• 9 October, 2025 - 11:31 AM

પ્લાસ્ટિકના રો મટિરિયલના ભાવમાં ભડકોઃ નાની અને મધ્યમ ઈન્ડસ્ટ્રીઝના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ

ree

પ્લાસ્ટિકના રો મટિરિયલના ભાવમાં 80થી 125 ટકાનો વધારો
પોલિમરની શોર્ટેજને કારણે ગુજરાતમાં 1200થી 1500 જેટલા પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સ બંધ થવાને આરે
સરકાર પ્લાસ્ટિકના રો મટિરિયલની કિંમત નિયંત્રણમાં લાવે તો વૈશ્વિક સ્તરે નિકાસમાં ભારત ચીનને ટક્કર આપી શકે
 
 

સવારે ઊઠીને સૌથી પહેલા હાથમાં પકડાતા ટૂથ બ્રશથી માંડીને રાત્રે સૂતી વખતે મોબાઈલ ચાર્જ કરવા મૂકીએ ત્યાં સુધીમાં આપણે સમગ્ર દિવસ દરમિયાન સેંકડો પ્લાસ્ટિકની ચીજોનો વપરાશ કરીએ છીએ. તેમાંય કોરોના પછી યુઝ એન્ડ થ્રો ચીજોની ડિમાન્ડમાં ઘણો જ વધારો થઈ ગયો છે જેને કારણે માથાદીઠ પ્લાસ્ટિકના વપરાશમાં વધારો થઈ ગયો છે. હવે લોકો સ્ટીલ કે કાંચના બદલે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ, ડિશો કે ચમચી યુઝ કરવાનું પસંદ કરે છે. એ જ રીતે પીપીઈ કિટ, માસ્ક વગેરેની બનાવટમાં પણ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ થાય છે. અન્ય ઉદ્યોગોની જેમ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ ઘટી જવાની સમસ્યા નથી. ઉલ્ટું, આ ઈન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ તો કૂદકે ને ભૂસકે વધી રહી છે પરંતુ મોંઘા કાચા માલ અને કાચા માલના અભાવને કારણે અનેક પ્રોસેસિંગ યુનિટ્સ પર તાળા લાગવાની તૈયારી છે. સમગ્ર દેશમાં લગભગ 50,000 જેટલા પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સ છે જેમાંથી 10થી 12,000 યુનિટ્સ તો ફક્ત ગુજરાતમાં જ આવેલા છે. ગુજરાતમાં વિશાળ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીનું ટર્ન ઓવર લગભગ રૂ. 7500 કરોડ જેટલું છે. ભારત દર વર્ષે અંદાજે $3.6 બિલિયનની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની નિકાસ કરે છે જેમાં 65 ટકા હિસ્સો ગુજરાત અને મહારાષ્ટ્રનો છે. આ યુનિટ્સ લગભગ 12 લાખ લોકોને રોજગારી આપે છે. કાચો માલ ન મળતા ગુજરાતના 10થી 15 ટકા યુનિટ્સ બંધ થઈ ગયા છે. તેમાંય જો હજુ પરિસ્થિતિમાં સુધારો ન થયો તો આવનારા મહિનાઓમાં ગુજરાતમાં લગભગ 50 ટકા જેટલા પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સ બંધ થઈ જાય તેવી વકી છે. આ કારણે ગુજરાતમાં લગભગ 5થી 7 લાખ લોકોને નોકરી ગુમાવવાની નોબત આવી શકે છે. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે સરકાર મધ્યસ્થી કરીને પ્લાસ્ટિકના રો મટિરિયલના ભાવ કંટ્રોલમાં લાવે તો આ પરિસ્થિતિ સુધારી શકાય તેમ છે. એટલું જ નહિ, વર્તમાન પરિસ્થિતિનો લાભ ઊઠાવીને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની નિકાસના માર્કેટમાં પણ ભારત પોતાનો સિક્કો જમાવી શકે છે.

 
ree

શૈલેષ પટેલ, પ્રમુખ, GSPMA

ભારતમાં પ્લાસ્ટિકની ચીજો બનાવવા માટે વપરાતો કાચો માલ રિલાયન્સ, હલ્દીયા, ગેઈલ, ઓએનજીસી જેવી મોટી કંપનીઓ બનાવે છે. આખા દેશમાં પ્લાસ્ટિકનું 75 ટકા રો મટિરિયલ ગુજરાતના જામનગર, દહેજ, બરોડા અને અમદાવાદમાં બને છે. જ્યારે 50 ટકા કાચો માલ વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેનુફેક્ચરર્સ એસોસિયેશન (GSPMA)ના પ્રમુખ શૈલેષ પટેલ જણાવે છે, “સામાન્ય રીતે મેનુફેક્ચરર્સ પ્લાસ્ટિકનો કાચો માલ બનાવનારી કંપનીઓ સાથે તેમની જરૂરિયાત મુજબ એમઓયુ કરે છે. કોરોનાને કારણે ઉત્પાદકોની આ ગણતરી ખોરવાઈ ગઈ છે. ગયા વર્ષે લોકડાઉન લાગુ પડ્યું ત્યાર બાદ લોકડાઉન ક્યારે ખૂલશે, ખૂલશે ત્યારે માર્કેટની સ્થિતિ કેવી હશે, ડિમાન્ડ કેવી રહેશે વગેરેનો વેપારીઓને કોઈ અંદાજ જ નહતો. આ કારણે તેમણે ડરતા-ડરતા ઓછામાં ઓછા માલ માટે MoU કર્યા હતા. હવે જ્યારે પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી છે ત્યારે તેમની પાસે ચીજો બનાવવા કાચો માલ જ નથી. મોટી કંપનીઓ MoU રિવાઈઝ કરવાની ના પાડે છે. આ ઉપરાંત રો મટિરિયલ પણ મર્યાદિત જથ્થામાં ઈમ્પોર્ટ થઈ રહ્યું છે. આ કારણે પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીના વેપારીઓ ફિક્સમાં મૂકાઈ ગયા છે.” વેપારીઓ આ મોટી કંપનીઓ પાસે કાચો માલ લેવા જાય ત્યારે તેઓ ભાવમાં જરાય ટસની મસ થવાનું નામ નથી લેતા. રો મટિરિયલ બનાવતી કંપનીઓમાં રિલાયન્સને બાદ કરતા તમામ જાહેર ક્ષેત્રની કંપનીઓ છે. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સનું માનવું છે કે આવા કટોકટીના સમયે સરકારે નફો રળવાની માનસિકતા બાજુમાં મૂકીને પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સને બચાવવા માટે પણ વાજબી ભાવે કાચો માલ પૂરો પાડવો જોઈએ. ડ્યુટ્રોન કંપનીના ડિરેક્ટર અલ્પેશ પટેલ તો એમ પણ જણાવે છે કે સરકારે ભારતીય કંપનીઓની જ રો મટિરિયલ બનાવવાની ક્ષમતા વધારવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા સંજોગો ઊભા થાય તો ભારતની ઈન્ડસ્ટ્રીએ વિદેશી કંપનીઓ પર કાચો માલ બનાવવા માટે નિર્ભર ન રહેવું પડે.

 
 
ree

આ કપરા સંજોગોમાં સરકારે રો મટિરિયલ પર BIS સ્ટાન્ડર્ડ ફરજિયાત બનાવી દીધું છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું કહેવું છે કે સરકાર રો મટિરિયલને બદલે ફિનિશ્ડ ગુડ્સ પર BIS ફરજિયાત બનાવે તો ભારતના વેપારીઓને ફાયદો થશે. મેડિકલ ડિસ્પોઝેબલ મેનુફેક્ચરર્સ ચેરિટેબલ એસોસિયેશન (ગુજરાત)ના કમિટી મેમ્બર પરેશ પટેલ જણાવે છે, “ચીન ભારતથી કાચો માલ ઈમ્પોર્ટ કરીને ફિનિશ્ડ ગુડ્સ ભારતમાં જ એક્સપોર્ટ કરે છે. જો સરકાર તેના પર બ્રેક લગાવે તો ભારતના વેપારીઓને કાચો માલ પણ મળી રહેશે, દેશનું લેબર પણ વપરાશે અને દેશનો ફિનિશ્ડ ગુડ્સ ચીનથી આયાત કરવાનો ખર્ચ પણ બચી જશે.” બીજું, સરકાર હાલ પ્લાસ્ટિકના રો મટિરિયલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી રહી છે. GSPMAના પ્રમુખ શૈલેષ પટેલ જણાવે છે, “સરકાર રો મટિરિયલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લગાવવાને બદલે ઈમ્પોર્ટેડ ફિનિશ્ડ ગુડ્સ પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લગાવે તો વેપારીઓને કાચો માલ સસ્તા ભાવે મળી રહેશે, પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સની આયાત ઘટશે અને ભારતના વેપારીઓને કામ મળશે. એક બાજુ સરકાર આત્મનિર્ભર થવાની વાત કરે છે. સરકાર જો ઈન્ડસ્ટ્રીને કાચો માલ પહોંચાડશે તો ઈન્ડસ્ટ્રી આત્મનિર્ભર બનશે ને!” પ્લાસ્ટિકનો કાચો માલ બનાવતી કંપનીઓ તેમને માલ એક્સપોર્ટ કરવાના વધુ રૂપિયા મળતા હોવાથી ભારતના વેપારીઓના ભોગે પણ માલ વિદેશમાં મોકલી રહી છે.

 
ree

અલ્પેશ પટેલ, ડિરેક્ટર, ડ્યુટ્રોન

 

પોલિમરની શોર્ટેજની અસર સીધી કે આડકતરી રીતે અનેક ઈન્ડસ્ટ્રીઝ પર પડી છે. તેમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, ફૂડ, હેલ્થકેર અને ટોય ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. દૂધની કોથળીથી માંડીને ચિપ્સના પેકેટ સુધી પ્લાસ્ટિકની વસ્તુઓના ભાવ વધી જતા વહેલા-મોડા તેનું ભારણ ગ્રાહકોના ખિસ્સા પર ચોક્કસ આવશે. માર્ચથી મે સુધી ખેતી કરવાની સીઝન આવી પહોંચી છે ત્યારે પ્લાસ્ટિકની પાણીની પાઈપના જ ભાવમાં ભડકો થતા ખેડૂતોના પણ ગણિત ખોરવાઈ ગયા છે. પીવીસી હોઝ પાઈપ બનાવવામાં અગ્રણી કંપની ડ્યુટ્રોનના ડિરેક્ટર અલ્પેશ પટેલ જણાવે છે, “પાણીની પાઈપ બનાવવામાં વપરાતા પીવીસી રો મટિરિયલના ભાવ 70થી 75 ટકા વધી ગયા છે. આથી જે પાણીની લાઈન નાંખવાના ખેડૂતોને 700થી 800 રૂપિયા થતા હતા તેના હવે રૂ. 1500 થાય છે. ખેડૂતો ગયા વર્ષે કમાયેલા પૈસામાંથી નવી સીઝન માટે ઈન્વેસ્ટ કરે છે. અત્યારે ખેડૂતો પાસે પૈસા જ નથી તેમાં પાઈપના વધી ગયેલા ભાવે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.” અલ્પેશ પટેલના મતે જૂન સુધી સપ્લાય શોર્ટેજ અને ભાવવધારાની સ્થિતિ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ માર્કેટ થાળે પડશે તેવો અંદાજ છે. પ્લાસ્ટિકના કાચા માલમાં થયેલા ભાવવધારાએ સર્જિકલ ઈક્વિપમેન્ટ બનાવતી ઈન્ડસ્ટ્રીનો પણ ભોગ લીધો છે. મેડિકલ ડિસ્પોઝેબલ મેનુફેક્ચરર્સ ચેરિટેબલ એસોસિયેશનના કમિટી મેમ્બર પરેશ પટેલ જણાવે છે, “અમારી ઈન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે પીવીસી રો મટિરિયલનો ઉપયોગ થાય છે જેમાં 70થી 75 ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. આ ઈન્ડસ્ટ્રીમાં વેપારીઓ સામાન્ય રીતે 8થી 10 ટકાના માર્જિન સાથે કામ કરતા હોય છે. હવે રો મટિરિયલના ભાવ વધી જતા નાના વેપારીઓને માલ વેચવામાં મુશ્કેલી પડી રહી છે.” રો મટિરિયલના ભાવ વધતા સ્મોલ અને મિડિયમ સ્કેલ યુનિટ્સ દ્વારા તૈયાર થતા માલના ભાવ પણ મલ્ટી નેશનલ કંપનીઓના ભાવ જેટલા જ થઈ ગયા છે. આ કારણે નાના યુનિટ્સને પ્રતિસ્પર્ધામાં ટકી રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં પ્લાસ્ટિકની સર્જિકલ ચીજો બનાવતા 39 જેટલા યુનિટ્સ છે જેમાંથી 15થી 16 હાલ અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ભારત માટે એક્સપોર્ટમાં પોતાનો સિક્કો જમાવવાની સુવર્ણ તક લઈને આવી છે. પરંતુ આવામાં સરકાર પ્લાસ્ટિક જેવી વિશાળ ઈન્ડસ્ટ્રીમાં કાચો માલ વાજબી ભાવે ઉપલબ્ધ ન કરાવે તો કિંમતની દૃષ્ટિએ ભારતીય કંપનીઓ માટે ચીન સામે ટકી રહેવું અશક્ય છે. આ પરિસ્થિતિનો ભારતીય વેપારીઓને મહત્તમ લાભ થાય અને ભારતનું અર્થતંત્ર વિકસી શકે તે માટે સરકારે દખલગીરી કરીને પ્લાસ્ટિકના રો મટિરિયલના ભાવ કંટ્રોલ કરવા જોઈએ એવી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીની અપેક્ષા છે.

Read Previous

વિક્રમ સંવત 2078માં કઈ સ્ક્રિપ્સ કમાણી કરાવશે?

Read Next

પોતાની વાછૂટ બરણીમાં ભરીને વેચનારી મોડેલ 2 મહિનામાં કરોડપતિ બની ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular