• 8 October, 2025 - 11:23 PM

અત્યારે ક્રિપ્ટો કરન્સીમાં પડાય કે ન પડાય?

આબાદી અને બરબાદીની બેધારી તલવારની ઉપર ચાલી રહેલા ક્રિપ્ટો કરન્સી પ્લેયર્સ
 
બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીને ભવિષ્યમાં વેપાર કરવા માટેની વૈશ્વિક કરન્સી તરીકે જોવામાં આવી રહી છે
 
ree

 

ભારતમાં રોજેરોજ જેમ સેનસેક્સ અને નિફ્ટીની ચર્ચા થાય તેમ આજકાલ ક્રિપ્ટો કરન્સીના ભાવની ચર્ચા થવા માંડી છે. ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ગાબડું પડે કે પછી ઉછાળ આવે તો તે ફ્રન્ટ પેજ ન્યુઝ બની જાય છે. તેનું કારણ છે રોકાણકારોનો આ નવા પ્રકારની કરન્સીમાં વધતો જતો વિશ્વાસ અને રસ. જો કે ક્રિપ્ટો કરન્સી એવી બેધારી તલવાર છે કે તેમાં રોકાણ કરનારાઓ આબાદ પણ થઈ શકે છે અને બરબાદ પણ થઈ શકે છે. છેલ્લા થોડા સમયમાં જ ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળેલી વધઘટ પરથી આ તારણ પર આવી શકાય છે. આમ તો બિટકોઈનમાં રોકાણ કરવા માટે 2021નું વર્ષ બેસ્ટ ગણવામાં આવે છે. એક અંદાજ મુજબ બિટકોઈનનો ભાવ વધીને 1 લાખ ડૉલર એટલે કે રૂા. 72 લાખને આંબી જાય તેવી શક્યતા છે. ઓક્ટોબર 2020માં બિટકોઈનનો ભાવ $50,000 એટલે કે રૂા. 37 લાખને આંબી ગયો હતો. આ તબક્કે એમ માનવામાં આવતું હતું કે તેનો ભાવ વધીને 60000 ડૉલર એટલે કે રૂ. 43.5 લાખ થઈ જશે. 29મી મેના તેનો ભાવ ગગડીને રૂા.24.85 લાખ પર આવી ગયો. ડૉલરના મૂલ્યમાં તેનો ભાવ 34,331 અમેરિકી ડૉલર થઈ ગયો હતો. આમ સૌથી સ્ટ્રોન્ગ ક્રિપ્ટો કરન્સી ગણાતી બિટકોઈનના જ ભાવમાં એટલી વધ-ઘટ જોવા મળી છે કે ટૂંકા ગાળામાં તગડો નફો કરવાની ગણતરીએ તેમાં પડેલા પ્લેયર્સ બરબાદ પણ થઈ શકે છે અથવા તો ખૂબ મોટી કમાણી પણ કરી શકે છે.

 

છેલ્લા થોડા સમયનો ટ્રેન્ડ એ જ દર્શાવે છે કે ક્રિપ્ટો કરન્સી જેની પાસે અઢળક સંપત્તિ હોય તેમના માટેનો જ ખેલ છે. નાની મૂડી ધરાવનાર જો તેમાં પોતાનું સર્વસ્વ હોમી દે તો તેને પેટ ભરીને પસ્તાવાનો વારો આવી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે, ” આ કરન્સીને કોનું બેકિંગ છે તેનો કોઈને પણ રતિભાર અંદાજ નથી. બીજું, તેમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તેને માટે કોને એપ્રોચ કરવો તેનું મોટાભાગના ઇન્વેસ્ટર્સને જ્ઞાન જ નથી. મારા મતે બિટકોઈનમાં રોકાણ કરવું જોખમી છે. તેમાં ઇન્વેસ્ટ કરનારાઓ કાં તો તરી જાય અથવા તો ડૂબી જાય.” અનેક કારણોસર ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ અનિશ્ચિતતાથી ભરપૂર છે. અલ સાલ્વાડોરના પ્રમુખ બુકેલે નાયિબે સાતમી જૂને બિટકોઈનને કાયદેસરની કરન્સી તરીકે સ્વીકારવાની જાહેરાત કરી હતી. તેને કાયદેસર કરન્સી ગણનાર અલ સાલ્વાડોર વિશ્વનો પહેલો દેશ છે. તેના પર કેપિટલ ગેઈન ટેક્સ ન લગાવવાનો અને તેમાં ડીલિંગ કરનારાઓને કાયમી નિવાસી તરીકેનું સ્ટેટસ આપવાની પણ ઓફર મૂકવામાં છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીમાં ડીલિંગ કરનારાઓને ન ડરવાની અને ક્રિપ્ટો કરન્સી કાયમી ધોરણે રહેવાની છે તેવી ખાતરી પણ આપવામાં આવી રહી છે. બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સીનો વેપાર અત્યારે માત્ર વિશ્વાસ પર ચાલી રહ્યો.

 

આ રહ્યું તેનું ઉદાહરણ. બિટકોઈનનો ભાવ રૂ. 37 લાખથી તૂટીને 24.50 લાખની સપાટીએ આવ્યો તે તેનો મોટો બોલતો પુરાવો છે. ચીન બિટકોઈનના માઈનિંગ અને ટ્રેડિંગ પર બ્રેક લગાવી રહ્યું હોવાથી તેના ભાવ એપ્રિલ 2021થી સતત ગગડી રહ્યા છે. દુબઈની ક્રિપ્ટો કરન્સી દુબઈ કોઈન તરીકે ઓળખાતા કોઈનને 25મી મેએ લોન્ચ કરવામાં આવ્યો તે પછી તેનું ટ્રેડિંગ 1.17 ડૉલરે થતું હતું. ત્યારબાદ 29મી મેના અરસામાં તેના ભાવમાં 1000 ટકાનો ઊછાળો આવ્યો હતો. તેની ઓફલાઈન અને ઓનલાઈન ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા છે. આરબ દેશોની આ પહેલી ક્રિપ્ટો કરન્સી છે. બિટકોઈન પછી સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી કોઈ હોય તો તે ઇથેરિયમ છે. તેના ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય ડોજેકાઈન, એક્સઆરપી, કેડાનો સ્ટેલર, ચેઈનલિન્ક અને લાઈટ કોઈન જેવી અન્ય ક્રિપ્ટો કરન્સી પણ ચલણમાં છે. આજની તારીખે સૌથી વધુ લોકપ્રિય બિટકોઈન જ છે. ક્રિપ્ટો કરન્સીના કુલ બજારમૂડીકરણમાં એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશનમાં બિટકોઈનનું માર્કેટકેપ 85 હતું. તે અત્યારે ઘટીને 41 ટકા પર આવી ગયું છે. જોકે આ અંક તમારા હાથમાં છપાઈને આવશે ત્યાં સુધીમાં તેમાં મોટો ફેરફાર થઈ ગયો હોય તો નવાઈ નહિ.

 

બિટકોઈનનો કોઈ મોટામાં મોટો હરીફ કોઈન હોય તો તે ડાર્ક કોઈન (ડેશ) છે. ડિજિટલ કેશમાં હવે તેનું વર્ચસ વધી રહ્યું છે. બિટકોઈનના સોદા ધીમા પડે છે. બિટકોઈનના નેટવર્કમાં એક સેકન્ડમાં માત્ર સાત જ વહેવારો થાય છે. કોડની મર્યાદાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દુનિયાભરના લોકોને સેવા આપવાની વાત કરતા બિટકોઈનના મેનેજમેન્ટે ઊભી કરેલી આ ક્ષમતા ઘણી જ ઓછી છે. પરિણામે તે બિટકોઈનની મર્યાદા બની ગઈ છે. તેથી તેનું મહત્વ ઘટી શકે છે. બિટકોઈનના સોદા કરનારાઓની સંખ્યા વધી જાય ત્યારે તેમાં સોદા પડવામાં સમય લાગે છે. સોદો કન્ફર્મ થતાં વાર પણ લાગે છે. તેથી વેચનાર કે લેનાર માટેના ભાવ બદલાઈ જવાની શક્યતા રહેલી છે. પરિણામે ભાવને મુદ્દે વિવાદ પણ થવા માંડ્યા છે. આ વિવાદો ટાળવા માટે પણ તેમાં ડીલ કરનારાઓ બીજી કરન્સી તરફ ફંટાઈ શકે છે. અમુક અંશે ડાયવર્ઝન આવી રહ્યું છે. બીજું, બિટકોઈન ટ્રાન્સફર ઓફ વેલ્યુ કરવામાં પણ વાર લગાડે છે. બિટકોઈનની હરીફ કરન્સીઓ આ બાબતમાં તેની સામે મેદાન મારી જાય છે.

 
 
ree

 
 
 

બિટકોઈનની ઉપર જણાવેલી નબળાઈને પરિણામે ડાર્ક કોઈનની લોકપ્રિયતા વધી રહી છે. જાન્યુઆરી 2014માં બિટકોઈનના ભાવ અકલ્પ્ય ઊંચાઈએ પહોંચી ગયા તેથી ડેશકોઈનની લોકપ્રિયતા વધવા માંડી હતી. ડાર્ક કોઈનમાં કરવામાં આવતા વહેવારોનો કોઈને જ ખ્યાલ આવતો નથી. તેની ખાતરી પણ ડાર્કકોઈન-ડેશકોઈનના મેનેજમેન્ટ કરનારાઓ દ્વારા આપવામાં આવી રહી છે. ડાર્કકોઈનના સર્જકોએ તેમાં નવા નવા ફીચર્સ ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું અને તેની સાથે જ તેમના સોફ્ટવેરમાં પણ જરૂરી ફેરફાર કરવાનું ચાલુ રાખ્યું હતું. 2015માં ડાર્કકોઈનને ડેશ (ડિજિટલ કેશનું શોર્ટફોર્મ)કોઈનનું નવું નામ આપવામાં આવ્યું હતું. તેથી ક્રિપ્ટોકરન્સીમાં વહેવાર કરનારાઓમાં ડેશકોઈનનું મહત્વ વધ્યું છે. તેની માર્કેટ કેપિટલ પણ દર વર્ષે વધતી ગઈ છે. ડાર્કકોઈન-ડેશ કોઈનથી પેમેન્ટ સરળ, સલામત અને ઝડપી બન્યું હોવાથી કસ્ટમર્સ તેના તરફ આકર્ષાયા છે. બિટકોઈન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સી આ બાબતમાં ડાર્ક-ડેશ કોઈનથી પાછળ છે.

 

ડેશકોઈનમાં ક્વિક સેન્ડનું ફીચર પણ છે. તેને પરિણામે તેનો ઉપયોગ કરવો ક્રેડિટ કાર્ડના ઉપયોગ જેટલો સરળ બની ગયો છે. 1000થી વધુ ડેશ કોઈન ધરાવનારાઓએ તેમના ફ્યુચર પ્રોજેક્ટ્સનો એડવાન્સમાં અંદાજ આપવો પડે છે. તેમ કરવાથી ડેશ કોઈન તેમને ઝડપી પેમેન્ટ કરવાની તક આપે છે. બિટકોઈનમાં સોદો થવામાં વાર લાગે છે તેવી વાર લાગતી નથી. ડેશકોઈનમાં ફ્રોડ કે ચોરી થતી અટકાવવા માટેના ફીચર્સ પણ ઉમેરવામાં આવી રહ્યા છે. પ્રોડક્ટની ડીલીવરી મળ્યા પછી જ ફંડ રીલીઝ કરવાની વ્યવસ્થા મળશે. તેની સામે વૉલ્ટ એકાઉન્ટમાંથી ફંડ ઉપાડી લેવામાં 24 કલાક જેટલો સમય લાગી જાય છે. ડેશકોઈનનો ટાર્ગેટ રોજિંદી ખરીદ-વેચ માટે નાના વેપારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તેવી સુવિધા પૂરી પાડવાનો છે. ડેશકોઈનનું નિયમન કરવા માટેની સિસ્ટમનું અનુકરણ કરવું ઘણું જ અઘરું કે અશક્ય છે.

 

બીજી એક ક્રિપ્ટોકરન્સી ઇથેરિયેમના સર્જકે એવું નેટવર્ક બનાવ્યું છે કે જેની મદદથી ડેવલપર સોફ્ટવેરમાં લેખિત કરાર પણ કરી શકે છે. આ કરારને આધીન રહીને ફંડ આપી શકાય છે. તેમ જ બીજા કામકાજ પણ ટ્રીગરને ઇશારે આપોઆપ જ કરી શકાય છે. ડિજિટલ કરન્સીના વિશ્વના ઘણાં ખેલાડીઓને જાણ હશે કે અલ્ટકોઈન પણ છે. આ અલ્ટકોઈન એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવાનો હોય છે. અલ્ટકોઈનના સર્જકો ઘણી વાર મોટું ફંડ કોઈનમાં રોકતા હોય છે અને તેની ખરીદી કરવા માટે આકર્ષણ ઊભું કરતાં હોય છે. નવા નવા રોકાણકારો તેમાં લેવાલી કરવા કૂદી પડે ત્યારે તેનો ભાવ વધુ ઊંચકાઈ જાય છે. નવા ઇન્વેસ્ટર્સ તેમાં રોકાણ કરે ત્યારે તેમાં મોટું ફંડ રોકનારાઓ તેમનું રોકાણ એકાએક પાછું ખેંચી લે છે. તેમ કરવાને પરિણામે નવા રોકાણકારોના પૈસા ડૂબી જાય છે. બિટકોઈન સામે હરીફાઈ કરવા લાઈટ કોઈન, ઝેડકેશ અને મોનેરો પણ કોશિશ કરી રહ્યા છે. એકવાર બિટકોઈનને અમેરિકી ડૉલર સામે સંઘર્ષ કરવો પડ્યો હતો તે જ રીતે નવી ક્રિપ્ટો કરન્સીએ બિટકોઈન સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

 
 
ree

 

આજે ક્રિપ્ટો કરન્સીના ભાવ દુનિયાની મોટામાં મોટી કંપનીઓના શેર્સના ભાવ કરતાં ઊંચા છે. એપ્રિલ 2017માં જાપાને અને જુલાઈમાં ઓસ્ટ્રેલિયાની સરકારે બિટકોઈનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિશ્વની દસ મોટી નાણાં સંસ્થાઓએ પણ બિટકોઈનમાં વિશ્વાસ મૂક્યો છે. વિશ્વની 56થી વધુ કંપનીઓ બિટકોઈનના વધી રહેલા ભાવને મુદ્દે એકમતિ ધરાવે છે. તેઓ તેના થકી પેમેન્ટ કરવાની પ્રક્રિયા અંગે સહમતિ સાધવાની અણીએ આવી ગયા છે. આમ બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સીમાં દુનિયાભરમાં વેપાર કરનારાઓનો વિશ્વાસ વધી રહ્યો છે. વિશ્વાસ કરવાની બાબતમાં ભારત પણ પાછળ નથી. તેથી જ ભવિષ્યના વિશ્વ વ્યાપાર માટેની કરન્સી તરીકે ક્રિપ્ટો કરન્સીને જોવામાં આવી રહી છે.

 

ભારતની સુપ્રીમ કોર્ટના માર્ચ 2020ના ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગ પર પ્રતિબંધને ઊઠાવી લેતા આદેશ પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિટકોઈનના કે ક્રિપ્ટોકરન્સીના મુદ્દે કૂણી પડી છે. રિઝર્વ બેન્કે એપ્રિલ 2021માં પરિપત્ર કરીને ક્રિપ્ટો કરન્સી અને તેમાંય ખાસ કરીને બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરનારાઓની ડિજિટલ કરન્સીના એક્સચેન્જની સેવા ન આપવાની કસ્ટમર્સની ફરિયાદ દૂર કરી દેવા બેન્કોને આદેશ કર્યો છે. આ માટે રિઝર્વ બેન્કે ચોથી મે 2018ના કરેલો પરિપત્રને રદ કર્યો છે. તેથી હવે બેન્કોએ ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોને ડિજિટલ એક્સ્ચેન્જની સેવા આપવાની અપેક્ષા પૂરી કરવી પડશે. આ પરિપત્ર થયો તે પૂર્વે એચડીએફસી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોએ ડિજિટલ કરન્સી એક્સચેન્જ કરી આપવાની ના પાડી હતી. આ બેન્કોએ ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરતાં ખાતેદારોના ખાતાઓ સીલ કરી દેવાની પણ ચીમકી આપી હતી. ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરનારાઓ માટે આ અત્યંત પોઝિટીવ ડેવલપમેન્ટ છે. ક્રિપ્ટો કરન્સીના સંદર્ભમાં તેમના ગ્રાહકોને સેવા આપવી કે નહિ તે બાબતમાં બેન્કો અવઢવમાં હતી. હવે બેન્કો આ બાબતમાં સ્પષ્ટ થઈ ગઈ છે. જોકે બેન્કોએ ક્રિપ્ટો કરન્સી માટે એક્સચેન્જની સેવા લેનારા બેન્ક ખાતેદારોના કે.વાય.સી. લેવાના રહેશે. તેઓ મની લોન્ડરિંગ ન કરે તેનું બેન્કોએ ધ્યાન રાખવાનું રહેશે. ટેરરીઝમને ફાઈનાન્સ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તે બેન્કોએ જોવાનું રહેશે. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો ભંગ ન થતો હોય તે પણ બેન્કોએ જોવાનું રહેશે.

 
 
ree

 

અત્યારે ક્રિપ્ટો કરન્સીના વહેવારનું નિયમન કરનારી કોઈ જ સત્તા ભારતમાં મોજૂદ નથી. રિઝર્વ બેન્કે દરેક કસ્ટમર્સને ક્રિપ્ટો કરન્સીમાં એક્સચેન્જની સુવિધા આપવા તો જણાવ્યું છે પરંતુ તેમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તેનો ઉકેલ શો લાવી શકાય તે હજીય સ્પષ્ટ થતું નથી. વિશ્વના કોઈ પણ દેશ માટે આ માટેની સ્પષ્ટ વ્યવસ્થા હોવાનું જણાતું નથી. ક્રિપ્ટો કરન્સી બનાવનારા પણ બહુ જાહેરમાં નથી. છતાંય ક્રિપ્ટો કરન્સીનું ચલણ અને માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. ભારતમાં તેના વિકાસની શક્યતા પણ ખાસ્સી છે. જોકે ક્રિપ્ટોના એક્સચેન્જને નિયમન કરતું માળખું તૈયાર થવું જરૂરી છે. તેમ છતાંય ટેકનિકલ નિષ્ણાંતો કહે છે કે ભારતે ક્રિપ્ટો કરન્સી અને બ્લોક ચેઈન માટેની તક ગુમાવવી ન જોઈએ. તેમના માટે ભારતે ક્રિપ્ટો કરન્સી માટેના અંકુશો અને સમતુલનો તૈયાર કરીને તેમાં જંપલાવી દેવું જોઈએ. આ અંકુશો અને સમતુલનોની મદદથી ભારત ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવતા વહેવારો પરના જોખમોને નિયંત્રિત કરી શકશે.

 

 

દરેકને સવાલ થાય છે કે બિટકોઈન આખરે છે શું?

 

બિટકોઈન એક કોમ્પ્યુટર ફાઈલ છે. આ કોમ્પ્યુટર ફાઈલને ડિજિટલ વૉલેટ તરીકે ઓળખાતી એપમાં સાચવી રાખવામાં આવે છે. સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટરમાં પણ તેને સાચવીને રાખી શકાય છે. લોકો ડિજિટલ વોલેટમાં બિટકોઈન જમા કરી શકે છે. તેમ જ અન્ય વ્યક્તિને પણ બિટકોઈન મોકલી કે આપી શકે છે. બિટકોઈનના દરેક ટ્રાન્ઝેક્શનની નોંધ બુક ચેઈન તરીકે ઓળખાતા પબ્લિક લિસ્ટમાં થાય છે. આજે જે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીઝની અવગણના કરવામાં આવી રહી છે, તે જ ક્રિપ્ટો કરન્સીની ઇન્ડસ્ટ્રીનો ભારત ભવિષ્યમાં મોટો લાભ લઈ શકશે. આ માટે ભારત પોતાની બ્લોક ચેઈન બનાવી શકે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ જે રીતે ઉદ્યોગની સિકલ ફેરવી નાખી હતી, તે જ રીતે બ્લોક ચેઈન ઇન્નોવેશન ભારતીય અર્થતંત્રની સિકલ ફેરવી નાખે તેવી શક્યતાને નકારી શકાતી નથી. જોકે આ માટે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સીનો સ્વીકાર કરવો પડશે. રિઝર્વ બેન્કે આ બાબતમાં અપનાવેલી કૂણાશ આ દિશામાંનું પહેલું પગલું હોવાનું માનવામાં આવે છે.

 
ree

 

બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સીમાં માઈનિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં ગણતરી કરવાના કોયડાઓનો ઉકેલ લાવીને નવા બિટકોઈન તૈયાર કરવામાં આવે છે. બિટકોઈનનો આધાર લેજર ટ્રાન્ઝેક્શન પર જ છે. બિટકોઈનનું માઈનિંગ લેજર ટ્રાન્ઝેક્શન માટે જરૂરી પણ છે. માઈનિંગથી કોની પાસે કેટલા બિટકોઈન છે તેનો અંદાજ મેળવવામાં આવે છે. માઈનિંગ એક ક્રિપ્ટોગ્રાફી કોડ તૈયાર કરવાની પ્રક્રિયા છે. આ કોડ ચેઈનમાંના દરેક બ્લોક સાથે જોડાય છે. આ માઇનિંગ કરનારાઓ જ આખા વિશ્વના દેશોમાં પથરાયેલા લોકો છે. તેઓ જ બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી જનરેટ કરનારાઓ છે. જે તે બ્લોકમાં તેનાથી 64 ડિજિટનો નંબર જનરેટ થાય છે. આ નંબરને પકડી પાડવો એ 14 લાખ કરોડમાં એક જણ માટે શક્ય બની શકે છે. સાયબર ક્રાઈમ કરનારાઓ આ કોડને ડિકોડ કરવા માટે આકાશ પાતાળ એક કરવા માંડ્યા છે. તેથી જ ટ્રાન્ઝેક્શનની બ્લોક ચેઈન સલામત બની જાય છે. ક્રિપ્ટો કરન્સીના માઈનિંગ કરનારાઓને સારી વિગતો મળી જાય તો તેમને વળતરમાં બિટકોઈન મળે છે. આ જ રીતે નવો એક કોઈન છાપી શકાય છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીમાં માઈનિંગ કરવું તે સજા પાત્ર ગુનો પણ ગણાય છે. તમે કોઈપણ એક્સચેન્જમાંથી તમે ક્રિપ્ટો કરન્સી તરીકે ચાલતા કોઈન ખરીદી શકો છો. આ એક્સચેન્જ ચલાવવા માટે કાયદેસર લાઈસન્સ લેવું પડે છે. શેર્સની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે તે રીતે ક્રિપ્ટો કરન્સીની લેવડદેવ કરી શકાય છે. આ માટે તમારે એક્સચેન્જ એકાઉન્ટ ખોલાવવું પડે છે.

 

સોદો કરવા માટેની તમારી પોઝિશન પ્રમાણે ચૂકવવાના થતાં પૂરેપૂરા નાણાં તમારે જમા કરાવવા પડે છે. તેમ કર્યા પછી જ તમારું એક્સચેન્જ એકાઉન્ટ ખૂલે છે. એકાઉન્ટ ખૂલ્યા પછી તમારી ક્રિપ્ટો કરન્સીના ટોકન તમે વેચવા ન કાઢો ત્યાં સુધી તમારા એકાઉન્ટમાં પડ્યા રહે છે. ડિમેટ એકાઉન્ટમાં ડિજિટલ સ્વરૂપમાં શેર્સ પડ્યા રહે છે તેવી જ રીતે આ કોઈન તમારા એકાઉન્ટમાં પડ્યા રહે છે. બિટકોઈન, લાઈટ કોઈન, ઇથેરિયમ, રિપલ અને તેના જેવા જુદાં જુદાં કોઈન આજકાલ ચાલતા થઈ ગયા છે. તેના મૂલ્યમાં વધારો થાય અને તેમને યોગ્ય નફો મળે ત્યારે તેમને તેને વેચી પણ શકો છો. તમે તગડો નફો કરવા માગતા હોવ તો ઊંચા ભાવે આ કોઈન ખરીદવા ન જોઈએ. એક બીજા સાથે સતત વ્યવહાર કરનારા લોકો વચ્ચેના વહેવારમાં જ આ બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સી ચાલે છે. સતત વરસોથી એક સાથે બિઝનેસમાં જોડાયેલી કંપનીઓ ક્રિપ્ટો કરન્સીથી તેમના આર્થિક વહેવારો કરી શકે છે. ક્રિપ્ટો કરન્સીને કારણે પેમેન્ટ એકદમ ઝડપથી થઈ શકે છે.

 

ભારતીય ચલણ રૂપિયાનું મોનિટરિંગ જેમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે, તે જ રીતે બિટકોઈનનું નિયમન બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સી ડેવલપ કરનારાઓ કરતાં રહે છે. તેનું નિયમન કરનારાઓ કોણ છે તે અંગે બહુ માહિતી મળતી નથી. પરંતુ તેમણે ઊભી કરેલી સિસ્ટમમાં ક્રિપ્ટો ગ્રાફિક પ્રુફની મદદથી ક્રિપ્ટોકરન્સી તરીકે ઓળખાતા કોઈનના દરેક વહેવારોની નોંધ થયા કરે છે. તેના વિના એક પણ ક્રિપ્ટો કરન્સી અસ્તિત્વમાં આવી શકતી જ નથી. ક્રિપ્ટોગ્રાફીની મદદથી જ તેના ટ્રાન્ઝેક્શન એટલે કે હાથ બદલાનો ટ્રેક રાખી શકાય છે. ક્રિપ્ટો કરન્સીથી જાહેર આર્થિક પ્રવૃત્તિઓનો ટ્રેક રાખી શકાય છે, તેમ જ તેને વધુમાં વધુ સલામત પણ બનાવી શકાય છે. આમ ક્રિપ્ટોગ્રાફીની મદદથી જ ક્રિપ્ટો કરન્સીને સલામત બનાવવામાં આવે છે. તેના ડુપ્લિકેટ બનાવી શકાતા નથી. આમ તો 2009થી આ કરન્સી ધીમે ધીમે અસ્તિત્વમાં આવી છે. છેલ્લા દસ બાર વર્ષમાં વધુ ને વધુ લોકો તેમાં રસ લેતા થયા છે. ક્રિપ્ટો કરન્સી ડિજિટલ સ્વરૂપમાં જ હોય છે. તેને સ્પર્શ કરી શકાય તેવા ચલણના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ નથી.

 
ree

 

ક્રિપ્ટોકરન્સીથી એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને પેમેન્ટ કરી શકે છે. આ પેમેન્ટ કરવા માટે સીધા તમારા ખાતામાંથી તમારા સાથી વેપારીના ખાતાંમાં તે કોઈન મોકલી આપી શકાય છે. તેમાં ચેકના ક્લિયરિંગ હાઉસ જેવા ક્લિયરિંગ હાઉસની જરૂર જ નથી. તેથી ક્રિપ્ટોથી કરવામાં આવતા વહેવારો ઝડપી થાય છે. તેને માટે ખર્ચ કરવો પડતો નથી. તેથી જ ભાવિ વિશ્વ વેપાર માટેની કરન્સી તરીકે બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીને જોવામાં આવે છે. આ માટે વેપારીએ બ્લોક ચેઈનમાં રજિસ્ટર થવું પડે છે. બ્લોક ચેઈન એક ટેક્નોલોજી છે. તેની મદદથી જ દરેક વ્યક્તિઓ બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સીના હાથબદલા કરી શકે છે. સાદામાં સાદા શબ્દોમાં વાત કરીએ તો બ્લોક ચેઈન એક લેજર છે. તેમાં ક્રિપ્ટો કરન્સીના હાથબદલા-લેવડદેવડની વિગતો નોંધાય છે. ક્રિપ્ટો કરન્સીના હાથ બદલાતા જાય એટલે કે એક હાથમાંથી બીજા હાથમાં જાય એટલે તેની ચેઈન બનતી જાય છે. ક્રિપ્ટો કરન્સીની સલામતી માટે પણ આ ચેઈન મહત્વની છે. અગાઉ કોના હાથમાં ક્રિપ્ટો કરન્સી ગઈ હતી તેના રેકોર્ડને આધારે જ તે બીજાના હાથમાં જાય છે. આ રીતે ક્રિપ્ટો કરન્સી એક હાથમાંથી બીજા હાથમાં જવાની પ્રક્રિયા સતત થતી જ રહે છે. તેનું હેકિંગ કરવું બહુ જ મુશ્કેલ બની જાય છે. એક્સ વ્યક્તિના હાથમાંથી વાય વ્યક્તિના હાથમાં ક્રિપ્ટો કરન્સી જાય તો બ્લોકમાં તે વહેવારની નોંધ થઈ જાય છે. તેમાં નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર બંનેની વિગતો સમયના સ્ટેમ્પ સાથે નોંધાઈ જાય છે. તે ક્રિપ્ટોગ્રાફીક પ્રુફ પણ બની જાય છે. આ ગણિતનો એટલો અઘરો કોયડો છે કે તેને ઉકેલવા માટે અતિશય વધારે કોમ્પ્યુટર સ્કીલની જરૂર પડે છે. આ વિગતો વિશ્વના જુદાં જુદાં ખૂણે ગોઠવાયેલા એક કરતાં વધુ સર્વર પર રજિસ્ટર થયા કરે છે. આ અલગ અલગ વિગતો એક સામટી જ અપડેટ થાય છે. તમે એકમાં ફેરફાર કરો તો તેની સાથે તે વિગત દરેકમાં બદલાય છે.

 

ક્રિપ્ટો કરન્સી વેલ્યુને સ્ટોર કરવાનું એક માધ્યમ બની ગઈ છે. ક્રિપ્ટો કરન્સીની વેલ્યુ આમ તો એક સરખી જ રહે છે, પરંતુ લોકો તેને આપીને સામી વ્યક્તિને તેનુ મૂલ્ય ચૂકવતી રહે છે, એટલે કે પેમેન્ટ કરતી રહે છે. આ રીતે વધતા હાથબદલાને કારણે તેની ડિમાન્ડ વધે છે. તેથી તેની વેલ્યુ ઊંચકાતી જાય છે. બિટકોઈનથી વહેવાર કરનારાઓ વધતા ગયા તેમ તેમ તેની વેલ્યુ ઊંચકાતી ગઈ હતી. ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને મૂળભૂત રીતે પેમેન્ટ કરવા માટેના એક સૌથી સરળ સોલ્યુશન તરીકે જોવામાં આવતો હતો. ચલણમાં ફરતા બિટકોઈનની સંખ્યામાં વધારો થતો નથી. તેની સામે તેના થકી પેમેન્ટ કરનારાઓની સંખ્યા વધતી જાય છે. તેથી તેની ડિમાન્ડ વધતી જાય છે. તેમ જ તેના મૂલ્યમાં વધારો થતો રહે છે.

