• 9 October, 2025 - 12:58 AM

એક્સપોર્ટ શરૂ કરવું છે? જાણો ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ તમને કેવી રીતે મદદ કરી શકે

ભારત સરકાર અને FIEOએ લોન્ચ કરેલું પોર્ટલ MSMEને નિકાસ શરૂ કરવાનો રસ્તો સરળ કરી આપશે
ઉદ્યોગો ત્રણ સરળ સ્ટેપમાં પોર્ટલ પર વેચાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ વેબસાઈટના માધ્યમથી ઉદ્યોગો ઉપરાંત કારીગરો અને ખેડૂતો પણ પોતાની પ્રોડક્ટ આખા વિશ્વમાં વેચી શકશે
 
ree

 

ભારત સરકાર અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)એ ગ્લોબલ લિંકર સાથે મળીને 27 મેના રોજ ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ લોન્ચ કર્યું છે. ભારત સરકારની કોમર્સ તથા ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરાયેલા આ પોર્ટલનો આશય ભારતના સૂક્ષ્મ, મધ્યમ અને લઘુ ઉદ્યોગો, ખેડૂતો, કારીગરોને નિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં વર્ષ 2030 સુધીમાં નિકાસ 125 બિલિયન યુ.એસ ડોલરને વટી જવાની શક્યતા છે.

 

નિકાસની પ્રક્રિયા પારદર્શક બનશેઃ

 

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર છેલ્લા થોડા વર્ષોથી નિકાસની પ્રક્રિયાને પારદર્શક બનાવવાની અને તેને ડિજિટાઈઝ કરવાની કોશિશ કરી રહી છે. સરકારનો આશય મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને આખા વિશ્વમાં પ્રચલિત બનાવવાનો છે. કોરોના કાળમાં ઓનલાઈન પ્લેટફોર્મ્સે લાખો વેપાર-ધંધાને ટકી રહેવામાં મદદ કરી હતી. આથી સરકારે હવે ભારતીય વેપારીઓને નિકાસ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરુ પાડવા FIEO સાથે મળીને ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ લોન્ચ કર્યું છે.

 

વેપારીઓ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી શકશેઃ

 

આ પોર્ટલની મદદથી સ્ટાર્ટઅપ, કારીગરો, ખેડૂતો અને નાના પાયે વેપાર-ઉદ્યોગ કરનારા પોતાની પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પહોંચાડી શકશે. આટલું જ નહિ, પોર્ટલના માધ્યમથી તે વિદેશી ખરીદદારો સાથે વર્ચુઅલ મીટીંગ પણ કરી શકશે. વળી, આ પોર્ટલને કારણે વચેટિયાઓનો છેદ ઊડી જશે અને વેપારીઓ સીધા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે બિઝનેસ કરી શકશે.

 

અત્યાર સુધી 4500થી વધુ કેટેગરીમાં પ્રોડક્ટ લિસ્ટ કરાઈ છેઃ

 

ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ ભારતીય પ્રોડક્ટ્સના આખા વિશ્વમાં નિકાસને પ્રમોટ કરવા માટે બનાવાયું છે. હાલ સુધી 4500થી વધુ કેટેગરીમાં 30,000 કરતા પણ વધુ પ્રોડક્ટ્સ લિસ્ટ થઈ ચૂકી છે. તેમાંથી 370 જેટલી પ્રોડક્ટ્સ તો GI (જ્યોગ્રાફિકલ ઈન્ડિકેટર) ટેગ ધરાવનારી છે. અન્ય કેટેગરીઝમાં કેમિકલ, તોલમાપના સાધનો, ફેશન એપરલ, ફેબ્રિક્સ, ફૂડ એન્ડ બેવરેજિસ, રમકડા, સ્ટેશનરી, સ્પોર્ટ્સના સાધનો, ઘરવખરી, ગિફ્ટ, ડેકોરેશન, હેલ્થને લગતી ચીજો વગેરે જેવી અસંખ્ય કેટેગરીઝનો સમાવેશ થાય છે.

 
ree

 

ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવશો?

 

– www.indianbusinessportal.in વેબસાઈટ પર જાવ.

– તમે ઈમ્પોર્ટર/એક્સપોર્ટર, એજન્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

– આ માટે તમારે નામ, ઈમેલ એડ્રેસ, દેશ, રાજ્ય, શહેર, અને તમે કઈ કેટેગરીમાં રસ ધરાવો છો વગેરે વિગતો નાંખીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

– તમે વેચનાર હોવ તો તમારે વેરિફાઈડ IEC કોડ નાંખવો પડશે અને તમારા બિઝનેસની વિગતો પોર્ટલ પર ઉમેરવી પડશે. આ ઉપરાંત ત્રીજા સ્ટેપમાં તમારે પેમેન્ટ અને લોજિસ્ટિક્સની વિગતો નાંખીને એકાઉન્ટ એક્ટિવેટ કરાવવાનું રહેશે.

– તમે ખરીદદાર હોવ તો તમે તમારી બિઝનેસની વિગતો ઉમેરી શકો છો, તમને જે કેટેગરીમાં રસ હોય તે સિલેક્ટ કરી શકો છો. આમ કરવાથી તમે એ કેટેગરીની ચીજો તમારા હોમ પેજ પર જોઈ શકશો.

– આ પોર્ટલ એક રીતે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવું ઈ-કોમર્સ પોર્ટલ જ છે. તેના પર વેચનાર વેચી શકે છે અને ખરીદદાર તેમને રસ હોય તે પ્રોડક્ટ સર્ચ કરીને ખરીદી શકે છે.

– ઈન્ડિયન બિઝનેસ પોર્ટલ પર ખરીદનાર અને વેચનાર એકબીજા સાથે વર્ચુઅલ મીટીંગ પણ સેટ કરી શકે છે. આમ એકબીજા સાથે સીધી વાતચીત કરીને તે ડીલ ફાઈનલ કરી શકે છે.

– આ પોર્ટલ પર જુદી જુદી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરવાની પણ વ્યવસ્થા છે.

 

નિકાસ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

 
 
ree

આલ્ફા ઈન્ટરનેશનલના ઓનર તથા એક્સપોર્ટ કન્સલ્ટન્ટ નરેશ કોન્ટ્રેક્ટર જણાવે છે કે નિકાસ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફક્ત પ્રોડક્ટ લિસ્ટ કરાવી દેવી પૂરતી નથી. તેઓ કહે છે, “પૂરતા રિસર્ચ અને આયોજન વિના પ્રોડક્ટ્સ કે સર્વિસિસની સફળ નિકાસ કરવી મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત દરેક દેશનું માર્કેટ, પેમેન્ટની શરતો, કાયદા-કાનૂન વગેરે જુદા પડે છે. પ્રોડક્ટ્સ નિકાસ કરવા માંગતા વેપારીઓએ આ આંટીઘૂંટીઓ સમજવી જરૂરી બની જાય છે.” એક્સપોર્ટ કન્સલ્ટન્ટ તરીકે 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નરેશ કોન્ટ્રેક્ટરે વાઈબ્રન્ટ ઉદ્યોગના વાચકો સાથે એક્સપોર્ટ્સમાં સફળતા મેળવવા માટે ખાસ ટિપ્સ શેર કરી હતી.

 

– તમે જે દેશમાં પ્રોડક્ટ્સની નિકાસ કરવા માંગતા હોવ ત્યાંના માર્કેટ અંગે પૂરતું સંશોધન કરો. ત્યાં કઈ પ્રાઈઝમાં વસ્તુઓ વધુ વેચાય છે, તમારા પ્રતિસ્પર્ધી દેશો કયા છે, તમે જે સર્વિસ કે પ્રોડક્ટની નિકાસ કરવા માંગો છો તેની તે દેશમાં કેવી ડિમાન્ડ છે તે અંગેનો પૂરેપૂરો તાગ મેળવી લો.

– તમે જ્યાં નિકાસ કરવા માંગો છો તે દેશમાં ગુણવત્તાના ધારાધોરણો એટલે કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સના શું નિયમો છે તે પારખી લો.

– નિકાસ કરતા પહેલા રિસ્ક એરિયા સમજી લો. જેમ કે તમે કોઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો પણ પછી સામી પાર્ટી તે માલ વિદેશમાં છોડાવે જ નહિ તો શું કરશો? કરન્સી એક્સચેન્જના દરોમાં પણ ભારે ઉથલ પાથલ થતી હોય છે. તો તમારે તમારી ચીજની કિંમત કેવી રીતે નક્કી કરવી જેનાથી તમને નુકસાન ન જાય તેનો પણ અભ્યાસ કરી લો.

– ઘણા દેશોમાં જો ડિલિવરી મોડી પહોંચે તો ખરીદદાર માલ સ્વીકારતા જ નથી. જેમ કે, યુરોપના દેશોમાં ક્રિસમસ સીઝન પહેલા ગિફ્ટિંગની આઈટમ્સ મંગાવી હોય અને માલ ક્રિસમસ પૂરી થયા પછી પહોંચે તો ઈમ્પોર્ટર કન્સાઈનમેન્ટ સ્વીકારવાની જ ના પાડી દે છે. આવા સંજોગોમાં તમારી પાસે બેકઅપ પ્લાન હોવો જરૂરી છે.

– ઘણા કન્સાઈનમેન્ટ સ્વીકાર્યા પછી પેમેન્ટ ચૂકવતા નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં અવારનવાર પેમેન્ટ છોડાવવા માટે બીજા દેશની મુસાફરી અનુકૂળ ન હોવાથી ઘણી વાર નિકાસકારોની ઘણી મોટી મૂડી અટવાઈ જતી હોય છે. આથી આ અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

– તમે નિકાસ ચાલુ કરવાનું વિચારતા હોવ તો તમારે સૌથી પહેલા સરસ, આંતરરાષ્ટ્રીય બાયર્સને આકર્ષે તેવી વેબસાઈટ બનાવડાવવી લેવી જોઈએ.આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને શિપિંગ માટેનો પણ સજ્જડ બંદોબસ્ત કરી લેવો જોઈએ.

– તમે જે પ્રોડક્ટ કે સર્વિસીસની નિકાસ કરવા માંગો છો તેને લગતા સર્ટિફિકેશન તમારી પાસે હશે તો તે તમારી પ્રોડક્ટની ગુણવત્તાનું પ્રમાણપત્ર બની રહેશે અને તમને વિદેશી ખરીદદારોને આકર્ષવામાં મુશ્કેલી નહિ પડે. આથી તમારી પ્રોડક્ટ કેટેગરીમાં ભારત સરકાર દ્વારા જે સર્ટિફિકેશન અપાતા હોય તે લઈ જ લેવા જોઈએ.

 
ree

 

નિકાસકારો માટે ECGC ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ આવશ્યકઃ

 

ભારત સરકાર એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ECGC) અંતર્ગત નિકાસકારોને પ્રોટેક્શન પૂરું પાડે છે. પ્રોડક્ટની નિકાસ કરવામાં ઘણું રિસ્ક સંકળાયેલું છે. જેમ કે, બાયર કન્સાઈન્મેન્ટ લીધા પછી પૈસા જ ન છોડે તો? આવા કિસ્સામાં ECGC અંતર્ગત ઈન્શ્યોરન્સ લીધો હશે તો તમારા માલના કુલ રકમના 2 ટકા કરતા પણ ઓછું પ્રિમિયમ ભરીને તમે આખા માલને સિક્યોર કરી શકો છો. જો તમારું પેમેન્ટ અટવાયું, કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થઈ તો તમને તમારા માલના પૂરેપૂરા રૂપિયા ECGCમાંથી મળી જશે. આથી નિકાસકારોએ ભૂલ્યા વિના ECGC પ્રોટેક્શન લઈ જ લેવું જોઈએ.

Read Previous

બાયોગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ ભારતીય અર્થતંત્રની સિકલ બદલી નાંખશે

Read Next

ગુજરાતના બિલ્ડરે રાહતનો શ્વાસ લીધો TDR પર જીએસટી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular