કોરોનાને કારણે કોસ્ટ કટિંગ કરવાની કોર્પોરેટ્સની કવાયતઃ સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં નાના સપ્લાયર્સનો મરો

સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં કોસ્ટ શીટ મંગાવવાનો નવો ટ્રેન્ડ નાના ઉદ્યોગોનું ગળુ રૂંધી નાંખશે
એક બાજુ રો મટિરિયલના ભડકે બળતા ભાવ અને બીજી બાજુ કોર્પોરેટ્સની દાદાગીરીઃ સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં નાના વેન્ડરોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત
છેલ્લા થોડા સમયથી સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. સ્ટીલના પ્રોડક્શન સામે ડિમાન્ડ લગભગ બમણી છે. આ કારણે સ્ટીલના રો મટિરિયલના ભાવમાં 20થી 30 ટકાનો તોતિંગ વધારો થઈ ગયો છે. સ્ટીલની મિલો માલનું ઉત્પાદન કરી નથી શકતી, ઘણી મિલો કોરોનાને કારણે બંધ છે અને બીજી બાજુ ચીનથી પણ આયાત બંધ છે. તેની સામે ડિમાન્ડ યથાવત્ રહેતા રો મટિરિયલના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. આમ તો સ્ટીલ ઈન્ડસ્ટ્રી માટે આ સારા સમાચાર કહેવાય પરંતુ કાચો માલ લઈને મોટર, મશીન અને અન્ય પાર્ટ્સ બનાવી મોટી કોર્પોરેટ કંપનીઓને સપ્લાય કરનારા ગુજરાતના નાના ઉદ્યોગો હાલ ભીંસમાં છે. તેનું કારણ છે કોર્પોરેટ કંપનીઓ અને એમએનસી કંપનીઓની દાદાગીરી. છેલ્લા થોડા સમયથી સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં કોર્પોરેટ કંપનીઓએ પરચેસ પોલિસીમાં નવી શરતો ઉમેરી છે જેને કારણે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોની મુસીબતોમાં પારાવાર વધારો થઈ ગયો છે. આ નવી પોલિસીને કારણે મોટી કંપનીઓ વધુ મોટી થતી જાય અને નાની કંપનીઓ તથા સપ્લાયર્સનું રીતસર શોષણ થાય તેવો ખેલ થયો છે. ગુજરાતમાં ટેક્સટાઈલ, પ્રિન્ટિંગ, ઈલેક્ટ્રિકલ સહિતના અનેક સેગમેન્ટમાં સ્ટીલના કોમ્પોનન્ટ પૂરા પાડતી હજારો કંપનીઓ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં મોટી સંખ્યામાં કંપનીઓ મોટી કોર્પોરેટ કંપનીઓ માટે કોમ્પોનન્ટ બનાવવાનું કામ કરે છે. કોર્પોરેટ કંપનીએ કોસ્ટશીટ મંગાવવાના ચાતરેલા નવા ટ્રેન્ડથી તમામ નાની કંપનીઓ પરેશાન છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીની આ સમસ્યા અંગે વાત કરતા એક વેન્ડર નામ ન આપવાની શરતે જણાવે છે, “સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં મોટી કોર્પોરેટ કંપનીઓ તથા એમએનસી હવે સપ્લાયર પાસે તેમણે માલ કેટલા રૂપિયામાં લીધો તેની વિગતો તથા જૂના બિલ માંગે છે. સ્ટીલના રો મટિરિયલના ભાવ વધી ગયા છે. આથી જો વેન્ડર ભાવ વધારો માંગે તો બિલ મંગાવીને મોટી કોર્પોરેટ કંપનીઓ તેમણે માંગેલો ભાવ વધારો ગેરવાજબી હોવાનું ઠેરવી દે છે અને તેમના પ્રોફિટ માર્જિનમાં કાપ મૂકવા જણાવે છે.” ઉદાહરણ આપીને વાત કરીએ તો કોઈ સપ્લાયર પહેલા 54 રૂપિયામાં માલ સપ્લાય કરતો હોય અને ભાવ વધારા પછી તેના 60 રૂપિયા કરે તો કોર્પોરેટ કંપનીઓ કોસ્ટ શીટ જોઈને 60 રૂપિયા ઘણા વધારે કહેવાય તેમ જણાવી સપ્લાયરને 56 કે 57 રૂપિયામાં જ માલ આપવાનું દબાણ કરે છે. બીજી તરફ, કોર્પોરેટ કંપનીઓ કે એમએનસી આગળ પોતાના ગ્રાહકને આ 57 રૂપિયામાં ખરીદેલો માલ રૂ. 570માં પણ વેચે તો તેની જાણ સપ્લાયરને થતી નથી. આવામાં કોર્પોરેટ કંપનીઓ પોતાની રીતે બિઝનેસ કરી તગડો નફો કમાઈ રહી છે જ્યારે નાના સપ્લાયર પાસેથી તે થોડો અમથો નફો કમાવાની તક પણ છીનવી રહી છે.

તેઓ વધુમાં જણાવે છે, “રો મટિરિયલ સપ્લાયર કેટલા ભાવમાં મેળવે છે તેની પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે. ક્રેડિટ ટર્મ્સ કેવી છે, સપ્લાયર સાથેના તેના સંબંધો કેવા છે, માલની ક્વોલિટી કેવી છે તે તમામ પર ભાવનો આધાર રહેલો હોય છે. આવામાં કોર્પોરેટ્સ એવો આગ્રહ રાખે કે સપ્લાયર બિલ આપે તો જ તે ભાવ વધારા અંગે વિચાર કરશે તો તે યોગ્ય નથી. આવામાં મોટી કંપનીઓ બાર્ગેનિંગ પાવર પોતાના જ હાથમાં રાખી રહી છે. આ તો સપ્લાયરનું સીધું ગળુ દબાવવા જેવી વાત થઈ.” કોરોના બાદ મોટી મોટી કંપનીઓના ટર્નઓવરમાં ગાબડા પડ્યા છે. આથી કોર્પોરેટ કંપનીઓ હાલ કોસ્ટ કટિંગની કવાયતમાં પડી છે. આ માટે તેમણે થોડા સમયથી પરચેસ પોલિસીમાં આવી ટર્મ્સ ઉમેરી દીધી છે જેણે નાના સપ્લાયર્સની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. કોર્પોરેટ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ બનાવવા માટે 30 ટકા કોમ્પોનન્ટ જ મોટી કંપનીઓ પાસે મંગાવતી હોય છે. બાકી 70 ટકા કોમ્પોનન્ટ સ્મોલ કે માઈક્રો કંપનીઓ પાસેથી મંગાવતી હોય છે. આવામાં નાની કંપનીઓની ફરિયાદ છે કે કોર્પોરેટ્સ મોટી કંપનીઓ સાથે ભાવતાલ નથી કરાવતી પરંતુ કોસ્ટ કટિંગની વાત આવે ત્યારે આવા નવા નિયમો બતાવી નાની કંપનીઓનું શોષણ કરે છે. તેમાં ખરેખર સારી ગુણવત્તાનો માલ આપતી કંપનીઓનો કસ નીકળી જાય છે. કસ્ટમર અને સપ્લાયર વચ્ચેના સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે. આવામાં વર્ષો જૂના સપ્લાયર પાસેથી પણ કંપનીઓ અચાનક બિલ મંગાવવા માંડે ત્યારે તેમના સંબંધોમાં ખટાશ આવી જાય છે. જીઆઈડીસી કઠવાડામાં પોતાનું એકમ ધરાવતા સ્ટીલ ઈન્ડસ્ટ્રીના એક સપ્લાયર નામ ન આપવાની શરતે જણાવે છે, “અમેરિકાની કંપની જ ભારતમાં આવે તો અહીં ધંધો કરવાના તેમના ગણિતો બદલાઈ જાય છે અને વેપારમાં કોઈ ટ્રાન્સપરન્સી રહેતી નથી. તેઓ પ્રોડક્ટનું વજન કેટલું, તેમાં શું ઉમેર્યું વગેરે સહિતની તમામ વિગતો વેન્ડર પાસેથી મંગાવી લે છે. વળી, જો સપ્લાયર ભાવ વધારો માંગે તો નફાના માર્જિન કેમ ઊંચા છે તેવા સવાલ પણ કરે છે. કેટલાંક કોર્પોરેટ્સ તો હવે સપ્લાયર પાસેથી ઈન્વેન્ટરીની ડિટેઈલ્સ, બેલેન્સ શીટ, બિલો વગેરે વિગતો પણ મંગાવતા થઈ ગયા છે. વાસ્તવમાં તો કંપનીને માલ મંગાવવા માટે આ વિગતોની કોઈ જરૂર પડતી જ નથી. આ જે સપ્લાયર પાસેથી વિગતો મંગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તે ક્યાં જઈને અટકશે તે ખબર નથી પડતી.” ઘણી વાર કંપનીઓ વેન્ડર પાસે કેટલો સ્ટોક છે તે પણ લેખિતમાં મંગાવી લેતા હોય છે. ત્યાર પછી જ્યારે ભાવ વધે ત્યારે તેઓ વેન્ડર આગળ એવી દલીલ કરે છે કે તમે જૂના ભાવે માલ ખરીદ્યો છે તો અમને પણ એ જ ભાવે માલ સપ્લાય કરો. નાના વેન્ડરને માલની ખરીદીના ખર્ચ પર વ્યાજ ચડતું હોય, માલ રાખવા માટે જગ્યા રોકી હોય તેના ખર્ચ કોઈ ગણતરીમાં લેતું નથી. આમ નાના વેન્ડરના માર્જીન ઓછા કરીને મોટી કંપનીઓ પોતાનું પ્રોફિટ માર્જીન વધારવાની તજવીજ કરી રહી છે. ઈન્ડસ્ટ્રીના નાના વેન્ડર્સનું સ્પષ્ટ માનવું છે કે મોટી કંપનીઓ દ્વારા નાની કંપનીઓને નિચોવી નાંખવા માટે જ આ નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. લોખંડના ભાવ તો જગજાહેર છે. સપ્લાયર પોતાના લેબર અને માલની ક્વોલિટીને આધારે જ ઓછા-વધારે ભાવ લેતા હોય છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે મોટી કંપનીઓને પરવડે તો તેમણે સપ્લાયર પાસેથી માલ ખરીદવો જોઈએ અથવા તો બીજા સપ્લાયરનો સંપર્ક કરવો જોઈએ. પરંતુ આ બિલ સહિતની વિગતો મંગાવી બાર્ગેઈનિંગ કરાવવાનો ટ્રેન્ડ તો ખોટો જ છે. નાની કંપનીઓનો પણ મોટી કંપનીઓના ઓર્ડર હાથમાંથી જવા દેવા માંગતી ન હોવાથી તેઓ કોર્પોરેટ કંપનીઓની અમુક ખોટી બાબતો પણ ગમ ખાઈને સ્વીકારી લેવા મજબૂર બની જાય છે. આ ઈન્ડસ્ટ્રીના એક વેન્ડર જણાવે છે, “મોટી કંપનીઓ આવું કરીને પોતાનો પ્રોફિટ વધારીને પોતે વધુ મોટી અને મજબૂત બની જશે. વળી, તેઓ જેમ જેમ મોટા થશે તેમ તેમ ઓટોમેશન અને રોબોટિક્સ તરફ પણ વળી જશે. આવામાં નાની કંપનીઓ માટે ટકી રહેવું વધારે મુશ્કેલ બની જશે. વળી, નાના સપ્લાયર્સ પણ ટાટા સ્ટીલ કે જિન્દાલ સ્ટીલ સહિતની કંપનીઓ પાસે કાચો માલ ખરીદવા જાય તો તેમને કોઈ સ્પેશિયલ લાભ આપવામાં નથી આવતો. તેમણે તો ‘ખરીદવું હોય તો ખરીદો’ એવો જ જવાબ સાંભળવો પડે છે. આથી નાના સપ્લાયરને એકેય બાજુથી લાભ ન મળતા તેમના માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે. ” જીઆઈડીસી કઠવાડાના સપ્લાયર એમ પણ જણાવે છે કે કોર્પોરેટ કંપનીઓ અને એમએનસી સરકારના નિયમોમાં છીંડા શોધીને નાના ઉદ્યોગોનું શોષણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે, “સરકારે નિયમ બનાવ્યો છે કે જે એમએસએમઈ યુનિટ પાસે ઉદ્યોગ આધાર હોય અને તે એમએસએમઈ તરીકે રજિસ્ટર થયેલી કંપની હોય તો તેમનું પેમેન્ટ 45 દિવસમાં થઈ જવું જોઈએ. મોટી કંપનીઓ ચેક પ્રિન્ટ કરીને રાખે છે પરંતુ પાર્ટીને આપતી નથી. પાછળથી બહાના એવા બતાવે છે કે પાર્ટી ચેક લેવા નથી આવી. મોટું પેમેન્ટ અટકીને પડ્યું હોય ત્યારે પાર્ટી ચેક લેવા ન જાય તેવું બને ખરું? સરકાર નાના અને લઘુ ઉદ્યોગો માટે નિયમો તો બનાવે છે પરંતુ તેમાં લૂપહોલ્સ શોધીને મોટી કંપનીઓ નાની કંપનીઓનું શોષણ કરે છે.” સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે નાની કંપનીઓનો કસ નીકળી રહ્યો છે ત્યારે તેમને આશા છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસની વાત કરતી સરકાર એમએનસી અને કોર્પોરેટ્સ દ્વારા નાની કંપનીઓનું શોષણ થાય તેવી અનફેર ટ્રેડ પ્રેક્ટિસિસ બંધ કરાવવાની દિશામાં જરૂર કોઈ પગલું ભરશે. મોટી કંપનીઓ પોતાનો અભિગમ સ્પષ્ટ રાખેઃ અશોક પટેલ
મોટી કંપનીઓની બદલાયેલી પોલીસીથી નાના વેન્ડર્સ પરેશાન છે ત્યારે અમદાવાદ એન્જિનિયરિંગ મેનુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ અશોક પટેલ જણાવે છે કે મોટી કંપનીઓએ નાની કંપની સાથે બિઝનેસ કરતી વખતે પોતાનો અભિગમ સ્પષ્ટ રાખવો જોઈએ. તેઓ જણાવે છે, “મારા મતે મોટી કંપનીઓએ નાની કંપનીઓની કોસ્ટ શીટ પર ન જવું જોઈએ. તેમની પાસે કેટલો સ્ટોક છે, તે કયા ભાવે પરચેસ કરે છે, કેટલા વર્કર રાખે છે તેની સાથે મોટી કંપનીને નિસ્બત ન હોવી જોઈએ. હા, પ્રોડક્ટની ક્વોલિટી બાબતે કોઈ સમસ્યા થતી હોય તો કંપની વિગતો માંગે તે વાજબી છે. નાનો વેન્ડર કેટલો નફો કમાય છે તેમાં તેમણે ન પડવું જોઈએ. જો તેમને કોસ્ટની જ ચિંતા હોય તો ટેન્ડર સિસ્ટમ કરીને માલ ખરીદવો જોઈએ.”