• 9 October, 2025 - 3:18 AM

કોરોનાને કારણે બગડેલા ક્રેડિટ રેટિંગને સુધારવા શું કરશો?

કોરોના તથા લોકડાઉનને કારણે ધંધા-ઉદ્યોગો ઠપ થઈ જતા અનેક વેપારીઓ લોનના હપ્તા ચૂકવી શક્યા નથી છેલ્લા થોડા મહિનામાં હપ્તા નિયમિત ન ભરાતા જો સિબિલ સ્કોર ખરાબ થયો હોય તો શું કરશો?
 
ree

 

કોરોના વાયરસે આખા વિશ્વના ધંધા-ઉદ્યોગો માટે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહતી કરી. પ્રગતિના પંથે સડસડાટ દોડતા ધંધા-ઉદ્યોગો પર કોરોના તથા લોકડાઉને એકાએક એવી બ્રેક લગાવી દીધી છે કે હજુ પણ મોટાભાગના વેપાર-ધંધાની ગાડી પાટા પર નથી ચડી. લોકડાઉનના સમયમાં મોટા ભાગની દુકાનો-ફેક્ટરીઓ સંપૂર્ણ રીતે બંધ રહેતા કરોડો લોકોની આવકને મોટો ફટકો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા સરકારે છ મહિનાનો મોરેટોરિયમ પીરિયડ જાહેર કર્યો હતો જેમાં કરજદાર હપ્તા ન ભરે તો તેને બેન્ક એનપીએ ગણી ન શકે. હા, તે ગાળાનું ફક્ત વ્યાજ કરજદાર પર ચડે. જો કે કોરોનાની વેપાર-ધંધા પર અસર એટલી મોટાપાયે પડી છે કે તેમાંથી બહાર આવવા માટે છ મહિનાનો ગાળો પૂરતો નથી. હવે લોકડાઉન હળવું થતા દુકાનો-ફેક્ટરીઓ તો ખૂલી છે પરંતુ અનેક સેક્ટરમાં પહેલા જેવી ડિમાન્ડ હજુ સુધી ઊભી નથી થઈ. તમે સ્કૂલ-કોલેજ બેગ તથા ટ્રાવેલિંગ બેગ ઈન્ડસ્ટ્રીનું જ ઉદાહરણ લઈ લો. છેલ્લા એક વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં લેવાલી નથી. વેપારીઓ જૂનો સ્ટોક સાચવીને બેઠા છે. આ વર્ષે જૂન મહિનાથી સ્કૂલો ખૂલે અથવા તો મે મહિનાના વેકેશનમાં લોકો સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું પસંદ કરે તો આ ઈન્ડસ્ટ્રીમાં ફરી ધમધમાટ શરૂ થાય તેવી આશા છે. આ તો થઈ ફક્ત એક ઈન્ડસ્ટ્રીની વાત. એવા અનેક વેપાર-ધંધા છે જે હજુ પણ કોરોનાગ્રસ્ત છે. આવી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીઓ-ઉદ્યમીઓની હજુ નિયમિત આવક શરૂ થઈ નથી. આથી તેમણે લોન લઈ રાખી હોય તો હજુ પણ ધંધાની આવક નિયમિત ન થતા તેમને લોન ભરપાઈ કરવામાં મુશ્કેલી પડી જ રહી છે. આવામાં લોનના હપ્તા ચૂકી જતા જો સિબિલ સ્કોર એટલે કે ક્રેડિટ રેટિંગ ખરાબ થાય તો તેમને બેન્ક પાસેથી નવું ધિરાણ મેળવવામાં પારાવાર મુશ્કેલી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ફાયનાન્શિયલ પ્રોડક્ટ્સ માટેની અગ્રણી વેબસાઈટ બેંકબઝારે 2020માં પબ્લિશ કરેલા એક રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા મહિનાઓમાં પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સિબિલે તેમની પાસે ઉપલબ્ધ ડેટાના આધારે જાહેર કરેલા આંકડા મુજબ લોન લેનારા 42 ટકા લોકોનો ક્રેડિટ સ્કોર 300થી 747 વચ્ચે છે. 41 ટકા લોકોનો સ્કોર 748થી 777 વચ્ચે છે અને ફક્ત 17 ટકા લોકોનો સ્કોર 778થી વધારે છે. ઉલ્લેખનીય છે કે 700થી વધુ સ્કોર હોય એ લોકોને લોન કે આર્થિક સહાય મેળવવામાં સરળતા પડે છે. આટલું જ નહિ, ઘણી બેન્કો સારો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન પણ આપે છે. આથી કોવિડ-19 અને લોકડાઉનને કારણે ધંધા પર અસર પડતા જો તમે લોનના નિયમિત હપ્તા ન ભરી શક્યા હોવ અને તમારું ક્રેડિટ રેટિંગ ખરાબ થયું હોય તો તે સમયસર સુધરાવી લેવું જરૂરી છે. જો તમે મોરેટોરિયમ પીરિયડ બાદ નિયમિત હપ્તા ભરતા હોવ અને છતાંય ક્રેડિટ રેટિંગ ખરાબ થયું હોય તો સિબિલ અને બેન્કમાં અરજી કરીને ક્રેડિટ રેટિંગ તાત્કાલિક સુધરાવી લેવું જોઈએ. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના એક સૂત્ર નામ ન આપવાની શરતે જણાવે છે, “સરકારે મોરેટોરિયમ પીરિયડ તો જાહેર કરી દીધો પરંતુ બેન્કની સિસ્ટમમાં રાતોરાત ફેરફાર કરવા શક્ય નથી. સરકારે મોરેટોરિયમ પીરિયડની જાહેરાત કરી પરંતુ બેન્કની સિસ્ટમમાં ફેરફાર ન થતા તે હપ્તો ઓવરડ્યુ બતાવે તેવું બની શકે. આવી સમસ્યા અનેક ગ્રાહકોને નડી છે. આવા કેસમાં મેન્યુઅલી સેટલમેન્ટ કરવું પડે છે. જે બેન્ક પાસે લોન લેનારા કરોડો ગ્રાહકો હોય તેમના માટે આ પ્રક્રિયા હાથ ધરવી મુશ્કેલ બની જાય છે.”

 
 
ree

જનક રાવલ, જનરલ સેક્રેટરી, મહાગુજરાત બેન્ક એમ્પલોયી એસોસિયેશન

જો આવું થયું હોય તો ગ્રાહકે બેન્ક તથા સિબિલને અરજી લખીને તેમનું ધ્યાન દોરવું જોઈએ. મહાગુજરાત બેન્ક એમ્પલોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે, “આમ તો સરકારે રાહત જાહેર કરી તે મોરેટોરિયમ પીરિયડ દરમિયાન લોન ન ભરી શકનાર વ્યક્તિને ક્રેડિટ રેટિંગમાં તકલીફ ન જ પડવી જોઈએ. પરંતુ જો આવું થયું હોય તો ગ્રાહકે ફાયનાન્સ મિનિસ્ટ્રી સુધી પણ લેખિત અરજી કરીને ક્રેડિટ સ્કોર સુધરાવી લેવો જોઈએ. ” હાલની પરિસ્થિતિનો ફાયદો ઊઠાવીને કેટલાંક તત્વો પૈસા લઈને ક્રેડિટ રેટિંગ સુધારી આપવાનો દાવો કરીને પણ લોકોને છેતરી રહ્યા છે. કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના નિષ્ણાંત અશોક મંકોડી આવા તત્વોથી ચેતવાની સલાહ આપતા જણાવે છે, “પૈસા આપીને સિબિલ સ્કોર સુધરાવી શકાતો નથી. લોનના હપ્તા કેટલા નિયમિત ભરાય છે તેના આધારે જ આ સ્કોર નિશ્ચિત કરવામાં આવે છે.” જો કે અર્થતંત્રની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેન્કો પણ ધિરાણ કરતી વખતે ગ્રાહક તરફ કૂણું વલણ રાખતી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે. તેમના જણાવ્યા મુજબ જો ગ્રાહકનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ સારો હોય તો રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં ખાસ મુશ્કેલી પડતી નથી. જો કે ખાનગી બેન્કો આ સંજોગોમાં પણ પોતાની પોલિસી પર અડગ રહી છે. કોટક મહિન્દ્રા બેન્કના એક સૂત્રના જણાવ્યા અનુસાર બેન્કમાં હજુ સુધી એવો કોઈ ક્લોઝ નથી આવ્યો જેમાં કોરોનાને કારણે હપ્તા ન ભરવાને કારણે ક્રેડિટ સ્કોર ખરાબ થયો હોય તો પણ તેને લોન આપી શકાય. ખાનગી બેન્કોની પોલિસી સીધી છે- રેકોર્ડ ક્લિયર હોય તો લોન આપો, નહિ તો નહિ. આ સિવાય તેઓ બીજા પરિબળોને ધ્યાનમાં લેતા નથી. આવામાં ધિરાણની જરૂર હોય તેવા વેપારીઓ માટે રાષ્ટ્રીયકૃત અને કો-ઓપરેટિવ બેન્કો જ સારો વિકલ્પ છે.

ક્રેડિટ રેટિંગ સુધારવા માટે શું કરશો? 1. ક્રેડિટ રિપોર્ટ રિવ્યુ કરોઃ સૌ પ્રથમ તમારો ક્રેડિટ રિપોર્ટ રિવ્યુ કરો. જે જે એરિયામાં સુધારાની જરૂર હોય તેના પર ધ્યાન આપો. ઘણીવાર ક્રેડિટ રિપોર્ટમાં પણ ભૂલ થઈ જતી હોય છે. વાસ્તવમાં બેન્કો દ્વારા તમારો ડેટા ક્રેડિટ બ્યુરોને મોકલાય છે, આ કારણે કોઈ વાર રિપોર્ટ જનરેટ કરવામાં ભૂલ થઈ જાય છે. કોઈ તમારી ઓળખનો ઉપયોગ કરીને ખોટી રીતે લોન લઈને ભરપાઈ ન કરે તો પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. રિપોર્ટમાં જો આવી કોઈ પણ ભૂલ દેખાય તો તમારે તે તરત જ સુધરાવી લેવી જોઈએ. 2. ટ્રેક રેકોર્ડ સુધારોઃ તમારો ક્રેડિટ સ્કોર ત્યાં સુધી નહિ સુધરે જ્યાં સુધી તમે નિયમિત હપ્તા નહિ ભરો. ટ્રેક રેકોર્ડ સુધારવા માટે નાના ગાળાની અને અનસિક્યોર્ડ લોન પહેલા ભરપાઈ કરી દો. બેન્કો ફક્ત ક્રેડિટ સ્કોર જ નહિ, તમારી ક્રેડિટ હિસ્ટ્રી, હાલની આવક અને તમારા માથે કેટલું દેવું છે તે પણ ધ્યાનમાં લે છે. આ તમામને સુધારવાની કોશિશ કરો. તમે જે જે લોન ભરપાઈ કરી દીધી હોય તે ક્લોઝ થઈ છે કે નહિ તેની ખાતરી કરી લો. જો આવું ન થયું હોય તો બેન્કનો સંપર્ક કરીને તેને બંધ કરાવો અને ક્લોઝર લેટર મેળવી લો. ક્રેડિટ યુટિલાઈઝેશનઃ સિબિલ રિપોર્ટની ક્રેડિટ સમરીમાં તમારું ક્રેડિટ યુટિલાઈઝેશન કેટલું છે તે ચેક કરો. આદર્શ રીતે તે 30થી 35 ટકા આસપાસ હોવું જોઈએ. તેને 50 ટકા નીચે લાવવાની કોશિશ કરો. વારંવાર અરજી ન કરોઃ તમે જેટલી વાર લોન માટે અરજી કરો એટલી વાર લેન્ડર તમારો ક્રેડિટ સ્કોર ચેક કરે છે. તમારો ક્રેડિટ સ્કોર જેટલી વધારે વાર ચેક કરાયો હોય તેટલી વાર તેમાં થોડો ઘટાડો થાય છે. આથી ક્રેડિટ એપ્લિકેશન વચ્ચે થોડો ગાળો રાખો. જો વારંવાર અરજી કરશો તો ધિરાણ કરનારને અંદાજ આવી જશે કે તમે આર્થિક ભીંસમાં છો. સિક્યોર્ડ લોન લેવાનું પસંદ કરોઃ જો તમે સારો ક્રેડિટ રેકોર્ડ બનાવવા માંગતા હોવ તો સિક્યોર્ડ લોન માટે જ અરજી કરો. પર્સનલ લોન જેવી અનસિક્યોર્ડ લોન લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. વધારે અનસિક્યોર્ડ લોન લીધી હોય તેવી વ્યક્તિને બેન્કો ધિરાણ કરવાનું પસંદ નથી કરતી. વારંવાર ડિફોલ્ટ કરનાર વ્યક્તિનું ક્રેડિટ રેટિંગ ખરાબ થાય છે અને તેને ફક્ત નિયમિત રિપેમેન્ટ કરીને જ સુધારી શકાય છે. પૈસા આપીને કે અન્ય કોઈ રીતે સિબિલ સ્કોર સુધારી આપવાની કોઈ લાલચ આપે તો તેમાં ફસાવું હિતાવહ નથી તેવી સ્પષ્ટ ચેતાવણી બેન્કિંગ સેક્ટરના નિષ્ણાંતો આપે છે. રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા કોમર્શિયલ લોનમાં રખાતું 25 ટકા માર્જિન કેટલું યોગ્ય? કોઈ વેપારી કે ઉદ્યોગપતિ જ્યારે વેપાર-ધંધા માટે રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન માટે અરજી કરે ત્યારે લોનની એમાઉન્ટના 25 ટકા રકમ બેન્ક દ્વારા માર્જિન પેઠે રાખવામાં આવે છે. ઉદ્યોગોની સમસ્યાને વાચા આપતા મકરપુરા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ચેરિટેબલ એસોસિયેશનના સેક્રેટરી દ્વારકાદાસ એમ. પટેલ જણાવે છે, “ઉદ્યોગો બે કરોડની લોન માટે અરજી કરે તો તેમાં રૂ. 50 લાખ તો બેન્ક માર્જિન તરીકે માંગે છે અથવા તો લોનમાંથી એટલા ઓછા રૂપિયા પાસ કરે છે. સરકાર એક તરફ લઘુ-મધ્યમ ઉદ્યોગોને વિકસાવવાની વાત કરે છે. તો બિઝનેસ ડેવલપ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકને ધંધો શરૂ કરવા મૂડીની જરૂર હોય ત્યારે તેની આટલી મોટી રકમ માર્જિનમાં રોકાઈ જાય તે કેવી રીતે ચાલે? બેન્કો 10 ટકા સુધીની રકમ માર્જિન પેઠે રાખે તે યોગ્ય છે પરંતુ 25થી 30 ટકા માર્જિનને કારણે તો ઉદ્યોગોના ગણિતો ખોરવાઈ જાય છે અને તેમના માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા મુશ્કેલ થઈ પડે છે.” સરકાર દ્વારા મળતી સબસિડી-યોજનાઓનો લાભ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી ધિરાણ પર જ મળતો હોવાથી ઉદ્યોગો આટલા તગડા માર્જિન છતાં પણ ત્યાંથી જ લોન લેવા મજબૂર થઈ જાય છે.

 

જો કે બેન્કોના આ નિર્ણયને સાચો ઠેરવતા મહાગુજરાત બેન્ક એમ્પલોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે, “બેન્કો જ્યારે મોટી રકમનું ધિરાણ કરતી હોય ત્યારે બેન્ક પણ એટલું તો જોવા માંગતી હોય ને કે ધિરાણ લેનારની ક્ષમતા કેટલી છે. સરકારની યોજનાઓ અંતર્ગત નાની રકમની લોન આસાનીથી પાસ થઈ જાય છે પરંતુ જ્યારે મોટી રકમ ધીરવાની વાત આવે ત્યારે બેન્કો પણ ચેતીને ચાલે છે અને અરજદાર પાસે માર્જિનની રકમ માંગે છે. “

Read Previous

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ યુનિટદીઠ રૂ.12થી ઊંચા ભાવે વીજળી નહિ વેચી શકે

Read Next

આજે શેરબજારમાં શુ કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular