકોટ વચ્ચે વધુ 5000 મેગાવોટ પાવર જનરેટ કરી શકાય પરંતુ જો ટ્રાન્સમિશન લાઈન બ્લોક હોય તો તેનો શું અર્થ? ટ્રાન્સમિશન લાઈનમાં પાવર નાખવા માટેના ચાર્જિસ પણ ભરવાના રહેશે.

 
ree

નવી સોલાર નીતિમાં સામાન્ય ઘરેલુ ગ્રાહકો માટેની કેવી જોગવાઈઓ કરવામાં આવી છે? રહેઠાણમાં સોલાર યુનિટ બેસાડનારા લોકોને શું ફાયદા મળી શકે છે? તેમના વીજ બિલ કેટલો ઘટાડો થઈ શકે? પાંચથી દસ કે.વી.નું એક ઉદાહરણ આપશો તો આનંદ થશે. સૌરભ પટેલઃ પહેલા ઘરમાં વીજ વપરાશના 50 ટકા જ વીજળી પેદા કરવાની છૂટ મળતી હતી, હવે એવું નથી. તેઓ તેમની જરૂરિયાત કરતાં વધુ વીજળી પેદા કરતી પેનલો બેસાડી શકશે. વધારાના યુનિટ સરકારી ગ્રીડમાં જશે. તેને માટે સરકારે નક્કી કરેલા નિયમ મુજબ તેમને ભાવ મળી શકશે. આમ વીજ વપરાશનું બિલ આવતું બંધ થઈ જશે. તેમ જ વધારાના યુનિટના માધ્યમથી થોડી ગણી આવક પણ થશે. ટેરેસ રાઈટ ધરાવનારાઓ પોતાની છત થર્ડ પાર્ટીને ભાડે પણ આપી શકશે અને સાથોસાથ પોતાના વપરાશ માટેની પેનલો પણ બેસાડી શકશે. રહેઠાણના ગ્રાહકોના વીજ વપરાશના યુનિટ દીઠ રૂ. 1.77થી રૂ. 3.78 સુધીની બચત કરી શકશે. નવી સોલાર પોલીસીમાં બિલ્ડરોને કોમન ફેસિલિટી એટલે કે લિફ્ટ, પાણીની મોટર, કોમન લાઈટ સહિતના કોમન વપરાશ માટે સોલાર પાવર પેનલ બેસાડી આપવાની ફરજ પાડવાની દિશામાં સરકાર કંઈ વિચારી રહી છે ખરી? સૌરભ પટેલઃ કોમન ફેસિલિટીમાં છૂટ છે જ છે. સરકાર બિલ્ડરોને ફરજ ન પાડી શકે. ફરજ તો કેવી રીતે પાડી શકાય? ટેરેસનો ઉપયોગ કરવો તે તેમનો અધિકાર છે. ઘણા લોકો એવા પણ છે જે ઈમારતનો લૂક ખરાબ થઈ જાય તે માટે સોલાર પેનલ બેસાડવા તૈયાર નથી. બંગલાના માલિકો નવી સોલાર પાવર પોલીસીની જોગવાઈનો ઉપયોગ કરીને સોલાર પેનલ નાંખી શકે છે. પરંતુ ફ્લેટ ધારકો પાસે જગ્યા જ ન હોવાથી તેનો લાભ લેવો અઘરો પડી રહ્યો છે. ઉદ્યોગો કચ્છના સોલાર પાર્કમાં સૌર ઉર્જાથી ચાલતો પ્લાન્ટ નાખીને તેનો લાભ અમદાવાદમાં તેમના ઔદ્યોગિક એકમની વીજ યુનિટના વપરાશ સામે સેટ ઓફ કરીને લઈ શકે છે. આ પ્રકારનું કોઈ આયોજન ઘરેલુ વીજ વપરાશકારો માટે ખરું? સૌરભ પટેલઃ હા, ફ્લેટ ધારકો અલગથી ગ્રુપ બનાવીને અન્ય લૉકેશન પર તેમની જરૂરિયાત મુજબ પાવર પેદા કરવા માટેના યુનિટો ઊભા કરી શકશે. અન્ય કોઈ વિસ્તારમાં જઈને તેઓ તેમની પેનલો બેસાડી શકશે. કોમર્શિયલ વીજ વપરાશકારો માટે નવી સોલાર પાવર પોલીસીમાં શું જોગવાઈ કરવામાં આવી છે? તેમના વીજ ખર્ચમાં કેટલી બચત થઈ શકે છે? તેમને પણ ઔદ્યોગિક વીજ વપરાશકારોની જેમ સોલાર પાર્કમાં સોલાર પાવર પ્રોડક્શન પ્લાન્ટ નાંખીને અમદાવાદમાં તેનો લાભ લેવાનો વિકલ્પ આપવામાં આવશે? સૌરભ પટેલઃ હા, રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ, બધાં જ પોતાના ગ્રુપ બનાવીને આ પોલીસીની જોગવાઈ મુજબ સોલાર પાવર પેનલથી અન્ય વિસ્તારમાં વીજળી પેદા કરીને પોતાના એકમ માટે લાભ લઈ શકે છે. મારો પહેલો શબ્દ છે, કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ વીજળી પેદા કરવાનું આયોજન કરી શકે તેવી જોગવાઈ નવી સોલાર પાવર પોલીસીમાં કરવામાં આવી છે. એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સોલાર પ્રોજેક્ટ નાખીને તેનાથી પેદા થતી વીજળીનો ઉપયોગ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. દરેક કેટેગરીના ગ્રાહકો માટે આ જોગવાઈ લાગુ પડશે. તેમને કેપ્ટિવ પાવરને લગતા નિયમો લાગુ પડશે.

 
ree

 

ઔદ્યોગિક વીજ વપરાશકારો એટલે કે હાઈ ટેન્શન અને લૉ ટેન્શન વીજ વપરાશકારો માટે નવી સોલાર પોલીસીમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે? તેમને માટે નવી સોલાર પાવર પોલીસી કેટલી લાભદાયી બની શકે છે? સૌરભ પટેલઃ ઘરેલુ અને કોમર્શિયલ ગ્રાહકો જેવી જ જોગવાઈઓ હાઈ ટેન્શન અને લૉ ટેન્શન વીજ વપરાશકારો માટે કરવામાં આવેલી છે. કેપ્ટિવ પાવર પ્લાન્ટની માફક સોલાર પાવરથી વીજળી પેદા કરનારાઓને યુનિટદીઠ ખર્ચમાં અંદાજે રૂ. 2.92થી રૂ. 3.35 સુધીની બચત થઈ શકશે. આ જ રીતે ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો થર્ડ પાર્ટી વેચાણ કરે તો તેમને યુનિટ દીઠ 91 પૈસાથી માંડીને 134 પૈસા સુધીની બચત થઈ શકશે. થર્ડ પાર્ટી વીજળી મેળવનારા ગ્રાહકોએ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ ભરવાનો આવશે. હાઈ ટેન્શન અને લૉ ટેન્શનના ડિમાન્ડ આધારિત ગ્રાહકો પાસે યુનિટ દીઠ રૂ. 1.50ના બેન્કિંગ ચાર્જ લેવામાં આવશે. અન્ય ગ્રાહકો પાસે સોલાર વીજ વપરાશના 10 ટકા જેટલો ચાર્જ વસૂલવામાં આવશે. એમએસએમઈ કે સરકારી બિલ્ડિંગ પર કોઈ ચાર્જ લાગુ પડશે નહિ. અન્ય સ્થળેથી વીજળીનું વ્હિલિંગ કરતા ગ્રાહકોને જર્કે નિર્ધારિત કરેલા ટ્રાન્સમિશન ચાર્જ, લૉસ તથા વ્હિલિંગ ચાર્જ આપવા પડશે. હાઈ ટેન્શન લૉ ટેન્શનની બિલિંગ સાઈકલ દિવસના ચાર્જ પ્રમાણે નિશ્ચિત કરવામાં આવી છે. ઘરેલુ, કોમર્શિયલ અને ઔદ્યોગિક વીજ વપરાશકારો સોલાર પાવર જનરેશન યુનિટ નાખે તો તેમની પાસેથી કયા ભાવે વધારાની એટલે કે તેમના વપરાશ બાદ બચતી વીજળી સરકાર ખરીદશે? સૌરભ પટેલઃ નવી સોલાર પોલીસીમાં વર્ષ 2025 સુધી આ વીજળી યુનિટ દીઠ રૂ. 2.25ના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સોલાર પાવરના યુનિટ દીઠ રૂ. 1.99ના ભાવથી ડીલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. આ સંજોગોમાં સરકાર સોલાર પાવરના છેલ્લા યુનિટ દીઠ ભાવના 75 ટકા ભાવથી વીજળી ખરીદશે. ગુજરાતમાં કચ્છ ઉપરાંતના નવા કોઈ વિસ્તારમાં સંપૂર્ણપણે કોઈ એક કોર્પોરેટ કે ગ્રુપ ઓફ કોર્પોરેટ્સ મળીને સોલાર પાર્ક તૈયાર કરે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે ખરું? અદાણી એનર્જીએ તામિલનાડુમાં 500 મેગાવોટ વીજળી પેદા કરવાનો સોલાર પ્લાન્ટ નાંખ્યો છે. આ લાઈન પર ગુજરાતમાં કોઈ એક મોટી કોર્પોરેટ કંપની સોલાર પાવર પેદા કરવા માટે આગળ આવે તેવું સરકાર ઇચ્છી રહી છે ખરી? સૌરભ પટેલઃ ગુજરાત સરકારની વીજ કંપનીઓ પણ ખાવડાના પાર્કમાં મોટા ઉત્પાદન એકમો લગાવી રહી છે. ગુજરાતમાં આ પાર્કમાં જ ઘણાં મોટો ઉત્પાદકો આવી ગયા છે. તેનાથી વિશેષ શું હોઈ શકે? તમને એક વાત કરું તો નવી પોલીસીને કારણે આવનારા વર્ષમાં સરકારી વીજ કંપનીઓને વીજળી ખરીદવાની જરૂર જ ઊભી નહિ થાય. એસએસઆઈ સહિતના નાના ઉત્પાદકો પાસેથી અમને 2000-3000 મેગાવોટ જેટલી વીજળીનો સપ્લાય મળી જશે. ઝીરોથી ચાર મેગાવોટ અંગેની પોલીસીને કારણે વીજ કંપનીઓએ ટેન્ડર બહાર પાડીને બહારથી વીજળી ખરીદવી પડશે નહિ. નાના ઉદ્યોગોના 3536 મેગાવોટ માટે 5192 અરજી આવી ચૂકી છે જેમાં 50, 70, 80થી માંડીને 750 કિલોવોટ સુધીની અરજીનો સમાવેશ થાય છે. તેનાથી વધારાની એસએસઆઈની વીજળી મળશે. રોજ 100 યુનિટ પેદા કરનાર 80 ટકા વાપરશે, 20 ટકા સરકારને જ આપી દેશે. ચાર મેગાવોટ સુધીના નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે વીજ વિતરણ કંપનીઓ સ્પર્ધાત્મક બિડ દ્વારા નક્કી કરવામાં આવતા ટેરિફ ઉપરાંત યુનિટ દીઠ 20 પૈસા વધુ ચૂકવીને વીજળી ખરીદી લેશે.આ પોલીસીના અમલીકરણને 15 દિવસ માટે એક્સટેન્ડ કરવાનું પણ આયોજન છે. કોલસાથી વીજળી પેદા કરતાં કેટલા પ્લાન્ટ ગુજરાતમાં છે? તેના થકી કેટલી વીજળી પેદા કરવામાં આવી રહી છે? રિન્યુએબલ એનર્જીના ઉપયોગ એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જાનો ઉપયોગ કર્યા પછી કોલસા અને લિગ્નાઈટથી વીજળી પેદા કરવા પર કેટલી હદ સુધી મદાર રાખવામાં આવશે? શું ગુજરાતના કોલસા અને લિગ્નાઈટથી ચાલતા વીજ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવશે? સૌરભ પટેલઃ હા, હવે પછી કોલસાથી ચાલતા નવા પાવર પ્લાન્ટ નાંખવામાં આવશે નહિ. આ નીતિ વિષયક નિર્ણય છે. તેનાથી પર્યાવરણ પણ રક્ષણ થશે અને વીજળી ઘણી સસ્તી થઈ જશે તે નફામાં.

Read Previous

બેન્કો પાસેથી ફાયનાન્સ મેળવવામાં MSMEને પડી રહી છે પારાવાર મુશ્કેલી

Read Next

આજે NIFTY FUTUREમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular