બધી જ આઈટેમ્સ પર GSTનો દર 17 ટકા કરી દેવાની ભલામણ
પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના ચેરમેન બિવેક ઓબેરોયે ભલામણ કરી

દેશમાં શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ માટેની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે જરૂરી નાણાંકીય સ્રોતની સામે 33 ટકા જેટલી ઘટ પડી રહી હોવાથી ભારત સરકારે હવે તમામ ચીજ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક સરખો જ કરી દેવો જોઈએ તેવી ભલામણ પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના ચેરમેન બિવેક ઓબેરોયે કરી છે. તેમણ તમામ ચીજવસ્તુઓ પર એક જ એટલે કે 17 ટકાના દરે જીએસટી વસૂલવો જોઈએ તેવી ભલામણ કરી છે. અત્યારે 5, 12, 18 અને 28 ટકાના ચાર અલગ અલગ સ્લેબમાં જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. રેવન્યુ અને ખર્ચને સરભર કરી દે તેવો દર 17 ટકાનો છે. અત્યારે જે ચાર સ્લેબમાં જીએસટી વસૂલવામાં આવે છે તેના થકી થતી આવક રેવન્યુ ન્યુટ્રલ 17 ટકાના રેટથી 5.5 ટકા ઓછી છે. અત્યારે જીએસટીનો સરેરાશ દર 11.5 ટકાનો છે.
દેશમાં રોડ-રસ્તાઓ, શિક્ષણ સુવિધા, આરોગ્ય સુવિધા સહિતની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે જોઈતું ફંડ ટેક્સ જીડીપીના રેશિયોના 23 ટકા જેટલું છે. તેની સામે કેન્દ્ર સરકારને માત્ર ટેક્સ-જીડીપીના 15 ટકા જેટલી જ આવક થઈ રહી છે. પરિણામે ભંડોળની અછત વર્તાઈ રહી છે. તેથી તમામ વસ્તુઓ પર એક સમાન જીએસટી કરી દેવો જોઈએ, એમ વેરાના નિષ્ણાતોની એક બેઠકને દિલ્હીમાં સંબોધન કરતાં સોમવારે જણાવ્યું હતું. હવે જીએસટીનો સિંગલ રેટ રાખવો કે નહિ તે નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને થતી ટેક્સની આવકને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરવામાં આવી છે. બીજું આજેય હજી સંખ્યા બંધ આઈટેમ્સ પર જીએસટી લેવામાં આવતો જ નથી. અત્યારે શિક્ષણની સુવિધા આપવા માટે સરકાર કુલ રાષ્ટ્રીય ઉપજના 6 ટકા જેટલી રકમ ખર્ચી રહી છે. ત્યારબાદ આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે 4 ટકા રકમ ખર્ચી રહી છે. દેશમાં માળખાકીય સુવિધા ઊભી કરવા માટે 10 ટકા જેટલો ખર્ચ કરી રહી છે. તેની સામે દેશના રક્ષણ માટે કરવામાં આવતો ખર્ચ ટેક્સ-જીડીપીના માત્ર 3 ટકા જેટલો જ છે.