કઈ ઈન્શ્યોરન્સ પોલીસી વધુ ફાયદાકારક? ફાયર કે પછી ઓલ રિસ્ક કવરેજ?
જાણો એવી ઈન્શ્યોરન્સ પોલીસી વિષે જે ફેક્ટરી માલિકોના બધા જ ટેન્શન હળવા કરી શકે છે.
પોલીસી પસંદ કરતાં પૂર્વે પોલીસી વેચનાર કંપનીના એજન્ટ પાસેથી તેના અંગેની બારીકમાં બારીક વિગતો સમજી લઈને તેની લેખિત નોંધ કરી એજન્ટ અને પોલીસી ધારક બંનેની સહી તેના પર કરીને તે પેપર્સ ફાઈલમાં સાચવી રાખવા જરૂરી છે.

તમારા ફ્લેટ કે બંગલાને અડોઅડ આવેલી ઇમારત કડડડડભૂસ થઈને પડે અને તેનો કાટમાળ તમારા બંગલા કે ફ્લેટ પર ધસી આવે અને તમારી ઇમારત પણ બેસી જાય તો શું તમને તેને માટે વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે કે નહિ? કોઈ હાઈટેક લાઈનમાં ભૂલથી એક સ્પાનર પડે અને તેને કારણે આખી લાઈન રોકાઈ જાય અને લાખો રૂપિયાનું નુકસાન થાય તો તેનો વીમો મળે ખરો? શું ઓવર હેડ ક્રેન ઓપરેટરથી ભૂલથી ભારે વસ્તુ કે મશીન પડી જાય અને એ મશીન તૂટી જાય તો રિપેર કે રિપ્લેસમેન્ટનો ખર્ચો મળી શકે ખરો? આ પ્રકારના અનેક સવાલો ફેક્ટરી માલિકોને કે પછી કોર્પોરેટ્સને મૂંઝવી રહ્યા છે. તમને જાણીને ખુશી થશે કે આ તમામ કિસ્સાઓમાં વીમાનો ક્લેઈમ મળી શકે છે. આ ક્લેઈમ મળે તેની ખાતરી કરવા માટે તમારે ઇન્ડસ્ટ્રીયલ ઓલ રિસ્ક તરીકે ઓળખાતી પોલીસી લેવી પડે. ટ્રેડિશનલ ફાયર પોલીસીમાં કુદરતી આફતો, આગ લાગવી, સ્ટ્રાઈક-હડતાલ જેવી તમામ બાબતોને કારણે થનારા ડેમેજનું વળતર મળી શકે છે. તમારા ઔદ્યોગિક એકમોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને કારણે જો અકસ્માત થાય તો ફાયર પોલીસીમાં ક્લેઈમ મળતો નથી.. તેથી જ ફેક્ટરી અને કંપની માલિકોમાં ઇન્ડસ્ટ્રીલ ઓલ રિસ્ક પોલીસી લેવાનું વલણ અને ચલણ વધ્યું છે. આ પોલીસી જો ઔદ્યોગિક એકમનું ટોટલ રિસ્ક રૂ. 100 કરોડથી વધુ રકમનું હોય એટલે કે સમ ઇન્સ્યોર્ડ રૂ. 100 કરોડથી વધારે હોય તો જ ઇન્શ્યોરન્સ કંપનીઓ આ પોલીસી આપી શકે છે. આ પોલીસીમાં મશીનરી બ્રેકડાઉનનું કવરેજ પણ સાથે જ મળી જાય છે.
નામ પ્રમાણે જ ઇન્ડસ્ટ્રીયલ ઓલ રિસ્ક પોલીસી એ ઇન્શ્યોરન્સની ભાષામાં તમામ પ્રકારના જોખમોને કવર કરી લઈને ઉદ્યોગોને કોઈપણ જાતના મોટા નુકસાન સામે રક્ષણ આપે છે. તેનો મતલબ એ થયો કે આકસ્મિક રીતે કોઈપણ ફિઝિકલ ડેમેજ પ્રોપર્ટીને કે મશીનને થાય તો તેના રિઇન્સ્ટેટમેન્ટ પ્રમાણેના ક્લેઈમ વીમા કંપનીઓ પાસેથી મેળવી શકાય છે. આ પોલીસીમાં 15 ટકા જેટલા અન્ડર ઇન્શ્યોરન્સ ના વેઈવર એટલે કે જતું કરવાની સુવિધા છે. આ પોલીસી લેનારાઓને ચોરી, લૂંટનું કવરેજ પણ મળી જાય છે. તેથી તેને માટે અલગ પોલીસી લેવાની જરૂર ઊભી થતી નથી. આ પોલીસીમાં ટ્રેડિશનલ ફાયર પોલીસી કરતાં વધુ જોખમને કવર કરી લેવામાં આવે છે. આ પોલીસીમાં મિનિમમ એક્સેસ પોલીસી ડિડક્ટિબલ 5 લાખ રૂપિયા છે. બીજા શબ્દોમાં કહીએ તો રૂ. 5 લાખ રૂપિયા સુધીનો જ ક્લેઈમ હોય તો તેમને તે મળતો નથી. રૂ. 5 લાખથી વધુનો ક્લેઈમ હોય તો જ તે મળવાપાત્ર ગણાય છે. રૂ. 100 કરોડનો વીમો લીધો હોય તો રૂ. 5 લાખ સુધીની રકમનો ક્લેઈમ સ્વીકારવામાં આવતો નથી. વીમાની રકમ વધતી જાય તેમ તેમ આ રકમમાં વધારો થઈ શકે છે. પરંતુ એટલો મોટો વધારો થતો નથી.
આ પોલીસીમાં મશીનરીની વેલ્યુનું સિલેક્શન કરવું પોસીબલ જ નથી. ઔદ્યોગિક એકમમાં એસેટ રજિસ્ટરમાં આપવામાં આવેલી તમામ પ્લાન્ટ અને મશીનરી કે કેપિટલાઈઝ થયેલી હોય તે તમામ વસ્તુઓની કુલ રકમનો ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે. જો મશીનરીમાં ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ અકસ્માત સર્જાય તો તેના રિપેરિંગ કે રિપ્લેસમેન્ટનો ખર્ચો પણ આ પોલીસી હેઠળ મળી શકે છે. રિપેરિંગ કરાવવામાં વપરાયેલા મટિરિયલ, લેબર અને ટ્રાન્સપોર્ટનો પણ તમામ ખર્ચ મળે છે. ડી.જી. સેટ, ગિયર બોક્સ, ટ્રાન્સફોર્મર પેનલ અને વિવિધ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં નાના-મોટાં આકસ્મિક લૉસ આવતા જ રહેતા હોવાનું જોવા મળે છે. જો રિપેરેબલ લોસ હોય તો પૂરો ખર્ચો મળે છે અને જો રિપ્લેસમેન્ટ કરવું પડે તો મશીનરીની ડેપ્રિશિયેશન વેલ્યુને ધ્યાનમાં રાખીને ક્લેઈમ સેટલ કરી આપવામાં આવે છે.
આ પોલીસીમાં ફાયર લૉસ ઓફ પ્રોફિટ અને મશીનરી લોસ ઓફ પ્રોફિટની સેક્શન પણ રાખવામાં આવેલી છે. આ કલમ પ્રમાણે જેટલો સમય ફેક્ટરી બંધ રહી તે સમયનો નેટ પ્રોફિટ અને સ્ટેન્ડિંગ ચાર્જિસ ઇન્શ્યોરન્સ કંપની ચૂકવે છે. કંપની તમામ રિસ્કને કવર તો કરે છે, પરંતુ પ્રીમિયમ પણ તગડું લે છે. રૂ. 100 કરોડની પોલીસી માટે રૂ. 50 લાખનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ સંજોગોમાં ક્લેઈમ વખતે કોઈ જ વાંધો ન આવે તે જોવું પણ એટલું જ જરૂરી છે. ફેક્ટરી માલિકો અને કંપનીના માલિકો માટે ઇન્ડસ્ટ્રીયલ ઓલ રિસ્ક પોલીસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે. હા, પોલીસી લેતા પૂર્વે દરેક વ્યક્તિએ તે પોલીસીની બારીકમાં બારીક વિગતોને સમજી લેવી જોઈએ. શક્ય હોય તો તમને સમજાવવા આવનારા એજન્ટ પાસેથી સમજીને તેની લેખિત નોંધ કરી લઈને તેના પર પોલીસી લેનાર અને પોલીસી વેચનાર એજન્ટ બંનેની સહી, તારીખ અને સ્થળની વિગતો નોંધી લેવી જોઈએ. આ બાબતમાં દરકાર નહિ રાખવામાં આવે તો લાખોનું પ્રીમિયમ ચૂકવ્યા બાદ ક્લેઈમ લેવા જતી વેળાએ મોટું પ્રીમિયમ ચૂકવ્યાનો અફસોસ થાય એવું બને.