સેકન્ડ વેવઃ કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દેતા ખાનગી બસ ઉદ્યોગ ઠપ થયો
પહેલા નોટબંધી, પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને છેલ્લે બે નાણાંકીય વર્ષથી દેખા દઈ રહેલા કોરોનાએ ખાનગી બસ ઉદ્યોગની કમર તોડી નાખી
સરકારે 50 ટકા સીટ પર પેસેન્જર બેસાડીને બસ દોડાવવાની છૂટ તો આપી, પરંતુ કોરોનાથી ડરેલા લોકો ઘરની બહાર નીકળવા તૈયાર જ ન થતા બસ ઉદ્યોગ સાવ ઠપ
સરકારને ચૂકવવા પડતા રોડ ટેક્સ, મોંઘીદાટ બસોની લોનના હપ્તા અને વીમાના તોતિંગ પ્રીમિયમે ખાનગી બસ ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો

કોરોનાના કહેરે ખાનગી બસ ઉદ્યોગનો સોથ વાળી દીધો છે. આમ તો 2016ના ઓક્ટોબરમાં નોટ બંધી આવી તે પછી લોકોના હાથમાં વાપરવા માટે પૈસા ઓછા થઈ જતાં બહાર ફરવા નીકળનારાઓની સંખ્યા ઓછી થઈ હતી તેની અસર નાણાંકીય વર્ષ 2018-19 સુધી જોવા મળી હતી. નોટબંધીના મારની અસરમાંથી બસ ઉદ્યોગ બહાર આવે તે પહેલા જ જીએસટીનો દોર શરૂ થયો. જીએસટીએ સરળતાથી ચાલતા વેપારને ગૂંચવાડાવાળો-કોમ્પ્લેક્સ કરી નાખ્યો. તેમાંય કેટલાક 12 ટકા ટેક્સના સ્લેબમાં ગયા તો કેટલાક 5 ટકા ટેક્સના સ્લેબમાં ગયા. તેથી દરેકના ડેસ્ટિનેશનની ટિકીટના ભાવ ફરી ગયા. લમસમ અને રેગ્યુલર જીએસટીના રજિસ્ટર્ડ ધંધાદારી વચ્ચેનો તફાવત આમ જનતાને ન સમજાયો અને તેમને સસ્તી ટિકીટ મળે તે જગ્યાએ દોડવા માંડ્યા. પરિણામે બસ ઉદ્યોગને બીજો મોટો ફટકો પડ્યો. પેસેન્જર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચાવા માંડ્યા. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વિચિત્ર જોગવાઈ પણ ખાનગી બસ ઉદ્યોગને કનડી ગઈ. બસના ટાયર અને ટ્યુબ સાથે લે તો તેના પર 28 ટકા જીએસટી લાગે, અલગ અલગ ખરીદે તો તેના પર 18 ટકા ટેક્સ લાગે. બીજું નોન એરકન્ડિશન બસની મુસાફરી પર શૂન્ય ટકા જીએસટી લાગે અને એરકન્ડિશન બસની મુસાફરીની ટિકીટ પર 5 ટકા જીએસટી લગાડવામાં આવ્યો. પ્રવાસીઓએ પોતાના ખર્ચ ઘટાડવા જુદા જુદા વિકલ્પ પસંદ કર્યા. જેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવી હતી તેમણે 12 ટકા જીએસટીનો વિકલ્પ પસંદ કર્યો. બીજી તરફ જેમને જીએસટીનું રિફંડ એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં રસ નહોતો તેમણે 5 ટકા જીએસટી ભરવાનો લમસમનો વિકલ્પ પસંદ કર્યો. આ બધાંને કારણે બે બસ ઓપરેટરની સમાન ડેસ્ટિનેશનની ટિકીટના ભાવમાં 7 ટકાનો જંગી તફાવત જોવા મળ્યો. તેનાથી કેટલાંકના ધંધાને મોટો ફટકો પડ્યો. ત્રીજું, નોન એરકન્ડિશન્ડ ગાડી એક-બે કે ચાર દિવસ માટે ભાડે લઈ જાય તો તેના પર 12 ટકા જીએસટી લગાવવા માંડ્યો. તેની પણ ધંધા પર ખાસ્સી અસર થઈ. ખાનગી બસ ઉદ્યોગ આ ફટકાની અસરમાંથી 2018-19ના અંતમાં બહાર આવી જશે તેમ લાગવા માંડ્યું અને ધંધાએ ફરી થોડો વેગ પકડવા માંડ્યો ત્યારે 2020ના માર્ચમાં કોરોનાએ દસ્તક દીધી. માર્ચ, એપ્રિલ અને મે ઉપરાંત અડધા જૂન સુધી ધંધા સાવ જ ઠપ થઈ ગયા. છેલ્લા પંદર મહિનાથી નજીવી આવક થતાં ગુજરાતનો ખાનગી બસ ઉદ્યોગ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યો છે.

હરિભાઈ પટેલ, પ્રમોટર, શક્તિ ટ્રાવેલ્સ
અખિલ ગુજરાત ટુરિસ્ટ વેહિકલ ઓપરેટર ફેડરેશનના ચેરમેન અને પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રમોટર મેઘજીભાઈ ખેતાણી આ હકીકતને સમર્થન આપે છે. તેમનું કહેવું છે કે માર્ચ, એપ્રિલ અને મે તથા જૂન 2020માં કોરોનાના કહેરે તેમની બસો બંધ જ કરી દીધી. દર વર્ષે રૂા. 100 કરોડનો વકરો કરતો તેમના વ્યવસાયનો 2020-21ના વર્ષનો વકરો 78 ટકા ઘટીને 22 કરોડની આસપાસ આવી ગયો. તેઓ જણાવે છે, “જૂન 2020 પછી સરકારે 50 ટકા સીટ પર પેસેન્જર બેસાડીને બસ દોડાવવાની છૂટ તો આપી, પરંતુ આ ગાળામાં કોરોનાએ ખેલેલા મોતના ખેલથી લોકો એટલા બધાં ડરી ગયા હતા કે બસમાં પ્રવાસ કરવા અને ઘરની બહાર નીકળવા બહુ જ જૂજ લોકો તૈયાર થયા. 50 ટકા પેસેન્જર બેસાડવાની છૂટ સામે માંડ 12થી 18 ટકા પેસેન્જર મળતા હતા. તેમાં ડીઝલનો ખર્ચ અને ડ્રાઈવર ક્લિનરના પગાર કાઢવા પણ મુશ્કેલ હતા.” એપ્રિલ અને મે મહિનામાં તો લોકો પાસે કોઈ ધંધા જ નહોતા. તેથી પેસેન્જર મળવાની શક્યતા નહોતી. તેમ છતાં બસ પડી રહે તેના કરતાં ચાલુ રહે તો લોકોનો પણ વિશ્વાસ વધશે, થોડા થોડા લોકો પ્રવાસ કરવાની હિમ્મત કરતાં થશે તેવા ગણિતો સાથે ખાનગી બસો ચાલુ કરવામાં આવી હતી પરંતુ અપેક્ષા પ્રમાણેનો ધંધો નહોતો મળ્યો.
તેનું કારણ આપતા ગુજરાતના ટુરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશન અમદાવાદ એકમના પ્રમુખ કિરણ મોદી કહે છે, “ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ હતો. પરિણામે જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી બસની અવરજવર પર સમયનું રિસ્ટ્રીક્શન લાગી જતું હતું. બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ રાતના 8 વાગ્યા પહેલા તેમના ઘરે પહોંચી જાય તે રીતે બસના ટાઈમિંગ ગોઠવવા પડતા હતા. તેથી બસના રૂટ ઓછા થઈ ગયા હતા. તેમાં વળી 50 ટકા પેસેન્જરનો નિયમ આવ્યો. જો કે બસોને 50 ટકા પેસેન્જર પણ મળતા નહતા. પરિણામે દરેક ફેરો નુકસાન કરાવનારો સાબિત થયો છે. જ્યાં સુધી રાત્રિ કરફ્યુના રિસ્ટ્રીક્શન દરેક સ્થળેથી ઊઠી નહિ જાય ત્યાં સુધી ધંધો પૂર્વવત ચાલુ થવાની શક્યતા જ નથી.” તેમની આ વાતને આગળ લઈ જતાં અખિલ ગુજરાત ટુરિસ્ટ વેહિકલ ઓપરેટર ફેડરેશનના પૂર્વ ચેરમેન અને શક્તિ ટ્રાવેલ્સ-એલએલપીના પ્રમોટર હરિભાઈ પટેલ કહે છેઃ “માત્ર ગુજરાતમાંથી જ લૉકડાઉન હટે તેવું નહિ, પરંતુ દેશના દરેક રાજ્યમાંથી લૉકડાઉન હટી જાય અને રાત્રિ કરફ્યુ જેવા કોઈ જ નિયંત્રણો ન રહે તો જ ખાનગી બસનો વ્યવસાય પૂર્વવત થઈ શકશે. આજે ગુજરાતના બહુ ઓછા ડેસ્ટિનેશન પર બસ જઈ શકે છે. મુંબઈ બસ લઈ જવી કઠિન છે. મુંબઈની માફક બેન્ગ્લોર, ચેન્નઈ, જયપુર, દિલ્હી સહિતના દેશના જુદાં જુદાં ડેસ્ટિનેશન પર બસ લઈ જવી અત્યારે અશક્ય થઈ ગઈ છે. કારણે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા સહિતની અન્ય જફા છે. પરિણામે લોકો બીજા રાજ્યમાં જવાનું જ ઓછું પસંદ કરી રહ્યા છે. બસ ઓપરેટર્સ પણ રસ્તામાં જફા ન થાય તે માટે આ પ્રકારના રૂટ પસંદ કરવાનું ટાળી રહ્યા છે. તેથી તેમનો ધંધો સાવ જ ઠપ થઈ ગયો છે.” તેનાથીય આગળ વધીને વાત કરવામાં આવે તો એરપોર્ટથી ગુજરાતના જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી બસનો ધંધો સાવ જ ખતમ થઈ ગયો છે. આજે એરપોર્ટ પર મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ આવે છે. વિદેશ સ્થાયી થયેલા ગુજરાતીઓ પણ સ્વદેશ આવવાનું અત્યારની કન્ડિશનમાં પસંદ કરતા નથી. આ સ્થિતિમાં એરપોર્ટ પરથી જે બસ ભરીને પેસેન્જર મળતાં હતા તે પેસેન્જર પણ અત્યારે મળતા નથી. પરિણામે કમાઈ આપતા આ ધંધાને મોટો ફટકો પડ્યો છે.

મેઘજીભાઈ ખેતાણી, પ્રમોટર, પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ
જોકે ઓગસ્ટ 2020થી થોડા પેસેન્જર આવતા થયા. ડિસેમ્બર સુધી તેમાં થોડી મૂળ ચમક દેખાવા માંડી. આ સ્થિતિમાં ધંધો સ્થિર થાય તે પૂર્વે જ જાન્યુઆરીથી ફરી કોરોનાની વાતો વહેતી થઈ ગઈ. પરિણામ ભયંકર આવ્યું. એક બસ ઓપરેટરની 129 ગાડી સાવ જ બંધ પડી ગઈ. પરિણામે અકલ્પનીય મોટી ખોટ આવી. આ ખોટમાંથી બહાર આવવું ઓપરેટર્સ માટે ખૂબ જ કઠિન બની ગયું છે. એક જ બસ ઓપરેટર કે ટુરિસ્ટ કંપનીને નુકસાની ખમવી પડી છે તેવું નથી, બધા ઓપરેટર્સની હાલત સમાન છે. તેમાંય વળી બસ ચાલતી નથી પરંતુ સરકારનું ટેક્સનું મીટર તો ચાલુનું ચાલુ જ છે.
ગુજરાતમાં અંદાજે 8500થી 9000 પેસેન્જર બસ દોડે છે. આ તમામ બસોને ત્રણ મહિનાનો રોડ ટેક્સ માફ કરવાનું પગલું લઈને ગુજરાત સરકારે ઉદારતા દાખવી છે. છતાંય ખાનગી બસ ચાલકોની ખોટ ઓછી થઈ નથી. તેના કારણમાં ઊંડા ઉતરતા હરિભાઈ પટેલ કહે છે, “વીમા કંપનીઓએ તો દર વર્ષની માફક આ વર્ષે પણ વીમાના પ્રીમિયમ ઉઘરાવ્યા જ છે. સ્કૂલના બાળકોને લઈ જવા અને લાવવાનું કામ કરતી બસોને પણ વીમાનો ખર્ચ ભોગવવો પડ્યો છે. માર્ચ 2020થી જૂન 2021 સુધી શાળાઓ શરૂ જ થઈ નથી. છતાંય તેમણે વીમાની રકમ પૂરેપૂરી ચૂકવવી પડી છે. તેની સામે આવક શૂન્ય છે. સરકારે ત્રણ કે ચાર મહિનાનો રોડ ટેક્સ માફ કર્યો, આખા વર્ષનો રોડ ટેક્સ તો ભરવાનો આવ્યો જ છે. એક બસ પાસેથી સરેરાશ રોડ ટેક્સ પેટે માસિક રૂા. 40,000ની આસપાસ લેવામાં આવે છે. આ મોટી નુકસાની છે. કેટલીક બસનો ટેક્સ માસિક રૂા. 21000નો આવે છે. આમ માત્ર રોડ ટેક્સ પેટે વર્ષે રૂા. 2.52 લાખથી માંડીને રૂા. 4.80 લાખ ચૂકવવાના આવે છે. બસનો મોટો કાફલો હોય તેવા ઓપરેટર્સ આ બર્ડન સહન કરી શકે તેમ જ નથી. બસ ફરે કે ન ફરે, ફૂલ પેસેન્જર સાથે ફરે કે 25 ટકા પેસેન્જર સાથે ફરે, સરકારને ટેક્સ ચૂકવી જ દેવો પડે છે. ધંધો મેળવવાની અપેક્ષાએ બસ ચાલુ રાખી હોય તો ટેક્સ ભરવો જ પડે.” તેમાં વધુ ઉમેરતા મેઘજીભાઈ ખેતાણી કહે છે, “બસ રોકડેથી ખરીદવામાં આવતી નથી, લોન પર જ લેવામાં આવે છે. લોનના તોતિંગ હપ્તાઓ ચાલુ જ રહે છે. બીજી તરફ આવક શૂન્ય છે. હપ્તાઓ લાખોમાં છે. આ સ્થિતિએ ખાનગી બસ ઉદ્યોગની કમર તોડી નાખી છે.”

સ્કૂલો બંધ રહેતા સ્કૂલ બસના ધંધા ઠપઃ
સ્કૂલ બસની વાત કરીએ તો માર્ચ 2020માં કોરોનાએ દેશમાં એન્ટ્રી લીધી અને તેનો પ્રભાવ વધારવા માંડ્યો ત્યારથી આજ સુધી સ્કૂલ બસ ચાલી જ નથી. તેની સામે સ્કૂલ બસના વીમાની રકમ અને ટેક્સ ભરવાનો ચાલુ જ છે. લોનના હપ્તાનો બોજ પણ ચાલુ જ છે. તેમાંની ઘણી બસ પડી પડી ખરાબ થવા માંડી છે. તેમાં સીટ દીઠ વર્ષે રૂા. 500નો ટેક્સ ચૂકવવો પડે છે. સ્કૂલ માટે રજિસ્ટર થયેલી ગાડીને સ્કૂલ સિવાયના હેતુ માટે કે સ્કૂલના નક્કી કરેલા રૂટ સિવાયના રૂટ પર ફેરવી શકાતી નથી, એમ જણાવતા કિરણ મોદી કહે છે કે સ્કૂલ બસને નોન યુઝમાં મૂકી દેવામાં આવે તો તેના વેરામાં-ટેક્સમાં રાહત મળી શકે છે. તેમ જ તેમાં સ્કૂલના બાળકો સિવાય કોઈને બેસાડી શકાતા નથી. પરંતુ સ્કૂલ બસને બહાર ફેરવે તો તેના પર ટેક્સ ભરવો પડે છે. કોરોનાના કાળમાં કંપનીઓ ચાલુ રહી હતી. પચાસ ટકા જ પેસેન્જર સાથે ટ્રાવેલ કરવાના નિયમને કારણે બસમાં સ્ટાફને લાવવા લઈ જવા માટે કંપનીઓએ પહેલા કરતાં વધુ બસની સેવાઓ ભાડે લેવી પડી હતી. તેથી કેટલીક સ્કૂલ બસને થોડું કામ મળ્યું હતું. આ આવકથી ઓપરેટર્સ તેમના ડ્રાઈવર ક્લિનરના પગાર અને ટેક્સના ખર્ચા કદાચ કાઢી શક્યા હશે. સ્કૂલ બસમાં રાખવી પડતી લેડીઝ આસિસ્ટન્ટને પણ અડધો પોણો પગાર આપીને નિભાવવાની જવાબદારી આવી છે. લોનના હપ્તાનો બોજ તો ચાલુ જ હતો. તેમાં વળી ડીઝલના ભાવ વધીને લિટરદીઠ રૂા. 90ને આંબી ગયા તેથી તેમની આવકને વધુ મોટો ફટકો પડ્યો હતો. ડીઝલના ભાવમાં એકથી દોઢ વર્ષમાં 30 ટકા જેટલો વધારો થયો છે. મોટી બસ સામાન્ય રીતે એક લિટરે 3,4 કે 5 કિલોમીટરની જ એવરેજ આપે છે. પરિણામે કિલોમીટર દીઠ ખર્ચમાં રૂા. 7થી 8નો વધારો થઈ ગયો છે. પરિણામે આવક થઈ તેના કરતાં ખર્ચ વધુ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
ટૂર્સ કેન્સલ થતા ખાનગી બસોના પૈડા થંભી ગયાઃ
ટૂર બસ ઓપરેટર્સનો ધંધો પણ કોરોનાના કહેરને પરિણામે ખતમ થયો છે. ગમે તે ડેસ્ટિનેશન પર ટૂરનું આયોજન થાય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવામાં તકલીફ પડવા માંડી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે બોર્ડર પર આરટી-પીસીઆરનો ટેસ્ટ કરાવવો પણ ફરજિયાત બન્યો છે. બીજા રાજ્યમાં લૉકડાઉન હોય તો તેમને એન્ટ્રી ન મળે તેવો પણ ખતરો સતત તોળાતો રહે છે. આ ઓછું હોય તેમ સરકારે મંદિરો સાવ જ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેથી ધર્મસ્થાનકો માટેની ટૂર યોજી શકાતી નથી. યાત્રા ધામોમાં પણ યાત્રિકો જઈ શકતા નથી. યાત્રા ધામોની ટૂર તો દરેક ગામ અને દરેક તાલુકા અને જિલ્લા સેન્ટરોમાંથી નીકળે છે. આ બધું જ સાવ ઠપ થઈ ગયું છે.
હોટેલ બુકિંગ અને એરટિકીટ બુકિંગનું પણ કામ કરતાં શક્તિ ટ્રાવેલ્સના હરિભાઈ પટેલ કહે છે કે હોલી ડે અને હનીમુન પેકેજ લેનારાઓ પણ લગભગ બંધ થઈ ગયા છે. માર્ચ 2020 પૂર્વે હનીમુન પેકેજ બુક કરાવનારાઓ પણ હજી સુધી જઈ શક્યા નથી. વિદેશ જનારાઓ તો છોડો, દેશના જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જનારાઓ પણ લૉકડાઉન અને કરફ્યુને કારણે જઈ શક્યા નથી. કોરોનાના ડરને કારણે ઘણાં લગ્નો કેન્સલ થયા છે. તેમ જ ડેસ્ટિનેશન વેડિંગ પણ લગભગ બંધ થયા છે. જેમણે ગોઠવ્યા હતા, તેમને કોરોનાના સેકન્ડ વેવને કારણે રદ કરવાની ફરજ પડી છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો ઉદેપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ ફિક્સ કરનારી અમદાવાદની એક પાર્ટીને કોરોના લોકડાઉન અને પ્રસંગમાં લોકોની સંખ્યાની મર્યાદાને કારણે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પ્રસંગ પૂરો કરવાની ફરજ પડી હતી.
ખાનગી બસ ઉદ્યોગને ચારે બાજુથી ફટકોઃ
એક ગાડી છ જણાને રોજગારી આપે છે. આ રીતે બસ ઉદ્યોગ થકી ગુજરાતમાં અંદાજે 50,000થી 55,000ને સીધી રોજગારી મળે છે. તદુપરાંત ઓફિસ સ્ટાફને મળતી રોજગારી અલગ ગણાય. પરંતુ ધંધો સાવ જ ખતમ થઈ ગયો છે. ધંધો ખતમ થતાં ગાડીઓ ઊભી રહી ગઈ છે. ગાડીઓ ઊભી રહી ગઈ તેને પરિણામે બીજી નુકસાની પણ ખાસ્સી થઈ છે. પડ્યા પડ્યા ગાડીની બોડી ખરાબ થવા માંડી છે એટલે કે તેને કાટ લાગવા માંડ્યો છે. તેના ટાયર ખરાબ થવા માંડ્યા છે. બસના એક ટાયરની કિંમત રૂા. 15000થી રૂા. 20000ની આસપાસની છે. આ જ રીતે પડ્યા પડ્યા બેટરીઓ પણ ખરાબ થવા માંડી છે. એક બસમાં રૂા. 4000થી માંડીને રૂા. 10000 સુધીની બેટરીઓ લગાડવી પડે છે. આમ ખાનગી બસ ઉદ્યોગ માટે હાલ “પડે છે ત્યારે સઘળું પડે છે” તેમ વિનિપાતની સ્થિતિ નિર્માણ થઈ છે.