આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસને સરકારનું પ્રોત્સાહનઃ આભને આંબશે આયુર્વેદ ઈન્ડસ્ટ્રી

કોરોના બાદ ગુજરાતમાં આયુર્વેદિક દવા બનાવનારા ઉત્પાદકોની સંખ્યામાં 50 ટકાનો ધરખમ વધારો, ગુજરાતમાં દેશના વેલનેસ હબ બનવાની ક્ષમતા
એલોપથી દવા બનાવનારી કંપનીઓ પણ માંગી રહી છે આયુર્વેદિક દવાઓ બનાવવાનું લાયસન્સ
આયુર્વેદને ભારતની યુએસપી તરીકે પ્રમોટ કરીને આખી દુનિયામાં આયુર્વેદિક દવાઓનો મોટો બિઝનેસ ઊભો કરવાની સુવર્ણ તક
વર્ષ 2020માં કોવિડ-19 વાયરસે જ્યારે આખી દુનિયાને ભરડામાં લીધી હતી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના 177 જેટલા આદિવાસી જિલ્લાઓમાંથી ફક્ત 3 ટકા જિલ્લામાં જ કોરોનાના કેસ નોંધાયા હતા. આ કેસ પણ દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાંથી આવેલા લોકો દ્વારા ફેલાયા હતા. કોરોનાની ચપેટમાંથી જ્યારે ભાગ્યે જ દેશ-દુનિયાનો કોઈ હિસ્સો બચી શક્યો છે ત્યારે ભારતના આદિવાસી જિલ્લાઓ તેની અસરમાંથી બચી ગયા તે વાત કોઈ આશ્ચર્યથી કમ નથી. આ છે પરંપરાગત ભારતીય ઔષધિઓ અને આયુર્વેદની તાકાત. વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાની મહામારીમાં મૃત્યુદર સરખામણીએ ઘણો ઓછો રહ્યો છે. ભારતમાં કોરોનાનો પગપેસારો થયો ત્યારથી જ આયુષ મિનિસ્ટ્રી દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. એ ગાઈડલાઈન્સનું પાલન કરીને દેશમાં કરોડો લોકોએ નિયમિત ઉકાળા અને દવાઓ પણ લીધા હતા જેને કારણે સરવાળે દેશ કોરોનાને સારી ટક્કર આપી શક્યો છે. આયુષ મિનિસ્ટ્રીના ઓનલાઈન સર્વેમાં ભાગ લેનાર 1.47 કરોડમાંથી ફક્ત 15,000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમાંથી પણ 66 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને વાયરસની હળવી અસર જ થઈ હતી. આખી પરિસ્થિતિને નવા દૃષ્ટિકોણથી જોઈએ તો કોરોનાને લીધે સર્જાયેલી કટોકટી ભારતની આયુર્વેદિક દવાની ઈન્ડસ્ટ્રી માટે આખી દુનિયામાં છવાઈ જવાની અમૂલ્ય તક લઈને આવી છે. આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી ડો. રાજેશ કોટેચાએ તાજેતરમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં અમુક આયુર્વેદિક દવાઓના વેચાણમાં 500થી 600 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આયુર્વેદિક દવાની ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા મહિનાઓમાં 44 ટકાનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે. આયુર્વેદિક દવાના ઉત્પાદકો, વેચાણકારો, ઔષધિ ઉગાડનારા ખેડૂતો તથા રાજ્ય સરકારો માટે આ બિઝનેસ વધારવાની અમૂલ્ય તક છે. આખી દુનિયા જ્યારે પ્રાચીન આયુર્વેદનું કૌવત માની ગઈ છે ત્યારે મિનિસ્ટ્રી ઑફ આયુષ અને મિનિસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ સાથે મળીને આયુષ પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવા માટે આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની બંને મિનિસ્ટ્રીના સહકારથી જોડાયેલી આ કાઉન્સિલ આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરશે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે HSC કોડ અનિવાર્ય હોવાથી આયુર્વેદિક દવાઓના આ કોડ નિશ્ચિત કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવાશે. આ ઉપરાંત બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સાથે મળીને આયુષ પ્રોડક્ટ્સ તથા સર્વિસિસ માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો વિકસાવવાની દિશામાં પણ કામ હાથ ધરવામાં આવશે. આયુષ ઈન્ડસ્ટ્રી નિકાસ થનારી પ્રોડક્ટની ગુણવત્તા શ્રેષ્ઠ હોય અને તે કિંમતની દૃષ્ટિએ પણ વાજબી હોય તેની ખાતરી કરશે. સરકાર આયુર્વેદને ઈન્ડિયન બ્રાન્ડ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે બૂસ્ટ કરવાની તૈયારી કરી રહી છે અને આ એક પગલાએ આયુર્વેદિક દવાની ઈન્ડસ્ટ્રી માટે બિઝનેસની અઢળક તકોના દરવાજા ખોલી દીધા છે.

ડૉ. ભવદીપ ગણાત્રા, ડિરેક્ટર, એ ફૉર આયુર્વેદા
સરકારના આ નિર્ણયને આવકારતા આયુર્વેદિક દવાઓ બનાવતી કંપની એ ફૉર આયુર્વેદાના ડિરેક્ટર વૈદ્ય ડૉ. ભવદીપ ગણાત્રા જણાવે છે, “મિનિસ્ટ્રી ઑફ કોમર્સને જુદા જુદા સેક્ટરને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લેવલ પર લઈ જવાનો સારો અનુભવ છે. આથી તેઓ આયુર્વેદિક પ્રોડક્ટ માટેના નિયમો નિશ્ચિત કરવામાં સારુ માર્ગદર્શન આપી શકશે. એક વાર આ નિયમો ફિક્સ થઈ જાય પછી આયુર્વેદિક ઈન્ડસ્ટ્રી માટે દવાઓની નિકાસ કરવી ઘણી આસાન થઈ જશે અને ઉત્પાદકોને નિકાસ માટે શું-શું કરવું તેની સ્પષ્ટતા થશે.” હાલમાં આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસમાં પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું, “આયુર્વેદમાં અનેક દવાઓ એવી છે જે તુલસી, સૂંઠ, મરી, પીપર સહિતના ખાદ્ય પદાર્થોના કોમ્બિનેશનથી બને છે. આથી તેમની ડાયેટરી સપ્લિમેન્ટ તરીકે નિકાસ થાય છે. ડાયેટરી સપ્લિમેન્ટ તરીકે મોકલાતી દવામાં તેના પેકેજિંગ પર તે કયા રોગમાં લઈ શકાય, તેનો કેટલો ડોઝ લેવો જોઈએ વગેરે વિગતો લખી નથી શકાતી. ફક્ત જે દવાઓની સિડેટિવ ઈફેક્ટ હોય, ઓવરડોઝિંગથી ટોક્સિક ઈફેક્ટ થતી હોય, સુસાઈડલ ટેન્ડન્સી આવતી હોય તેના પર પ્રતિબંધ છે.” જો કે ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું માનવું છે કે જો આયુર્વેદિક દવાની દવા તરીકે જ નિકાસ કરવામાં આવે અને વૈદ્યના માર્ગદર્શન સાથે તે વિદેશમાં પણ લોકો સુધી પહોંચતી થાય તો તેની વધુ સારી અસર થઈ શકે. તેમના મતે ભારત સરકારે આયુર્વેદિક દવાઓ વિદેશમાં પણ ઓપન માર્કેટમાં વેચાતી થાય તે દિશામાં ચોક્કસ પગલા ભરવા જોઈએ.
હાલ જો કોઈ મેનુફેક્ચરરને આયુર્વેદિક દવાની નિકાસ કરવી હોય તો તેણે પહેલા વિદેશમાં પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યાર બાદ તેણે જેટલી દવાઓ વેચવી હોય તે એક-એક દવાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. વળી, રજિસ્ટ્રેશન પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ તેનું રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ કેટલું આવશે તેની કોઈ ખાતરી નથી. આથી દેશના આયુર્વેદિક દવાના ઉત્પાદકો વિદેશમાં નિકાસ કરવાનું ટાળે છે. આ અંગે વાત કરતા આયુકેર ફાર્માસ્યુટિકલ્સના ડિરેક્ટર મીત આચાર્ય જણાવે છે, “આયુર્વેદિક દવાઓની નિકાસમાં સ્કોપ ઘણો સારો છે પરંતુ આ પ્રક્રિયા સરળ નથી. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટેશન અને સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયા અટપટી છે. નિકાસ કરવા માટે તમારે પહેલા વિદેશમાં કંપની અને પ્રોડક્ટના રજિસ્ટ્રેશન પાછળ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. સ્વાભાવિક છે કે નવા આંત્રપ્રોન્યોર્સ કે નાના વેપારીને આ ન પરવડે. આના કરતા ફૂડ લાયસન્સ લઈને આયુર્વેદિક દવાઓની નિકાસ કરવી સરળ છે. મેટાલિક પ્રિપેરેશન (એટલે કે દવામાં ધાતુનો ભાગ હોય) તેવી પ્રોડક્ટ્સમાં નિયમો કડક હોય તે જરૂરી છે પરંતુ હર્બલ પ્રિપેરેશનમાં સરકારે વેપારીઓ આસાનીથી ધંધો કરી શકે તેવી ગોઠવણ કરવી જોઈએ.” વૈદ્ય ભવદીપ ગણાત્રા પણ આયુર્વેદિક પ્રોડક્ટની નિકાસમાં પડતી મુશ્કેલી અંગે વાત કરતા જણાવે છે કે, “જો મોટા પાયે આયુર્વેદિક પ્રોડક્ટની નિકાસ કરવી હોય તો વિદેશના હેલ્થ ડિપાર્ટમેન્ટને ડોઝિયર્સ મોકલવા પડે છે. 1 પ્રોડક્ટના ડોઝિયર પાછળ રૂ. 2થી 10 લાખ સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચ નાની ફાર્મા કંપની ઉઠાવી શકતી નથી. આને કારણે સારી ગુણવત્તાવાળી દવાઓ બનાવતી નાની કંપનીઓ પોતાની દવા વિદેશ મોકલી શકતી નથી. એક્સપોર્ટનો સ્કોપ ફક્ત મોટી કંપનીઓ માટે જ ખુલ્લો રહી જાય છે. જો આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવું હોય તો લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ કરાવવાના ખર્ચાને બાદ કરતા અન્ય કોઈ મોટા ખર્ચ ઉત્પાદક પર ન નંખાવા જોઈએ.”

તેજસ શેઠ, ડિરેક્ટર, શેઠ બ્રધર્સ
કાયમ ચૂર્ણ અને કાયમ ટેબ્લેટ જેવી પ્રોડક્ટ્સથી વિશ્વભરમાં જાણીતી ભાવનગર સ્થિત શેઠ બ્રધર્સ કંપનીના ડિરેક્ટર તેજસ શેઠ જણાવે છે, “ફૂડ અને મેડિસિનની નિકાસ માટે કડક નિયમોનું પાલન થાય તે જરૂરી જ છે પરંતુ આયુર્વેદની દવાઓમાં મોટા ભાગે જમીનમાં ઉગતી હર્બ્સનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશમાં આયુર્વેદિક દવાઓના રજિસ્ટ્રેશન માટે જે રૂલ્સ અને રેગ્યુલેશન છે અને જે પુરાવાઓ માંગવામાં આવે છે તે મોટી કંપનીઓ માટે પણ પૂરા કરવા ઘણા મુશ્કેલ છે. આ કારણે એક્સપોર્ટની પ્રક્રિયામાં ઘણી વાર લાગે છે. આ કારણે દવા મોકલાવા રજિસ્ટ્રેશનનો લાંબો રસ્તો પકડવાને બદલે ઘણા ઉત્પાદકો મર્ચન્ટ મારફતે અથવા બીજા માલ સાથે દવા મોકલાવી દેવાના શોર્ટકટ પણ અપનાવે છે.” તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે વિદેશના લોકો પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન લેતા હોવાથી આયુર્વેદિક પ્રોડક્ટ્સનું ત્યાં અલગ રીતે માર્કેટિંગ કરવું પડે છે. ત્યાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એડવર્ટાઈઝમેન્ટ-પ્રચાર કરવો પડે છે અને દવાઓ ફાર્મસીમાં ઉપલબ્ધ કરાવવી પડે છે. ઘણા આયુર્વેદિક મેનુફેક્ચરર્સે આમાં પણ છટકબારી શોધી કાઢી છે. આયુર્વેદિક દવાઓની ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ તરીકે સરળતાથી નિકાસ કરી શકાય છે. આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઈન-હાઉસ લેબોરેટરી ફરજિયાત છે પરંતુ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે તે જરૂરી નથી. આથી ઘણા ઉત્પાદકો આયુર્વેદની દવાઓને ન્યુટ્રાસ્યુટિકલની કેટેગરીમાં દર્શાવીને નિકાસ કરી રહ્યા છે. તેજસ શેઠ જણાવે છે કે ટૂંક જ સમયમાં ન્યુટ્રાસ્યુટિકલ કંપનીઓ માટે પણ ઈન-હાઉસ લેબોરેટરી ફરજિયાત બની શકે છે જેથી ન્યુટ્રાસ્યુટિકલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસની પ્રક્રિયામાં વિશેષ અંતર નહી રહે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દેશના ડૉક્ટરને કન્સલ્ટ કરવાનો અને તેમની પાસેથી દવા લેવાનો મૂળભૂત માનવઅધિકાર છે. આ અંતર્ગત વિદેશમાંથી લોકો વૈદ્યનું કન્સલ્ટેશન કરીને તેમના પ્રિસ્ક્રિપ્શન પર દવા મંગાવતા થાય તો પણ આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસને પુષ્કળ વેગ મળશે. આ માટે દવાને કૂરિયર કરવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ તેવું ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું માનવું છે. વૈદ્ય ભવદીપ ગણાત્રાના જણાવ્યા મુજબ, વૈદ્ય અને દર્દી વચ્ચેના આ આદાન-પ્રદાનને સરકારે ‘ટ્રેડ’ ન ગણવો જોઈએ અને વૈદ્યએ દવાનો જે ડોઝ પ્રિસ્ક્રાઈબ કર્યો હોય તે દવાની વિદેશમાં ડિલિવરી સરળ બનાવવી જોઈએ. આમ થાય તો વિદેશમાં આયુર્વેદનો પ્રચાર-પ્રસાર વધુ ઝડપથી થઈ શકે. આયુકેર ફાર્માના ડિરેક્ટર મીત આચાર્યના જણાવ્યા મુજબ, “વિકસિત દેશોમાં આયુર્વેદ અંગે થોડી ઘણી પણ જાગૃતિ છે પરંતુ વિકાસશીલ દેશોમાં આ અંગે જાગૃતિનો અભાવ છે. સરકારે આયુર્વેદને ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન તરીકે પ્રમોટ કરવી જોઈએ જેને કારણે વિદેશમાંથી વધુને વધુ લોકો આયુર્વેદિક દવાઓ તરફ વળી શકે.”

વૈદ્ય ભાવેશ જોષી, ડિરેક્ટર, એ ફોર આયુર્વેદા
હર્બલ દવાઓના માર્કેટની વાત કરીએ તો અત્યારે આ ઈન્ડસ્ટ્રીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન 80 ટકા સ્ટેક ધરાવે છે. ભારતનો સ્ટેક તેમાં માંડ 5થી 6 ટકા જેટલો છે. એ ફોર આયુર્વેદાના ડિરેક્ટર વૈદ્ય ભાવેશ જોષી જણાવે છે, “ભારત પાસે હર્બલ દવાની ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથનો ઘણો વિશાળ સ્કોપ છે. આયુર્વેદ હજારો વર્ષ જૂનું સાયન્સ છે. ચીનની હર્બલ મેડિસિનનું સાયન્સ માંડ 200-300 વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આયુર્વેદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું આગળ આવી શકે તેમ છે. જો કે આ માટે રિસર્ચ લેવલ પર વધારે કામ થાય તે જરૂરી છે.” આયુર્વેદના ગ્રોથને પ્રમોટ કરવા માટે અત્યારે પરફેક્ટ સમય છે કારણ કે કોરોના પછી ભારતના અને વિદેશના લોકો આયુર્વેદ તરફ ઢળ્યા છે. ગુજરાતમાં કોરોના પહેલા આયુર્વેદિક દવાના 400 જેટલા ઉત્પાદકો હતા, હવે તેમની સંખ્યા વધીને 600 જેટલી થઈ ગઈ છે. એટલું જ નહિ, મોડર્ન એલોપથી પ્રોડક્ટ્સ બનાવતી અનેક કંપનીઓએ પણ મોકાનો લાભ ઊઠાવીને આયુર્વેદિક દવા બનાવવાની પરમિશન માંગી છે. વૈદ્ય ભાવેશ જોષી ભારપૂર્વક જણાવે છે, “રેવન્યુ જનરેશનની દૃષ્ટિએ પણ સરકારે આયુર્વેદિક દવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. આયુર્વેદમાં ભારત એક્સપર્ટ છે. એલોપથીમાં વિદેશી વૈજ્ઞાનિકો આપણને પડકારી શકે પરંતુ આયુર્વેદમાં આપણી બરોબરીનું કોઈ નથી. ભારતની આ તાકાતને સરકારે આર્થિક દૃષ્ટિએ યુટિલાઈઝ કરવી જોઈએ. ગુજરાતી વેપારીઓ આ ક્ષેત્રે પોતાની બિઝનેસની કોઠાસૂઝ વાપરીને આગળ આવે તો ગુજરાત ભારતનું વેલનેસ હબ પણ બની શકે છે. યુરોપિયન-અમેરિકન માર્કેટમાં પગપેસારો કરવા માટે ત્યાંના લોકોને જોઈએ એવો રિસર્ચનો ડેટા આપણે પૂરો પાડવો જોઈએ. આયુર્વેદના ક્ષેત્રે વધારે ક્લિનિકલ સ્ટડીઝ થવા જોઈએ. જો આ ક્ષેત્રે સરકાર સહયોગ આપે, તેના પ્રોટોકોલ્સ નક્કી કરે, ફંડિંગની જવાબદારી લે તો આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસને અનેક ગણો વેગ મળી શકશે.” તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી આયુર્વેદમાં રિસર્ચ ક્ષેત્રે ઘણું સારુ કામ થઈ રહ્યું છે.

જેમ યોગનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર થયો તેમ આયુર્વેદને પણ આખી દુનિયામાં પ્રચલિત બનાવવા ભારત સરકાર કટિબદ્ધ છે. શેઠ બ્રધર્સના તેજસ શેઠ જણાવે છે, “ભારત સરકાર આયુર્વેદને દેશ-વિદેશમાં સારુ પ્રોત્સાહન આપી રહી છે. બાંગ્લાદેશ, નેપાળ અને પાડોશી દેશો સાથે જોઈન્ટ લેન્ચર કરીને આયુષ મિનિસ્ટ્રી એક્સપો, એક્ઝિબિશન યોજે છે જેમાં કંપનીઓને એક્સપોર્ટની અને લોકલ માર્કેટમાં એન્ટ્રી લેવાની સારી તક મળે છે. આયુર્વેદિક દવાઓનું સબળુ પાસુ એ છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી અને આથી જ લોકો તેને વધારે સ્વીકારવા માંડ્યા છે. 10-15 વર્ષ પહેલા આયુર્વેદિક દવાઓનું જે માર્કેટ હતું તેના કરતા અત્યારે માર્કેટ સાઈઝ ઘણી જ વધી ગઈ છે. આશા છે કે આગામી પાંચ વર્ષમાં વિદેશમાં આયુર્વેદિક દવાઓનું સીધું વેચાણ શક્ય બનશે. જો આમ થશે તો આયુર્વેદિક દવાઓની ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.” યુ.એસ, યુ.કે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ગલ્ફ દેશો સહિત જે-જે દેશોમાં ભારતીયો વિશાળ સંખ્યામાં વસે છે ત્યાં આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસ પણ સારી એવી થાય છે. હવે કોરોના બાદ જો વિદેશીઓનો પણ આયુર્વેદ તરફ ઝુકાવ વધે તો આયુર્વેદિક દવાઓની ઈન્ડસ્ટ્રી દેશના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપતું એક મહત્વનું ક્ષેત્ર બની જશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.