વિલ બનાવ્યા પછી પણ વિખવાદ થઈ શકે છે, ટાળવા માટે શું કરશો?
જો વિલ યોગ્ય રીતે ન બનાવાય તો તે પરિવારમાં શાંતિના બદલે વિખવાદના બીજ રોપી શકે છે

કોઈ પણ વ્યક્તિ પોતાના ગયા પછી પરિવારમાં વિખવાદ ન થાય તે આશયથી વિલ લખે છે. પરંતુ વિલ એક એવો દસ્તાવેજ છે જેને કોર્ટમાં સૌથી વધુ ચેલેન્જ કરવામાં આવે છે. એટલે કે પરિવારમાં શાંતિ જાળવવા માટે કરાયેલા દસ્તાવેજથી જ ઘરમાં કંકાસના બીજ રોપાય તેવું બની શકે છે. વિલનો યોગ્ય રીતે અમલ થાય અને તેને કારણે ઘરમાં ઝઘડા ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પહેલું, વિલમાં હંમેશા સાક્ષીઓને શામેલ કરવા જોઈએ. સાક્ષી વિના બનાવાયેલા વિલને કોર્ટ ‘અંતિમ ઈચ્છા’ ગણે છે, વિલ નહિ. એટલે આપ વિલ બનાવવાનું વિચારો તો સૌથી પહેલા સાક્ષી તરીકે કોને રાખી શકાય તેનો અવશ્ય વિચાર કરવો જોઈએ. વિલ ચેલેન્જ થાય ત્યારે કોર્ટમાં સાક્ષીની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને કોર્ટ અંતિમ નિર્ણય પર પહોંચતી હોય છે. આથી સાક્ષીની પસંદગી ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ.
બીજું, વિલ રજિસ્ટર કરાવવું ફરજિયાત નથી પરંતુ તે રજિસ્ટર કરાવવાથી વધુ ફાયદો થાય છે. વિલ હંમેશા તમારી સ્થાવર મિલકત જે વિસ્તારમાં પડતી હોય તે વિસ્તારની નજીકની સબરજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર કરાવવું જોઈએ. સબરજિસ્ટ્રાર કચેરીમાં તમે વિલ અને તેની સાથે જે દસ્તાવેજો સબમિટ કરો તેનું સ્કેનિંગ થાય છે. એટલે કે તેનો ડિજિટલ રેકોર્ડ સરકાર પાસે સચવાય છે. ભવિષ્યમાં જો વિલ ચેલેન્જ થાય કે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊઠે તો વારસદાર સબરજિસ્ટ્રાર કચેરીમાંથી સર્ટિફાઈડ કોપી મેળવીને કોર્ટમાં રજૂ કરી શકે છે જે કોર્ટ માન્ય રાખે છે.

ત્રીજું, વિલ ગમે તેટલી વાર બનાવી શકાય છે. પરંતુ તમે છેલ્લે જે વિલ બનાવો તેમાં આગલું વિલ કેન્સલ ગણવું તેમ લખવું જરૂરી છે. જો એવી સ્પષ્ટતા ન કરાય તો કયું વિલ માન્ય રાખવું તે અંગે વિખવાદ થઈ શકે છે. ઉપરાંત, તમે વિલ બનાવો પછી નવી પ્રોપર્ટી ખરીદો અને આગળનું વિલ રદ કર્યા વિના નવા દસ્તાવેજમાં આ પ્રોપર્ટીની માલિકી કોને આપવી તેનો ઉલ્લેખ કરો તો નવો દસ્તાવેજ વિલ નહિ કોડિસિલ ગણાય છે. કોડિસિલ એટલે એક્સ્ટેન્શન કે વિસ્તરણ. જો તેને લગતા વિખવાદ ટાળવા હોય તો નવા દસ્તાવેજનું વિલ તરીકે રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ.
Image by rawpixel.com on Freepik
ચોથું, વિલમાં તમારી મિલકત, ઘરેણા દરેકનું વિગતવાર વર્ણન થયેલું હોવું જરૂરી છે. જે પરિવારમાં વિખવાદ ચાલતો હોય તેમાં ખોટા કે સહી વિનાના વિલ રજૂ કરવાના કિસ્સા બનતા હોય છે. વિલમાં પ્રોપર્ટીનું ચોક્કસ વર્ણન ન હોય તેવા કેસમાં કોર્ટને માલિકી કોને આપવી તે નિશ્ચિત કરવામાં મુશ્કેલી પડે છે. જેમ કે, પ્રોપર્ટી હોય તો ખૂંટચાર, પરિશિષ્ટ વગેરે સાથે તેનું વર્ણન વિલમાં કરવું જરૂરી છે. એ જ રીતે ઘરેણા હોય તો તે કેટલા તોલાના છે, કયા પ્રસંગે કોને અપાયા છે, બિલ હોય તો બિલ નંબર સાથે ઘરેણાનું વર્ણન કરીને વિલમાં ઉલ્લેખ કરવો યોગ્ય છે. એ જ રીતે બિસ્કિટ કે લગડી હોય તો તેનો પણ વિગતવાર ઉલ્લેખ વિલમાં કરવો જોઈએ. ફક્ત પંદર તોલા ઘરેણા વહુને, પંદર તોલા દીકરીને એવું ઉચક વર્ણન લખાય તો સિવિલ કોર્ટને નક્કી કરવામાં તકલીફ થઈ શકે છે.
આ ઉપરાંત બંગલા જેવી પ્રોપર્ટી હોય અને વધારે સંતાનો વચ્ચે તેની વહેંચણી કરવાની હોય તો ધાબાનું પઝેશન કોને, કયા રૂમની માલિકી કોને સોંપવાની છે તેનું વિગતે વર્ણન વિલમાં કરાવું જોઈએ. જો આવી સ્પષ્ટતા ન હોય તો સંતાનો વચ્ચે વહેંચણીને લઈને ઝઘડા થઈ શકે છે. કોઈ સંતાન પ્રોપર્ટીમાં પોતાને મળેલા હિસ્સામાં હવા-ઉજાસ પૂરતા ન હોવાથી માનવ તરીકેના મૂળભૂત અધિકારો પર તરાપ વાગતી હોવાની દલીલ કરીને પણ કોર્ટમાં કેસ કરી શકે છે.

Image by freepic.diller on Freepik
ઘણા કિસ્સામાં અમુક પુત્ર કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરે છે કે મકાનનો અમુક હિસ્સો તેની આવકમાંથી પિતાએ બનાવડાવ્યો હતો. આવા સંજોગોમાં જો તે હિસ્સો બીજા સંતાનને અપાયો હોય તો તે કોર્ટમાં દાવો કરીને પોતાનો હક પ્રોપર્ટી પર જતાવી શકે છે. સંતાન સાથે મોટી રકમના રોકડના ટ્રાન્ઝેક્શન કરાયા હોય તો તેનો ઉલ્લેખ વિલમાં કરવો હિતાવહ છે.
તમારું ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોય તો ફોલિયો નંબર સાથે કઈ સંપત્તિ કયા સંતાનને આપવી છે તેનો ઉલ્લેખ વિલમાં કરવો જોઈએ. જો આમ ન થાય તો સીધી લીટીના બધા જ વારસદારો તેના પર સીધો દાવો કરી શકે છે. આથી વિલમાં શક્ય તેટલી વધુ વિગતો આપવી સલાહપ્રદ છે.