• 9 October, 2025 - 3:23 AM

અમદાવાદની કંપની Asahi Songwon Colors એ ફાર્મા કંપની Atlas Life Sciences ને હસ્તગત કરી

ree

 
 

આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ચસ્વ મેળવવા માટે યુરોપિયન સંઘના દેશોનું એક્રેડિટેશન મેળવવાનો પણ પ્રયત્ન ચાલુ કરી દેવાશે

 

અમદાવાદ સ્થિત ભારતના પીગમેન્ટ ઉદ્યોગમાં મોખરાની કંપની Asahi Songwon Colorsએ સોમવાર 18મી એપ્રિલે એટલાસ લાઈફ સાયન્સના 78 ટકા શેર્સ રૂ. 48 કરોડના ખર્ચે હસ્તગત કરીને કોર્પોરેટ જગતમાં નવા છલાંગ લગાવવાની દિશામાં મહત્વનું કદમ ઊઠાવ્યું છે. Atlas Life Sciences એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સ બનાવતી કંપની છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સે આ હસ્તાંતરણને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. બાકીના બાવીસ ટકા શેર્સ 11 – 11 ટકાના બે અલગ હપ્તામાં હસ્તગત કરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

હસ્તાંતરણના આ સોદામાં ઓઢવમાં આવેલુ સંપૂર્ણ કાર્યરત WHO GMP સર્ટિફાઈડ ઉત્પાદન એકમ, 4000 ચો. ફૂટ વિસ્તારમાં પથરાયેલી અદ્યતન R&D સુવિધા, 5000 ચો.ફૂટની કોર્પોરેટ ઓફિસ અને ભવિષ્યમાં વિસ્તરણ પ્રવૃત્તિ હાથ ધરવા માટે છત્રાલમાં 32 પ્રોડકટસના ઉત્પાદન માટે EC પરમિશન ધરાવતી 15000 ચો.મીટરની જમીનનો સમાવેશ થાય છે. એટલાસ લાઈફ સાયન્સનો ઓછવ ખાતેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ WHO-GMP સર્ટિફાઈડ અત્યાધુનિક પ્લાન્ટ છે.

 
 
ree

 
 

કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ગોકુલ જયકૃષ્ણએ જણાવ્યું હતું કે પિગમેન્ટના સેક્ટરની વિશ્વની અવલ કંપની તરીકેનું સ્થાન હસ્તગત કરી લીધા બાદ અમે અમારી કંપનીના વિકાસને એક નવી જ ઊંચાઈએ લઈ જવા માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. અમે હસ્તગત કરેલી કંપની એટલાસ લાઈફ સાયન્સ એક પ્રીગેબાલિન નામના બલ્કડ્રગનું ઉત્પાદન કરતી કંપની છે. આ માટે અમે રૂ. 45 કરોડનું રોકાણ કરીને અમદાવાદ નજીક છત્રાલ ખાતેની જમીન પર એપીઆઈના નવા પ્લાન્ટની સ્થાપના કરીશું. આ પ્લાન્ટ સપ્ટેમ્બર 2023 સુધીમાં ચાલુ થઈ જવાની ધારણા છે.

 

તેમણે કહ્યું હતું કે એટલાસ લાઈફ સાયન્સને હસ્તગત કરવામાં આવ્યું હોવાથી વાઈ અને આંચકીના દવાના બજારમાં વર્ચસ ધરાવતી કંપની તરીકે સ્થાન અંકે કરી લઈશું. ભારતના બજારમાં બલ્ક ડ્રગના સપ્લાયર તરીકે એટલાસ લાઈફ સાયન્સ અગ્રણી કંપની તરીકેનું સ્થાન ધરાવતી હોવાથી આ શક્ય છે. તદુપરાંત યુરોપિયન સંઘના દેશોમાં માર્કેટિંગ કરવા માટેનું એક્રિડિટેશન મેળવી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વર્ચસ જમાવવાનું આયોજન કરવામાં આવશે. ભારતના બજારમાં વાઈ અને આંચકીની દવા બનાવવા માટેના બલ્કડ્રગનો 90 ટકા સપ્લાય એટલાસ લાઈફ સાયન્સ તરફથી જ આપવામાં આવી રહ્યો છે. પ્રીગેબાલિન ઉપરાંત એટલાસ લાઈફ સાયન્સ આર-કમ્પાઉન્ડ, ફેનિલિફ્રાઈન એચસીએલ, ગ્લિક્લાઝાઈડ, એમ્પસુલપ્રાઈડ અને લેવાસલપ્રાઈડ જેવા બલ્ક ડ્રગનું પણ ઉત્પાદન કરે છે.

 

તેમણે કહ્યું હતું કે અત્યારે પ્રીગેબાલિનનું 25 ટનનું ઉત્પાદન કરતી આ કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારાની 35 ટન કરી દઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મહત્વના સપ્લાયર તરીકેનું સ્થાન અંકે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત કંપની ડાયાબિટીસ સહિતના અન્ય સેગમેન્ટ માટે નવા મોલેક્યુલ્સ ડેવલપ કરવાની દિશામાં પણ સક્રિય બનશે. એટલાસ લાઈફ સાયન્સની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. 2020-21માં તેનું ટર્નઓવર રૂ. 109 કરોડની આસપાસનું હતું. કંપની અંદાજે રૂ. 4.34 કરોડનો નફો કરે છે.

Read Previous

સાણંદ જીઆઈડીસીમાં નવા પ્લોટની ફાળવણી કરવાના સરકારના પરિપત્રને ઘોળીને પી જતાં અધિકારીઓ

Read Next

IOC: નવ ટકા ડિવિડંડ આપતી કંપની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular