• 9 October, 2025 - 3:28 AM

ફાઈનાન્સ વિના કથળી રહેલા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો

નાના અને મધ્યમ ઉદ્યોગોની સમસ્યાનો ઉકેલ નહિ લાવવામાં આવે તો આવનારા વરસોમાં ભારતમાં બેરોજગારીમાં ખાસ્સો વધારો થશે
 
નાના અને મધ્યમ ઉદ્યોગોના પરફોર્મન્સને માપવા માટે જુદી જુદી એપનો ઉપયોગ કરીને તેમની આર્થિક સ્થિતિનો અંદાજ મેળવીને પછી તેને ફાઈનાન્સ આપવાનું આયોજન કરી શકાય
 
ree

 

દેશમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. મોટા ઉદ્યોગોની રાજકીય વગ કામ આપી જાય છે. નાના ઉદ્યોગો પાસે રાજકીય વગ નથી. તેથી તેમને બહુ ઓછા લોકો સાંભળે છે. તેમની અવજ્ઞા થતી હોય તેવી સ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે. તેમને ધિરાણ મળતું જ નથી. વાઈબ્રન્ટ ગુજરાત સાથે વાતચીત કરતાં કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન એસોસિયેશનના કન્વીનર કે.ઈ. રઘુનાથે જણાવ્યું હતું કે, “આપણે જાણીએ છીએ કે એમએસએમઈને આપવામાં આવતા ધિરાણમાં 40 ટકાનો ઘટાડો આવી ગયો છે. તેથી તેમને તમનો વાવટો સંકેલવાની ફરજ પડી રહી છે. ”

 

ભારતની મોટાભાગની એમએસએમઈ કંપનીઓ રજિસ્ટ્રેશન ધરાવતી નથી. તેમની પાસે પોતાનું માર્કેટિંગ કરવા માટે કે પછી ઓળખ ઊભી કરવા માટે વેબસાઈટ પણ નથી. એમએસએમઈની કેટેગરીમાં આવતા 6.30 કરોડ એકમોમાંથી માત્ર 3.3 લાખ એકમોનું વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી માંડીને 170 કરોડની રેન્જમાં છે. માત્ર 5000 એમએસએમઈ જ વાર્ષિક રૂ. 70 કરોડથી માંડીને રૂ. 250 કરોડનું ટર્નઓવર ધરાવે છે. અગાઉના એમએસએમઈના વર્ગીકરણ અને અત્યારના વર્ગીકરણમાં તફાવત છે. બીજું, ટ્રેડર્સને પણ તેમાં સમાવી લેવામાં આવી રહ્યા છે. તેથી એમએસએમઈના ફાઈનાન્સમાં ટ્રેડર્સની હિસ્સેદારી વધી છે. આમ એમએસએમઈને મળતું ફાઈનાન્સ ઘટ્યું હોવાની ફરિયાદ થઈ છે. ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગના એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલ કહે છે કે, “રિઝર્વ બેન્કની ગાઈડલાઈન પ્રમાણે બેન્કો કામ જ કરી શકતી નથી. સરકાર દ્વારા આપવામાં આવતા ઇન્સેન્ટિવ કે પછી સ્કીમના કામમાં બેન્કો એટલી રોકાયેલી છે કે તે એમએસએમઈની ધિરાણ આપવા માટેની ફાઈલ હાથ પર જ લેતી નથી. હેલ્થના ક્ષેત્રની, કૃષિ ક્ષેત્રની, લેબર માટેની સ્કીમના કામમાં જ બેન્કો રોકાયેલી રહે છે. એમએસએમઈ માટેની એકમાત્ર બેન્ક સીડબી જ છે. તેની સ્કીમ અંગેની પૂરતી જાણકારી એમએસએમઈના એકમોની ખબર જ નથી. તેથી પણ તેનો ફાયદો લઈ શકાતો નથી. બેન્કો જરાય જોખમ લેવા માગતી નથી. આ કારણે તે નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવાનું ટાળે છે.” મુદ્રા લોનની વાત કરતા કે.ઈ. રઘુનાથન કહે છે, “મુદ્રા લોનની 60 ટકા રકમ એનપીએ થયેલી છે. એમએસએમઈ ફાઈનાન્સના રૂ. 10 લાખ કરોડની એનપીએ થશે તેવો અંદાજ વેપાર ઉદ્યોગની સંસ્થા એસોચેમ દ્વારા મૂકવામાં આવ્યો છે. આ વર્ષમાં એનપીએમાં 8.5થી 9 ટકાનો વધારો થવાનો અંદાજ છે. આ સ્થિતિમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની સમસ્યાને ગંભીરતાથી સાંભળવી પડશે. તેમને સાંભળીને સમસ્યાને સમજીને તેનો નીવેડો લાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. તેમને ફાઈનાન્સ આપવાના નવા વિકલ્પો આપવા પડશે. તેમને મળીને તેમની વાત સાંભળીને ચાલ્યા જવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો જ નથી.”

 

આજે દેશમાં કેટલા એમએસએમઈ છે તેની આપણને ચોક્કસ ખબર નથી. એક અંદાજ પ્રમાણે દેશમાં 6 થી 9 કરોડ એમએસએમઈ છે. તેમાંથી 35 લાખ એમએસએમઈ રજિસ્ટર થયેલા છે. રોજના 10થી 15 હજાર એમએસએમઈનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. રજિસ્ટ્રેશન કરાવવાથી તેમને કોઈ ફાયદો મળતો નથી. રજિસ્ટ્રેશન કરાવવા માટેનું કોઈ મોટીવેશન પણ નથી. હજી પંદર મહિના પૂર્વે જ કેન્દ્ર સરકારે એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. તેમના ટર્નઓવરની મર્યાદામાં ફેરફાર કરવા ઉપરાંત નાના ટ્રેડર્સને પણ એમએસએમઈનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. તેની સાથે રિઝર્વ બેન્કે સર્વિસને પણ એમએસએમઈનો દરજ્જો આપ્યો છે. તેથી તેમને મળનારી સહાયમાંથી હવે નાના ટ્રેડર્સ પણ હિસ્સેદારી કરશે તેવી ભાવના સાથે તેમણે ટ્રેડર્સને એમએસએમઈનું સ્ટેટસ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ પણ નોંધાવ્યો છે. નાના ટ્રેડર્સને પણ વ્યવસ્થિત ધિરાણ મળી રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

 
ree

 
 

સરકારે કોરોનાને કારણે વિપરીત સંજોગોનો સામનો કરનારા એકમો ફરી ધમધમતા થાય તે માટે સ્ટીમ્યુલસ પેકેજની પણ જાહેરાત કરી છે. આ પેકેજમાં રૂ. 6.28 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશનના માધ્યમથી નવી રૂ. 88000 કરોડની મૂડી ઉમેરી છે. તેની સાથે જ લોનની ગેરન્ટી માટે રૂ. 1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેની સાથે જ ફેક્ટરિંગ રેગ્યુલેશન બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમના માધ્યમથી રૂા. 1.5 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બેન્કના માધ્યમથી તેમને આ ધિરાણ આપવાની સરકારે વ્યવસ્થા કરી છે. છતાં તેમને ધિરાણ મળતા નથી.

 

સરકારે આ પગલાં લીધા છે, કારણ કે નાના અને મધ્યમ ઉદ્યોગોનો દેશના અર્થતંત્રમાં ફાળો મોટો છે. છતાંય નાના અને મધ્યમ ઉદ્યોગની હાલત દયનીય છે, પરંતુ તેમનું દેશના વિકાસમાં, મેન્યુફેક્ચરિંગમાં અને રોજગારી નિર્માણ કરવામાં બહુ જ મોટો ફાળો છે. આ રહ્યા તેના આંકડાઓ. ભારતમાં થતાં કુલ મેન્યુફેક્ચરિંગનો 45 ટકા ફાળો સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમોના માધ્યમથી આવે છે. દેશમાંથી થતી કુલ નિકાસમાંથી 40 ટકા નિકાસ એમએસએમઈના માધ્યમથી થાય છે. જીડીપી-કુલ રાષ્ટ્રીય ઉપજમાં તેમનો ફાળો 28 ટકા જેટલો ઊંચો છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દેશમાં 11.10 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છેjehSc. દેશના કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડનારું સેક્ટર જો કોઈ હોય તો તે એમએસએમઈ જ છે, એમ એમએસએમઈ મિનિસ્ટ્રીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેમની અવગણના થઈ રહી છે.

 

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક અને બેન્કના માધ્યમથી તેમને પડખે રહેવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, બેન્કો પણ તેમની એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સ ન વધે તે માટે સલામત જણાય તેવા બોરોઅર્સને જ ધિરાણ આપી રહી છે. તેમાંય ખાસ કરીને બેન્ક સાથેના વહેવારમાં જે નાના અને મધ્યમ ઉદ્યોગો ડિફોલ્ટર્સ નથી બન્યા કે બેન્ક સાથેના વહેવારો નબળા કે શંકાસ્પદ ન રહ્યા હોય તેવા ઉદ્યોગોને જ બેન્કોએ ધિરાણ આપવાનું પસંદ કર્યું છે. બેન્કોએ તેમની એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો ન થાય તે માટેના પ્રયાસ કર્યા છે. ધિરાણ વધારવામાં તેમણે કોઈ જ ઉતાવળ કરી નથી. છેલ્લા દસેક વર્ષથી એનપીએમાં થઈ રહેલા વધારાની સમસ્યાને કારણે બેન્કો ધિરાણ આપતા ખચકાઈ રહી છે. તેથી નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ મેળવવામાં તકલીફ પડી રહી છે.

 

વાઈબ્રન્ટ ગુજરાત સાથે વાતચીત કરતાં કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન એસોસિયેશનના કન્વીનર કે.ઈ. રઘુનાથે જણાવ્યું હતું કે, “આપણે જાણીએ છીએ કે એમએસએમઈને આપવામાં આવતા ધિરાણમાં 40 ટકાનો ઘટાડો આવી ગયો છે. તેથી તેમને તમનો વાવટો સંકેલવાની ફરજ પડી રહી છે. અગાઉ એમએસએમઈનું વર્ગીકરણ અને અત્યારના વર્ગીકરણમાં તફાવત છે. બીજું, ટ્રેડર્સને પણ તેમાં સમાવી લેવામાં આવી રહ્યા છે. તેથી એમએસએમઈના ફાઈનાન્સ પર અસર આવી છે. દેશમાં કેટલા એમએસએમઈ છે તેની આપણને ચોક્કસ ખબર નથી. એક અંદાજ પ્રમાણે દેશમાં 6 થી 9 કરોડ એમએસએમઈ છે. તેમાંથી 35 લાખ એમએસએમઈ રજિસ્ટર થયેલા છે. રોજના 10થી 15 હજાર એમએસએમઈનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. ” મોટી કંપનીઓ પાસે પૈસા ઊભા કરવાના અનેક રસ્તાઓ છે. મોટી કંપનીઓ શેર્સ ઇશ્યૂ કરીને, ડિબેન્ચર ઇશ્યૂ કરીને, દેશની નાણાં સંસ્થાઓ કે પછી વિદેશી ફંડો પાસેથી ફાઈનાન્સ મેળવી શકે છે. તેની તુલનાએ નાના અને સૂક્ષ્મ કંપનીઓની કેટેગરીમાં આવતી કંપનીઓ પાસે નાણાં ઊભા કરવા માટે કોઈ વિકલ્પ જ નથી. માઈક્રો એન્ટરપ્રાઈઝને જ નાણાંકીય ધિરાણની સૌથી મોટી સમસ્યા છે. તેઓ માત્ર રાષ્ટ્રીયકૃત, ખાનગી કે એનબીએફસી પાસેથી કોલેટરલ સિક્યોરિટી કે સિબિલ સ્કોર કે પછી તેમના બિઝનેસના અગાઉના પરફોર્મન્સ પર જ લોન મેળવી શકે છે. ભૂતકાળમાં લીધેલી લોન કેવી રીતે તેમણે કેવી રીતે ચૂકવી છે તેના પર પણ તેમને લોન મળે કે ન મળે તેનો મદાર રહેલો છે. નાના ઔદ્યોગિક એકમો નાણાં ઊભા કરી શકતા નથી કારણ કે કોરનાને કારણે તેમની મિલકતના ભાવ તૂટી ગયા છે. તેથી તેમને તે ગિરો મૂકીને પણ ફાઈનાન્સ પૂરતા મળતા નથી.

 
ree

 
 

તેમનું કહેવું છે કે બેન્કો હવે નાના ઉદ્યોગોને ધિરાણ આપીને જોખમ લેવામાં જ માનતી નથી. બેન્કોનું એનપીએ વધીને રૂ. 10 લાખ કરોડને આંબી જવાની શક્યતા જોવામાં આવી રહી છે. માર્ચ 2022 સુધીમાં એમએસએમઈની એનપીએ રૂ. 10 લાખ કરોડનો આંકને આંબી જશે. આપણા દેશની કઠણાઈ એ છ કે આપણે નાના અને મધ્યમ ઉદ્યોગની સમસ્યાને સમજતા જ નથી. તેમની સમસ્યાને સમજતા ન હોય તો તેનો ઉકેલ ક્યાંથી લાવી શકે. ભારતના ઉદ્યોગોના આ કઠણાઈ છે. નાણાં મંત્રી પણ એમએસએમઈની ટ્રેડ બોડીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી સમસ્યાને સાંભળીને ચાલ્યા જાય છે. વેપાર ઉદ્યોગને આશા બંધાવીને ચાલ્યા જાય છે. તેનો કોઈ જ ઉકેલા આપી શકતા નથી. તેમના અધિકારીઓ સાથે ઓન ધી સ્પોટ ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાનું વલણ જરાય જોવા મળતું નથી. માત્ર ઉપદેશ આપીને ચાલ્યા જાય છે. તેઓ તેનો કોઈ કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. પરિણામે એમએસએમઈનું ભાવિ અદ્ધરતાલ હોવાનું જણાય છે. બેરોજગારીના આંકડાઓ વધી રહ્યા છે. સરકારના બેરોજગારી ઘટી રહી હોવાની વાત કરવામાં આવે છે. પરંતુ શહેરી વિસ્તારમાં બેરોજગારી વધી રહી છે તે બહુ જ જોખમી બાબત છે.

 

આમ સરકાર એમએસએમઈના સમસ્યાને સમજતી જ નથી. બીજું તેમની સમસ્યાને ગંભીરતાથી સાંભળતા નથી. ત્રીજું, તેનો ઉકેલ આપી શકતી નથી. તેનો કઈ રીતે ઉકેલ લાવવાનો વિચાર પણ તેમની પાસે નથી. ચોથું, તેમને ફાઈનાન્સ આપી કે અપાવી શકતી નથી. વિદેશી કંપનીઓ પણ તેમના ડેરાતંબુ સમેટીને જઈ રહી છે. છતાંય સરકાર ઊંઘી રહી છે. છેલ્લા પંદર દિવસથી શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી રહી છે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી ઘટી રહી છે. આ પરિસ્થિતનો ઉકેલ નહિ લાવવામાં આવે તો એમએસએમઈનું ભાવિ અદ્ધરતાલ જ છે. એમ.એસ. રઘુનાથ કહે છે કે મને લાગે છે કે સરકાર નાના ઉદ્યોગોની સમસ્યા ઉકલેવા જ માગતી નથી.

 

ફેક્ટરિંગ રેગ્યુલેશન બિલના માધ્યમથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પાત્રતા ધરાવતી એનબીએફસીના માધ્યમથી ઓછા વ્યાજદરે ધિરાણ મળે તેવી વ્યવસ્થઆ કરાવી છે. તેથી નાના અને મધ્યમ ઉદ્યોગોને આસાનીથી અને ઝડપી ધિરાણ મળી શકે છે. પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ અપાવવા માટે કરવા પડતા પેપર વર્ક અંગે તેમાં લાગતા અતિશય લાંબા સમય માગી લે તેવા છે. તેમની ક્રેડિટની ચકાસણી કરવામાં તથા લોનની રકમનું વિતરણ કરવામાં બહુ જ લાંબો સમય લાગી જાય છે. ભારતના 84 ટકા એેમએસએમઈનું અંદાજે રૂ. 58.4 લાખ કરોડનું દેવું છે. તેથી તેમને ધિરાણ આપ્યા પછી રિકવરી કરવાની સમસ્યાનો પણ વિચાર તો થવો જરૂરી જ છે. તેમની એનપીએ સતત વધ્યા જ કરશે તો બેન્કો પણ ધિરાણ સલામત રહે તેવા લોકોને જ ધિરાણ આપવાનુ ચાલુ રાખશે.

 
ree

 
 

એક તરફ બેન્કોને ફાઈનાન્સ મેળવવાની તકલીફ છે, તો બીજી તરફ રેલવે સહિતની મોટી સરકારી સંસ્થાઓ કે પછી મોટી કોર્પોરેટ કંપનીઓ તેમને 45 દિવસમાં પેમેન્ટ આપી દેવાના નિયમનું પાલન કરતાં જ નથી. તેથી નાના અને મધ્યમ કદના એકમો આર્થિક ભીંસમાં જ રહે છે. મોટા એકમો તેમના ઓર્ડર રદ કરી દે તેવા ભય વચ્ચે તેઓ તેમની પાસે કડક ઉઘરાણી કરી શકતા નથી. મગનભાઈ પટેલ કહે છે કે, “ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે. આ કાઉન્સિલમાં 3 લાખ કરોડ ડિસ્પ્યૂટમાં પડેલા છે. આમ મોટી કંપનીઓને નાની કંપનીઓની જરાય પડી જ નથી.”

 

આ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. દરેક કંપનીઓને આધાર, યુપીઆઈ, ઈ-કેવાયસી, ઈ-સાઈન, જીએસટીએન, આઈટી, એકાઉન્ટ એગ્રીગ્રેટર એપ સાથે જોડીને તેનું સમાધાન શોધી શકાય છે. આ તમામ થકી બોરોઅર્સના પાછલા રેકોર્ડ્સ મેળવીને પછી તેમની તેમના બેન્ક એકાઉન્ટમાં સીધું ધિરાણ આપવાની વ્યવસ્થા કરી શકાય છે. આ પેમેન્ટ પોર્ટલ થકી બોરોઅર્સની આર્થિક ક્ષમતા અંદાજ મેળવી શકાય છે. આધાર સાથે તેને લિન્ક કરી દેવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. બોરોઅરના મોબાઈલ ફોન સાથે તેને લિન્ક કરી દેવામાં આવવું જોઈએ. તેના થકી તેમના ક્રેડિટ સ્કોરની સીધો અંદાજ મેળવી શકાશે. તેમની ક્રેડિટ હિસ્ટ્રી જાણી શકાશે. ક્રેડિટ હિસ્ટ્રી બનાવી પણ શકાશે. ધિરાણ આપનારને સર્વિસ પ્રોવાઈડરની કેટેગરીમાં મૂકી શકાય છે. તેના માધ્યમથી જ સંભવિત બોરોઅર્સ સુધી પહોંચવાનું આયોજન કરી શકાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ રેસ્ટોરાં અને હોટેલ્સને મળતા ઓર્ડરનો રેકોર્ડ ધરાવે જ છે. આ રેકોર્ડને આધારે તેમને કેટલું ધિરાણ આપી શકાય તેનું આયોજન કરી શકાય છે. તેમ જ તેના થકી જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કેટલો સરકારની તિજોરીમાં જમા થાય છે તેનો પણ અંદાજ મેળવીને તેને કેટલું ધિરાણ આપી શકાય તેનો અંદાજ મેળવી શકાય છે. તેના માધ્યમથી કંપનીની આર્થિક સ્થિતિનો વ્યવસ્થિત અંદાજ મેળવી શકાશે. તેમ થશે તો એનપીએ થવાની શક્યતા ઘટી જશે. આ માટે ટેક્નોલીગલ પોલીસી પણ તૈયાર કરી શકાય છે. તેની મદદથી એમએસએમઈને વધુ સશક્ત બનાવી શકાશે. તેમ જ તેમના ભાવિની દિશા તેઓ જ નક્કી કરી શકશે. ખોટા હિસાબો બતાવીને ધિરાણ મેળવી લેનારાઓ અને બેન્કની એનપીએ વધારી દેનારાઓની સંખ્યામાં આ રીતે ઘટાડો આવી શકે છે. તેની સાથે સાથે જ નાના અને મધ્યમ ઉદ્યોગોની રિસર્ચ અને ડેવલપમેન્ટની કુશળતાને પણ ક્રાયટેરિયા ગણીને તેમને ધિરાણ આપવાનો વિચાર કરી શકાય છે. સ્ટાર્ટ અપ્સને ફાઈનાન્સ આપવામાં પણ આ જ ધોરણો અપનાવી શકાશે. તેમને ફાઈનાન્સ આપવાની સમયસર વ્યવસ્થા નહિ કરવામાં આવે તો આગામી વરસોમાં ચોમેર બેરોજગારી જોવા મળશે.

Read Previous

કઈ ઈન્શ્યોરન્સ પોલીસી વધુ ફાયદાકારક? ફાયર કે પછી ઓલ રિસ્ક કવરેજ?

Read Next

તમારી ગેરહયાતીમાં ક્રિપ્ટો એસેટ્સ કોને મળશે? પૂર્વ આયોજન કરવું જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular