એમેઝોન-ફ્લિપકાર્ટ પર ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા શું કરશો?
કોરોના પછી વેપારીઓનો ઝુકાવ ચીજવસ્તુઓના ઓનલાઈન વેચાણ તરફ વધ્યો છે, પરંતુ તેની શરૂઆત કેવી રીતે કરવી?
મેળવો એમેઝોન-ફ્લિપકાર્ટ પર સેલર એકાઉન્ટ બનાવવાથી માંડીને પેમેન્ટ મેળવવા સુધીની તમામ જાણકારી

કોરોનાની મહામારીને કારણે 2020નું વર્ષ ભલે વેપાર ઉદ્યોગો માટે ખૂબ જ આકરુ પુરવાર થયું હોય પરંતુ તેણે વેપારીઓને એક શીખ તો જરૂર આપી જ છે- માર્કેટમાં ટકી રહેવું હશે તો ઓનલાઈન બિઝનેસ કરતા શીખવું પડશે. અત્યારે લોકો બહાર ખરીદી કરવા જવાનું ટાળતા હોવાથી એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા વેબપોર્ટલ પરથી ઓનલાઈન શોપિંગ કરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓના ધંધામાં લોકડાઉન બાદ 50 ટકાથી 100 ટકાનો વધારો થયો છે. લોકો ચા-ખાંડ જેવી કરિયાણાની ચીજોથી માંડીને મોંઘા મોંઘા મોબાઈલ ફોન્સ, એ.સી-ટી.વી જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, કપડા સહિતની તમામ ચીજોની ઓનલાઈન ખરીદી કરતા થઈ ગયા છે. અરે, એટલું જ નહિ, હવે તો વેપારીઓ ટાઈલ્સ, પ્લાયવુડ જેવી ચીજો પણ ઓનલાઈન વેચતા થઈ ગયા છે. ટૂંકમાં, કોઈ ચીજ એવી નથી જે ઓનલાઈન ન વેચી શકાય. તમારે બસ તેને યોગ્ય રીતે ગ્રાહકો સુધી પહોંચાડવાની છે. એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા પોર્ટલ્સ પરથી બિઝનેસ શરૂ કરવો સાવ આસાન છે. તમે પણ ઘેર બેઠા તમારું વેપારી તરીકે રજિસ્ટ્રેશન કરાવીને માલનું ઓનલાઈન વેચાણ શરૂ કરી શકો છો. શા માટે ઓનલાઈન બિઝનેસ? ઓનલાઈન બિઝનેસના અનેક ફાયદા છે. તેમાં તમારે દુકાન ખરીદવાની, માલ રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થા કરવાની કે એક્સ્ટ્રા સ્ટાફ રાખવાની જરાય ચિંતા કરવી નથી પડતી. આ બધી વ્યવસ્થા તમે જે વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવો તે કરે છે. જથ્થાબંધ વેપારીઓ માટે તો ઓનલાઈન બિઝનેસ વિશેષ આશીર્વાદરૂપ છે કારણ કે આમાં તેમણે રિટેલર કે ડિસ્ટ્રિબ્યુટર સાથે કોઈ માથાકૂટ કરવી પડતી નથી. તેઓ તેમનો માલ સીધો ઓનલાઈન પોર્ટલ પરથી વેચી શકે છે. તમને એક સાથે આખી દુનિયાના કરોડો ગ્રાહક સુધી પહોંચવાની અને ગ્રાહકો સાથે સીધેસીધા જોડાવાની તક મળે છે. એટલે કે અમેરિકામાં બેઠેલો ગ્રાહક પણ તમે અમદાવાદમાં બનાવેલી ચીજ તેને ગમી જાય તો ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકે છે. પ્રોડક્ટમાં ગ્રાહકોને કોઈ શંકા કે ફરિયાદ હોય તો તે રિવ્યુ કે કોમેન્ટમાં લખીને તમારા સુધી પહોંચાડી શકે છે અને તમને પણ તેનો સીધો ખુલાસો કરવાની તક મળે છે. શા માટે એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા પોર્ટલ્સ પરથી જ બિઝનેસ કરવો જોઈએ? તમે ઘણીવાર સમાચાર વાંચ્યા જ હશે કે ઓનલાઈન મોંઘી ચીજ મંગાવીને ગ્રાહકો છેતરાયા. જેમ કે, મોબાઈલ ફોનની જગ્યાએ પથરા નીકળ્યા વગેરે. હવે, ગુગલ પર હજારો વેબસાઈટ્સ છે જે માલનું ઓનલાઈન વેચાણ કરે છે. પરંતુ દરેકે દરેક વેબસાઈટ વિશ્વાસપાત્ર નથી. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે ઓનલાઈન વેચાણ ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડ બની ગયા છે. તેમની લોકપ્રિયતા યથાવત્ રહે અને તેમના ગ્રાહકોની સંખ્યામાં અવિરત વધારો થયા કરે તે માટે તેઓ ખૂબ જ સજાગ છે અને સતત પ્રયત્નશીલ છે. આથી આવા વેબ પોર્ટલ્સ સાથે બિઝનેસ કરવાથી વેપારી અને ગ્રાહક બંનેને છેતરાવાની શક્યતા ઓછી રહે છે. આ ઉપરાંત મોટા પોર્ટલ્સ સાથે બિઝનેસ કરવાથી અથથી ઈતિ સુધી પારદર્શકતા રહે છે. આટલું જ નહિ, ન તો વેપારીનો માલ અટવાય છે અને ન તો પેમેન્ટ. શરૂઆત કેવી રીતે કરવી? ફ્લિપકાર્ટ કે એમેઝોન પરથી તમારા માલનું વેચાણ કરવા માટે તમે https://sellercentral.amazon.in/ અને https://seller.flipkart.com/sell-online/ વેબસાઈટ પર જઈને વેપારી તરીકે તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધણની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને આ માટે તમારે કોઈ ફિઝિકલ દસ્તાવેજ સબમિટ કરવાના નથી. જે દસ્તાવેજો કે વિગતો માંગે તે ઓનલાઈન અપલોડ કરશો એટલે તમારુ વેપારી તરીકે એકાઉન્ટ બની જશે. તમે પ્રોપ્રાઈટર હોવ તો પ્રોપ્રાઈટરશીપના સરકારી દસ્તાવેજો, GST નંબર, બેંક એકાઉન્ટ ડિટેઈલ્સ, કેન્સલ્ડ ચેક વગેરે વિગતો તમારે ઓનલાઈન સબમિટ કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. જો તમારી ખાનગી કંપની હોય તો તમારે MoU, ઈન્કોર્પોરેશન સર્ટિફિકેટ, GST નંબર, બેંક એકાઉન્ટ ડિટેઈલ્સ વગેરે સબમિટ કરવાના રહેશે. આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને પોર્ટલ તરફથી એક યુનિક સેલર એકાઉન્ટ નંબર આપવામાં આવશે. આ એકાઉન્ટ ઉપરથી તમે તમારા માલનું વેચાણ કરી શકશો. પ્રોડક્ટ્સ કેવી રીતે અપલોડ કરવી?

નીરજ મહેતા, બિઝનેસ ડેવલપર, સ્વસ્થ આરોગ્ય
ઓનલાઈન પોર્ટલ્સ પરથી માલનું વેચાણ કરતા ‘સ્વસ્થ આરોગ્ય’ના બિઝનેસ ડેવલપર ઑફિસર નીરજ મહેતા પ્રોડક્ટ્સ અપલોડ કરવા અંગે માહિતી આપતા જણાવે છે, “જો તમારી બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય તો તમે બ્રાન્ડ એક્ઝેમ્પશન લઈ શકો છો. આ એક્ઝેમ્પશન મળ્યા બાદ તમારે બારકોડ વગેરે વિગતો આપવાની જરૂર રહેતી નથી. બ્રાન્ડ એક્ઝેમ્પશન લેવા માટે તમારે બ્રાન્ડ રજિસ્ટ્રેશન કરવા માટે આપેલા તમામ દસ્તાવેજો, પ્રોડક્ટની ઈમેજનો લોગો, તમે રિસેલર છો, ઉત્પાદક છો કે સપ્લાયર તેની વિગતો આપવી પડશે. જો બ્રાન્ડેડ પ્રોડક્ટ ન હોય તો તમારે બારકોડ નંબર સહિત તેના મેનુફેક્ચરર, સપ્લાયર વગેરેની તમામ વિગતો સબમિટ કરવી પડશે. આ પોર્ટલ્સ દ્વારા પ્રોડક્ટના કેવા ફોટા અપલોડ કરવા તેની ખાસ ગાઈડલાઈન આપવામાં આવે છે. જેમ કે, પ્રોડક્ટનો ફોટો લેવાયો હોય તેનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ જ હોવું જોઈએ. આ સાથે તેના ડાઈમેન્શન્સની વિગતો પણ કંપની પૂરી પાડે છે. પ્રોડક્ટ અપલોડ કરવા સાથે તમારે તેનું ડિસક્રિપ્શન અને પ્રોડક્ટની વિગતો સબમિટ કરવી પડે છે. આટલું જ નહિ, પોર્ટલ્સ એડવાન્સમાં જ વેપારીને પૂછી લે છે કે તે આ પ્રોડક્ટ ઓછામાં ઓછા કેટલા ભાવમાં વેચવા તૈયાર છે. આથી જો પોર્ટલ્સ પર સેલ આવે તો તેઓ એ મુજબ પ્રોડક્ટને પ્રમોટ કરે છે.” વેપારી આટલી વિગતો આપે પછી તેની ખરાઈ એમેઝોન-ફ્લિપકાર્ટના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તેઓ રિવ્યુ બાદ અપ્રુવ કરે પછી જ પ્રોડક્ટ એમેઝોનના પોર્ટલ પર દેખાય છે. ગ્રાહક સુધી માલ પહોંચાડવાની જવાબદારી કોની? સામાન્ય રીતે એમોઝન-ફ્લિપકાર્ટ જેવા મોટા પોર્ટલ્સ પોતાના વેરહાઉસ રાખતા હોય છે. તમારે સેલર એકાઉન્ટ ઉપરથી તમે કયો અને કેટલો માલ મોકલાવા માંગો છો તેનું ફોર્મ ભરવાનું રહે છે. તમે 1 નંગથી માંડીને ઈચ્છો તેટલો માલ ગોડાઉનમાં મોકલાવી શકો છો. આ સાથે જ પોર્ટલ તરફથી તે માલ તમે જણાવેલા લોકેશન પરથી કયા સમયે પિક અપ થશે તેની માહિતી આપી દેવામાં આવે છે. તમારે બસ એ સમયે માલ તૈયાર રાખવાનો હોય છે. માલ કેટલી જગ્યા રોકે છે તેના આધારે તેઓ વેરહાઉસ ચાર્જ વેપારી પાસેથી વસૂલે છે. પરંતુ પહેલી વાર પોર્ટલ પર બિઝનેસ રજિસ્ટર કરાવનાર વેપારીને પહેલા ત્રણ મહિના ફ્રીમાં ગોડાઉનની સુવિધા આપવામાં આવે છે. જો તમારુ વેરહાઉસ હોય તો તેના પરથી પણ કંપની જે-તે ચાર્જ વસૂલીને માલ પિક-અપ કરી લે છે. પ્રોડક્ટનું વજન કેટલું છે, ડિલીવરીનું લોકેશન શું છે તેના આધારે કૂરિયરનો જે ખર્ચ થાય તે વેપારીએ ભોગવવાનો રહે છે પરંતુ માલની ડિલીવરીની સંપૂર્ણ જવાબદારી વેબ પોર્ટલ પોતે લે છે. ગ્રાહક પ્રોડક્ટ રિપ્લેસ કે રિટર્ન કરે તો તેનો કૂરિયર ચાર્જ પણ પોર્ટલ વેપારી પાસેથી વસૂલે છે. પેમેન્ટ કેવી રીતે મળે છે? મોટા પોર્ટલ્સ સામાન્ય રીતે પેમેન્ટની એક સાઈકલ નિશ્ચિત કરે છે અને એ મુજબ વેપારીના ખાતામાં નિશ્ચિત તારીખે કે પછી અઠવાડિયાના નિશ્ચિત દિવસે પેમેન્ટ જમા થઈ જાય છે. જો ગ્રાહકે કેશ ઑન ડિલિવરીનો ઓપ્શન પસંદ કર્યો હોય તો ડિલિવરીના પંદર દિવસ બાદ રકમ વેપારીના ખાતામાં જમા થાય છે. જો વેપારીના ખાતામાંથી રૂપિયા કપાય તો તે ક્યાં કપાયા તેની બધી જ વિગતો પારદર્શક રીતે પોર્ટલ વેપારીને પૂરી પાડે છે. જો તમને પેમેન્ટને લઈને કોઈ સંશય હોય તો તમે તમારા સેલર એકાઉન્ટ ઉપરથી જ ક્વેરી રેઈઝ કરી શકો છો. જો કે લોકડાઉન પછી પોર્ટલોએ પોતાના કૉલ સેન્ટર્સ બંધ કરી દેતા આ પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને વેપારીઓને ઈ-મેઈલ પર જવાબ મેળવવામાં દિવસોનો સમય લાગી જાય છે. જો કે નીરજ મહેતા જણાવે છે, “ઓનલાઈન બિઝનેસ સેફ એટલા માટે છે કે તેમાં વેપારીનો રૂપિયા કે માલ ડૂબવાની શક્યતા નહિંવત્ છે. બજારમાં ઉધારી પર ધંધો કરવામાં માલ અને પૈસા બંને ડૂબવાની શક્યતા રહે છે જ્યારે સારા પોર્ટલ્સ સાથે બિઝનેસ કરવાથી વહેલા નહિ તો મોડા માલ અને પૈસા બંને સુરક્ષિત રીતે વેપારી સુધી પહોંચી જ જાય છે.” પ્રોડક્ટ્સ વેચતા સાવચેતી રાખવી જરૂરીઃ ફ્લિપકાર્ટ-એમેઝોન જેવી ટોચની બ્રાન્ડ્સ તેમના પોર્ટલ પર વેચાતી વસ્તુઓની ગુણવત્તા અંગે ખૂબ જ સજાગ હોય છે. જો કોઈ પ્રોડક્ટ ખરાબ નીકળે તો તેનું નોટિફિકેશન તરત જ વેપારીને મોકલવામાં આવે છે. ફોટા કરતા બીજી પ્રોડક્ટ ગ્રાહકને મોકલવામાં આવી હોય, ગુણવત્તા ખરાબ હોય, પેકિંગ પર લખાણ કે સ્ટીકર હોય તેના કરતા પ્રોડક્ટ જુદી હોય, રંગ જુદો હોય વગેરે જેવી ગ્રાહકોની ફરિયાદ 1 ટકાથી વધે તો પોર્ટલ વેપારીને બેન કરી દે છે. આ ઉપરાંત ગ્રાહક પ્રોડક્ટ ઉપર કોઈ ખરાબ કોમેન્ટ કરે કે ખુલાસો માંગે તો સેલરે તેનો 24 કલાકની અંદર અંદર જવાબ આપવો પડે છે. જો વેપારી જવાબ ન આપે અને આવું 2થી 5 ટકા કરતા વધુ કેસમાં થાય તો પણ પોર્ટલ વેપારીનું એકાઉન્ટ સસપેન્ડ કરી દે છે. એકાઉન્ટ બેન થાય કે સસ્પેન્ડ થાય તો તેમાં વેપારીની પોર્ટલ પાસે જેટલી ક્રેડિટ લેવાની બાકી હોય તે રકમ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અટવાઈ પડે છે. આ રીતે કોઈ વેપારી ફ્રોડ કરવા જાય તો તેને પણ ઝડપી પાડવાની સજ્જડ વ્યવસ્થા પોર્ટલોએ વિકસાવી છે. જો તમે પ્રતિસ્પર્ધીઓની પ્રોડક્ટ્સ અંગે ખોટા રિવ્યુ લખાવશો કે પછી તમારી પોતાની પ્રોડક્ટ વિષે પણ ફેક રિવ્યુ લખાવશો તો તે પકડી પાડવાની વ્યવસ્થા પણ પોર્ટલે કરી જ છે. આવા વેપારીઓને પોર્ટલ બેન કરી દે છે અને તેમની ક્રેડિટના પૈસા અટવાઈ જાય છે. આથી ઓનલાઈન છેતરપિંડીની શક્યતા ઓછી છે. તમારી પ્રોડક્ટ ગ્રાહકને પોર્ટલ પર સૌથી ઉપર કેવી રીતે દેખાય? તમે ઓનલાઈન ખરીદી કરતા હશો તો તમને ખબર જ હશે કે પોર્ટલ્સ પર એક જેવી જ હજારો વસ્તુઓ મળતી હોય છે. તેમાંથી સૌથી ટોચ ઉપર જે પ્રોડક્ટ્સ દેખાતી હોય તેની વધારે ખરીદી થાય છે. આવામાં તમારી પ્રોડક્ટ પોર્ટલ પર સૌથી ઉપર કેવી રીતે દેખાઈ શકે? ‘સ્વસ્થ આરોગ્ય’ના નીરજ મહેતા જણાવે છે, “તમે જેમ ન્યુઝપેપરમાં એડ આપો તેમ આ પોર્ટલ્સ પર પણ તમારી પ્રોડક્ટની એડ આપો તો તે સૌથી ટોચ ઉપર દેખાશે. ઓનલાઈન વેચાણનો એક માત્ર ગેરફાયદો એ છે કે ત્યાં એક સાથે ગ્રાહકોને અનેક પ્રોડક્ટ્સ નજર સામે દેખાય છે. એટલે ઘણી વાર એવું પણ બને કે તે તમારી પ્રોડક્ટ ખરીદવા આવ્યો હોય અને બીજા કોઈની પ્રોડક્ટ ખરીદીને જતો રહે. જો કે સરવાળે ઓનલાઈન એડ આપીને પ્રોડક્ટ્સ વેચવી સસ્તી પડે છે. માણસ એકલે હાથે ઓનલાઈન બિઝનેસ ચલાવી શકે છે. આ માટે તેણે કોઈ એક્સ્ટ્રા સ્ટાફ રાખવાની પણ જરૂર નથી. બસ, જરૂર છે તો સમયાંતરે પોતાના સેલર એકાઉન્ટ પર આવતા નોટિફિકેશન્સને ચેક કરતા રહેવાની અને સમયસર જરૂરી પગલા ભરવાની.” ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માટે ટ્રેનર્સ પણ ઉપલબ્ધઃ

કિશોર જોગ, ટ્રેનર, એમેઝોન
ઓનલાઈન બિઝનેસ શરૂ કરવો સરળ જ છે પરંતુ તેને લઈને વેપારીને સો પ્રશ્ન કે મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે. શરૂઆતના તબક્કામાં વેપારીને સપોર્ટ આપવા માટે એમેઝોન-ફ્લિપકાર્ટ દ્વારા ટ્રેનર્સની સુવિધા પણ આપવામાં આવે છે. એમેઝોનના ટ્રેનર કિશોર જોગ છેલ્લા પાંચ વર્ષમાં 2700થી વધુ વેપારીઓને ઓનલાઈન બિઝનેસ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેઓ જણાવે છે, “અમે એમેઝોન તરફથી પહેલા બે મહિના દરમિયાન વેપારીને ફ્રી સપોર્ટ આપીએ છીએ. તેમાં વેબસાઈટ પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું ત્યારથી માંડીને, જીએસટીની વિગતો કેવી રીતે ભરવી, એડ કેવી રીતે આપવી, વેરહાઉસમાં માલ કેવી રીતે પહોંચે, ડિસ્પેચ થાય, પેમેન્ટની કેવી સિસ્ટમ છે તે બધું જ અમે વેપારીઓને શીખવીએ છીએ. અમે વેપારીઓની પ્રોફાઈલ ક્રિએટ કરી આપીએ છીએ, પ્રોડક્ટ લિસ્ટિંગ, અપલોડિંગ, રજિસ્ટ્રેશન વગેરે તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ.” ટૂંકમાં, જો તમને ઓનલાઈન માલ વેચવા અંગે મૂંઝવણ હોય તો તેના બધા જ જવાબ તમને આ ટ્રેનર્સ પાસે મળી જશે. વળી, તેઓ તમારી પ્રોડક્ટ વધારે વેચાય તેવી એડ બનાવી આપવામાં પણ તમારી મદદ કરશે.