• 8 October, 2025 - 10:05 PM

કડક, મીઠી અને ખુશ્બુદાર ચાના ભાવ 2021ના વર્ષમાં સ્થિર રહેશે

કોરોનાના કારણે ચાનું ઉત્પાદન ઠપ થયું; હોટેલ, રેસ્ટોરાં અને કીટલી પર ચાની ખપત બંધ થઈ ને વપરાશ ઘટ્યો છતાંય કિલોદીઠ ભાવમાં રૂ. 80થી 100 ટકાનો વધારો થયો છેઃ અશોક રેલિયા
 
2021ના વર્ષમાં નોર્મલ સપ્લાય ચાલુ થયો હોવા છતાંય બ્લેન્ડર્સની પડતર કિંમતમાં વધારો થઈ ગયો હોવાથી વધેલા ભાવમાં કોઈ જ ઘટાડો થવાની શક્યતા જણાતી નથીઃ વિરેન શાહ
 
ree

 

અર્થતંત્રમાં સામાન્ય રીતે ડિમાન્ડ અને સપ્લાયના આધારે કોઈ પણ ચીજના ભાવ નિશ્ચિત થાય છે. પરંતુ ચાના બજાર માટે કોરોનાએ અર્થતંત્રનું આ મૂળભૂત ગણિત પણ ખોરવી નાંખ્યું છે. 2020નું વર્ષ ચાના ઉત્પાદન માટે તો સાવ ફ્લોપ જ રહ્યું છે. 2019ની તુલનાએ 2020માં ચાના ઉત્પાદનમાં 140 મિલિયન કિલોનો ઘટાડો જોવા મળ્યો છે. લૉકડાઉનને કારણે બે-ત્રણ મહિના ટી ગાર્ડન સાવ જ બંધ રહ્યા હતા. જુલાઈ-ઓગસ્ટમાં આસામમાં વરસાદ ભારે પડ્યો હતો. પૂરે તારાજી સર્જી હતી. તેને પરિણામે પણ ચાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેથી દેશના બજારોમાં ચા પહોંચી નહોતી. ટ્રાન્સપોર્ટેશન ન હોવાથી નવો માલ જ માર્કેટમાં આવ્યો નહતો. બીજી બાજુ એક્સપોર્ટ પણ 30 મિલિયન કિલો ઓછું થયું છે.

 

વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિયેશન-WITDA (વિટડા)ના વાઈસ પ્રેસિડન્ટ અશોક રેલિયાનું કહેવું છે કે 2020ના વર્ષમાં ચાના વપરાશમાં ખાસ્સો ઘટાડો થયો છે. ચા ની કીટલીઓ સાવ જ બંધ રહી હતી. રેસ્ટોરાં અને હોટેલ્સ પણ બંધ જ રહ્યા હતા. તેથી કન્ઝમ્પશનમાં ઘટાડો થયો હતો. આ જોતાં બાર મહિનામાં 80થી 90 મિલિયનની શોર્ટેજ રહી છે. તેથી 2020ના વર્ષનો કેરી ફોરવર્ડ સ્ટોક રહ્યો જ નથી. સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભારતમાં 1100 મિલિયન કિલોગ્રામ ચાનો વપરાશ થાય છે. હાલ એક મહિના એટલે કે 90 મિલિયન કિલોગ્રામ જેટલો સ્ટોક ઓછો છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિચા ટી ટ્રેડર્સ એસોસિયેશનના સિનિયર કમિટી મેમ્બર અશોક રેલિયાનું કહેવું છે કે, “બીજી તરફ નવી સીઝન સમયસર છે. માર્ચ મહિનાથી નવું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે. શરૂઆતમાં ધીમી ઝડપથી સેમ્પલ્સ આવી રહ્યા છે. આસામ, વેસ્ટબેન્ગાલ અને કચાર ડિસ્ટ્રીક્ટમાંથી હવે સેમ્પલ્સ આવવા માંડ્યા છે. આ સંજોગોમાં ચાની ક્વોન્ટિટીની અછત બહુ લાંબો સમય જોવા મળશે નહિ. બહુ જ જલદી બજારમાં નવો સપ્લાય આવી જતાં અછત દૂર થઈ જશે. ચાના ઉત્પાદન કેન્દ્રોમાં આબોહવા પણ અત્યારે અનુકૂળ થઈ ગઈ છે. તેથી ચાના ભાવ વધી જવાની શક્યતા ઓછી જ છે.” જુલાઈ-ઓગસ્ટ 2020ના ગાળામાં વરસાદને કારણે સપ્લાય અટકી જતાં લોકોમાં પેનિક સર્જાતા ચામાં એકાએક મોટી લેવાલી નીકળી હતી. આ માલ અત્યારે ઘરઘરમાં વપરાઈ રહ્યો છે. હવે નવા માલનો સપ્લાય ચાલુ થતાં કોઈ જ અછત જોવા મળે તેમ જણાતું નથી.

 

ચાની શોર્ટેજની અસર 2021ના વર્ષમાં બજારમાં જોવા મળશે નહિ. ગયા વર્ષે હોલસેલરોએ 70 ટકા જેટલા ઊંચા ભાવ આપીને એટલે કે રૂ. 80થી રૂ. 100 ચૂકવીને માલ લેવો પડ્યો હતો. અમુક સંજોગોમાં તો આ ભાવ રૂ. 150ને આંબી ગયા હતા. ઊંચા ભાવે ચા ખરીદનાર હોલસેલરોની માલની પડતર કિંમત ખાસ્સી ઊંચી જ છે. રિટેઈલર્સ અને બ્લેન્ડર્સે કન્ઝ્યુમર માટે સપ્લાય ચાલુ રાખવો પડ્યો હતો. તેમણે તે તબક્કે લૉસ કરીને પણ ત્રણ મહિના ચા વેચી હતી. તેમની પાસે આજેય ઊંચા ભાવનો થોડો સ્ટોક પડ્યો હોવાની શક્યતા છે. ત્યારબાદ બજારમાં નોર્મલસી આવી ત્યારે વધેલા ભાવ પૂરા ન ઘટ્યા પણ 40 ટકા જેટલા ઘટી ગયા તેથી તેમને રાહત મળી છે. છતાંય 2019ના વર્ષની ખરીદી કરતાં તેમની 2020ની એવરેજ ખરીદ કિંમત ખાસ્સી ઊંચી થઈ ગઈ હતી. તેથી કિલોએ અંદાજે રૂ. 60 જેટલી એમઆરપી વધી ગઈ છે. પરંતુ તેમની પડતર તો તેનાથીય રૂ. 20 ઊંચી પહોંચી ગઈ હતી. હા, આ ગેપ 2021ના અંત સુધીમાં પુરાઈ જવાની શક્યતા છે. જૂન 2021 સુધી તો ડિમાન્ડ અને સપ્લાય સમાંતર સપાટીએ ચાલતો રહેવાની ગણતરી રાખવામાં આવી રહી છે. જુલાઈ પછી સપ્લાય ખાસ્સો વધી જવાની સંભાવના છે. તેની સામે ડિમાન્ડમાં વધારો જોવા મળશે નહિ. ત્યારબાદ બજારમાં સ્થિરતા આવી શકે છે. બજારમાં ચાની અછત ભલે નહિ રહે, પરંતુ ભાવ નીચા આવી જવાની પણ કોઈ ગુંજાઇશ અત્યારની સ્થિતિમાં જણાતી નથી. કારણ કે બ્લેન્ડર્સ પાસે ઊંચા ભાવનો સ્ટોક પણ છે અને ઉપરથી પણ ક્વોલિટી માલની ખરીદી કરવાની હજી બાકી છે. જોકે બધાં પાસે બહુ મોટો ક્વોલિટી સ્ટોક નથી. અગાઉના વરસોની વાત કરવામાં આવે તો આ તબક્કે દરેક બ્લેન્ડર્સ પાસે થોડો સ્ટોક પણ છે. અત્યારે મોટી ડિમાન્ડ પણ નથી. લૉક ડાઉનના વર્ષમાં ઉત્પાદનમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં ચાની નિકાસનું મોટું બજાર છે. ગયા વર્ષે તેને પણ જબરદસ્ત ફટકો પડ્યો હતો. સરેરાશ 230થી 250 મિલિયનના એક્સપોર્ટ સામે ગયા વર્ષે ફક્ત 190 મિલિયન જેટલી જ નિકાસ થઈ છે. આસામની તાજગીનો અહેસાસ કરાવતી જીવરાજ નાઈન ટી ગ્રુપના ચરમેન વિરેન શાહ કહે છે કે, “2020ના વર્ષમાં ચાની નિકાસમાં 15થી 18 ટકાનો ઘટાડો થયો છે.” તદુપરાંત હોટેલ-રેસ્ટોરાં અને કીટલીઓ લૉકડાઉનમાં બંધ રહેતા વપરાશ પણ ઘટ્યો હતો. 90 મિલિયન કિલોની શોર્ટેજ સામે 1350થી 1400 મિલિયન કિલોનો નવો ફાલ તૈયાર થવાની ગણતરી છે. ચાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. હિમાચલમાં નજીવો પાક થાય છે. આ વરસે નોર્મલ પ્રોડક્શન રહે તો પણ ભાવ સ્થિર રહેશે. કોરોના પછી લેબર કોસ્ટ ઊંચી ગઈ છે અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધી છે. રિટેઈલમાં ટોપ કેટેગરીની ક્વોલિટી-પ્રીમિયમ કેટેગરીની ચાના ભાવ રૂ.480 ની આસપાસના છે. જીવરાજ નાઈન, રોયલ કપ ગિરનાર, સોસાયટી ટી, વાઘબકરી ચાની ગણતરી પ્રીમિયમ બ્રાન્ડમાં થાય છે. ગુજરાત, મુંબઈ અને પૂણેમાં તેની ખાસ્સી લેવાલી રહે છે. સતારા, સાંગલી અને જાલનામાં પણ મમરી ચાને બદલે પ્રીમિયમ ભૂકી વધુ વેચાય છે. રાજસ્થાન મધ્ય પ્રદેશમાં સેમિ પ્રીમિયમ ચાલે છે. પ્રીમિયમ કેટેગરીમાં ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછો છે. 45 વર્ષથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક રેલિયા જણાવે છે કે પ્રીમિયમનો બજાર હિસ્સો 25થી 30 ટકાની આસપાસનો જ છે. પ્રીમિયમમાં ડિમાન્ડ અને સપ્લાય સમાંતર લેવલે ચાલે છે. પ્રીમિયમ ક્વોલિટીની ચાનું પ્રોડક્શન પણ વધારે નથી. સેકન્ડ કેટેગરીની ચાના ભાવ રૂ. 380ની આસપાસના છે. તેમાં વપરાશ વધુ રહે છે. તેમાં કડક ચાની મસ્તી માણવા મળે છે. પ્રીમિયમનો ટેસ્ટ ન મળે, પણ કલર અને કડકાશ મળી રહે છે. સેકન્ડ કેટેગરીમાં 50 ટકા જેટલું ઉત્પાદન છે. ત્રીજી એવરેજ ક્વોલિટી છે. તેના ભાવ રૂ. 280ની આસપાસના રહેશે. વધુ મસાલો અને ખાંડ નાખીને પીનારાઓને આ ક્વોલિટીની ચા ચાલે છે. ગુજરાતમાં તેનું વેચાણ ઓછું છે. બિહાર ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં તેનું વેચાણ છે. સેકન્ડ અને મિડિયમ કેટેગરીમાં ડિમાન્ડ અને સપ્લાય સ્ટેબલ છે. તેના ભાવમાં પણ કોઈ મોટી વધઘટ જોવા મળશે નહિ. ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશનના ચેરમેન વિરેન શાહ પણ ભાવ સ્થિર રહેવાની વાતને સમર્થન આપે છે. તેમનું કહેવું કહેવું છે કે, “ભાવમાં ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળે તેમ જણાતું નથી. બ્લેન્ડર્સની પડતર કિંમત વધી છે. તેથી ભાવ ઘટવાની કોઈ જ ગુંજાઈશ જણાતી નથી. 2021ના વર્ષમાં ચાનું માર્કેટ સ્ટેડી રહેશે. કોરાનાની કાળની શોર્ટેજ હજી ચાલુ જ છે.” ભારતમાં ચાનું ઓક્શનથી જ વેચાણ થાય છે. ઓક્શનના સેન્ટરોમાં કોલકાતા, ગુવાહાટી અને સિલિગુડી મુખ્યમથકો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં કોચિન, કોઈમ્બતુર અને કુન્નુર જેવા ઓક્શનના સેન્ટરો છે. દરેક સેન્ટરમાં મહિને એકવાર મમરીનું અને એકવાર ભૂકીનું ઓક્શન થાય છે. દરેક ઓક્શનના અલગ નંબર પડે છે. ઓક્શનમાં ભાગ લેનારાઓને તેના સેમ્પલ પહોંચી જ જાય છે. દરેક સેન્ટરમાં વરસના બાવન ઓક્શન થાય છે. જો ચાની ક્વોન્ટિટી વધુ હોય તો ઓક્શનના દિવસો લંબાવાય છે. કોરોના બાદ આ ઓક્શન હવે ઓનલાઈન જ થાય છે. તેનાથી ચાના પાયાના ભાવ ઓક્શન કરનારાઓને મળી જાય છે. તેઓ ત્યારબાદ ખાનગીમાં સીધા સોદા કરતા હોવાનું પણ જોવા મળે છે. ઓક્શનમાં માલ આવતા ત્રણથી સાડા ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે. તેથી ઘણાં ઓક્શનને બદલે ડાયરેક્ટ ખરીદી કરવાનું પણ પસંદ કરતા હોવાનું જોવા મળે છે. મોટો જથ્થો ખરીદનારાઓ ઓક્શનનો ઉપયોગ પાયાના ભાવનો અંદાજ મેળવવા કરતા હોવાનું પણ જોવા મળે છે. હિન્દુસ્તાન લિવર, તાતા ગ્લોબલ બેવરેજીસ લિમિટેડ, જીવરાજ ચા, વાઘબકરી ચા, એ.વી. થોમસ, ગિરનાર, સોસાયટી, બિરલાની જયશ્રી ટી કંપની જેવી કંપનીઓ પણ ઓક્શન યોજે છે. તેમ જ ખાનગીમાં પણ સોદાઓ કરે છે. જો કે ઓક્શનમાં અને પ્રાઈવેટમાં અલગ અલગ ભાવ પડી શકે છે. એક જ ગાર્ડનના બીજા લોટની ક્વોલિટી બદલાઈ શકે છે. બલ્કમાં ઓક્શનમાં કે ખાનગીમાં ખરીદી પછી બ્લેન્ડિંગ કરવામાં આવે છે. બ્લેન્ડનો આશય દરેક વસ્તુ એક ચામાં લાવવાનો છે. કોઈમાં કલર સારો નથી હોતો. કોઈકમાં ટેસ્ટ સારો હોય છે. કોઈકમાં કડકાશ સારી હોય છે. એક જ ચામાં બધાં જ ગુણ હોય તેવું શક્ય બનતું નથી. તેથી દરેક વખતે અલગ અલગ ક્વોલિટી મળે તેવી પણ શક્યતા રહેલી છે. તેથી બ્લેન્ડિંગ કરવામાં આવે છે. તે માટે નિષ્ણાંતો પોતે ચાખીને તેનો ટેસ્ટ નક્કી કરે છે. અનુભવ સાથે ટેસ્ટિંગની કુનેહ વધે છે. ચેક કર્યા બાદ ચાને માર્ક્સ આપવામાં આવે છે. તમને નવાઈ લાગશે પણ ટેસ્ટર બનવા માટે ખાસ કોર્સ પણ ચાલે છે. ગ્રાહકના સંતોષને જોઈને ટેસ્ટ નક્કી કરવામાં આવે છે. બાયરને કેવા ટેસ્ટ અને કેવા કલરની ચા ચાલશે તેનો અંદાજ ટેસ્ટરને મળી જાય છે. તેને આધારે જ તેઓ કોને કઈ ચા ઓફર કરવી તે નક્કી કરી લેતા હોય છે. સમગ્રતયા જોઈએ તો વર્ષ દરમિયાન સપ્લાય ડિમાન્ડ સમાંતર રહેશે. જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બંપર સપ્યાલ આવશે. કોઈ મોટી ઘટના ન બને તો આ ગણિતમાં ફેરફાર આવે તેવી હાલ કોઈ શક્યતા જણાતી નથી. 1983માં આસામનો બ્રિજ તૂટી જતાં એક મહિનો સપ્લાય બંધ થઈ ગયો હતો. પરંતુ છાશવારે આવું બનતું નથી. 2020માં કોરોનાએ સમગ્ર પરિસ્થિતિ પલટી નાખી છે. ઉત્પાદનમાં મારવાડી અને ગુજરાતીઓ વધારે છે. તેમ જ વેપારમાં મોટાભાગના ગુજરાતના વેપારીઓ જ સક્રિય છે. ચાના બિઝનેસ પર આ બે કોમ્યુનિટીનું વર્ચસ્વ છે. હવે 2021નું વર્ષ વેપારીઓની આશા અને ગણિતો પર ખરું ઉતરશે કે પછી 2020ની જેમ તેમના બધાં જ ગણિતો ખોરવી નાંખશે તે તો સમય જ બતાવશે.

Read Previous

શેરનો ભાવ રૂ. 95ના મથાળે જઈ શકે

Read Next

ટોલ વસૂલવા તત્પર સરકાર સુવિધા આપવામાં કંગાળ, ખાડાખબડાવાળા હાઈવેને પરિણામે માલડિલીવરીમાં થતાં વિલંબથી ઉદ્યોગો નુકસાનમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular