વિશ્વ બજારમાં કાઠું કાઢી રહેલો જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ
ઇટાલી અને જર્મનીથી રૂ. 80 લાખથી પણ વધુ કિંમતે આયાત કરવામાં આવતું મશીન રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગો માત્ર રૂ. 15થી 20 લાખમાં બનાવી આપતા બ્રાસપાર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેશન વધી ગયું
ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં જામનગરના બ્રાસપાર્ટ્સની ડિમાન્ડમાં એકાએક વધારો થયો, રીપીટ ઓર્ડર મળતા થયા
વૈશ્વિક મંદીની અસર હેઠળ છેલ્લા ત્રણેક મહિના દરમિયાન બ્રાસપાર્ટની નિકાસના કામકાજમાં પાંચ ટકાનો ઘટાડો જોવાયોઃ મેટલના ભંગારના ભાવમાં તોફાની સટ્ટાને કારણે પણ નિકાસ ઘટી

અમેરિકા અને યુરોપના દેશોમાં ફુગાવો ફાટફાટ થઈ રહ્યો છે. ફુગાવાના ઊંચા દરને કારણે વેપારો ઘટી રહ્યા છે. ભારતના જ્વેલરી, સ્ટીલ, હસ્તકળા, ટેક્સટાઈલ, કેમિકલ અને એન્જિનિયરિંગ સહિતના ઉદ્યોગો મંદીની પકડમાં આવી રહ્યા છે. આ જ મંદીનો એરુ જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગને આભડી ગયો છે. જોકે તેને મોટી મંદી તરીકે નહિ, પરંતુ મંદીની અસર તરીકે ઓળખાવી શકાય તેમ છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના લાખાભાઈ કેશવાલા આ હકીકતને સમર્થન આપી રહ્યા છે. લાખાભાઈ કેશવાલા કહે છે, “છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બ્રાસપાર્ટની નિકાસમાં અંદાજે પાંચ ટકાનો ઘટાડો થયો છે.” બ્રાસપાર્ટના ઉત્પાદનના કેન્દ્ર તરીકે જામનગર 75થી વધુ વર્ષથી જાણીતું છે. નાનકડી પીનથી માંડીને પ્લેનના પાર્ટ્સ જામનગરમાં બને છે. સાઈકલ પાર્ટ્સ, એગ્રેકલ્ચર મશીનરીના પાર્ટ્સ, સેનેટરી આઈટેમ્સના પાર્ટ્સ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સના પાર્ટ્સ, બિલ્ડિંગ મટિરિયલ તરીકે વપરાતા હાર્ડવેર, પેન અને બોલપેનના પાર્ટ્સ, સર્જિકલ પાર્ટ્સ, સ્ટવ અને સ્ટવના પૂરજાઓ, પ્લમ્બિંગ આઈટેમ્સના પાર્ટ્સ સહિતની સેંકડો હજારો બ્રાસની આઈટેમ્સ જામનગરમાં બને છે. ઓટોમોબાઈલના એટલે કે ટુ વ્હિલર્સ, ફોર વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સના પૂરજાઓ પણ જામનગરમાં જ બને છે. તેના પૂરજાઓની દુનિયાભરના દેશોમાં ડિમાન્ડ છે. આમ તો ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી બ્રાસપાર્ટ ઉદ્યોગ કાઠું કાઢવા માંડ્યું છે. તેથી જ બ્રાસપાર્ટ્સ બનાવવાના હબ તરીકે જામનગર ભારતભરમાં જાણીતું છે. હા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં બ્રાસ-પિત્તળના શૉ પીસ, મૂર્તિઓ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેમનું ઉત્પાદન મર્યાદિત છે.

બ્રાસપાર્ટ્સના ભારતના સૌથી મોટા હબ જામનગરમાં 7000 જેટલા નાના મોટા પ્રોડક્શન યુનિટ્સ છે. જામનગરના બ્રાસપાર્ટ એકમો અંદાજે 2.50 લાખ લોકોને સીધી રોજગારી આપે છે. તેમ જ 3.50 લાખ લોકોને આડકતરી રોજગારી આપે છે. નાણાંકીય વર્ષ દરમિયાન અંદાજે 1,40,000 ટન બ્રાસપાર્ટના પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. નાણાંકીય મૂલ્યમાં તેનું ટર્નઓવર રૂ. 7000 કરોડથી પણ વધારેનું હોવાનો અંદાજ છે. જામનગરમાંથી આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, શ્રીલંકા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, બાંગલાદેશ, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ આફ્રિકાના દેશોમાં બ્રાસપાર્ટ્સની નિકાસ થાય છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ હિરપરા કહે છે, “બ્રાસપાર્ટના કુલ ટર્નઓવરના પંદર ટકાની આસપાસ ભારતમાંથી નિકાસ થાય છે. આ નિકાસ અંદાજે રૂ. 1000થી 1100 કરોડની આસપાસની છે.”

પહેલા સાઉથ આફ્રિકા અને સાઉથ એશિયાના દેશોમાં બ્રાસપાર્ટની નિકાસ થતી હતી. છેલ્લા પાંચેક વર્ષથી યુરોપિયન સંઘના દેશો, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં બ્રાસપાર્ટની નિકાસ વધી છે. તેનુ કારણ આપતા લાખાભાઈ કેશવાલા કહે છે, “જામનગરના બ્રાસપાર્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે કોમ્પ્યુર ન્યુમરિકલ કંટ્રોલ-સીએનસી અને વર્ટિકલ મશીન સેન્ટર-વીએમસી તરીકે ઓળખાતા અત્યાધુનિક મશીનનો ઉપયોગ કરીને બ્રાસપાર્ટ બનાવવા માંડતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ડિમાન્ડ સતત વધી રહી છે.”

પ્રોડક્ટની ક્વોલિટીને કારણે તેમની નિકાસ વધી હોવાથી અને ક્વોલિટીના આગ્રહી પશ્ચિમના દેશોને ખરેખર ક્વોલિટી બ્રાસપાર્ટ્સ મળે તે માટે જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ માટે એન.એ.બી.એલ.નું પ્રમાણપત્ર ધરાવતી લેબોરેટરી પણ નવેક મહિના પૂર્વે ચાલુ કરી છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના માનદ સચિવ મનસુખ સાવલા કહે છે, “એન.એ.બી.એલ લેબોરેટરીમાં કયા પાર્ટ્સમાં કઈ ધાતુ કેટલા પ્રમાણમાં વપરાઈ છે તેની ચોકસાઈપૂર્ણ ડિટેઈલ્સ અમે આપી શકીએ છીએ. તે જ અમારા પ્રોડક્ટ્સની ગુણવત્તાના પ્રસ્થાપિત કરે છે. તેથી જ નિકાસના બજારમાં અમારો ડંકો વાગવા માંડ્યો છે.”
મશીનથી બ્રાસપાર્ટ્સ બનવા માંડતા પાર્ટ્સની ક્વોલિટીમાં અને તેમાંય ખાસ કરીને તેના ફિનિશિંગમાં ખાસ્સું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. પરિણામે ડિમાન્ડ વધી છે. લાખાભાઈ કેશવાલા કહે છે, “જર્મનીથી આ મશીન મંગાવીને બ્રાસપાર્ટ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જર્મનીથી આ મશીનરી આયાત કરવી મોંઘી પડતી હતી. ઇટાલી અને જર્મનીથી આવતી મશીનરીના એક યુનિટનો ભાવ રૂ. 80 લાખની આસપાસનો પડતો હતો. તેથી તેની આયાત કરવી નાના એકમોને મોંઘી પડતી હતી.” પરંતુ તમને સાંભળીને નવા લાગશે કે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગે ઇટાલી અને જર્મનીમાં બનતા અને રૂ. 80 લાખમાં ભારત સુધી આવતા મશીન માત્ર 5થી 20 લાખની કિંમતે રાજકોટમાં જ તૈયાર કરી આપ્યા છે. લાખાભાઈ કહેશવાલ કહે છે, “આજે રોજના 15થી 20 સીએનસી અને વીએમસી મશીન જામનગરમાં ઉતરી રહ્યા છે. આમ ઓટોમેશન અદભૂત ઝડપે વધી રહ્યું છે.”
આમ ઓટોમાઈઝેશનની ઝડપ વધી ગઈ છે. જામનગરના બ્રાસપાર્ટ્સના ઉત્પાદકોએ મેડ ઈન ઇન્ડિયાની સીએનસી અને વીએમસી મશીનની ખરીદી કરી ફટાફટ ઓટોમેશનને અપનાવી લીધું છે. પરિણામે બ્રાસપાર્ટ્સની ક્વોલિટી અને ફિનિશિંગમાં એકાએક મોટો ફરક આવવા માંડ્યો છે. તેથી જ યુરોપિયન સંઘના અને પશ્ચિમના દેશોમાં જામનગરના બ્રાસપાર્ટ્સની અને બ્રાસની વસ્તુઓની નિકાસ વધવા માંડી છે. લાખાભાઈ કેશવાલ કહે છે, “ઝીરો ડિફેક્ટ પ્રોડક્ટ્સ તૈયાર થવા માંડ્યા. પરિણામે ક્વોલિટી અને ફિનિશિંગમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડને જામનગરના બ્રાસપાર્ટ્સ આંબી ગયા છીએ. તેમાં વળી ભાવની બાબતમાં જામનગરના બ્રાસપાર્ટ્સ સસ્તા મળતા થયા. તેની સીધી અસર એ થઈ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના બ્રાસપાર્ટનું આકર્ષણ વધી ગયું અને રીપીટ ઓર્ડર મળવા માંડ્યા. છે. જોકે વૈશ્વિક મંદીની અસર છેલ્લા છ મહિના દરમિયાન જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ પર પણ જોવા મળી છે. લાખાભાઈ કેશવાલ કહે છે, “યુરોપિયન દેશોની નિકાસ સાવ જ ઓછી થઈ ગઈ છે. અંદાજે 5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.”

આંતરરાષ્ટ્રીય સ્તરે હાલમાં ફુગાવાનો અને આર્થિક મંદીનો પ્રભાવ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેની અસર જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ પર પણ છેલ્લા ત્રણેક મહિનાથી જોવા મળી રહી છે. તેનું બીજું એક કારણ પણ છે. લાખાભાઈ કેશવાલા કહે છે, “આંતરરાષ્ટ્રીય બ્રાસ સ્ક્રેપ- પિત્તળના ભંગારના માર્કેટમાં છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન ભાવમાં ખાસ્સી ઊથલપાથલ જોવા મળી રહી છે. સ્ક્રેપના ભાવમાં અંદાજે 20થી 22 ટકાની વધઘટ જોવા મળી છે. બ્રાસ સ્ક્રેપ-ભંગારના ભાવ રૂ. 400થી વધી રૂ. 540 સુધી વધી ગયો હતો. તેનાથી ધંધાને મોટી અસર પહોંચી છે. ઓર્ડર આપનારા પિત્તળના ભંગારના ભાવ અને કાચા માલ તરીકે વપરાતી ધાતુના ભાવ સેટલ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ વિશ્વના ધાતુના બજારમાં બહુ જ મોટો સટ્ટો ખેલાઈ રહ્યો છે. આ સટ્ટો ધાતુના ભાવમાં મોટી વધઘટ લાવે છે. ભાવને સેટલ થતાં અટકાવે છે. આ વધઘટને કારણે તેલ અને તેલની ધાર જોઈને પછી જ ઓર્ડર આપવાનું વલણ જોવા મળી રહ્યું છે.”
લાખાભાઈ કેશવાલાનું કહેવું છે કે, “ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પિત્તળ અને સીસાંનો ભંગાર મંગાવવાની તકલીફ થતી હતી. હવે તેમાં ધીમે ધીમે રાહત થવા માંડી છે. જોકે તેના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. એક સમયે રૂ. 575ના ભાવે મળતા ભંગારનો ભાવ ઘટીને રૂ. 400ની આસપાસ આવી ગયો હોવાથી સ્થાનિક વેપારીઓ ઓર્ડર આપતા પૂર્વે ભંગારના ભાવની વધઘટ પર નજર રાખે છે. ભંગારના ભાવને જોઈને જ પછી નવા ઓર્ડર પ્લેસ કરે છે. ભાવ વધુ તૂટવાના હોય તો તેની રાહ જોઈને પછી પણ ઓર્ડર આપતા હોવાનું જોવા મળે છે.”

દસ મહિના પૂર્વે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ જતાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ માટે બ્રાસનો ભંગાર મંગાવવો કઠિન બની ગયો હતો. જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે બ્રાસ અને લેડ(પિત્તળ અને સીસાં)ના ભંગારની આયાત પર જ નિર્ભર છે. બ્રાસપાર્ટ્સ બનાવવા માટે પિત્તળ અને સીસાંનો જ મહત્તમ ઉપયોગ થાય છે. પિત્તળ અને સીસાંના 80 ટકા ભંગારની આયાત અમેરિકામાંથી જ કરવામાં આવે છે. બાકીના 20 ટકાની આયાત આફ્રિકાના દેશોમાંથી કરવામાં આવી રહી છે. ડિમાન્ડ ઓછી હોય તો ભાવમાં વધારો ન આવવો જોઈએ. તેમ છતાંય પિત્તળ અને લેડના ભંગારના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
જામનગરના બ્રાસપાર્ટ્સના 7000 જેટલા એકમો મહિને અંદાજે 10,000થી 12,000 ટન બ્રાસના ભગારનો ઉપયોગ કરે છે. આ ભંગારમાંથી વસ્તુઓ બનાવીને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિસિટી, એરોસ્પેસ, સ્ટેશનરી, હરાડ્રવેર અને અન્ય સેક્ટરમાં જોઈતા સાધનોનો સપ્લાય આપે છે. ભારતમાં તેમના પાર્ટ્સના મોટા કસ્ટમર્સમાં હીરો હોન્ડા, મારુતી ઉદ્યોગ લિમિટેડ અને એટલાસ સાઈકલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે બજાજ ઓટો, પ્રેસ્ટીજ કૂકર, એન્કર સ્વિચના ઉત્પાતકો પણ તેની પાસેથી નાના મોટા બ્રાસપાર્ટ્સની ખરીદી કરે છે. આ સપ્લાય ભારત ઉપરાંત વિશ્વના બીજા ચાળીસથી પિસ્તાળીસ દેશોમાં કરે છે. બ્રાસપાર્ટ્સના કુલ ઉત્પાદનમાંથી 15 ટકાથી વધુ ઉત્પાદનની સીધી નિકાસ જ થાય છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના ખજાનચી ભાઈલાલ ગોધાણી કહે છે, “હજીય નિકાસના બજારમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ કાઠું કાઢી શકે તેમ છે. આ અનંત શક્યતાઓનો લાભ લેવા બ્રાસપાર્ટ ઉદ્યોગ સંપૂર્ણ તાકાત લગાવી રહ્યો છે.”