રોકાણનો પ્રવાહ ફરી નાની બચત યોજના તરફ વળશે? સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દર ઘટાડવા સરકાર માટે

બજેટની ખાધ પૂરી કરવા માટે નાની બચત યોજનાના નાણાં પર મદાર બાંધી બેઠેલી સરકારને આ યોજનાના વ્યાજના દર ઘટાડવા હાલ પરવડે તેમ નથી આગામી બેથી ચાર વર્ષ માટે PPF, MIS, KVP, NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજનાઓ ઈન્વેસ્ટમેન્ટ માટેનો આકર્ષક ઓપ્શન બની રહે તેવી પ્રબળ સંભાવના છેલ્લા થોડા સમયથી અવિરત ઘટતા જતા બેન્કના વ્યાજ દર દેશના અનેક રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગયા છે. દેશમાં ઘણા નિવૃત્ત વ્યક્તિઓ વ્યાજની આવક પર જ બાકીની જીંદગી વીતાવવાના ગણિતો માંડીને બેઠા છે. પરંતુ ઘટી રહેલા વ્યાજના દર આજે દરેકને ગભરાવી રહ્યા છે. આગામી વરસોમાં ટકી શકીશું કે કેમ તેવી દહેશત વ્યાજની આવક પર નભતા અનેક લોકોના મનમાં ઘર કરી ગઈ છે. વ્યાજના દર ઘટાડવાનું એક કારણ છે ઉદ્યોગોને સસ્તા દરે નાણાં પૂરા પાડવાનું. સરકારના ગણિત અનુસાર ઉદ્યોગોને ઓછા વ્યાજ દરે નાણાં મળે તો ઔદ્યોગિક વિકાસને વેગ મળી શકે છે. પરિણામે બેન્ક વ્યાજના દર 5થી 6 ટકાની રેન્જમાં આવી ગયા છે. જો કે બેન્કોએ ઉદ્યોગોના ધિરાણ માટેના દર તેના સમપ્રમાણમાં ઘટાડ્યા નથી. ઔદ્યોગિક ધિરાણના દર 10 ટકાની આસપાસના રહ્યા છે. બેન્કનો નફાનો ગાળો વધ્યો છે. હા, બેન્ક જંગી રકમની એટલે કે 5000 કે 10,000 કરોડની લોન લેનારાઓ માટે વ્યાજના દર થોડા નીચા રાખ્યા છે, કારણ કે મોટી કંપનીઓ વિદેશથી 3 ટકાની આસપાસના દરે ધિરાણ લાવી શકે છે. બીજી તરફ નાની કંપનીઓને નીચા વ્યાજ દરે ધિરાણ મળતું નથી તેવી બૂમ કાયમી જ થઈ ગઈ છે. તેમને એનબીએફસી કે ખાનગી ફાઈનાન્સર પાસે ધિરાણ માટે જવું પડે છે. તેના વ્યાજ દર તો કેટલીક વાર બેન્કના વ્યાજ દરથી દોઢા કે બમણા હોવાનું પણ જોવા મળે છે. ધિરાણ માટે વ્યાજના દર ઘટે તે તો ઈચ્છનીય છે પરંતુ જે યોજનાના વ્યાજમાંથી લોકો આવક ઊભી કરે છે તેવી નાની બચત યોજનાના વ્યાજના દર ઘટી જતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવી નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, માસિક આવક યોજના, પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનાનો સમાવેશ થાય છે. એક સમયે વેપાર ધંધામાં ખોટ જાય અને ધંધો ભાંગી પડે તો પણ પોસ્ટ ઓફિસના સૌથી સલામત રોકાણ પરની વ્યાજની આવક પર જીવન ગુજારો કરી શકાતો હતો. હવે તેવી સ્થિતિ રહી નથી. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે, “સરકાર હવે વ્યાજના દર ઘટાડી શકશે નહિ. કારણ કે બજેટના અંદાજોમાં સરકાર પોસ્ટ ઓફિસની બચતની યોજનાના નાણાંનો ખાધ ઓછી કરવા માટે ઉપયોગ કરવા માગે છે. તેથી નાની બચતમાં સતત વધારો થાય તેવું સરકારે નક્કી કર્યું છે.” 2021-22ના નાણાંકીય વર્ષમાં પોસ્ટમાં થનારી બચતનું પ્રમાણ રૂ. 3.90 લાખ કરોડની કરવાનો લક્ષ્યાંક સરકારે મૂક્યો છે. 2017-18ના નાણાંકીય વર્ષમાં પોસ્ટમાં રૂ. 1.02 લાખ કરોડની બચત આવી હતી. 2018-19માં આ બચતનો પ્રવાહ વધીને 1.20 લાખ કરોડનો થયો હતો. 2019-20માં આ પ્રવાહ વધીને રૂ. 2.40 લાખ કરોડનો થયો હતો. હવે સરકાર આ બચત વધીને રૂ. 3.90 લાખ કરોડની થાય તેવી અપેક્ષા રાખી રહી છે. પરિણામે વ્યાજના દર ઘટાડવાની દિશામાં સરકાર આક્રમક પગલું લઈ શકશે નહિ. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટ કહે છે, “2020-21ના બજેટમાં સરકારે નાણાંકીય ખાધ રૂ. 2.40 લાખ કરોડની થવાનો અંદાજ મૂક્યો હતો. સુધારેલો બજેટનો અંદાજ મૂકાયો ત્યારે નાણાંકીય ખાધ રૂ. 4.80 લાખ કરોડની થઈ ગઈ હતી. નાની બચતના નાણાં થકી 30 ટકા ખાધ પૂરી થવાની ધારણા હતી, પરંતુ તે વાસ્તવમાં 26 ટકા જ ખાધ પૂરી શકી હતી.” આ ખાધ પૂરવા માટે જ બજેટમાં પોસ્ટની બચત કે નાની બચત યોજનાના વ્યાજના દરને નીચા લઈ જવા સરકાર માટે મુશ્કેલ બની જશે. પરિણામે 2021-22ના નાણાંકીય વર્ષમાં પોસ્ટની નાની બચતના વ્યાજના દરમાં બહુ ઘટાડો આવવાની સંભાવના જણાતી નથી. બજેટમાં નાણાંકીય ખાધને ઓછી કરવા માટે સરકાર પોસ્ટ ઓફિસની નાની બચતના નાણાં પર મદાર બાંધતી થઈ ગઈ છે. દેશમાં જુદી જુદી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને વિકાસને વેગ આપવા, રોજગારીની નવી તક નિર્માણ કરવા માટે સરકાર પોસ્ટની બચત યોજનાના નાણાંનો ઉપયોગ કરી રહી છે. આમ તાજેતરના વર્ષોમાં પોસ્ટની બચત યોજનાના નાણાં પર સરકાર વધુ ને વધુ મદાર બાંધતી થઈ છે. 2021-22ના નાણાંકીય વર્ષમાં રૂ.3.9 લાખ કરોડની બચત થાય અને બજેટની 26 ટકા ખાધ તેનાથી પુરાય તેવી સરકારની ગણતરી છે. તેનાથી નાની બચત યોજનાનું મહત્વ વધશે. બોન્ડ માર્કટનું પણ તેને કારણે મહત્વ વધશે. આ સંજોગોમાં બોન્ડના વ્યાજદર નીચે જવાની સંભાવના હાલ તુરંત તો ઓછી થઈ જાય છે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેયસી તાતેડનુ કહેવું છે. છેલ્લા બાર માસમાં બેન્કની ડિપોઝિટમાં 2.52 લાખ કરોડનો વધારો થયો છે. આ બધું જ જોતાં સરકાર માટે નાની બચતના વ્યાજના દર હજી નીચે લઈ જવા મુશ્કેલ છે. સી.એ તાતેડનું કહેવું છે કે નાની બચતના વ્યાજ દર નીચા જાય તો તેમાં રોકાણ કરનારાઓ ઘટી જવાની સંભાવના રહેલી છે. નાની બચત યોજનામાં આવતું રોકાણ ઘટે તે બજેટના હિતમાં નથી. કારણ કે બજેટમાં ખાધ વધી જવાની સંભાવના વધી જાય છે. બજેટમાં 9.5 ટકાની નાણાંકીય ખાધ રહેવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. મૂડીરોકાણના બજારમાં સક્રિય પરિબળોની ધારણા હતી કે બજેટમાં ખાધનું પ્રમાણ 7.5 ટકાથી 8.5 ટકાની આસપાસ રહેશે. સૌથી ગંભીર વાત તો એ છે કે નાની બચત યોજના થકી મળનારી રકમ રૂ. 2.4 લાખ કરોડથી વધીને 4.8 લાખ કરોડ થવાનો અંદાજ એટલે કે બચતમાં 100 ટકાનો વધારો ગણ્યો તે પછીય નાણાંકીય ખાધમાં એક ટકાનો વધારો આવી રહ્યો છે. માર્ચ 2021માં પૂરા થઈ રહેલા ત્રિમાસિક ગાળામાં સરકારે નાની બચત યોજના એટલે કે પીપીએફના વ્યાજ દર 7.1 ટકા તથા નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજ દર 6.8 ટકા રાખીને તેમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. બીજી તરફ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજ દર 7.4 ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આ નાણાંની ચૂકવણી દર ત્રણ મહિનાને અંતે કરવામાં આવે છે. બાળકીઓ માટેની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વ્યાજ દર આપવામાં આવે છે. તેમ જ કિસાન વિકાસ પત્રમાં 6.9 ટકાનો વ્યાજ દર આપવામાં આવે છે. 2020ના એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના ગાળા માટે સરકારે વ્યાજના દરમાં 1.4 ટકાની કપાત કરી હતી. ત્યારથી તેના વ્યાજ દર સ્થિર થઈ ગયા છે. આ વરસે પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની કોઈ ગુંજાઈશ જણાતી નથી. પરિણામે કરદાતાઓ કે મૂડી રોકાણકારો પાસે એક સલામત અને સજ્જડ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ આગામી બે ચાર વર્ષ સુધી ખુલ્લો રહેશે.