• 9 October, 2025 - 11:41 AM

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 : ગુજરાતને ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવા સરકારની મોટી યોજના

  • રાજ્ય સરકારે સમિટના કાર્યક્રમમાં ફેરફાર કરીને 2027ના જાન્યુઆરીમાં યોજવાની જાહેરાત કરી, વિકાસ અને રોકાણ માટે ખાસ યોજના તૈયાર

 
  • ચાર ઝોનમાં પ્રિ-રિજનલ કોન્ફરન્સ, 25 અધિકારીઓની ખાસ કમિટી

ree

ગુજરાત સરકાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને વ્યૂહાત્મક પગલાં લેતી જોવા મળી રહી છે. 2026માં યોજાનારી સમિટના સ્થાને હવે આ મેગા ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ 2027ના જાન્યુઆરીમાં યોજાવાનો નિર્ણય લેવાયો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત વિકાસના ‘મોડલ સ્ટેટ’ રૂપે પ્રસ્તુત થાય, તેવા આશયથી આ મુલતવી લેવાયેલો સમયગાળો ‘સ્ટ્રેટેજિક’ રીતે મહત્ત્વનો ગણાય છે.

 

આ દરમિયાન રાજ્યના ચાર જુદા જુદા ભાગોમાં પ્રિ-વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ યોજવા માટે સરકાર દ્વારા વિશેષ કામગીરી શરૂ કરાઈ છે. મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં 25 સિનિયર અધિકારીઓની કોર કમિટી રચાઈ છે. આ કમિટીનો ઉદ્દેશ કાયદા અને વ્યવસ્થા ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને આવકારતી નીતિઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને પ્રેઝન્ટેશન વગેરેનો વ્યાપક સમન્વય કરવો છે.

 

પ્રથમ રિજનલ કોન્ફરન્સ 2024ના ઓક્ટોબરમાં મહેસાણા ખાતે યોજાવાની સંભાવના છે. ત્યારબાદ દર ચાર મહિનાના અંતરે રાજ્યના ત્રણ અન્ય ઝોનમાં – દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં – આ પ્રકારની ઇવેન્ટ યોજાશે.

 

કમિટીના મુખ્ય સભ્યોમાં મુખ્ય સચિવ પંકજ જોષી સિવાય, અધિક મુખ્ય સચિવો, ઉદ્યોગ વિભાગ, વાણિજ્ય વિભાગ, નાણાં વિભાગ, ટેક્નિકલ વિભાગના સચિવો તેમજ GIDC, ધોલેરા SIR સીઈઓ, અને iNDEXTbના એમડીનો સમાવેશ થાય છે. iNDEXTbના એમડી કમિટીના સભ્ય સચિવ તરીકે કામગીરી બજાવશે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બજેટ 2025–26 દરમિયાન રાજ્ય સરકારે રૂપિયા 175 કરોડની ફાળવણી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને કરી છે, જેનો ઉપયોગ રિજનલ સમિટની તૈયારી માટે થશે. સરકારનું લક્ષ્ય સ્પષ્ટ છે – 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને અગાઉ કરતાં વધુ વ્યાપક, ઇમર્સિવ અને રોકાણકર્તા-કેન્દ્રિત બનાવવી.

 

માહિતી અનુસાર, આ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટ્સ દરમિયાન રાજ્ય સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવી નીતિઓ રજૂ કરવા જાય છે, જેમ કે સાઉથ ગુજરાતમાં ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટર, સૌરાષ્ટ્રમાં ટાઇલ્સ અને ફૂડ પ્રોસેસિંગ, તેમજ ઉત્તર ગુજરાતમાં ડેટા સેન્ટર અને રિન્યુએબલ એનર્જીને ટેકો આપતી સ્કીમ્સનું લોન્ચિંગ કરાશે.

 

રાજકીય દૃષ્ટિએ પણ આ સમિટને 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે સફળતાપૂર્વક યોજવાની વ્યૂહરચના ભાજપ તરફથી છે. વૈશ્વિક રોકાણકારો, મલ્ટિનેશનલ કંપનીઓ અને એનઆરઆઈ સમુદાયને કેન્દ્રમાં રાખી, ગુજરાતને ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે રજૂ કરવાની તૈયારીઓ સક્રિય થઈ ચૂકી છે.

Read Previous

Stock Idea : પબ્લિક ઇશ્યુ આવ્યાના 100 દિવસ પછી પહેલીવાર ચાર્ટ પર પોઝિટીવ બ્રેકઆઉટ આવ્યો છે.

Read Next

GSTનો સેલ્ફ સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો વેપારીઓ માટે કેટલો ફાયદાકારક?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular