• 9 October, 2025 - 3:18 AM

ઇલેક્ટ્રિક વ્હીકલના યુગમાં ગુજરાતની છલાંગ

સરકારની પોલીસી સારી છે પણ તેનો સારો અમલ થાય તો જ તેના ફળ મળશે, અન્યથા હવાનું પ્રદુષણ ઓછું કરવાની વાત માત્ર કાગળ પર જ રહી જશે
ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને સરકાર રૂ. 20,000થી રૂ. 1.50 લાખ સુધીની સબસિડી આપશે
 

પર્યાવરણની દશા જોતા દરેકને મનમાં ક્યારેકને ક્યારેક એ સવાલ તો ચોક્કસ ઊઠે જ છે કે આપણે પછીની પેઢીઓ માટે કેવી પૃથ્વી છોડીને જઈશું? હવે પ્રદુષણ માઝા મૂકે તે પહેલા લોકોએ ચેતવાની જરૂર છે. વૃક્ષો કપાઈ રહ્યા છે, ઉદ્યોગો ટૂંકા ગાળાના લાભ માટે પર્યાવરણનો ખો કાઢી રહ્યા છે. વાહનોનો વપરાશ વધી ગયો છે. પ્રદુષણને અટકાવવાના સંન્નિષ્ઠ પ્રયાસો ખૂટતા જણાય છે. ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસીની જાહેરાત કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ આદર્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલનું હબ બનાવવાની નેમ સાથે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પણ ઇચ્છે છે કે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ વધે. કાર અને બસો પછી ટુ વ્હીલર અને થ્રી વ્હીલર્સ પણ ઇલેક્ટ્રિકથી જ ચાલતા થાય તેવી સરકારની ગણતરી છે. તેની સાથે ઇલેક્ટ્રિક વાહનો બનાવતી વધુ કંપનીઓ ગુજરાતમાં આવે અને તેમના ઇન્વેસ્ટમેન્ટ થકી રોજગારી નિર્માણની વધુ તક નિર્માણ થાય તેવા પણ તેમના ગણિતો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડેવલપમેન્ટ એસોસિયેશન (FADA)ના ગુજરાતના ચેરમેન પ્રણવ શાહ કહે છે કે, “ગુજરાત સરકારે આ પોલીસી જાહેર કરવામાં ખાસ્સો વિલંબ કર્યો છે. એકાદ વર્ષ પહેલા આ પોલીસી આવી જવી જોઈતી હતી. કદાચ કોવિડને કારણે પોલીસી જાહેર કરવામાં વિલંબ થયો હોવાનું અનુમાન કરી શકાય. દિલ્હીએ પહેલા પોલીસી જાહેર કરી હતી. ગુજરાતીઓ ઝડપથી નવું સ્વીકારવા તૈયાર થઈ જાય છે. તેમ છતાંય દેશના દરેક રાજ્યની તુલનાએ ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી ઘણી જ સારી છે. તદુપરાંત સ્ટુડન્ટ સબસિડીની યોજના પણ ચાલુ રાખવામાં આવી છે.” ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે તે એક નકારાત્મક બાબત છે. જોકે પોલીસીની જાહેરાત થઈ તે પછી ઇલેક્ટ્રિક વ્હીકલના રજિસ્ટ્રેશનમાં વધારો થઈ રહ્યો છે. ટુ વ્હિલર કે ફોર વ્હિલરનું વેચાણ હાલ ઘણું જ ઓછું છે. એક લાખ ટુ વ્હિલરના વેચાણમાં ઇલેક્ટ્રિક ટુ વ્હિલરનું વેચાણ માંડ 1000થી 1200નું હતું. વીસ હજાર કારના વેચાણમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ માંડ 200 કારનું જ હતું. સરકારે જાહેરાત કર્યા પછી ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં એક ટકાનો વધારો થયો છે. સરકારનું આયોજન ગુજરાતમાં મહિને 7000થી 10000 ટુ વ્હિલર વેચવાનું છે.

 
 
ree

 

ઇલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ વધે તો વાતાવરણમાં છ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ ઓછો થવાનો અંદાજ છે. તેમ જ આગામી ચાર વર્ષમાં ઇંધણ ખર્ચમાં રૂ. 5 કરોડની બચત થઈ શકે છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે રૂા. 870 કરોડની ફાળવણી કરી છે. ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટેના એકમો નાખનારાઓને પણ સબસિડી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે માટે માળખાકીય સુવિધા ઊભી કરનારાઓને પણ પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ગુજરાત સરકારની આ પોલીસીથી 1.10 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હિલર્સ, 70,000 ઇલેક્ટ્રિક થ્રી વ્હિલર્સ, અને 20,000 ઇલેક્ટ્રિક ફોર વ્હિલર્સને ફાયદો થશે. આમ ઇલેક્ટ્રિક વાહનોના બે લાખ ખરીદદારોને ફાયદો કરાવવાનું આયોજન કરાયું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હિલર્સ ખરીદનારાઓને સરકાર તરફથી રૂા. 20,000ની સબસિડી આપવામાં આવશે. તેમ જ થ્રી વ્હિલર્સ ખરીદનારને રૂા. 50,000ની સબસિડી અને ફોર વ્હિલર ખરીદનારને રૂા. 1.5 લાખની સબસિડી આપવામાં આવશે.

 

એક કિલોવૉટની બેટરી પર રૂા. 10,000ની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશના બીજા રાજ્યોની તુલનાએ બેટરી ઉત્પાદકોને સૌથી વધુ લાભ ગુજરાતમાં આપવામાં આવ્યો છે. દિલ્હી સરકાર ટુ વ્હીલરની એક કિલોવૉટની બેટરી પર રૂા. 5000ની સબસિડી આપે છે. તેમ જ ફોર વ્હિલરની બેટરી માટે કિલોવોટ દીઠ રૂા. 10,000ની સબસિડી આપે છે. એફએએમઈ-ફેમ-ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડિયા સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભ ઉપરાંતના લાભ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે. પહેલી જુલાઈથી અમલમાં આવેલી ફેમ સ્કીમ હેઠળ આપવામાં આવતા લાભ 31મી માર્ચ 2024 સુધી આપવામાં આવશે. ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 1 જુલાઈ, 2021થી જ અમલમાં આવી છે. આ પોલીસી આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે.

 
ree

 
 

ઇલેક્ટ્રિક વ્હીકલના ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાત સરકારે કિલોવૉટ અવર્સ દીઠ રૂા. 10,000ની સબસિડીની જાહેરાત કરી હોવાથી ઇલેક્ટ્રિક મોટરકાર ખરીદનારને રૂા. 1.5 લાખથી માંડીને રૂા. 3 લાખ સુધીની સબસિડી મળશે. પર્સનલ મોબિલિટી માટે લેવામાં આવેલા ઇલેક્ટ્રિક વ્હીકલ પર ફેમ-2 હેઠળ કોઈ જ સબસિડી આપવામાં આવશે નહિ. કેન્દ્ર સરકારની ફેમ-ટુ સ્કીમ સાથે ટુ વ્હિલરની કિંમતમાં રૂા. 30,000 સુધીનો ઘટાડો જોવા મળશે. જોકે તેની સાથે સબસિડીને પાત્ર ઇલેક્ટ્રિક ટુ વ્હિલરની એક્સ ફેક્ટરી મહત્તમ કિંમત રૂા. 1.5 લાખ, થ્રી વ્હિલરની રૂા. 5 લાખ અને ફોર વ્હિલર્ની રૂા. 15 લાખ સુધીની હશે તો જ તે સબસિડીને પાત્ર ગણાશે. તેનાથી ઊંચી કિંમતના વાહનો સબસિડીને પાત્ર ગણાશે નહિ. સરકાર તરફથી સબસિડી મળતાં ઇલેક્ટ્રિક વ્હીકલ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો સાથે સ્પર્ધા કરી શકશે. ફેમ-2માં ઇલેક્ટ્રિક ટુ વ્હિલર પર કિલોવૉટ દીઠ મહત્તમ રૂા. 15,000ની સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હિલરની કિંમતના 40 ટકાથી વધુ સબસિડી મળશે નહિ. અગાઉ આ મર્યાદા 20 ટકાની મૂકવામાં આવી હતી. ગુજરાત સરકારે ટુ વ્હિલર અને થ્રી વ્હિલર્સમાં સારા પ્રોત્સાહન આપ્યા છે. તદુપરાંત ગુજરાત સરકારે ખાનગી વપરાશ માટેના પેસેન્જર વ્હીકલનો પણ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીમાં સમાવેશ કરી દીધો છે.

 
ચાર્જિંગ સ્ટેશન માટે પણ 25 ટકા સબસિડી
 

ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીમાં ચાર્જિંગ સ્ટેશન બનાવનારને પણ થનારા ખર્ચની 25 ટકા રકમ સબસિડી તરીકે અપાશે. ગુજરાતમાં અત્યારે 278 ચાર્જિંગ સ્ટેશન મોજૂદ છે. બીજા 250 ચાર્જિંગ સ્ટેશન આવે તે માટે આ સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હા, આ સબસિડીની મહત્તમ મર્યાદા રૂા. 10 લાખની રાખવામાં આવી છે. ચાર્જિંગ સ્ટેશન માટે આપવામાં આવનારી સબસિડી બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલની પોલીસીનો. પહેલા 250 ચાર્જિંગ સ્ટેશન માટે સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ઇચ્છે છે કે 1000 નવા ચાર્જિંગ સ્ટેશન ગુજરાતમાં સ્થપાય. ઇંધણના પમ્પ પર પણ ચાર્જિંગ એરિયા બનાવીને સબસિડીનો લાભ લઈ શકે તેવી ગોઠવણ ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીમાં કરવામાં આવેલી છે. ઇંધણના પમ્પ પર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવનારે પહેલા એન.ઓ.સી. લેવું પડશે અને ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ માટે અલગથી જગ્યા પણ ફાળવેલી હોવાનું બતાવવું પડશે. આ રીતે ચાર્જિંગની પણ સુવિધા ઊભી કરી આપવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સબસિડીના લાભ ન લેનારાઓને જ ચાર્જિંગ સ્ટેશન નાખવા પાછળ કરેલા ખર્ચમાં 10 લાખની મહત્તમ મર્યાદા સાથે 25 ટકાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન બનાવનારાઓને ચાર્જિંગમાં વપરાતી વીજળી પર લાગતી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં પણ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પ્રણવ શાહનું કહેવું છેઃ “ગુજરાતમાં ચાર્જિંગ નેટવર્ક કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ ઓછું છે. બીજું, મેન્યુફેક્ચરર્સ હજીય કોસ્ટ ઇફેક્ટિવ ગાડી બનાવી શક્યા નથી. તેમને અત્યારે સ્કેલ ઓફ પ્રોડક્શન પણ મળતું નથી. વાહનદીઠ ઉત્પાદન ખર્ચ ઊંચો છે. આઈસી એન્જિન (પેટ્રોલ, ડીઝલ ને સીએનજીથી ચાલતી ગાડી)વાળી ગાડીના પાવર પરફોર્મન્સ વાળી જ ગાડી ઈલેક્ટ્રિકમાં લેવા જઈએ તો તેની કિંમત 75થી 100 ટકા વધી જાય છે. આ ગેપ બહુ જ મોટો ગેપ છે. તેથી સબસિડી આપ્યા પછીય તે મોંઘી પડે છે, કારણે કે કિંમત બમણી છે. કોસ્ટ બેનિફિટ એનાલિસિસની દ્રષ્ટિએ રોજ ઓછી ગાડી ફેરવનારાઓને ઈલેક્ટ્રિક ગાડી પરવડતી નથી. જ્યારે વધુ ગાડી ફેરવનારાઓને ચાર્જિંગની જફામાં પડવાનું ગમતું નથી. રસ્તા વચ્ચે અટકી પડે તો સમસ્યા થઈ જવાની દહેશત રહે છે. ચાર્જિંગ સ્ટેશન વધશે તો ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધશે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધશે તો ચાર્જિંગ સ્ટેશન પણ વધશે. આમ બંને સાથે જ આગળ વધે તે સેક્ટરના વિકાસ માટે જરૂરી છે.”

 

તેથી જ ગુજરાત સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે ઇલેક્ટ્રિક વ્હીકલ સ્વીકારનારાઓની સંખ્યા ઝડપથી વધી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે. ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિનો વ્યવસ્થિત અમલ કરવામાં આવશે તો તેને પરિણામે ગુજરાતમાં થ્રી વ્હિલરના સેગમેન્ટમાં 25 ટકા વાહનો ઇલેક્ટ્રિક થઈ જશે. સોલારથી ચાર્જ થતાં વાહનો પણ બજારમાં આવી શકે છે. બનાસકાંઠામાં સોલારથી ચાલતું ટ્રેક્ટર અને નવસારીમાં સોલાર પાવરથી ચાલતું બાઈક પ્રાયોગિક ધોરણે તૈયાર કરવામાં આવ્યું હતું. સરકારે તેમને પ્રોત્સાહન આપવાની કામગીરી પણ કરવી જોઈએ. તેમને કોમર્સિયલ સ્વરૂપ આપવા સપોર્ટ જરૂરી છે. ઓલા ઇલેક્ટ્રિક દર બે સેકન્ડે એક સ્કૂટર તૈયાર થાય તેવો પ્લાન્ટ સાઉથમાં લાવી રહી છે. તેઓ પોતાના પેસેન્જર લઈ જતાં લોકો માટે આ વાહન બનાવી રહ્યા છે. દરેક સિટીમાં આ વાહનોની બોલબાલા થઈ જવાની સંભાવના છે. આમ ટુ વ્હિલર પર પેસેન્જરને લાવવા લઈ જવાના યુગની શરૂઆત ખૂબ જલ્દી થશે એ વાત નકારી શકાય તેમ નથી.

 
 
ree

 

ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર પાસે આર.ટી.ઓ. દ્વારા લેવાતી રજિસ્ટ્રેશન ફી પણ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારના બેન્ક એકાઉન્ટમાં જ ડીબીટીની સિસ્ટમ મુજબ સબસિડી જમા થશે. ખાનગી અને વ્યાપારિક હેતુઓ માટેના વાહનો ખરીદનારા બંનેને ગુજરાત સરકાર સબસિડીનો લાભ આપશે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે તેમની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીની જાહેરાત સાથે જ ગુજરાતમાં પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા પરિવહનના યુગનો પ્રારંભ થઈ ગયો છે. જૂના વાહનોને રિપ્લેસ કરવાની બાબતમાં પણ આ નીતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. અત્યારે સબસિડી પ્રેરિત સેલ છે. ઓર્ગેનિક સેલ એટલે કે સ્વૈચ્છાએ લેવાની વૃત્તિ ઓછી છે.

 

એક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેથી લોકોને પણ ઇલેક્ટ્રિક વાહનો લેવા છે પણ આ સેગમેન્ટમાં સારી અને સસ્તી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ નથી. ચાર્જિંગ સ્ટેશન નથી તે બીજી સમસ્યા છે. ત્રીજું, ઇલેક્ટ્રિક વ્હીકલની ઊંચી કિંમત નડી રહી છે. ચોથું, ચાર્જિંગ ખલાસ થઈ જાય તો રસ્તા વચ્ચે અટકી પડવાની દહેશત સતાવી રહી છે. પાંચમું, બેટરીની કોસ્ટ બહુ જ ઊંચી છે. 70,000ના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીની કોસ્ટ 35000 જેટલી છે. આ સ્થિતિમાં દર પાંચ વર્ષે બેટરી બદલવાની નોબત આવે તો ગુજરાતી તો ગણતરી માંડશે કે દર મહિને રૂા. 600નો તો માત્ર બેટરીનો જ ખર્ચ થશે. આ સ્થિતિમાં બેટરી સસ્તી થાય તે જરૂરી છે. આ સંજોગોમાં સારી ટેક્નોલોજી અને સારી ક્વોલિટીની વધુ લાઈફવાળી બેટરી આવશે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધી શકે છે. બેટરીની લાઈફ પણ સાત વર્ષથી વધુની હોવી જોઈએ. ફાસ્ટ ચાર્જિંગની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે. સિંગલ ચાર્જમાં વધુ કિલોમીટર સુધી ચાલી શકે તેવી બેટરી આવવી જોઈએ. ટુ વ્હિલરમાં બેટરી ચાર્જ કર્યા પછી 60થી 70 કિલોમીટર જ ચાલે છે. રિચાર્જિંગ સરળતાથી અને ઝડપથી થાય તેવી વ્યવસ્થા થવી એટલી જ જરૂરી છે. ઇલેક્ટ્રિક વાહનમાં મોટરની કિંમત બહુ મોટી નથી. પરંતુ બેટરીની જ કિંમત મોટી છે.

 

 

તેમ છતાંય પાંચ વર્ષમાં ગુજરાતમાં 10થી 15 ટકા વાહનો ઇલેક્ટ્રિક વાહનો દોડતા થઈ જશે. ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલની પોલીસી સારી છે, પરંતુ તેનો અમલ પણ તેટલો જ મહત્વનો છે. તેમાં તેમણે સબસિડીની નાણાં વાહન ખરીદનારાઓના ડાઉન પેમેન્ટ તરીકે આપી દેવા જોઈએ. હા, ઇલેક્ટ્રિક વ્હીકલની રિસેલ વેલ્યુ જ ન મળતી હોવાથી તેના પર લોન મળવી મુશ્કેલ છે, કારણ કે તેમાં પેટ્રોલ અને ડીઝલના સ્કૂટરની જેમ તેને વેચીને લોનની રકમની રિકવરી કરવી અઘરી છે. બેટરીની કિંમત ડાઉન જવા માટે તેનું પ્રોડક્શન વધવું જોઈએ. બેટરી બનાવવા માટે જોઈતા લિથિયમની આયાત કરવી પડે છે. તેનાથી નોર્મલ બેટરી કરતાં તેની લાઈફ સો ટકા વધારે છે. તેથી લિથિયમ આયર્નની બેટરી પર વધારે મદાર બાંધવામાં આવી રહ્યો છે. આ બેટરી સસ્તી નહિ થાય ત્યાં સુધી તેના વેચાણમાં વધારો થવાની શક્યતા થોડીક ઓછી છે. ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણને વધારવા માટે વાહનો સસ્તા થાય, તેની બેટરી સસ્તી થાય. તેના માધ્યમથી તેની કિંમત નીચી આવે તે પણ જરૂરી છે. બીજું, તેના પર લાગતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડીને પણ સરકાર તેની કિંમત નીચે લાવવામાં સહયોગ આપીને પર્યાવરણને બચાવવા માટે લોકોને સક્રિય કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ટુ વ્હિલર પર 12 ટકા અને ફોર વ્હિલર પર 18 ટકા જીએસટી લેવામાં આવે છે. ચાર્જિંગ સ્ટેશન પર 5 ટકા જીએસટી લેવામાં આવે છે. આ તમામ પર લેવામાં આવતા જીએસટીને મુદ્દે પણ સરકારે વિચાર કરવો જરૂરી છે.

Read Previous

મન્નાપુરમ, લાઓપાલા ઓઆરજી ને ફેડરલ બેન્કમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે

Read Next

શેરબજારમાં ગુજરાતના સરકારી સાહસોનો ધમાકેદાર દેખાવ: સેન્સેક્સ-નિફ્ટીને પણ આપી ટક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular