ગતિ શક્તિ શું છે? કેવી રીતે દેશના અર્થતંત્રને વેગ આપશે આ મિશન?

ભારત નજીકના ભવિષ્યમાં મહાસત્તા બનવાનું અને ચીનને તગડી પ્રતિસ્પર્ધા આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ લક્ષ્યમાં જો કોઈ સૌથી મોટી આડખીલી હોય તો તે છે ધીમી ગતિએ ચાલતું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ. ચીન જ્યારે ઊંચા ટાવર્સ અને હોસ્પિટલો ગણતરીના દિવસોમાં બાંધે છે ત્યારે ભારતમાં કનસ્ટ્રક્શનના પ્રોજેક્ટ દિવસો નહિ, વર્ષો સુધી ખોટકાયેલા પડ્યા રહે છે. આ કારણે પ્રોજેક્ટનું બજેટ ખૂબ વધી જાય છે અને સાથેસાથે વેપાર-ધંધાને પણ ફટકો પહોંચે છે. દેશમાં રૂ. 150 કરોડથી વધુનું બજેટ ધરાવતા પ્રોજેક્ટ્સને મોનિટર કરતી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સે જુલાઈ મહિનામાં આંકડા બહાર પાડ્યા હતા જે દર્શાવે છે કે મંદ ગતિએ ચાલતા કામની દેશની ઈકોનોમી પર વિપરીત અસર પડી રહી છે. આ આંક મુજબ દેશમાં જુલાઈ 2021માં 1781 જેટલા રૂ. 150 કરોડથી વધુનું બજેટ ધરાવતા પ્રોજેક્ટ્સ ચાલતા હતા. તેમાંથી 116 પ્રોજેક્ટ્સ એવા છે જે પૂરા કરવામાં ડેડલાઈન કરતા પાંચ વર્ષ કરતા વધુ મોડુ થઈ ગયું છે. બાકી સેંકડો પ્રોજેક્ટ એવા છે જે ડેડલાઈન પછી પણ પૂરા થયા જ નથી. આ કારણે જે કન્સ્ટ્રક્શનના કામ માટે રૂ. 22.82 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું તે રૂ. 25.25 લાખ કરોડ ખર્ચાયા પછી પણ પૂરા થયા નથી. આમ દેશની ઈકોનોમીને રૂ. 4.43 લાખ કરોડનો દેખીતો ફટકો પડ્યો છે. પ્રોજેક્ટના 20 ટકા જેટલા ઊંચા કોસ્ટ ઓવરરનને કારણે ભારત વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધામાં પાછળ પડી રહ્યું છે.
દેશમાં પ્રોજેક્ટ સમયસર પૂરા ન થવા પાછળના કારણો અગણિત છે- જમીન સંપાદનમાં વિલંબ, ક્લીયરન્સ ન મળવું, ઈક્વિપમેન્ટના સપ્લાયમાં મુશ્કેલી, પ્રોજેક્ટ ફાયનાન્સને લગતી મુશ્કેલીઓ, કોરોનાનું લોકડાઉન વગેરે. આ કારણે ભારતમાં લોજિસ્ટિક્સની કોસ્ટ દેશની જીડીપીના 14 ટકા જેટલી ઊંચી પહોંચી ગઈ છે જે યુરોપમાં 8-10 ટકા અને ચીનમાં સરેરાશ 8 ટકા જેટલી છે. આ કારણે વેપાર-ધંધામાં ભારતન કોમ્પિટિટિવ એડવાન્ટેજ નથી મળી રહ્યો.
હાલ અટકી અટકીને ચચાલતી ગાડીને પૂરપાટ દોડાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબરના રોજ ગતિ શક્તિ મિશન લોન્ચ કર્યું છે. આ જંગી મિશન માટે ભારત સરકારે રૂ. 100 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

ગતિ શક્તિ મિશન છે શું?
ગતિ શક્તિ એ ભારતમાં માળખાગત સુવિધાઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો માસ્ટર પ્લાન છે. એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અનેક સ્ટેક હોલ્ડર, અનેક સરકારી ખાતા જોડાયેલા હોય છે. સાવ સરળ શબ્દોમાં સમજાવીએ તો ગતિ શક્તિ સરકારના આ તમામ ખાતા વચ્ચે તાલમેલ સાધવામાં મદદરૂપ બનશે. હાલ પ્રોજેક્ટ્સ એક મિનિસ્ટ્રીથી બીજી મિનિસ્ટ્રી વચ્ચે અટવાયા કરે છે જેને કારણે તે સમયસર પૂરા થઈ શકતા નથી. ગતિ શક્તિ આ બધા જ પ્રોજેક્ટ સમયસર પૂરા થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે કોર્ડિનેશન સાધવામાં મદદરૂપ બનશે. સરકારનું આ મિશન રેલવેઝ, રોડ તથા હાઈવે, પેટ્રોલિયમ અને ગેસ, ટેલિકોમ, પાવર, શિપિંગ, એવિયેશન સહિત 16 જેટલી મિનિસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર લાવશે. ટેક્નોલોજીની મદદથી આ તમામ મિનિસ્ટ્રી પ્રોજેક્ટને લગતી માહિતી ડિજિટલ માધ્યમથી શેર કરી શકશે, પ્રોજેક્ટ કયા તબક્કા પર છે, ક્યાં અટક્યો છે, ડેડલાઈનથી કેટલો પાછળ ચાલી રહ્યો છે, આ તમામ માહિતી પ્રોજેક્ટ સાથે સંકળાયેલી દરેક મિનિસ્ટ્રીના અધિકારીઓ એક જ પ્લેટફોર્મ પરથી જોઈ શકશે. પરિણામ પ્રોજેક્ટમાં કોઈ અવરોધ ઊભો થશે તો તે તાત્કાલિક દૂર કરી શકાશે. બીજું, ડેટા ડુપ્લિસિટી દૂર થશે. એક વખત સિસ્ટમમાં ડેટા આવી ગયા પછી તેનો ઉપયોગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી બધી જ મિનિસ્ટ્રીઓ કરી શકશે. વારેઘડીએ એકનો એક ડેટા એકઠો કરવાની કે તેને મેનેજ કરવાની જફા નહિ કરવી પડે. આ ઉપરાંત જે પ્રોજેક્ટ્સને અંદર અંદર સાંકળી શકાતા હશે તેનું સંકલન પણ શક્ય બનશે. પરિણામે પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરી શકાશે.

ઉદાહરણ આપીને સમજીએ. ગુજરાતથી મુંબઈ વચ્ચે હાઈવે બનાવવાનો હોય તો તેમાં ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર, જમીન સંપાદન વિભાગ, કોન્ટ્રેક્ટર, સબકોન્ટ્રેક્ટર, સર્વિસ પ્રોવાઈડર સહિત અનેક સ્ટેકહોલ્ડર્સ સંકળાયેલા હોય છે. ગતિ શક્તિ આ પ્રોજેક્ટને લગતી તમામ માહિતીને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનું કામ કરશે. અર્થાત્, ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પરવાનગી નહિ મળી હોય તો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામને તેની જાણ થશે. પરિણામે તેઓ પ્રોજેક્ટને મંજૂરી કેમ નથી મળી, વાત ક્યાં અટકી છે તેની તપાસ કરીને પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી શકે તે માટેના પ્રયત્નો કરી શકશે. આમ ગતિ શક્તિને કારણે સમગ્ર પ્રક્રિયા પારદર્શક બની રહેશે.
ગતિ શક્તિ મિશનમાં રાજ્ય સરકારોને પણ જોડાવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે મળીને ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે તે જ આ ગતિ શક્તિનો મૂળ આશય છે. આ માસ્ટર પ્લાનને કારણે દેશમાં પ્રોજેક્ટ્સના આયોજન અને અમલની સિકલ જ બદલાઈ જશે. કેબિનેટ સેક્રેટરીના વડપણમાં બનાવાયેલી સેક્રેટરીઓની કમિટી પાસે આ નેશનલ માસ્ટર પ્લાનમાં ફેરફાર કરવાની સત્તા રહેશે.
કેવી રીતે બિઝનેસને બૂસ્ટ આપશે ગતિ શક્તિ?
ગતિ શક્તિ અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા અટવાયેલા પ્રોજેક્ટ્સની ઝડપી પૂર્ણાહૂતિ થઈ શકશે. પરિણામે માળખાગત સુવિધાઓનો ઝડપથી વિકાસ થશે જેનો સીધો લાભ ઉદ્યોગ-ધંધાને મળી શકશે. આ કારણે દેશની લોજિસ્ટિક્સ કોસ્ટ જીડીપીના 14 ટકાથી ઘટીને 8 ટકા જેટલી થઈ જશે. આ પ્લાન અંતર્ગત રેલવેઝ આવનારા પાંચ વર્ષમાં 500 જેટલા મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ વિકસાવશે. આ યોજના અંતર્ગત 11 જેટલા નવી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત તામિલ નાડુ અને ઉત્તર પ્રદેશમાં બે નવા ડિફેન્સ કોરિડોર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના ગામેગામને 4જી નેટવર્ક સાથએ જોડવાનું, નેશનલ હાઈવેનું નેટવર્ક વધારીને 2 લાખ કિલોમીટર કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય પણ ભારત સરકાર ધરાવે છે. ગતિ શક્તિ અંતર્ગત સરકાર નવા 220 એરપોર્ટ, હેલિકોપ્ટર્સ અને વોટર એરોડ્રોમ્સ બનાવવાનું આયોજન કરી રહી છે. સરકારનો 17000 કિ.મીનું નવું ગેસ પાઈપલાઈન નેટવર્ક પણ ઊભું કરવા ઉત્સુક છે.

મુખ્ય પડકારોઃ
– ભારત દેશમાં આટલા મોટા પાયે કોઈ પ્રોજેક્ટ હાથ ધરવો એ અઘરુ કામ છે. આ મિશનમાં બધા જ સરકારી ખાતા વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે.
– બ્યુરોક્રસી તરફથી પ્રોજેક્ટ્સના અપ્રૂવલથી માંડીને દરેક તબક્કે જે અવરોધો આવે છે તે દૂર કરવા પડશે.
– એક વખત પ્રોજેક્ટ અમલમાં મૂકાયા પછી પણ તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી બની રહેશે.
– કોઈ પણ પ્રોજેક્ટસ અમલમાં મૂકતા પહેલા જુદા જુદા સ્ટેકહોલ્ડર્સ, નાગરિકો, એનજીઓ વગેરેના સૂચનો મંગાવવામાં આવે છે. આમાંથી અસરકારક સૂચનો અલગ તારવી શકાય, તેનો અમલ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવી પડશે.
– જો સરકાર પ્રાઈવેટ સેક્ટરને શામેલ કરવા માંગતી હોય તો તેમને લાંબે ગાળે નફો થાય તે પ્રકારનું મોડેલ સરકારે તૈયાર કરવું પડશે.
ગતિ શક્તિથી ઈન્ડસ્ટ્રીના કામ વધુ ઝડપથી થશેઃ વિનોદ અગ્રવાલ, ચેરમેન, CII ગુજરાત

ભારત સરકારના ગતિ શક્તિ મિશનથી ઈન્ડસ્ટ્રીની ક્ષમતામાં વધારો થશે. સરકારના અનેક ડિપાર્ટમેન્ટ એક જ પોર્ટલ પર આવતા તેમની વચ્ચે કોર્ડિનેશન સુધરશે અને એપ્રુવલ માટે હાલ એક-બીજા ડિપાર્ટમેન્ટ પર મદાર બાંધવો પડે છે તેનો છેદ ઉડી જશે. ઈન્ડસ્ટ્રીને સરકાર પાસે જે કામ કરાવવા છે તે હાલ કરતા અડધા સમયમાં કરાવી શકાશે. ગતિ શક્તિથી ઉદ્યોગ-ધંધાને દરેક સ્તરે વેગ મળશે.
યોજનાનો યોગ્ય અમલ થવો જરૂરી છેઃ મીના કાવ્યા, પ્રમુખ, કોન્ફેડરેશન ઑફ વિમેન આંત્રપ્રોન્યોર્સ

ગતિ શક્તિમાં બિઝનેસના જુદા જુદા પાસાઓને એક બીજા સાથે ટેક્નોલોજીથી જોડવાની વાત છે. જો આ યોજનાનો અમલ યોગ્ય રીતે થાય તો તે ઉદ્યોગ-ધંધાને જરૂર વેગ આપશે. જેમ કે, ટેક્સટાઈલ ક્લસ્ટર બનાવવા પૂરતા નથી. આ માટે ગામડે ગામ રોડ કનેક્ટિવિટી મળે, લેબર ઉપલબ્ધ હોય, લેબરને આવવા-જવાની યોગ્ય સુવિધા મળી રહે તે પણ જરૂરી છે. ફક્ત એપરલ પાર્ક બનાવવા પૂરતા નથી. તેના બિઝનેસને લગતી બધી જ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે. જો ગતિ શક્તિ આ શક્ય બનાવશે, તો દેશના ઉદ્યોગ-ધંધાને ખરેખર રફ્તાર મળશે.
સપ્લાય ચેઈનને બૂસ્ટ મળશેઃ ચેતન શાહ, પ્રોપરાઈટર, વીર ગૃપ, લોજિસ્ટિક એન્ડ ડિસ્ટ્રિબ્યુશન

ગતિ શક્તિથી સપ્લાય ચેઈનને સારો બૂસ્ટ મળશે. ખાસ કરીને દૂધની પ્રોડક્ટ્સ, ફૂડ આઈટમ્સ જેવી પેરિશેબલ આઈટમ્સ સ્ટોર્સ અને ગ્રાહકો સુધી સમયસર પહોંચાડી શકાશે. આ અંગે વાત કરતા ચેતન શાહ જણાવે છે, “ગતિ શક્તિને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસતા માલવાહક વાહનો ઝડપથી ડેસ્ટિનેશન પર પહોંચી શકશે. અત્યારે જે માલ મુંબઈ 2 દિવસમાં પહોંચે છે, તે 1 દિવસમાં પહોંચાડી શકાશે. તેમ થતા પેટ્રોલ-ડીઝલ ખર્ચ સહિત ગણતરી માંડતા સપ્લાય ચેઈનના ખર્ચમાં 25થી 30 ટકાનો ઘટાડો થઈ શકશે. આ કારણે બિઝનેસને ઘણો બૂસ્ટ મળશે.”