 

એક જ બિટકોઈન બે અલગ અલગ પેમેન્ટ કરવા માટે એક સાથે ઉપયોગમાં લઈ શકાતો જ નથી. તેથી તેની સલામતી વધારે છે. ક્રિપ્ટોગ્રાફી દરેક ટ્રાન્ઝેક્શનને યુનિક ટ્રાન્ઝેક્શન ગણતી હોવાથી એક જ કોઈન બે અલગ અલગ પેમેન્ટ માટે એક સાથે વાપરી શકાતો નથી. તેના જેવો બીજો બિટકોઈન બનાવવા માટે અકલ્પનિય હદે વધારે જફા કરવી પડી શકે છે. ફ્રોડ કરીને તૈયાર કરેલા બિટકોઈનનું ટ્રાન્ઝેક્શન બ્લોક ચેઈનમાં રજિસ્ટર થતું જ નથી, કારણ કે બ્લોક ચેઈનમાં અગાઉના દરેક ટ્રાન્ઝેક્શનમાં તેના થકી આવતો ફેરફાર ફ્રોડ્યુલન્ટ બિટકોઈનના વહેવાર થાય તો આવતો જ નથી. તેથી ક્રિપ્ટો કરન્સીને ડેમેજ કરી શકાતી નથી. બિટકોઈન ક્રિપ્ટો કરન્સીના માર્કેટનો બાદશાહ છે. ક્રિપ્ટોકરન્સીના બજારમાં તેનો હિસ્સો 60થી 70 ટકા જેટલો ઊંચો છે.

 
 

ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ ચલાવવા માટે કાયદેસર લાઈસન્સ લેવું પડે છે. કોઈપણ દેશમાં ક્રિપ્ટો કરન્સીને અંકુશમાં રાખવાની કે તેનું નિયમન કરવાની કામગીરી કોઈપણ નાણાં સંસ્થા ન કરી શકતી હોવાથી બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીને ગેરકાયદે ગણવામાં આવે છે. ફોરેન એક્સચેન્જના માર્કેટ કરતાં આ એક્સચેન્જ અલગ જ છે. ગુનેગારો, કરચોરી કરનારાઓ અને મની લૉન્ડરિંગ કરનારાઓ જ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરે છે તેવી માન્યતા હોવાથી પણ ઘણાં તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ક્રિપ્ટો કરન્સીનો પરપોટો ગમે ત્યારે ફૂટી જવાનો તેમને ડર લાગી રહ્યો છે. જોકે વોલસ્ટ્રીટ અને મોટી બેન્કોએ બિટકોઈનમાં રસ લેવા માંડતા તેના ભાવમાં મોટો ઊછાળો આવ્યો હતો.

 

બિટકોઈન હોય કે અન્ય કોઈ ક્રિપ્ટો કરન્સી, તેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહિ? સવાલ મોટો છે. મત અનેક છે. ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે આગ સાથે રમત હોવાનું ઘણાં લોકો માને છે. આર્થિક રીતે આબાદ અને બરબાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. 2011માં બિટકોઈન અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનો ભાવ એક ડૉલર હતો. 2017માં તેનો ભાવ 19000 અમેરિકી ડૉલર થઈ ગયો હતો. 2021માં તેનો ભાવ 39000 અમેરિકી ડૉલરને આંબી ગયો છે. ત્યાંથી ફરી ગબડ્યો પણ છે. આજે તેનું મૂલ્ય 34,214 ડૉલર છે.

ree

 

બ્લોકચેઈન બિઝનેસના ગણિતો બદલી નાખશે

 

બ્લોકચેઈન દરેક બિઝનેસના ગણિતો બદલી નાખશે. તેમ જ ડિજિટલ કરન્સી નવી કંપનીઓને નવા નમૂનારૂપ નવસંસ્કરણ-મોડેલ ઇન્નોવેશન તરફ દોરી જશે. તેનાથી બિઝનેસને વેગ મળશે એટલું જ નહિ તેને અકલ્પ્ય ઊંચાઈએ લઈ જશે. આ એક મોટી ક્રાન્તિ હશે. આ ક્રાન્તિ પરપોટા જેવી સાબિત થશે કે પછી નાણાંકીય ગણિતોને નવેસરથી ગોઠવવાની પ્રક્રિયાનો આરંભ કરશે તે તો આવનારો સમય જ કહેશે. તેથી જ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ સાવધ તો છે જ છે. પરંતુ તેની સાથે સાથે તેમાં તેજી આવવાના ગણિતો પણ માંડી રહ્યા છે. બ્લોકચેઈનની સફળતાને પરિણામે તેઓ આ ગણિતો માંડી રહ્યા છે. બ્લોક ચેઈનની સફળતાથી તેઓ ક્રિપ્ટો કરન્સીમાં તેજીનો વિચાર કરતાં થયા છે. બ્લોકચેઈન એ ક્રિપ્ટો કરન્સીની સૌથી સફળ ટેક્નોલોજી છે. બ્લોક ચેઈન સ્પેસમાં આજે વિશ્વના દેશોમાં 300થી વધુ સ્ટાર્ટઅપ્સ છે. તેમાં ભારતનો ફાળો નગણ્ય છે.

 
ree

 

બિનહિસાબી નાણાંને ફરતાં રાખવા માટેનો સરળ વિકલ્પ

 

ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં વહેવાર કરવા પાછળનો હેતુ બિનહિસાબી નાણાંને ફેરવવા માટેનો છે. તેમાંથી કમાણી પણ કરી શકાય છે. તિજોરીમાં પડ્યા રહેતા નાણાં બજારમાં ફરતા રહે છે. ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીના એક નિષ્ણાંત નામ ન આપવાની શરતે જણાવે છે, “તેનું એક આંખે ઊડીને વળગે તેવું ઉદાહરણ છે. આઠમી ઓક્ટોબર 2018ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરી. ત્યારબાદ ઘણાં લોકોએ જૂની એટલે કે ડિસેમ્બર 2016થી ચલણમાંથી નાબૂદ થઈ જનારી ચલણી નોટ્સ એકત્રિત કરી હતી. એક ગ્રુપે આ રીતે અંદાજે રૂા. 4 લાખ કરોડની ચલણી નોટ્સ એકત્રિત કરી હતી. તેમાંથી કેટલાકની ધરપકડ પણ થઈ હતી. આ ગ્રુપ સાથે સંકળાયેલા મોટા ગ્રુપે આ ચલણી નોટ્સનું હૂંડિયામણમાં રૂપાંતર કરીને તે ચલણી નોટ્સને ડૉલરમાં કન્વર્ટ કરીને દુબઈ મોકલી આપ્યા હતા. દુબઈના નિયમ મુજબ 20 ટકા રકમ એટલે કે અંદાજે 80,000 કરોડ રૂપિયાનું દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. બાકીના 3.20 લાખ કરોડના ડૉલરનું રોકાણ બિટકોઈન દીઠ અંદાજે 700 ડૉલરની આસપાસના ભાવે કર્યું હોવાનું જોવા મળે છે. આ રોકાણ કર્યાના એકથી દોઢ વર્ષમાં તે રોકાણ પાછું ખેંચવામાં આવ્યું. આ રોકાણ બિટકોઈન દીઠ અંદાજે 8300 ડૉલરે પાછું ખેંચ્યુ હતું. પરિણામે તેના 17 લાખ કરોડથી વધુ રકમ ઉપજી હતી. ત્યારબાદ આ રકમને મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્ક્રિપ્સમાં ખેલો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે.”

 

બિટકોઈનમાં વેપાર થવા માંડે તો સરકારની ઇન્કમટેક્સની આવકમાં પણ ગાબડું પડી શકે

 
 

બિટકોઈન અત્યારે વિશ્વ વ્યાપાર માટેનું ચલણ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ બિટકોઈન શરૂ કરનાર કોણ છે તે ખબર નથી. હા, ઇથેરિયમ જેવી ક્રિપ્ટો કરન્સી ચાલુ કરનારા અંગેની જાણકારી ઉપલબ્ધ છે. સરકાર ક્રિપ્ટો કરન્સીમાં વેપાર થવા દે તો તેની ઘણી જ નકારાત્મક અસર સરકારની આવક પર પડી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિકેત તલાટીનું કહેવું છેઃ “ચેકથી પૈસાનો વહેવાર થાય તો પૈસા આપનાર અને પૈસા લેનાર બંનેના નામ રિફ્લેક્ટ થાય છે. સીબીડીટીમાં કે પછી એફઆઈયુમાં તેની નોંધ લેવાય છે. બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સીની શરૂઆત જ પેમેન્ટની થતી આપ-લે બહાર ન આવે તે માટે થઈ છે. બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સી એ એક બેનામી લેવડદેવડ કરવાની સિસ્ટમ જ છે. કેટલાક લોકો ચેકથી પૈસા આપીને બિટકોઈન ખરીદતા હોય છે. પરંતુ ચેકથી ખરીદી કરનારાઓનું પ્રમાણ બહુ જ ઓછું છે. ઘણાં લોકો તેમના બ્લેકના પૈસા હવાલાથી વિદેશ મોકલીને ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરતાં હોય છે. આ સિસ્ટમથી જ આર્થિક વહેવાર દુનિયાના દેશો સાથે કરવાનું ચાલુ થઈ જશે તો બિનહિસાબી પૈસા બિટકોઈનના માધ્યમથી અલગ અલગ દેશમાં મોકલવા બહુ જ સરળ બની જશે. પરિણામે સરકારની ઈન્કમ ટેક્સની આવકમાં ગાબડું પડી શકે છે. આ સિસ્ટમથી ઇન્ટરનેશનલ ફંડિંગ અને ટેરરિસ્ટ ફંડિંગ પણ આસાનીથી થઈ જશે. પૈસા કોણે કોને મોકલ્યા તેની ખબર જ પડશે નહિ.”

Read Previous

એફડી કરતા પણ ફાયદાકારક આ વૃક્ષમાં કરો રોકાણ, આવક એટલી થાય કે સંભાળવી મુશ્કેલ પડે, સાથે જ મળે હરિયાળીનો લાભ

Read Next

મોડેલ ટેનન્સી એક્ટઃ ભાડે લેનાર અને આપનાર બંને સલામત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular