• 9 October, 2025 - 11:22 AM

વોરેન બફેટની જેમ કારકીર્દિમાં સફળ થવું છે આટલું વાંચો

    • વોરેન બફેટ હંમેશા તેમના પેશનને કેન્દ્રમાં રાખીને આગળ વધ્યા હોવાથી સફળતાની સીડીની ઉપર ને ઉપર જ ગયા છે

       
    • આરંભિક નિષ્ફળતાથી પાછા વળી જશો તો ક્યારેય તમારી મંજિલ સુધી પહોંચી શકશો નહિ. રાતોરાત કરોડપતિ બની જવાની હાયમાં અવિચારી નિર્ણય લેશો તો પણ પસ્તાવાની નોબત આવી શકે છે.

 

ree

તમારે વોરેન બફેટની માફક સફળ રોકાણકાર થવું છે. આજે વિશ્વનો સૌથી સફળ રોકાણકાર કોઈ હોય તો તે વોરન બફેટ છે. ત્રીસ વર્ષની ઉંમર પહેલાં જ વોરેન બફેટે પોતાની નાણાકીય અને વ્યક્તિગત જીવનની મજબૂત પાયો નાખી દીધો હતો. જે કરો તે વિચારીને, જલદી નિર્ણય લઈને કરો. એકવાર નિર્ણય લીધા પછી તેને માટે વ્યવસ્થિત અભ્યાસ કરો અને આગળ વધતા જ રહો. આરંભિક નિષ્ફળતાથી પાછા વળી જશો તો ક્યારેય તમારી મંજિલ સુધી પહોંચી શકશો નહિ. રાતોરાત કરોડપતિ બની જવાની હાયમાં અવિચારી નિર્ણય લેશો તો પણ પસ્તાવાની નોબત આવી શકે છે. સ્લો એન્ડ સ્ડેડી વિન્સ ધ રેસ એટલે કે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધનાર અધવચ્ચે હાંફી જતો નથી. સદાય વિજેતા જ બને છે. વોરેન બફેટની સફર પણ કંઈક આવ જ રહી છે.

 

વોરેન બફેટ માત્ર સ્ટોક માર્કેટને આધીન રહીને આ વાત કરી રહ્યા નથી. તમે સાહસિક તરીકે કોઈપણ સેક્ટરને પસંદ કરો દરેક માટે આ જ રેવાલથી કે ચાલથી આગળ વધવું જોઈએ. તેને માટે સૌથી પહેલા તમારે તમારી પસંદગીનું સેક્ટર શોધી લેવુ જોઈએ. તેના દરેક પાસાંનો અભ્યાસ કરી લેવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તમને કયા ક્ષેત્ર માટે પેશન છે તે પસંદ કરી લેવું જોઈએ. એક ઉદાહરણ આપીને વાત કરીએ. અમદાવાદનો એક યુવાન ફિલ્મ મેકિંગ અને ફોટોગ્રાફી શીખવા માટે મુંબઈ ગયો. તેણે ફિલ્મ મેકિંગ અને ફોટોગ્રાફી શીખવાની શરૂઆત કરી. આખરે તેનું મન ફોટોગ્રાફી તરફ વળી ગયું. બે વર્ષ સુધી મુંબઈમાં સંઘર્ષ કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાહ જોતાં જોતાં દસકો નીકળી જાય તો પણ કંઈ જ ન થાય તેવું બની શકે. આખરે યુવાનના પિતાએ તેને કહ્યું, બે વર્ષથી સંઘર્ષ કરે છે. અમદાવાદ પરત ફરી જા. દીકરાઓ પિતાની વાત માની લીધી. પરત ફર્યો. તેણે વેડિંગ ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું. ફોટોગ્રાફર પણ એજ અને વિડીયોગ્રાફર પણ એજ. એડિંટિંગ પણ તે જ કરે. પોતાની મસ્તીમાં જે ઓર્ડર મળે તે ઓર્ડર લઈને કમાણી કર્યા કરે. પહેલા જ વરસે રૂ. 8થી 10 લાખના ઓર્ડર મેળવવામાં સફળતા મેળવી.

 

ત્યારબાદ એક મોટું પરિવર્તન આવ્યું. બેન્કમાં આઈટી સેક્ટરના સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ. બેન્કમાં જોડાઈ તો ગયો. પરંતુ મન તો ફોટોગ્રાફી તરફ જ હતું. બેન્કમાં પગાર પણ રૂ. 31000ની આસપાસનો હતો. એકાએક એક દિવસ આવીને પિતાને કહી દીધું. મારે બેન્કની નોકરી નથી કરવી. હું હવે બેન્કમાં જવાનો નથી. બસ, પિતાની સમજાવટથી બે ચાર અઠવાડિયા ગયો અને બેન્કમાં રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેની ફોટોગ્રાફર તરીકેની કારકીર્દિનો વ્યવસ્થિત આરંભ થયો. આજે અમદાવાદ અને ગુજરાતમાં એક ખ્યાતનામ ફોટોગ્રાફર છે. કેનેડા અને અમેરિકાથી તેને ગુજરાતી અને વિદેશી પરિવારોએ ફોટોગ્રાફી માટે સંપર્ક કર્યો છે. મૂળ અમેરિકાન નાગરિક માતા-પુત્ર છેક અમેરિકાથી અમદાવાદ ફોટોગ્રાફી કરાવવા માટે આવ્યા હતા.

 

અલબત્ત આ પ્રકારના કિસ્સાઓ આંગળીને વેઢે ગણાય તેટલા જ હશે. પરંતુ આ ઉદાહરણ માત્ર ને માત્ર પેશનને પકડી રાખીને આગળ વધનાર સફળતાની સીડ પર ઉપર ચઢે જ છે તેનો નિર્દેશ આપે છે. આ યુવાન આજે ધ રેડ સર્કલ સ્ટુડિયો નામની કંપની ચલાવી રહ્યો છે. વોરેન બફેટ પણ એટલું જ કહે છે કે તમારા પેશનને વળગી રહો. પેશનની સાથે આગળ વધશો તો સફળતા તમારા ચરણ ચૂમતી આવશે.

 

આંકડાંની દિવાનગીએ વોરેન બફેટનો શેરબજારના વિશ્વના સફળ ઇન્વેસ્ટર બનાવ્યા

 

વોરન બફેટ વીસ વર્ષ સુધીમાં તો આંકડાંઓના દિવાના બની ગયા હતા. તેમણે પોતાની સૂઝ મુજબ 11 વર્ષની ઉંમરે તો પહેલો શેર ખરીદી લીધો હતો. 30 વર્ષ સુધીમાં તો શેરબજારના સંપૂર્ણ વ્યાવસાયિક બની ગયા હતા. આજે 94 પ્લસની ઉંમરે પહોંચી ગયા. હજી ત્રણથી છ મહિના પહેલા જ નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. વોરેન બફેટ કહે છે કે તમારું સૌથી મોટું રોકાણ તમે પોતે જ છો. ભારતમાં મોટાભાગના યુવાનોને સલામત અને સ્ટેડી આવક આપતી કારકીર્દિની પસંદગી કરી લેવા માટે માતાપિતા મનાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં દબાણ લાવે છે. પરંતુ જે કામ કરવામાં યુવાનને ખરેખર ઉત્સાહ હોય તે જ કામ માટે યુવાનને આગળ વધવાની તક માતા પિતાએ આપવી જોઈએ. તેમાં જ સફળતાની સીડીના ઉપરના પગથિયે પહોંચવાની મજબૂત સંભાવના રહેલી છે. વોરેન બફેટ કહે છે, “તમારા પેશનને પૂરું કરવા માટેની નોકરી શોધવાનું ક્યારેય છોડશો નહિ.” પેશન એ સફળતાનું પહેલું પગથિયું છે.

 

દરેક કંપનીનો અભ્યાસ કરીને પછી જ સ્ક્રિપમાં રોકાણ કરો

 

બીજું પગથિયું છે પેશનના માર્ગે આગળ વધવા માટે મહેનત કરવી. શેરબજારમાં રોકાણ કરીને આગળ વધવું હોય તો જે શેર્સમાં રોકાણ કરો તે શેર્સવાળી કંપનીના ધંધા, તેના પ્રોડક્ટ્સની ડિમાન્ડ, સરકારના નિર્ણયો, સરકારના નિર્ણયને કારણે તેને થનારા ફાયદા અને ગેરફાયદા, તેના બિઝનેસના વિકાસની શક્યતા, તેને થનારા નફા નુકસાનના ગણિત માંડો. આ ગણિતો માંડીને પછી સમજી વિચારીને નિર્ણય લો. બહુધા તેમાં નિષ્ફળ નહિ જ જાવ. શેરબજારમાં નસીબ વધારે કામ કરતું હોવાનું બહુધા લોકો માને છે. પરંતુ અભ્યાસ કરીને સમજી વિચારીને નિર્ણય લેવાનો ફાળો પણ સફળતામાં 50 ટકાથી વધી શકે છે. આમ ઊંડો અભ્યાસ અને નસીબ શેરબજારમાં સફળ થવા માટેનું બીજું મોટું પગથિયું છે. રાજકોટના સ્વ. કિશોર ઘિયા અભ્યાસ કરીને જ સફળતાની સીડી પર ઊંચામાં ઊંચા પગથિયે પહોંચ્યા હતા. દરેક કંપનીની સ્ક્રિપ અને કંપનીના ડેવલપમેન્ટ પર તેમની બારીક નજર રહેતી હતી. આ પરિશ્રમે તેમને રાજકોટના શેરબજારના કિંગ તરીકેનું બિરુદ અપાવ્યું હતું.  દિલ્હી સ્થિત એક કંપની આઈપીઓ લાવી અને અગાઉના એલોટમેન્ટ અંગે સદંતર ખોટી જાહેરાત કરી. ત્યારે કિશોર ઘિયાએ 75 વર્ષની વયે લેપટોપ ખરીદીને શીખવાની શરૂઆત કરી. ત્યારબાદ દિલ્હીની એક કંપની સામે મોરચો માંડવા આખા ભારતના શેરહોલ્ડરોનું ગ્રુપ બનાવીને લડત છેડી હતી. આ લડત છેડ્યા પછી તે કંપનીને આઈપીઓ મુલતવી રાખવાની ફરજ પડી હતી. અગાઉ જે રાઈટ, બોનસના કે ડિવિડંડના જે દાવા કર્યા હતા તે પ્રમાણે દરેક શેરહોલ્ડર્સને પૈસા આપવાની ફરજ પાડી હતી. આ કંપનીએ શેરહોલ્ડરોને રૂ. 1600 કરોડની આસપાસની રકમ ચૂકવવાની ફરજ પડી હતી. આ છે અભ્યાસની તાકાત.

 

કોઈની આપેલી ટીપ્સ પર શેરબજારમાં રોકાણ ન કરો

 

આજ કાલના યુવાનો શેરબજારમાં ટીપને આધીન રહીને કમાણી કરવા જંપલાવી દે છે. માત્ર અન્યના અનુભવથી સફળતા મળતી નથી તે સત્યને તેઓ ભૂલી જાય છે. તેમાંય આજકાલ નવા સવા રોકાણકારોને બે ચાર મહિનામાં ખંખેરીને ખાલી કરી દેનારાઓની જમાત મોટી છે. બહુધા ટીપ્સ કોઈના ગળામાં ગાળિયો ભેરવી દેવા માટે જ આપવામાં આવે છે. ટીપ્સ સ્ક્રિપમાં સટ્ટો કરીને સ્ક્રિપના ભાવ ઊંચકી જવા માટે જ બહુધા આપવામાં આવે છે. એક રૂપિયાના મૂલ્યનો શેર વધીને એકાએક પચ્ચીસ રૂપિયાની સપાટીએ પહોંચી જાય છે. આ સંજોગોમાં તગડી કમાણી થવાની લાલચ આપીને ઊંચા મથાળે નવા સવા રોકાણકારોના ગળામા તે શેર પધરાવી દેવામાં આવે છે. ત્યારબાદ તે જ શેરના ભાવ તોડી નાખીને નવા રોકાણકારોના ખિસ્સા ખાલી કરી દેવામાં આવે છે. દરેક સ્ક્રિપમાં આવું નથી હોતું, છતાંય ટીપ્સ પર મદાર બાંધીને શેરબજારમાં રોકાણ કરવામાં શાણપણ નથી જ નથી. તેમાં નુકસાની જ નુકસાની છે.

 

તમારે સફળ થવુ હોય તો સફળ થયેલી વ્યક્તિની સંગત વધારો

 

શેરબજાર હોય કે પછી અન્ય કોઈ સેક્ટર હોય ઇન્વેસ્ટમેન્ટ કરીને કે પછી કામ કરીને સફળ થયેલી વ્યક્તિ સાથેના સંબંધમાં સુધારો કરો. લાંબા સાથે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય તે જ ન્યાયે સારી વ્યક્તિના સંગતની અસર એટલે કે સોબતની અસરમાં આપણે પણ તેના જેવા થઈ શકીએ છીએ. તેથી સંબંધ તેવા લોકો સાથે વધારો જે તમારી કારકીર્દિને આગળ લઈ જવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થી સારા શિક્ષક સાથે અને વેપારીઓએ સારા ગ્રાહકો સાથે સંબંધ કેળવવા પડે છે. સંબંધો થકી પણ બિઝનેસ વધારી શકાય છે.

 

તેવી જ રીતે કેટલેક તબક્કે સાહસિકે ના કહેતા પણ શીખવું પડે છે. એક વારની ના અનેકને નારાજ કરી શકે છે. પરંતુ કાયમને ધોરણે તેના થકી ઊભી થનારી સમસ્યાનો અંત આવી જાય છે. ખૂબ જ સફળ થવા માટે ના કહેવાની કળા કેળવવી પડે છે. તમારી તન્દુરસ્તી, તમારા પરિવાર, તમારા શોખના અગ્રક્રમ નક્કી કરી લો. તેના સિવાયની બાબતમાં ના પાડવાનું શીખી લો. ના પાડો તો પણ સામી વ્યક્તિને એ રીતે કહો કે તેને ખરાબ ન લાગે. દરેક વાતમાં ના ન પાડી શકવાની અસમર્થતા ઘણીવાર ખોટા નિર્ણય લેવડાવી શકે છે.

 

જીવનમાં જરૂર કરતાં વધુ ભપકો ન રાખો. વ્યવસાયની જરૂરિયાત પ્રમાણે વસ્ત્રો પરિધાન કરો. વ્યવસાયની જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરો. પરંતુ બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળીને તમે સાદુ જીવન જીવવાનું પસંદ કરશો તો તમે જરૂર આગળ વધી શકશો. પહેલા ખર્ચ કરીને બચત કરવાનું આયોજન ન કરતાં. વોરન બફેટ કહે છ કે પહેલા બચત કરી લઈને બાકીના પૈસામાંથી ખર્ચ કરવાની માનસિકતા તમને આગળ લઈ જવામાં મોટો ફાળો આપી શકે છે. લગ્નમાં બેફામ ખર્ચ કરવા, નવા નવા મોબાઈલ લેતા રહીને પ્રભાવ પાડવો, તહેવારમાં પણ લોકોને પ્રભાવિત કરવા માટે ખર્ચ કરવાની માનસિકતા પ્રગતિમાં બાધારૂપ બને છે. પૈસા અને સમય પરિવાર માટે ફાળવો. મિત્રોની પાછળ ફનાફાતિયા ન થાવ. આ સાથે જ તમારી સમૃદ્ધિ માનવ જાતના વિકાસ અને ઉત્થાન માટે ખર્ચાય તેનું પણ ધ્યાન રાખો. માત્ર પૈસા જ નહિ, સમય, ધ્યાન અને જ્ઞાન આપીને તમને સમાજની વળતું કંઈક આપી શકો છો. દર અઠવાડિયે એકવાર ઉદારતા દાખવવાનું એક કામ કરો. લોકોના દિલને જીતી લેવાનો આ જ એક વિકલ્પ છે. લોકોના દિલ જીતશો તો આપોઆપ જ તમારી પ્રગતિ થતી રહેશે. તમે જેટલું આપશો તેટલું ફરીને તમારી પાસે આવતું જ રહેશે. આજે વૃક્ષ રોપશો તો આવતીકાલે મોટા થનારા તે ઝાડના છાયડાનો અનુભવ કરી શકશો.

Read Previous

વાઈબ્રન્ટ ઉદ્યોગ એ ગુજરાતના વેપાર, ધંધા, ઉદ્યોગો માટેનું એક પ્રિમિયમ સામયિક છે. આ મેગેઝિનનું મુખ્ય લ

Read Next

Stock Idea : Max Healthcare Institute Limited: ઓલટાઈમ હાઈને કૂદાવી જાય તેવી સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular