• 9 October, 2025 - 11:13 AM

સમસ્યાઓની વણઝાર સામે ઝઝૂમી રહેલા નાના-મધ્યમ ઉદ્યોગો

ree

 

નાના ઉદ્યોગોની સમસ્યા મોટી છે. ક્યારેક તેમને બેન્ક પાસેથી ધિરાણ મળતું નથી તો ક્યારેક તેમને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની પાસેથી ઊંચા વ્યાજદરે ધિરાણ લેવું પડે છે. ઊંચું વ્યાજ તેમના માર્જિનને કાપી નાખે છે. તેમના ધંધાના ગણિતો ખોરવી નાખે છે. બીજી તરફ માર્કેટમાં સ્પર્ધા કરવાની તેમની તાકાતને નબળી પાડી નાખે છે. પ્રસ્તુત કરેલા વિપરીત સંજોગોમાંથી પણ રસ્તો કાઢીને નાની કંપનીઓ મોટી કંપનીઓની સપ્લાયર બની જાય છે, ત્યારે મોટી કંપનીઓ તેમના પેમેન્ટ ટલ્લે ચઢાવે છે. તમને કદાચ અંદાજ નહિ હોય કે મોટી કંપની નાણાંકીય વર્ષમાં નાની કંપનીને નિર્ધારિત સમયમાં પેમેન્ટ ન કરે તો તેનો ઉલ્લેખ તેમણે તેમના સરવૈયામાં કરવાનો હોય છે. પરંતુ મોટાભાગની મોટી કંપનીઓ પેમેન્ટમાં ટટળાવવા ઉપરાંત તેમના સરવૈયામાં પણ તેનો ઉલ્લેખ કરતી નથી. તેથી નાની કંપનીઓની સમસ્યા મોટી થતી જાય છે. ગુમાસ્તાધારાનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી અપાર તકલીફથી તેમની સમસ્યાનો આરંભ થાય છે. આ સમસ્યા હેલ્થ લાઈસન્સ મેળવવામાં અને હેલ્થ લાઈસન્સ રિન્યુ કરાવવામાં પણ એટલી જ તીવ્ર રહેતી હોવાનું જોવા મળે છે. તદુપરાંત પ્રોડક્શન માટેની પરવાનગીઓ મેળવવામાં કેમિકલ ઉદ્યોગ પણ તકલીફનો સામનો કરી રહ્યો છે. તેમને માત્ર કેમિકલના કલર ચેન્જ કરવા માટે એક જમાનામાં એટલે કે એક વર્ષ પૂર્વે નવેસરથી પરવાનગી લેવી પડતી હતી. આજે ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મોરચે રાહત કરી આપી છે. પરંતુ અનેક મોરચે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લેબરની અછત છે. લેબર છે ત્યાં તેનો ખર્ચ 30થી 40 ટકા વધી ગયો છે. કોરોનાના ભયને કારણે 25થી 30 ટકા લેબર કામ કરવા તૈયાર જ નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત ચાલુ જ હોવાથી ત્યાંથી કાચોમાલ આવતો અટકી ગયો છે. લોખંડના શેડ બનાવવાના કામ થતાં નથી. ક્રેનના કામ થતાં નથી. કોરોનાના કહેરની ગુજરાતના ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ ઉદ્યોગ પર ખાસ્સી અસર થઈ છે. આ જ કારણોસર ઉદ્યોગોના વિસ્તરણ અટક્યા છે. વિસ્તરણ અટકવાનું બીજું એક કારણ એ પણ છે કે 28મી ફેબ્રુઆરી પછી ઉઘરાણી આવતી જ અટકી ગઈ છે. જેમને આવે છે તેમને પણ અત્યંત મંદ ગતિએ નાણાં મળી રહ્યા છે.

 
ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે, “એમએસએમઈ એકમો જ દેશમાં વધુમાં વધુ નોકરીઓ નિર્માણ કરતાં હોવાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુમાં વધુ લોન આપવી જોઈએ. કોવિડ-19ના સંજોગમાં નવી નોકરીઓ નિર્માણ કરવી તે દેશ માટેની મોટામાં મોટી અનિવાર્યતા છે. તેનાથી વેપાર-ઉદ્યોગની આત્મનિર્ભરતામાં વધારો થશે. પરંતુ આપણા દેશની કમનસીબી એ છે કે નાના અને મધ્યમ ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં લોન જ આપવામાં આવતી નથી.”
 

કારણ કે તેમને લોન આપવા માટેના ધારાધોરણોમાં બેન્કના બ્રાન્ચ મેનેજરો રતિભાર આમથી તેમ કરવા માગતા જ નથી. તેમાં નિયમોનું પાલન કરવામાં જડતા દાખવવામાં આવી રહી છે. નિયમોના અનુસરણમાં વાસ્તવમાં સ્થિતિ સ્થાપકતા કે લવચિકતા હોવી અનિવાર્ય છે. હા, તેમને યોગ્ય ગેરન્ટી સાથે લોન અપાવી જોઈએ. પરંતુ તેમને 1, 2, કે 5 કરોડ સુધીની લોન બ્રાન્ચ મેનેજરના સ્તરેથી જ મળી જવી જોઈએ. પરંતુ બેન્ક મેનેજરો આ લોન એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સમાં રૂપાંતરિત થાય તો તેની જવાબદારી પોતાને માથે આવશે તેવા ભયથી ફફડીને નાના અને મધ્યમ કદના એકમોને લોન આપવાનું પસંદ કરતાં જ નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો તેવા સંજોગોમાં બ્રાન્ચ મેનેજરના સ્તરેથી લોન આપવાનું વધુ સરળ બનશે. બ્રાન્ચ મેનેજરની એમએસએમઈને લોન મંજૂર કરવાની હિમ્મતમાં વધારો થશે. સી.એચ. વેંકટચલમ કહે છે કે “કોર્પોરેટ બોરોઅર્સ રાજકીય સાંઠગાંઠનો ઉપયોગ કરીને પોતાને અનુકૂળ પડે તે શરતોએ લોન મેળવી લે છે. કરમની કઠણાઈ એ છે કે કોર્પોરેટ લોનમાં રિકવરી પણ ઓછી આવે છે. મોટા કોર્પોરેટ્સની તુલનાએ નાના અને મધ્યમ ઉદ્યોગો પાસેથી લોન રિકવર કરવા માટેના ધારાધોરણો વધુ કડક અને આકરાં છે.” પરિણામે વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અંકિત પટેલ કહે છે તેમ, “બેન્કો ફાઈનાન્સ આપશે જ નહિ તેમ માનીને નાના અને મધ્યમ ઉદ્યોગો બેન્કમાં ધિરાણ માટે અરજી કરતાં જ ખચકાય છે. તેથી બેન્ક કહે છે કે અમારી પાસે અપેક્ષા પ્રમાણે અરજીઓ જ આવતી નથી.” કદાચ અત્યારે ધંધો વધારે ન થતો હોવાથી આર્થિક ભારણ ન વધારવું એમ માનીને પણ કેટલાક લોકો બેન્ક ધિરાણ માટે અરજી કરવાનું ટાળતાં હોવાની શક્યતાને નકારી શકાતી નથી. સી.એચ. વેંકટચલમની વાતને સમર્થન આપતા કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન એસોસિયેશનના પ્રમુખ કે.ઈ. રઘુનાથન કહે છે, “કોવિડ – 19ની મહામારી સામેની લડતમાં ભારતની નાની અને મધ્યમ કદની કંપનીઓ ખાસ્સી તૂટી ગઈ છે. અત્યારે 50 ટકા નાની-મધ્યમ કંપનીઓ નાદાર થઈ જાય તેવી સ્થિતિ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને તેમને માટે ફાળવેલા રૂ. 3 લાખ કરોડમાંથી 31મી ઓક્ટોબરે પૂરી થતી આ સ્કીમમાં માત્ર 1.60 લાખ કરોડ જ એમએસએમઈ એકમો સુધી પહોંચ્યા છે. આ સ્કીમ 31મી ઓક્ટોબરે પૂરી થાય છે.” બીજું, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીય મોરેટોરિયમ પિરિયડ એટલે કે માર્ચથી ઓગસ્ટ 2020ના ગાળાના વ્યાજ પરના વ્યાજનો વિવાદ સમેટાતો નથી.સરકારે ઉકેલ આપ્યો છે, પરંતુ વ્યાજના વ્યાજની ગણતરી કરવા અંગે વિવાદો થઈ રહ્યા છે. તેનો પડઘો પાડતા ગુજરાત ચેમ્બરની એમએસએમઈ કમિટીના ચેરમેન સચિન પટેલ કહે છેઃ “નાના અને મધ્યમ ઉદ્યોગોને જોઈએ તેવો આર્થિક ટેકો પણ મળતો નથી. મોટા કોર્પોરેટ્સને આર્થિક ટેકો સારો મળે છે. તેવું નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે નથી. સ્પર્ધાત્મક બજારમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પૂરતો ટેકો મળી રહે તેવી નીતિઓ હોવી જરૂરી છે. નાના અને મધ્યમ ઉદ્યોગો પાસેથી જ સરકારી કચેરીઓએ ચીજવસ્તુઓ ખરીદવી તેવો નિર્ણય લેવામાં તો આવ્યો છે. પરંતુ તેનો અમલ જોઈએ તેવી ચુસ્તીથી નથી થતો આ એક મોટામાં મોટી સમસ્યા છે. સરકાર તેના પર ફોકસ કરે તે જરૂરી છે. આર્થિક અને અન્ય સપોર્ટ ન હોવાથી નાના ઉદ્યોગોની હાલત ખરાબ થાય છે. લોસ મેકિંગ ઉદ્યોગોની ઉઘરાણી જ ન આવતી હોવાથી તેમની હાલત વધુ કફોડી થઈ છે. નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ તરફથી મળતા ફાઈનાન્સ પર 13થી 14 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. તેની સીધી અસર કોસ્ટિંગ પર આવે છે. નફામાં ઘટાડો થાય છે.” તેમની વાતમાં સૂર પૂરાવતા અને નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવા માટે સૂચન કરતાં કે.ઈ. રઘુનાથન કહે છે, “90 ટકા સ્થાનિક પૂરજાઓનો ઉપયોગ કરીને ચીજવસ્તુ બનાવનારાઓને મેક ઇન ઇન્ડિયાનું લેબલ લગાવવાની છૂટ આપવી જોઈએ. ભારત અને ભારતની બહાર નાના અને મધ્યમ કદના એકમોની ઓળખ ઊભી કરવા માટે આ એક જરૂરિયાત છે. આ રીતે પરરાષ્ટ્ર પરની ભારતની નિર્ભરતાને ઘટાડી શકાશે. અત્યારે ઇલેક્ટ્રોનિક્સમાં ચીન પરની નિર્ભરતા 45 ટકા, મશીનરીમાં 32 ટકા, ઓર્ગેનિક કેમિકલમાં 38 ટકા, ફર્નિચરમાં 57 ટકા, રાસાયણિક ખાતરમાં 28 ટકા, ઓટોમોબાઈલ્સના પાર્ટ્સમાં 25 ટકા અને ફાર્મા એપીઆઈમાં 68 ટકા છે. ફાર્મા એપીઆઈ પાર્ક માટે રૂ. 10,000 કરોડનું જાહેર કરેલું પેકેજ એપીઆઈમાં આત્મનિર્ભરતાની દિશામાં લેવાયેલું એક મહત્વનુ કદમ છે. તેના પરિણામ આગામી પાંચથી સાત વર્ષમાં જોવા મળશે.” આ વાતને આગળ લઈ જતાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અંકિત પટેલ કહે છેઃ “ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોના ક્લસ્ટર ડેવલપમેન્ટ પર ફોકસ કરવું જરૂરી છે. ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રિસર્ચની એક્ટિવિટી ખર્ચાળ ન બને તે માટે તેમને કોમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી તૈયાર કરી આપવી જરૂરી છે. તેમ જ તમામ નાના અને મધ્યમ ઉદ્યોગો ઉપયોગ કરી શકે તેવા ટેસ્ટિંગ સેન્ટર સરકારે તૈયાર કરી આપવા જોઈએ. તેમ જ પાઈલોટ પ્લાન્ટની સુવિધા ઊભી કરવામાં અને અત્યાધુનિક લાઈબ્રેરી ઊભી કરવામાં સરકારે મદદ કરવી જોઈએ. આ જ રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને કાર્યકુશળ માનવ બળ મળી રહે તે માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ બહોળા પ્રમાણમાં સરકારે અને મોટા ઉદ્યોગોએ મળીને તૈયાર કરી આપવા જોઈએ. સ્ટાર્ટ અપને પણ કાર્યકુશળ માનવબળ મળી રહે તે માટે તાલીમ કેન્દ્રો ઊભા કરવા જરૂરી છે. ” નાના એકમો મોટા ઔદ્યોગિક એકમોને સપ્લાય કરે તે પછી મોટા ઔદ્યોગિક એકમે તેમને પેમેન્ટ આપવામાં વિલંબ કરે છે. નિયમ મુજબ 30થી 40 દિવસમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પમેન્ટ આપી દેવું જરૂરી છે. પરંતુ તેમ થતું નથી. વર્ષના અંત સુધીમાં તેઓ પેમેન્ટ ન કરે તો બેલેન્સશીટમાં તે દર્શાવવું ફરજિયાત છે, પરંતુ તેનુંય પાલન મોટી કંપનીઓ કરતી નથી. નાના એકમો ધંધો બંધ થઈ જવાના ડરે તેમની દાદાગીરીને નિભાવ્યા જ કરે છે. તેની ખરાબ અસર પણ નાના ઉદ્યોગો પર પડે છે. તેમના માલની ડિમાન્ડ વધી જાય તો પણ તેઓ તે પ્રમાણે માલ તૈયાર કરી શકતા નથી. કોરોનાને પરિણામે સર્જાયેલી અનિશ્ચિતતા તેમના વેપાર-ધંધાને ફરી એક વાર ઠપ કરી દે તેવા ભય વચ્ચે કામ કરતાં નાના અને મધ્યમ એકમો વધારાનો આર્થિક બોજ ઊભો કરવા તૈયાર નથી. બીજી તરફ એક્સપોર્ટના ઓર્ડર પણ પૂરા નથી કરી શકાતા. શિપિંગ કંપનીઓ કન્ટેઈનર્સને કોર્નર કરીને બેસી ગઈ છે. પરિણામે બુકિંગ કર્યા પછી કન્ટેઈનર્સ ન મળવાની તકલીફ પણ છેલ્લા 20થી 25 દિવસથી વકરી ગઈ છે. પરિણામે તેમણે ઓર્ડર કેન્સલ કરવાની પણ ફરજ પડી રહી છે, એમ અંકિત પટેલ કહે છે. (બોક્સ) નાના-મધ્યમ ઉદ્યોગોને આધુનિકતાની સીડી ચઢતા કેવી રીતે શીખવશો? નાના અને મધ્યમ ઉદ્યોગોને આ દિશામાં દોરી જવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદી માટેની નીતિમાં ફેરફાર કરવો જરૂરી છે. 2021ના વર્ષમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક પૂરજાઓનો ઉપયોગ કરે તે જ ચીજવસ્તુઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર ખરીદશે તેવી નીતિ લાવવી જોઈએ. 2022માં આ સ્થિતિ અપગ્રેડ કરીને 50 ટકા સ્થાનિક પૂરજાઓ અને 2023માં 75 ટકા સ્થાનિક પૂરજાઓ તથા 2024માં 100 ટકા સ્થાનિક પૂરજાઓનો ઉપયોગ કરનારી કંપનીઓની ચીજવસ્તુઓ જ ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્રની કંપનીઓ, સ્થાનિક સત્તાવાળાઓ ખરીદશે તેવી નીતિ અમલમાં મૂકવી જોઈએ. જેમને સરકારની સબસિડી જોઈતી હોય તેમને આ નિયમનું પાલન કરવાની ફરજ પાડીને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી શકાશે, એમ કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન એસોસિયેશનના પ્રમુખ કે.ઈ. રઘુનાથનનું કહેવું છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને મોર્ડનાઈઝેશન, ઓપ્ટીમાઈઝેશન, ડિજિટાઈઝેશન અને ઇન્નોવેશન માટે પ્રોત્સાહન આપવા જરૂરી છે. તેની સાથે સાથે જ આયાતી ચીજવસ્તુઓ પર ડ્યૂટીનું ભારણ વધારતાં જઈને આયાતને હતોત્સાહ કરવી પણ એટલી જ જરૂરી છે. પહેલા વર્ષે 1000 ડોલરના મૂલ્ય સુધીની વસ્તુની આયાત પર અંકુશ લગાવવો જોઈએ. ત્યારબાદ 10,000 ડોલર સુધીના, તે પછી 1 લાખ ડોલર અને છેલ્લે 5 લાખ ડોલર સુધીના મૂલ્યની ચીજવસ્તુની આયાત પર ધીમે ધીમે નિયંત્રણ લાદવું જોઈએ. તેમ કરવાથી સ્થાનિક ચીજવસ્તુઓના વપરાશ પર તે ફોકસ કરતાં થશે. સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તામાં પણ સુધારો આવતો જશે. 100 ટકા સ્થાનિક પૂરજાઓ ઉપયોગ કરનારી કંપનીને ખાસ દરજ્જો આપવો જોઈએ. તેની સાથે વિશેષ લાભ સંકળાયેલા હશે તો બધાં જ તે લેવલ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. ઉદાહરણ આપીને વાત કરીએ 100 ટકા સ્થાનિક પૂરજાઓનો ઉપયોગ કરીને વસ્તુ બનાવનારા નાના અને મધ્યમ કદના એકમોને લોન આપવામાં અગ્રક્રમ મળે અને લોનના વ્યાજમાં રાહત મળે તો દરેક આ દિશામાં દોટ મૂકી શકે છે. સ્થાનિક સ્તરની મોટી કોર્પોરેટ્સ દ્વારા નાના એકમોને દબાવી રાખવાની કરવામાં આવતી પ્રવૃત્તિને કડક હાથે સરકારે ડામી દેવી જોઈએ. દેશના લોકોએ પણ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક ઉત્પાદનોની કિંમત પાંચ સાત ટકા વધુ હોય તો પણ તે ચૂકવી દઈને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમ કરવાથી આયાત અને નિકાસ વચ્ચેનો ગાળો ઘટાડી શકાશે. (બોક્સ) વેપાર-ઉદ્યોગના રોકડના પ્રવાહને નિયંત્રિત કરવા કરેલો કરન્ટ એકાઉન્ટ અંગેના પરિપત્રનો અમલ કઠિન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નટુભાઈ પટેલે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને એક પત્ર લખીને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કરન્ટ એકાઉન્ટ ધારકે એક બેન્કના કરન્ટ એકાઉન્ટમાં કેશ ક્રેડિટ લીધી હોય કે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી હોય તેવા કરન્ટ એકાઉન્ટ ધારકોને અન્ય બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલવાની છૂટ ન આપવાના પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. વેપાર-ઉદ્યોગના રોકડના પ્રવાહને નિયંત્રિત કરવા માટે આ પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. છ ઓગસ્ટે રિઝર્વ બેન્કે કરેલા પરિપત્રને કારણે નવેમ્બરની છઠ્ઠીથી ખરેખર એકાઉન્ટ બંધ કરવાનું ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ તારીખ લંબાવીને 15મી ડિસેમ્બર કરી દેવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો એક બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટની સુવિધા લેનારા કરન્ટ એકાઉન્ટધારકને બીજી બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલી આપવાની રિઝર્વ બેન્કે મનાઈ ફરમાવી છે. બેન્કે ખાતું ખોલી આપ્યું હોય તો તે 15મી ડિસેમ્બર સુધીમાં બંધ કરી દેવાનું રહેશે. રિઝર્વ બેન્કના આ પરિપત્રને કારણે બેન્કો ઉદ્યોગોને તેમના અન્ય બેન્કમાંના કરન્ટ એકાઉન્ટ બંધ કરવાની ફરજ પાડી રહી છે. આ કરન્ટ એકાઉન્ટ બંધ કરી દેવાને કારણે વેપાર-ઉદ્યોગને બિઝનેસ ગુમાવવો પડતો હોય તો છો ગુમાવવો પડે તેવી માનસિકતાથી રિઝર્વ બેન્કના પ્રસ્તુત પરિપત્રનો અમલ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલે તેનો વિરોધ કરતો એક પત્ર કેન્દ્રના નાણાં મત્રી નિર્મલા સીતારામનને લખ્યો છે. નટુભાઈ પટેલ કહે છેઃ “વેપાર-ઉદ્યોગ કરતી વ્યક્તિ તેના રોજબરોજના વહેવારો જે કરન્ટ એકાઉન્ટમાંથી કરતી હશે તેના પર તેની અત્યંત ખરાબ અસર પડશે. બેન્કનું બ્રાન્ચ નેટવર્ક ન હોય તેવા વિસ્તારમાં વેપાર કે ઉદ્યોગ તેનો ધંધો કરતું હોય તો તેવા સંજોગોમાં જે તે વિસ્તારમાં તેમણે અન્ય કરન્ટ એકાઉન્ટ ખોલવું પડી શકે છે. વેપાર-ઉદ્યોગ તેના સપ્લાયના નાણાં આસાનીથી રિકવર કરી શકે તે માટે પણ જે તે લોકેશનની બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત બનતું હોય છે. આ સંજોગોમાં તેમને કરન્ટ એકાઉન્ટ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે તો તેવા સંજોગોમાં તેમણે જંગી બિઝનેસ લ઼ૉસનો સામનો કરવાની નોબત આવી શકે છે. કોવિડ-19ને કારણે વેપાર-ઉદ્યોગ રોકડની જંગી અછતનો સામનો કરી રહ્યા છે તેવા સંજોગોમાં રિઝર્વ બેન્કની આ જોગવાઈ તેમના વેપાર-ધંધાને ખતમ કરી નાખનારી સાબિત થશે.” એક બેન્કમાંથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટની ફેસિલિટીનો ઉપયોગ કરી વેપાર ધંધો કરનારે બીજી બેન્ક પાસેથી બિઝનેસ લોન, કાર લોન, કે મશીનરી માટે લોન લીધી હોય તેવું બને જ છે. તદુપરાંત ખાસ બેન્કિંગ સેવા મેળવવા માટે તેણે અન્ય બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યુ હોય તેવું પણ બની શકે છે. વેપાર-ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલી તમામ લોનના નાણાં કે હપ્તા આ જ કરન્ટ એકાઉન્ટ્સમાંથી ચૂકવવામાં આવે છે. હવે વેપાર-ઉદ્યોગને કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટની સુવિધા લીધી હોય તે બેન્કના કરન્ટ એકાઉન્ટ સિવાયના ખાતાઓ બંધ કરવાની ફરજ પાડવામાં આવશે તો તેવા સંજોગોમાં તેમણે બેન્કના પુનઃચૂકવવાના થતાં હપ્તાઓ ચૂકવવામાં તકલીફ પડી શકે છે. તેમના સી.સી. અને ઓ.ડી. એકાઉન્ટમાંથી ઈસીએસ કે એનએસીએચ(નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ)ના પેમેન્ટ્સ અટકી પડવાની શક્યતા છે. અત્યારે સી.સી. કે ઓ.ડી. એકાઉન્ટ ખોલાવવા પણ તકલીફદાયક છે. લાંબા સમયની કડાકૂટ પછી બેન્કો આ ખાતા ખોલી આપે છે. આ સંજોગોમાં આ ખાતાઓ બંધ કરી દેવાય તો એક જ એકાઉન્ટમાંથી બધી જ જગ્યાના પેમેન્ટ મેળવવામાં અને તેમાંથી જ પેમેન્ટ કરવાની કામગીરી વેપાર-ઉદ્યોગની કઠણાઈમાં વધારો કરનારી સાબિત થશે. ભારતમાં દરેક બેન્ક પાસે ઇન્ટરનેટ બેન્કિંગ સેવામાં સીધા કે આડકતરા એટલે કે આવકવેરા કે જીએસટી સહિતના અન્ય વેરાઓ ભરવા માટે પેમેન્ટ ગેટવેની સુવિધા જ નથી. આઈડીએફસી બેન્ક પાસે આ સુવિધા ન હોવાથી વેપાર-ઉદ્યોગને સ્ટેટ બેન્ક કે ઇન્ડિયન ઓવરસીઝ જેવી બેન્કમાં તેમનું ખાતું ખોલાવવાની ફરજ પડે છે. તેથી પણ વેપાર-ધંધો કરનારાઓ બીજું કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હોય છે. આ એકાઉન્ટની મદદથી કંપની તેની વેરા જમા કરાવવાની જવાબદારી સમયસર અદા કરી શકે છે. પરંતુ તેમને તેમના આ કરન્ટ એકાઉન્ટ બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ તેમની વેરાની જવાબદારી સમયસર અદા કરી શકશે નહિ. બીજું, કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટની એક ખાતાની લિમિટના દસ ટકાથી વધુ રકમ બીજા બીજી બેન્કના ખાતામાં ઉપયોગ કરવા દેવાતી નથી. સી.સી. કે ઓ.ડી.ના દસ ટકાની અને દસ ટકાથી વધુ રકમ ઉપયોગ કરવા દેવાની બે અલગ અલગ વ્યવસ્થા પણ છે. આમ કરન્ટ એકાઉન્ટ ધારકને બેફામ બનીને સી.સી. કે ઓ.ડી.ની સુવિધાનો ઉપયોગ કરવાની છૂટ પણ આપવામાં આવતી નથી. તેમ જ લીડ બેન્કે આપેલી સી.સી. કે ઓ.ડી.ના નાણાં ઉપયોગ કરવા દેવાતા નથી. માર્જિન મની ચૂકવવા માટે પણ તેના નાણાંનો ફિક્સ્ડ ડિપોઝિટ – એફ.ડી. કે ટર્મ ડિપોઝિટ- ટી.ડી.ઉપયોગ કરવા દેવાતો નથી. છતાં રિઝર્વ બેન્કના મલ્ટીપલ બેન્કિંગ અંગેના પરિપત્રની ક્લૉઝ-2માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ લીડ બેન્કની સી.સી. કે ઓ.ડી.ના સંપૂર્ણ નાણાં વેપાર-ઉદ્યોગને તેના લીડ બેન્કના જ ખાતામાં જ સમયાંતરે ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે. વ્યવહારમાં તેનો અમલ કરવો કઠિન છે. તેમ કરવા જતાં લોન લેનારની પેમેન્ટ સાઈકલ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. સી.સી. કે ઓ.ડી. ધારક તેના નાણાં કઈ રીતે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ફેરવે છે તે જોવા માટે આ પરિપત્ર કરાયો હોવાનું માનવામાં આવે છે. તેમ કરવાને બદલે નિયમિત સમયાંતરે મલ્ટીપલ કરન્ટ એકાઉન્ટ હોલ્ડરને તેમને દરેક કરન્ટ એકાઉન્ટના સ્ટેટમેન્ટ રજૂ કરવાની ફરજ પાડવી જોઈએ. આ સરળ વિકલ્પ છે.

Read Previous

Tata Power: લાંબા ગાળે લાભ જ લાભ

Read Next

ના ઑફિસ ખરીદવાની ઝંઝટ, ના ભાડું ભરવાની જફાઃ વધી રહી છે કો-વર્કિંગ સ્પેસની લોકપ્રિયતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular