ફૂડ ઈન્ડસ્ટ્રી માટે ગેમ ચેન્જર બની રહેશે આયુષ આહાર
આયુર્વેદની દૃષ્ટિએ તમારી કફ-પિત્ત-વાયુની પ્રકૃતિ મુજબ કયા આહારનું સેવન સારુ? આયુષ આહાર તમને જણાવશે
FSSAI તથા આયુષ મિનિસ્ટ્રીએ હાથ મિલાવ્યાઃ હેલ્ધી ખાવા માંગતા લોકો માટે આહારની પસંદગી હવે આસાન બની જશે

સરકારે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા)ની સ્થાપના વર્ષ 2006માં બજારમાં મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવાના આશયથી કરી હતી. જો કે તમે હાલ કોઈપણ ખાદ્ય પદાર્થ બજારમાંથી ખરીદો તો તેના પેકેજિંગ પર તેમાં કયા કયા ઈન્ગ્રેડિયન્ટ્સ વપરાયા છે તે લખવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ્સ કેટલા છે, પ્રોટીન, મિનરલ્સ કે અન્ય પોષકતત્વો કેટલી માત્રામાં છે તેનો ઉલ્લેખ હોય છે. પરંતુ શું તમારી વાયુ પ્રકૃતિ હોય તો તમારે બટાટાની ચિપ્સ ખાવી જોઈએ? જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો તમારે પેક્ડ ફ્રૂટ જ્યુસ પીવો જોઈએ? આ બાબતોનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. આ કારણે લોકો સતત ન સદે તેવો ખોરાક પણ વિપુલ માત્રામાં ખાધા જ કરતા હોય છે જેને કારણે તેમને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થાય છે.
ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી અને FSSAIએ હાથ મિલાવીને હવે ‘આયુષ આહાર’નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે. તેમાં હવે ફૂડ પેકેજિંગ પર આયુર્વેદની દૃષ્ટિએ આહાર કેવો છે તેનો એક નવો એન્ગલ ઉમેરીને ગ્રાહકોને જાગૃત કરાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. આયુષ આહારની શરૂઆત હાલ તો આયુષ ભવનની કેન્ટીનમાં વેજિટેબલ પૌંઆ, ગાજરનો હલવો, વડા, કોકમ ડ્રિંક એ બે-ચાર લોકપ્રિય વાનગી સાથે કરવામાં આવી છે. આ વાનગીઓ પોષણ યુક્ત છે અને સાથે સાથે સરળતાથી પચી જાય તેવી પણ છે. હવે તબક્કાવાર આ પહેલને મોટા સ્કેલ પર લઈ જવાનું આયોજન મિનિસ્ટ્રી કરશે.

એ ફોર આયુર્વેદા કંપનીના ડિરેક્ટર વૈદ્ય ભવદીપ ગણાત્રા આ પહેલને બિરદાવતા જણાવે છે, “કોરોનામાં કરોડો લોકોએ આયુષ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતું અને તેમને સારા પરિણામ પણ મળ્યા હતા. આ કારણે આયુષ મિનિસ્ટ્રીમાં લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત થઈ ગયો છે. આયુષ આહાર પહેલને કારણે આયુર્વેદ કોઈપણ આહારને કઈ રીતે જોય છે તે સમજવાનો લોકો પ્રયત્ન કરતા થશે. જેમ વિશ્વ યોગા દિવસની ઉજવણીને કારણે યોગ તથા આસનો અંગે લોકો ચર્ચા કરતા થયા છે, તેમ FSSAI તથા આયુષ મિનિસ્ટ્રીની આ પહેલને કારણે લોકો સમજી-વિચારીને આયુર્વેદની દૃષ્ટિએ તેમને સદે તેવા આહારનું સેવન કરતા થશે.”
હાલ FSSAI જે સર્ટિફિકેશન આપે છે તેમાં આધુનિક કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના માપદંડથી જ આહારને મૂલવવામાં આવે છે. જેમ કે, તેમાં કેટલી કેલરી હશે, પોષણ કેટલું હશે વગેરે. પરંતુ પ્રાચીન ભારતીય આયુર્વેદ શાસ્ત્ર ખોરાકને તદ્દન અલગ રીતે જુએ છે. આયુર્વેદમાં ખોરાકનું સીધુ જોડાણ જઠરાગ્નિ સાથે કરવામાં આવે છે. એટલે કે ખોરાક પચવામાં ભારે છે કે હલકો, પિત્ત-કફ-વાયુ પ્રકૃતિ મુજબ તમારે કયો ખોરાક કેટલી માત્રામાં ખાવો જોઈએ વગેરે. ઉદાહરણ આપતા વૈદ્ય ગણાત્રા જણાવે છે, “ચોખા આમ પાચન માટે હળવા ગણાય. પરંતુ તેને તમે કયા સ્વરૂપમાં ગ્રહણ કરો છો તેનાથી મોટો ફરક પડી જાય છે. જેમ કે, 1 વાટકી ચોખામાંથી ભાત બનાવો અને એટલા જ ચોખાનો લોટ દળીને રોટલી બનાવો તો બંનેમાં ચોખાની માત્રા સરખી હશે પરંતુ રોટલી પચવામાં ભાત કરતા ભારે પડશે. એટલે કે ન્યુટ્રિશનલ વેલ્યુ કદાચ તેમની સરખી હશે પરંતુ પાચનમાં અંતર આવી જાય છે.”
એ જ રીતે તમે મગ બાફીને ખાવ કે સૂપ બનાવીને ખાવ તો તેના ન્યુટ્રિશનલ ફેક્ટ સમાન રહે પરંતુ જઠરાગ્નિ માટે તે પચાવવા હળવા છે કે ભારે તેમાં અંતર આવી જાય. આયુષ આહારમાં હવે આ પરસેપ્શન પણ ફૂડ પેકેજિંગ પર ઈન્ટ્રોડ્યુસ કરાશે. તેને કારણે લોકોને કયો ખોરાક કેટલી માત્રામાં ખાવો તે અંગે વધુ સારુ માર્ગદર્શન મળી રહેશે.
આયુર્વેદમાં વ્યક્તિની મૂળભૂત પ્રકૃતિ વાયુ, પિત્ત, કફને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વાયુ પ્રકૃતિ હોય તેણે બટેટા કે વટાણા ઓછા ખાવા જોઈએ, પિત્ત પ્રકૃતિવાળાએ તીખું-તળેલું ખાવાનું ટાળવું જોઈએ આવી સૂચના ફૂડ પેકેજિંગ પર લખવામાં નથી આવતી પરંતુ પરિવારમાં દાદી-નાની કે માતા-પિતા થકી આ જ્ઞાન આધુનિક પેઢીને મળતું રહે છે. આયુષ આહાર અંતર્ગત આ વિગતો ફૂડ પેકેટ પર દર્શાવાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જો આવું થશે તો લોકો ફૂડ પેકેટ પરથી જ પોતે કયો ખોરાક કેટલી માત્રામાં ખાવો તેનો નિર્ણય કરી શકશે. જાગૃતિ આવતા લોકો કોઈપણ ખોરાકનું અતિસેવન કરતા અટકશે અને તેના કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે. ,
વૈદ્ય ભવદીપ ગણાત્રા જણાવે છે, “આયુષ આહારના માધ્યમથી નવા દૃષ્ટિકોણ સાથે આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન આયુષ મિનિસ્ટ્રી કરશે. વળી, દરેક ફૂડ પેકેજિંગ પર FSSAI સર્ટિફિકેશન ફરજિયાત હોવાથી FSSAIની માર્કેટમાં પહોંચ જબરદસ્ત છે. આ પહેલમાં FSSAI સીધું જ આયુષ મિનિસ્ટ્રી સાથે જોડાયું છે, જેને કારણે તેને સ્કેલ અપ કરવામાં મિનિસ્ટ્રીને મુશ્કેલી નહિ પડે.”
જો કે આ પહેલ હજુ ઘણા પ્રારંભિક તબક્કામાં છે અને હજુ પણ તેના અંગે અનેક સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત થતા આયુષ આહારના માધ્યમથી વધુને વધુ લોકો પોષણયુક્ત આહાર લેતા થશે.
આયુષ આહારથી દેશી ધાનના સેવનને પ્રોત્સાહન મળશે

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલના મતે આયુષ મિનિસ્ટ્રીની આ પહેલથી ભારતીય ધાનને પ્રોત્સાહન મળશે અને લાંબા સમયે તેને કારણે લોકોના આરોગ્યમાં સુધારો જોવા મળશે. તેઓ જણાવે છે, “આયુષ આહાર અંતર્ગત ઘઉં સિવાયના ભારતીય ધાન જેવા કે બાજરી, રાગી, જુવાર વગેરેના સેવનને વધુ પ્રોત્સાહન મળશે. ઘઉંમાં ગ્લુટન હોય છે જ્યારે બીજા ધાનમાં ગ્લુટન વિના પોષકતત્વોનો ખજાનો મળી રહે છે. વળી, તે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા વિના ઉગી શકે છે. આવા ધાન ભારતની ધરતીને અનુરુપ હોવાથી આપણા શરીર માટે વધુ સારા છે.”
અનાજ ઉગાડવા માટે વપરાતી જંતુનાશક દવા તથા રસાયણો લાંબા સમય સુધી શરીરમાં જવાથી ઓટો ઈમ્યુન ડિસીઝ, કિડનીને લગતા રોગો જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ વકરી રહી છે. ડો. પટેલ જણાવે છે, “રસાયણો, ઝેરી પદાર્થોના લાંબા ગાળા સુધી સેવનના કારણે જિનેટિક ઈફેક્ટ થાય છે. રસાયણમુક્ત અને દેશી આહારના સેવનને પ્રોત્સાહન આપતા આયુષ આહારને કારણે આજની જ નહિ, ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વળી, તેમની ડિમાન્ડ વધતા ખેડૂતોને દેશી ધાન ઉગાડવાનું પ્રોત્સાહન મળશે અને ગ્રામીણ ભારતનું અર્થતંત્ર પણ વધુ મજબૂત બનશે. ભારત પાસે આયુષ આહાર અંતર્ગત આ ધાનની વિદેશમાં નિકાસ કરીને સારુ હૂંડિયામણ કમાવવાની ઉજળી તક છે.”

હજુ પણ આટલી સ્પષ્ટતા જરૂરી છેઃ
આયુષ મિનિસ્ટ્રી અને FSSAI કોલાબોરેશનમાં કામ કરવાના છે તે નિશ્ચિત છે પરંતુ હજુ પણ અનેક એવી બાબતો છે જેના અંગે મિનિસ્ટ્રી તરફથી કોઈ ગાઈડલાઈન્સ આવી નથી. જેમ કે-

– આયુષ આહારના લેબલ પર કઈ કઈ ચીજોનો ઉલ્લેખ હશે?
– ગ્રાહકોને પ્રોડક્ટ તેમને સદે એવી છે કે નહિ તે કેવી રીતે ખબર પડશે?
– આયુષ આહારમાં પ્રિઝર્વેટિવ્ઝ વગેરે ન હોય તેવું માની લઈએ તો તેની શેલ્ફ લાઈફ કેટલી રહેશે?
– આયુષ આહાર સુપરમાર્કેટ્સ, પ્રોવિઝન સ્ટોર્સ, ફૂડ પાર્લર વગેરે પર મળશે?
– હાલ જે FSSAI સર્ટિફાઈડ ફૂડ આઈટમ્સ મળે છે જેમ કે બિસ્કિટ, ચિપ્સ, લોટ વગેરે તેના પેકેજિંગ પર જ આયુષ આહાર અંતર્ગત નવી વિગતો ઉમેરાશે કે પછી આયુષ આહારની કેટેગરી સાવ જુદી જ હશે?
– આયુષ આહાર બનાવવા માટે ફૂડ ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સને લાયસન્સ આપવામાં આવશે? તેની પ્રક્રિયા કેવી રીતે થશે?
આ બાબતો અંગે મિનિસ્ટ્રી સ્પષ્ટતા કરે પછી આયુષ આહારને જબરદસ્ત વેગ મળવાની શક્યતા છે.