• 9 October, 2025 - 11:20 AM

સૉરી! યુ આર ફાયર્ડ! અચાનક આવક બંધ થઈ જાય તો શું કરવું?

ree

 
 
 

આજકાલ ફેસબુક, ટ્વીટર, બૈજુઝ જેવી મોટી-મોટી કંપનીઓ વિશાળ સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટ્ટા કરી રહી છે. તેમાં ભારતીય યુનિકોર્ન કંપનીઓ જેવી કે ઉડાન, કાર્સ 24, અનએકેડેમી જેવી ટેક કંપનીઓ પણ કર્મચારીઓને છૂટા કરી રહી છે.

 

છેલ્લા ત્રણ જ મહિનામાં 11,000 કર્મચારીઓ નોકરી ગુમાવી ચૂક્યા છે. આ કારણે 11,000 પરિવારના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે.

 

હવે સવાલ એ ઊભો થાય છે કે છૂટા કરાયા તે તમામ 11,000 કર્મચારીઓ આવડત વિનાના હોઈ શકે? જવાબ છે- ના. પરંતુ હવે એ જમાના ગયા કે માણસો વર્ષો સુધી એક જ કંપનીમાં નોકરી કરતા અને કંપની પણ તેમના કર્મચારીઓને એટલું જ સાચવતી. હવે હાયર અને ફાયરનો જમાનો છે.

 

હું તો એ જ સાંભળીને મોટો થયો છું કે નોકરી કરવી એ આવક મેળવવાનો સૌથી સલામત વિકલ્પ છે. પરંતુ હાલ જે માહોલ છે એ જોતા લાગે છે કે હવે નોકરી કરવી પણ જોખમથી ભરેલી જ છે. તેમાં સૌથી અઘરી બાબત એ છે કે પગાર સારો મળતો હોય તો વ્યક્તિની આદતો અને લાઈફસ્ટાઈલ તેના ઊંચા પગાર પ્રમાણે ગોઠવાઈ જતી હોય છે. એકાઉન્ટમાં પૈસા હોય ત્યારે વ્યક્તિ ન જોઈતા ખર્ચ પણ કરી નાંખતા હોય છે. મોટા ઘર અને મોટી કાર લેવા માટે તેઓ તગડા હપ્તાની જવાબદારી પણ માથે ઉપાડી લેતા હોય છે. પરંતુ તેઓ એ નથી સમજતા કે જ્યારે વ્યક્તિની નોકરી જાય ત્યારે આ સપનાના મહેલ કકડભૂસ થઈ જાય છે.

 

એક સમયે લાખો કમાતા વ્યક્તિની આવક રાતોરાત શૂન્ય થઈ શકે છે. આ અનિશ્ચિતતામાં જીવવાથી મોટું જોખમ બીજું શું હોઈ શકે? આ તમામનો ઉકેલ છે, પરંતુ કમનસીબે આપણને મની મેનેજમેન્ટ વિષે કોઈ શીકવતું જ નથી. આવકના યોગ્ય આયોજનથી તમે આ અનિશ્ચિતતાનું જોખમ ઘટાડી શકો છો. બીજું, જીવનમાં તમે આર્થિક સ્વતંત્રતા મેળવી શકો તે માટે ભંડોળ ઊભું કરવું ખૂબ જરૂરી છે.

 

પૈસો પૈસાને ખેંચે છે એ કહેવત કંઈ એમ ને એમ નથી પડી. યોગ્ય આયોજન કરાય તો તમારી પાસે પડેલું ભંડોળ જ તમને બીજો આવકનો સ્રોત ઊભો કરી આપી શકે છે. સામાન્ય રીતે આપણે પૈસાને આપણા સપના સાકાર કરવાનું માધ્યમ અને ઘડપણનો સહારો જ ગણીએ છીએ. પરંતુ પૈસા વિષેની આ જ ગેરમાન્યતા આપણને આપણી લાઈફસ્ટાઈલ વધુ ઊંચી લઈ જવા મોટા હપ્તાની જવાબદારી લઈ લઈએ છીએ.

 
ree

 

એક દાયકા પહેલા રિયલ એસ્ટેટના ભાવ જ્યારે ફટાફટ વધી રહ્યા હતા ત્યારે ઘર કે પ્રોપર્ટી ખરીદવા માટે EMIની જવાબદારી લેવી તે યોગ્ય ગણાતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમાં કેપિટલ ગ્રોથ ઘણો ધીમો છે અને ભાડું પણ ઓછું મળે છે. વળી, તેમાં પૈસાની તરલતા પણ ઘટી જાય છે. EMIને કારણે તમારી આર્થિક સ્વતંત્રતાને રૂંધી નાંખે છે. તેના ભારણને કારણે તમે આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકો તેવું ભંડોળ ઊભું કરતા તમને ઘણો વધારે સમય લાગી જાય છે. યુવાન હોવ ત્યારે હપ્તા ભરવામાં બહુ વાંધો નથી આવતો, પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ આ ભારણ તમારા પર હાવી થઈ જાય છે. આ કારણે જ તમારી લાઈફસ્ટાઈલ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે. જો ખર્ચ મર્યાદિત રાખશો તો આર્થિક સ્વતંત્રતા માટેનું ભંડોળ ઊભું કરતા તમને ખાસ વાર લાગશે નહિ. તમારી લાઈફસ્ટાઈલ એટલી ઊંચી ન બનાવી દો કે તમે ભંડોળ જ ઊભું ન કરી શકો.

 

આદર્શ રીતે, તમારી આવક શરૂ થાય તેના 10થી 15 વર્ષમાં તમારી પાસે આ ભંડોળ ભેગું થઈ જ જવું જોઈએ. જો તમે 25-30 વર્ષની વયે ભંડોળ ઊભું કરવાનું શરૂ કરશો તો 40થી 45 વર્ષની વયે તમે આર્થિક સ્વતંત્રતા મેળવી શકશો. તેનાથી તમારે તમારા જીવન નિર્વાહના ખર્ચ કાઢવાની ચિંતા નહિ કરવી પડે. જો તમારી પાસે પૈસા હશે તો નોકરી છૂટી જાય તો પણ તમારે ચિંતા કરવી પડશે નહિ. તમે એમાંથી કોઈ બિઝનેસ પણ શરૂ કરી શકશો.

 

જોબ ગેરન્ટીનો જમાનો ગયો. હવે ટાટા-બિરલા જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં પણ નોકરીની કોઈ ગેરન્ટી નથી. આથી જ તમારી આવક જો ઊંચી હોય તો તેનો ઉપયોગ ઝડપથી ભંડોળ ઊભું કરવા માટે કરો. તમારે એ નિર્ણય કરવાનો છે કે તમે દેખાડો કરવા ઊંચી લાઈફસ્ટાઈલ રાખવા માંગો છો કે પણ આર્થિક સ્વતંત્રતા માટે ભંડોળ ઊભું કરવા માંગો છો.

 
ree

 

હવે સવાલ એ થાય છે કે તમારે આખરે ભંડોળ કેટલું જોઈએ. આ માટે એક સરળ ફોર્મ્યુલા છે. તમારો મહિને જે ખર્ચ થતો હોય તેને 300થી ગુણી નાંખો. જેમ કે, તમારો માસિક ખર્ચ રૂ. 50,000 હોય તો 50000 X 300 એટલે કે રૂ. 1.50 કરોડનું ફંડ તમારે ઊભું કરવું પડશે. જો તમે મહિને રૂ. 60,000થી 70,000 કમાતો હોવ તો દર મહિને મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રૂ. 20,000નું રોકાણ કરો. દર વર્ષે આ રકમ 10 ટકા વધારતા જાવ. તેનાથી તમારી પાસે 1.63 કરોડનું કોર્પસ ઊભું થઈ જશે અને તમે આર્થિક સ્વતંત્રતા મેળવી શકશો.

 

જો તમે તમારી નોકરીના ગુલામ ન બનવા માંગતા હોવ તો આજથી જ સેકન્ડ ઈન્કમ ઊભી કરવાની દિશામાં સક્રિય થઈ જાવ. સાંભળવામાં વાત સરળ લાગે છે, પરંતુ છે નહિ. જો ધીરજ અને શિસ્ત હશે તો તમે સરળતાથી આ મુકામ હાંસલ કરી શકશો.

Read Previous

Stock Idea : શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 136નો છે. શેરમાં વોલ્યુમ સાથે તેજી તરફી બ્રેક આઉટ આવ્યો છે.

Read Next

અર્ફિન ઇન્ડિયા લિમિટેડઃ સ્ટીલ માર્કેટની અદભૂત તેજી વચ્ચે પ્રગતિના પંથે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular